Ravi Purti

ઝ્વેરેવે નિષ્ફળતા, વિવાદો અને ઈજાને હરાવી ટેનિસમાં સફળતાનું શિખર સર કર્યું

By GS Team
18 Oct 20266 mins read
ઝ્વેરેવે નિષ્ફળતા, વિવાદો અને ઈજાને હરાવી ટેનિસમાં સફળતાનું શિખર સર કર્યું
  • Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
  • જર્મનીમાં સ્થાયી થયેલા રશિયન પરિવારમાં જન્મેલા ઝ્વેરેવના ૧૦ વર્ષના એકધારા સંઘર્ષ અને સફળતા મેળવવા માટેના અવિરત પ્રયાસો આખરે રંગ લાવી રહ્યા છે

સ ફળતાને ક્યારેય કોઈ ચોક્કસ ગાણિતીક સમીકરણમાં બાંધી શકાતી નથી, પણ સતત પ્રયાસોનો અવિરત સિલસિલો વહેલા કે મોડા એક અલગ જ મુકામ સુધી પહોંચાડવામાં પાયારુપ ભૂમિકા ભજવતા હોય છે. સખત મહેનત અને વિશિષ્ટ પ્રતિભા હોવા છતાં ટોચની નજીક પહોંચ્યા બાદ ચૂકી જવાનો રંજ ઘણી વખત આત્મવિશ્વાસને ડગાવી દેનારો બની રહેતો હોય છે. આ જ એવી પળ છે, જે રેસ્ટ(બાકીના લોકો)માંથી બેસ્ટને અલગ કરીને દુનિયાની સામે રજુ કરે છે. જે સ્પર્ધામાં ટકી રહેવાનો મિજાજ કેળવી લે છે. હારને હસીને સ્વીકારી લેવાની સાથે ભવિષ્યમાં પણ નવી ઊંચાઈ સુધી પહોંચવાનો નિર્ધાર મનોમન કરી શકે છેે, તે જ ભાગ્યની સામે સંઘર્ષ ખેલીને સફળતાને હાંસલ કરવાનું ખરા સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ટેનિસ જગતમાં છેલ્લા એક દશક થી પોતાની પ્રતિભાને વિશ્વમાં શ્રેષ્ઠ સાબિત કરવાની કોશીશ કરી રહેલા ઝ્વેરેવ માટે ચાલુ વર્ષ જાણે ભાગ્યોદયનું વર્ષ બની રહ્યું છે.
જર્મનીના ૨૯ વર્ષના ટેનિસ ખેલાડી એલેકઝાન્ડર ઝ્વેરેવે છેેલ્લા ૧૦ મહિનામાં સાતત્ય સાથેે આગવો પ્રભાવ પાડતાં વિશ્વના ટોચના ખેેલાડી તરીકેનો તાજ મેળવી લીધો છે. વિશ્વના ટોચના ખેલાડીના સિંહાસન સુધી પહોંચવા દરમિયાન તેણે કારકિર્દીના પહેલા બે ગ્રાન્ડ સ્લેમ - ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન ટાઈટલ હાંસલ કર્યા હતા. તેની સાથે ઈતિહાસમાં પહેલીવાર વિમ્બલડનની ફાઈનલ સુધીની સફર ખેડતા રનરઅપ તરીકેની ટ્રોફી પણ મેેળવી. આ સાથે ઝ્વેરેવે દુનિયાને બતાવી દીધું કે તેનામાં ચેમ્પિયન બનવાની કુશળતા છે અને આ સાથે જ તેેણે ટીકાકારોની બોલતી પણ બંધ કરી દીધી છે.
ટેનિસની વર્તમાન સિઝન શરુ થઈ તેની પહેલા ઝ્વેરેવની ઓળખ ચોકર તરીકેની હતી. ચોકર એટલે એવો ખેલાડી કેે ખરા સમયે જ ફસકી પડે. ફાઈનલમાં પહોંચવા સુધી જબરજસ્ત દેખાવ કરે પણ દશેેરાના દહાડે જ ઘોડું ન દોડે અનેે ચમકતી ટ્રોફીને હાંસલ ન કરી શકવાના અફસોસની સાથે ચેમ્પિયન ખેલાડીની બાજુમાં ચહેરા પર રંજ સાથે ઉભેલો જોવા મળે. ઝ્વેરેવ તેની કારકિર્દીમાં અગાઉ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધી ત્રણ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પ્રવેશ્યો હતો, પણ દરેક વેળાએ તેેને પરાજયના આંચકાનો સામનો કરવો પડયો હતો. આ કારણે ઝ્વેરેવ ફાઈનલમાં હોય એટલે હરિફ ખેલાડીથી લઈને મીડિયા અને ચાહકોની ધારણામાં તો તે રનરઅપ ટ્રોફી સાથે સમાપન સમારંભમાં ઉભો હોય તેવું ચિત્ર માનસપટલ પર ખડુ થઈ જાય.
