દેવઊઠી એકાદશી બાદ લગ્નગાળો શરુ થશે, ખરમાસને કારણે ફક્ત 11 દિવસ જ મુહૂર્ત રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Only Eleven Wedding Muhurats Left In 2026: ચાતુર્માસના ચાર મહિનાના વિરામ બાદ આગામી 20 નવેમ્બર 2026ના રોજ દેવઊઠી એકાદશી(દેવપ્રબોધિની એકાદશી)થી ફરી એકવાર માંગલિક કાર્યો અને લગ્નની સિઝનનો શુભારંભ થવા જઈ રહ્યો છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ ચાર માસની યોગનિદ્રામાંથી જાગે છે અને ત્યારબાદ હિન્દુ ધર્મમાં લગ્નસરાના શુભ મુહૂર્ત ખુલે છે.
જોકે, દ્રિક પંચાંગ અનુસાર આ વખતે દેવઊઠી એકાદશીથી લઈને વર્ષ 2026 સમાપ્ત થાય ત્યાં સુધીમાં લગ્ન માટે કુલ 11 જ શુભ મુહૂર્ત ઉપલબ્ધ રહેશે. નવેમ્બર મહિનામાં કુલ 4 અને ડિસેમ્બર મહિનામાં 7 શુભ મુહૂર્ત આવી રહ્યા છે. 12 ડિસેમ્બરના અંતિમ મુહૂર્ત બાદ 16 ડિસેમ્બરથી સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરતાં 'ધનુ ખરમાસ' શરૂ થઈ જશે, જેના કારણે લગ્ન અને માંગલિક કાર્યો પર ફરી રોક લાગી જશે.
નવેમ્બર 2026માં લગ્નના 4 શુભ મુહૂર્ત
- પ્રથમ મુહૂર્ત: શનિવાર, 21 નવેમ્બર 2026
- બીજું મુહૂર્ત: મંગળવાર, 24 નવેમ્બર 2026
- ત્રીજું મુહૂર્ત: બુધવાર, 25 નવેમ્બર 2026
- ચોથું મુહૂર્ત: ગુરુવાર, 26 નવેમ્બર 2026
ડિસેમ્બર 2026માં લગ્નના 7 શુભ મુહૂર્ત
- પ્રથમ મુહૂર્ત: બુધવાર, 2 ડિસેમ્બર 2026
- બીજું મુહૂર્ત: ગુરુવાર, 3 ડિસેમ્બર 2026
- ત્રીજું મુહૂર્ત: શુક્રવાર, 4 ડિસેમ્બર 2026
- ચોથું મુહૂર્ત: શનિવાર, 5 ડિસેમ્બર 2026
- પાંચમું મુહૂર્ત: રવિવાર, 6 ડિસેમ્બર 2026
- છઠ્ઠું મુહૂર્ત: શુક્રવાર, 11 ડિસેમ્બર 2026
- સાતમું મુહૂર્ત: શનિવાર, 12 ડિસેમ્બર 2026
ક્યારથી ક્યાં સુધી રહેશે ખરમાસ? શા માટે વર્જિત છે માંગલિક કાર્યો?
16 ડિસેમ્બર 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં ગોચર કરશે, તેની સાથે જ ધનુ ખરમાસનો આરંભ થશે. વર્ષમાં બે વખત ખરમાસ આવે છે—પ્રથમ ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી(ધનુ સંક્રાંતિ) અને બીજો માર્ચ-એપ્રિલ દરમિયાન જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે(મીન સંક્રાંતિ). જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરમાસ દરમિયાન કરવામાં આવેલા શુભ અને માંગલિક કાર્યોનું ફળ શુભ મળતું નથી, તેથી આ સમયગાળામાં વિવાહ સંસ્કાર વર્જિત માનવામાં આવે છે.
લગ્ન માટે શુભ મુહૂર્ત જોવું શા માટે અનિવાર્ય છે?
હિન્દુ પરંપરામાં લગ્નની તારીખ નક્કી કરતાં પહેલાં પંચાંગના પાંચ મુખ્ય અંગો—તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત દાંપત્ય જીવનના કારક ગ્રહો ગુરુ અને શુક્રની અનુકૂળ સ્થિતિ હોવી પણ અત્યંત જરૂરી માનવામાં આવે છે. શુભ ગ્રહ સ્થિતિ અને અનુકૂળ નક્ષત્રોમાં લગ્ન કરવાથી નવદંપતીના જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમ કાયમ રહે છે, તેથી જ વર-કન્યાની જન્મકુંડળીમાં ગુણ મિલાન અને માંગલિક દોષની તપાસ બાદ જ યોગ્ય મુહૂર્ત નક્કી કરાય છે.




