સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ : વધુ છ કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ 199 કેસ નોંધાયા
- હિંમતનગરમાં 3, ઇડર, પ્રાંતિજ, વડાલીમાં એક -એક કોરોનાના કેસ નોંધાતા તંત્ર દ્વારા સર્વે હાથ ધર્યો
અમદાવાદ, તા.7 જુલાઈ, 2020,
મંગળવાર
સાબરકાંઠા જિલ્લામાં દરરોજ
કોરોના પોઝેટીવ કેસનો આંકડો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં
જિલ્લામાં વધુ છ કેસ નોધાતાની સાથે જ કુલ કેસનો આંકડો ૧૯૯ પર પહોચી ગયો છે. સતત વધી
રહેલા કેસોની જિલ્લાની પ્રજામાં જોઈએ તેટલી ગંભીરતા ન આવી હોવાને લીધે આગામી દિવસોમાં
હજુ કેસ વઘે તેવી સંભાવના છે. સોમવારે સાંજે
પાંચ વાગ્યાથી મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોના પોઝેટીવના વધુ
છ કેસ નોધાયા છે. જેમાં હિંમતનર, પ્રાંતિજ,
ઈડર અને વડાલીમાં નવા કેસ નોધાતા તંત્ર ધ્વારા અગમચેતીની કાર્યવાહી તાબડતોડ
શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં જે છ નવા કેસ નોધાયા છે તેમાં પ્રાંતિજના
વ્હોરવાડમાં રહેતા ૬૨ વર્ષિય મહિલાનો સમાવેશ થાય છે.
હિંમતનગરની અવનીપાર્ક
સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષિય યુવક, મોટી
વ્હોરવાડમાં રહેતા ૭૩ વર્ષિય પુરૃષ તથા હિંમતનગર તાલુકાના પુરાલ ગામના ૩૫ વર્ષિય
યુવક કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. તેજ પ્રમાણે ઈડરની મહાવીરનગર સોસાયટીમાં રહેતા
૫૨ વર્ષિય પુરૂષ અને વડાલીમાં રહેતા ૬૦ વર્ષિય પુરૂષ અને પ્રાંતિજમાં એકનો કોરોના
રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છેકે જિલ્લામાં સોમવારે કેસની સંખ્યા ૧૯૩ હતી
જે મંગળવારે ૧૯૯ થઈ ગઈ છે.
સૂત્રોનુ માનીએ તો અત્યાર
સુધીમાં ૧૩૭ દર્દીઓ સમયસરની સારવાર લઈને કોરોના મુક્ત થયા છે. જ્યારે અત્યારે એક્ટીવ
કેસની સંખ્યા ૫૬ રહી છે. સાથોસાથ જિલ્લામાં સૌથી વધુ કેસ હિંમતનગરમાં ૬૬, પ્રાંતિજમાં ૫૪, ઈડરમાં
૨૩, તલોદમાં ૧૯, વડાલીમાં ૧૩, ખેડબ્રહ્મામાં ૧૨, વિજયનગરમાં ૯ અને સૌથી ઓછા પોશીના
તાલુકામાં ૩ કેસ નોધાયા છે. એક્ટીવ કેસની વાત કરીએ તો સૌથી વધુ એક્ટીવ કેસ હિંમતનગરમાં
૨૩ જ્યારે પ્રાંતિજમાં ૨૦ કેસ છે.