ઝ્વેરેવ ચાલુ વર્ષે બધાની ગણતરીને ઉંધી વાળી દેવાના ઈરાદા સાથે ઉતર્યો હતો. તે સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પાંચ સેટના સંઘર્ષ બાદ અલકારાઝ સામે હાર્યો હતો, પણ તેની રમતમાં આગવો ચમકારો જોવા મળતો હતો. આ પછી ફ્રેન્ચ ઓપનમાં ભારે સંઘર્ષ બાદ તેણે ૧૦ વર્ષની કારકિર્દીમાં પહેલી વખત ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી અને તેની સાથે તમામ વિવેચકો અને ચાહકોને આશ્ચર્યજનક આંચકો આપ્યો. વિમ્બલડનની ફાઈનલની હાર પછી તેણે યુએસ ઓપનમાં શેલ્ટનને મહાત આપતાં ફરી પોતાની ચેમ્પિયન તરીકેની પ્રતિભાને દુનિયાની સામે રજુ કરી. તેણે ચાલુ વર્ષે કુલ ૧૫ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને ૬૦થી વધુ વિજય મેળવતા સિનર પાસેથી ટોચના ખેલાડી તરીકેનો તાજ આંચકી લીધો છે.
આ સાથે ૧૯૯૧ પછી પહેલી વખત જર્મન ખેલાડી એસોસિશએન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપી)ના પુરુષ સિંગલ્સ રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચવામાં સફળ થયો હતો. છેલ્લે જર્મનીના દિગ્ગજ ખેલાડી બોરિસ બેકરે આ સિદ્ધિ મેળવી હતી. ઝ્વેરેવે વિશ્વના ટોચના ખેલાડી તરીકે સિઝનનો અંત આણનારો સૌપ્રથમ જર્મન પુરુષ સિંગલ્સ ખેલાડી બનવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે નિશ્ચિત કરી લીધો છે અને ટેનિસની રેકોર્ડ બુકમાં તેનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરી દીધું છે. નિષ્ફળતા છતાં મેદાન પર ટકી રહેનારા ખેલાડીઓને વહેલી કે મોડી સફળતા મળે જ છે, તેનું જિવંત ઉદાહરણ ઝ્વેરેવ છે.
સોવિયેત સંઘમાં જન્મેલા ઈરિના ઝ્વેરેવા અને એેલેક્ઝાન્ડર ઝ્વેેરેવ સિનિયરની ટેનિસ કારકિર્દી રાજકીય મર્યાદા અને બંધનોના કારણે આગળ વધી શકી નહતી.જોકે, સોવિયેત સંઘનું પતન થયું અને તે સમયે ઈરિના અને ઝ્વેેરેવ સિનિયરની સામે જિંદગી નવેસરથી શરૂ કરવાનો પડકાર હતો.આ દરમિયાન ઈરિના ૧૯૯૦માં જર્મનીમાં ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગઈ હતી અને તેની સાથે કોચ તરીકે તેના પતિ ઝ્વેરેવને પણ લઈ ગઈ હતી. આ પછી તેમણે જર્મનીમાં સ્થાયી થઈને કોચિંગ આપવું શરુ કર્યું અને તેમના પરિવારમાં બીજા પુ્ત્ર તરીકે એલેક્ઝાન્ડર ઝ્વેરેેવનો જન્મ થયો. પરિવારમાં સાશા તરીકે ઓળખ ધરાવતા ઝ્વેરેવે ત્રણ વર્ષની ઉંમરે જ ટેનિસ રમવાનું શરુ કર્યું હતુ. બાળપણમાં તે ફૂટબોલ અને હોકી પણ રમતો. જોકે જુનિયર ટુર્નામેન્ટમાં મળેલી હાર બાદ તેણે તેનું સમગ્ર ધ્યાન માત્ર ટેનિસ પર આપવાનું નક્કી કર્યું.
