ગઢને તળેટીમાં વૃક્ષ છેદન માટે ફરતા લોકો સામે કાર્યવાહીની માંગણી
- ઐતિહાસિક ઇડરીયા ગઢમાં
- હથિયારો સાથે ગઢ પર વૃક્ષો કાપતા શખ્સોને પડકારાતા નાસી છુટયા : મામલતદારને અરજી કરાઈ
ઇડર, તા. 29 જુલાઈ, 2020, બુધવાર
ઇડરીયા ગઢની તળેટીમાં
કેટલાક લોકો હથિયારો સાથે ફરતા અને વૃક્ષછેદન કરતા હોવાનું મિશન ગ્રીન ઇડરની ટીમના
ધ્યાન પર આવતાં આ ટીમે મામલતદારને લેખિત અરજી આપી આવા લોકો સામે કાર્યવાહી કરવા
માંગ કરી છે. બુધવારે મિશન ગ્રીન ઇડરની ટીમના યોગેશ સથવારા તથા હિરેન પંચાલ સહિતના
લોકો ગઢ પર વૃક્ષારોપણ કરવા જતા હતા, તેવામાં કેટલાક લોકો ગઢની તળેટીમાં છરી જેવા હથિયારો સાથે ફરતા જોવા મળ્યા
હતા. આ ઉપરાંત કેટલાક લોકો આંબલીનું ઝાડ કાપી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી ટીમના સભ્યોએ આ લોકોને આવી પ્રવૃત્તિ કરતા રોકવા પડકાર્યા હતા. જેના કારણે
તમામ લોકો હથિયાર ત્યાં છોડી દઇ ભાગી ગયા હતા.
બાદમાં મિશન ગ્રીન ઇડરની
ટીમે પ્રવાસીઓની અવર જવર વચ્ચે હથિયારો સાથે ફરતા તથા લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા
આ અજાણ્યા લોકો સામે લેખિત ફરિયાદ કરી આવા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ટીમના સભ્યોએ તળેટીમાંથી મળી આવેલ છરી જેવા હથિયાર પણ તંત્રમાં જમા કરાવ્યા હતા.
મામલતદારે મીશન ગ્રીન
ઇડરની અરજી બાદ તાકિદે કાર્યવાહી કરવા પોલીસ તથા નગર પાલિકાને સુચના આપી હતી.
પ્રવાસીઓની અવર-જવર દરમિયાન આ પ્રકારે હથિયારો સાથે ફરવાથી ઇડરની છાપ ખરડાતી હોઈ
તથા લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોઈ મિશન ગ્રીન ઇડરની ટીમે કડક કાર્યવાહી કરવા
માંગ કરી છે.