જુનિયર ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન બોઈઝ સિંગલ્સ ટાઈટલ મેળવનારા ઝ્વેરેવે જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન પણ હાંસલ કર્યું હતુ. ટેનિસની જુનિયર સર્કિટમાં ઓસ્ટ્રીયાનો ડોમિનિક થિમ અને રશિયાનો રૂબ્લેવ તેના અચ્છા દોસ્તો હતા. તેણે માત્ર ૧૭ વર્ષની વયે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. યુવા વયે તે ટોચના ખેલાડીઓ સામે ચોંકાવનારો દેખાવ કરનારા ઝ્વેરેવે ૧૯ વર્ષની વયે ૨૦૧૬માં તેના ઘરઆંગણે જર્મનીમાં રમાયેલી હાલી ઓપનની સેમિ ફાઈનલમાં ફેડરરને હરાવીને તેને સતત ૧૦મી ફાઈનલમાં પ્રવેશતો અટકાવ્યો હતો. ફેડરર સામેની જીતની સાથે આગવી ઓળખ ઉભી કરનારા ઝ્વેરેવ માટે ત્યાર બાદની સફર સંઘર્ષમય રહી હતી.
ઝવેરેવે ૨૦૧૮માં એટીપી ફાઈનલ્સ ટુર્નામે્ન્ટની ફાઈનલમાં યોકોવિચને હરાવીને કારકિર્દીનું સૌપ્રથમ મેજર ટાઈટલ હાંસલ કર્યું. આ પછી ૨૦૨૦ના યુએસ ઓપનની ફાઈનલમાં મળેલી હાર બાદ તેણે ૨૦૨૧માં ટોકિયો ઓલિમ્પિકમાં યોકોવિચ બાદ ખચાનોવનું સ્વપ્ન ચકનાચૂર કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. દરમિયાનમાં જ ૨૦૨૨માં તેણે જાહેરાત કરી કે, મને બાળપણથી ટાઈપ વન ડાયાબિટિસ છે. આમ છતાં મેં પ્રોફેશનલ ખેેલાડી બનવાનું પસંદ કર્યું. ડોક્ટરે મને કહ્યું હતુ કે, તું ક્યારેય ખેલાડી બની નહીં શકે. જોકે હું તેમને ખોટા સાબિત કરવા ઈચ્છતો હતો.મારા માતા-પિતાએ પણ મારો જુસ્સો વધાર્યો. તેમણે કહ્યું કે, કોઈ બીજાએ કરેલા તારી પ્રતિભા અને ક્ષમતાના મૂલ્યાંકનમાં તારી પ્રતિભાને બાંધી ન રાખ. બસ ત્યાર થઈ લઈને આજ દિન સુધી હું રમતો રહ્યો છું. જોકે આ દરમિયાન મારા શુગર લેવલનું સતત ધ્યાન પણ રાખું છું.
જર્મન સુપરસ્ટારને ૨૦૨૨માં ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઈનલમાં ગંભીર ઈજા થઈ હતી. તે નડાલ સામે રમી રહ્યો હતો અને અપસેટ સર્જવાના મૂડમાં લાગતો હતો, ત્યાં જ તેનો પગ મચડોકાઈ ગયો અને તેને ટુર્નામેન્ટ છોડવી પડી હતી. દરમિયાનમાંં ઝ્વેરેવની સામે બે વખત ઘરેલું હિંસાની સાથે અપમાનજનક વર્તનનો આરોપ પણ મુકાયા.
આ તમામ વિવાદો છતાં ઝ્વેરેવે ટેનિસ કોર્ટમાં ટકી રહેવા માટે સંઘર્ષ જારી રાખ્યો.
પગની ઘુંટીની ઈજામાંથી તે લાંબા રિહેબ પ્રોગ્રામ બાદ બહાર આવી શક્યો હતો.આ પછી તેણે ૨૦૨૪માં ફ્રેન્ચ ઓપનની અને ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પ્રવેશ કર્યો, પણ તેને ત્યાં હારનો સામનો કરવો પડયો હતો.જોકે ૨૦૨૬માં તેણે ત્રણ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં રમવાની સાથે ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન જીતી લીધી હતી.
હવે વિશ્વના ટોચના ખેલાડી બનવાનું કલ્પનાતીત ગૌરવ તેને મળ્યું છે. જોકે તેની સામે યુવા સુપરસ્ટાર ખેલાડીઓ સિનર અને અલકારાઝ સામે તેની પ્રતિભાને સાબિત કરવાનું દબાણ છે. હવે ટેનિસની આગામી સિઝનમાં ઝ્વેરેવ, સિનર અને અલકારાઝ વચ્ચે ટેનિસ કોર્ટમાં પ્રભુત્વ માટેનો ત્રિપાંખીયો જંગ જોવા મળશે.