રોડ્રી : સ્પેનને વર્લ્ડ ફૂટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારો સાયલન્ટ હીરો

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- એક સમયે નબળા બાંધાના કારણે ફૂટબોલ કલબે અનફિટ જાહેેર કરેલા મેડ્રિડના ખેલાડી રોડ્રીએ માંચેસ્ટર સિટીને સુપરપાવર બનાવ્યા બાદ સ્પેનિશ ટીમને ટોચ પર પહોંચાડી
સ ફળતાના ચમકારાની પાછળ ઘણા એવા મૌન રહીને મહેનત કરનારી પ્રતિભાઓ હોય છે, જેને ભાગ્યે જ દુનિયાની સામે ઓળખ મળી શકતી હોય છે. ખાસ કરીને ફૂટબોલ જેવી ટીમ-ગેમમાં તો દુનિયા માત્ર ગોલ ફટકારનારા ખેલાડીઓથી જ પરિચીત જોવા મળતી હોય છે. જ્યારે જવલ્લે ગોલકિપરોને પણ શ્રેય મળી જતો હોય છે અને સતત મીડિયામાં ચમકતા રહેતા સુપરસ્ટાર્સના ચાહકોનો વર્ગ પણ વિશાળ હોય છે. જોકે, ઘણી વખત એવા ખેલાડીઓ પણ આગવો પ્રભાવ પાડી જતા હોય છે કેે, જેને તેની પ્રતિભા અને પ્રદાન અનુસાર લોકચાહના મળી શકતી નથી. આમ છતાં જાણકારો અને અભ્યાસુઓના વર્ગમાં તેમનું સ્થાન સ્થાપિત સુપરસ્ટાર્સ કરતાં ક્યાંય ચઢિયાતું હોય છે. તાજેતરમાં પુરા થયેલા ફિફા વર્લ્ડ કપ-૨૦૨૬ના શ્રેષ્ઠ ખેેલાડી તરીકેની એનાયત થતો ગોલ્ડન બોલ એવોર્ડ વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને સફળતાની ઊંચાઈએ પહોંચાડનારા ટીમના કેપ્ટન અને સાયલન્ટ હીરો રોડ્રીને એનાયત કરવામાં આવતા ઘણાએ આશ્ચર્ય અનુભવ્યું હતુુ.
મેડ્રિડમાં જન્મેલા ૩૦ વર્ષના ડિફેન્સીવ મીડફિલ્ડર રોડ્રીએ તેના અનુભવ અને બોલ પર નિયંત્રણ મેળવવાની સાથે આખા મેદાનમાં દોડતા રહીને ટીમની સફળતા પર પાડેલા પ્રભાવની નોંધ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થાની તકનિકી સમિતિએ લીધી હતી. આ સમિતિમાં વર્ષોથી ફૂટબોલ સાથે જોડાયેલા તજજ્ઞાોની એક ટીમ હોય છે, જે આધુનિક ટેેકનોલોજીની મદદથી રમતોનું મૂલ્યાંકન કરે છે અને માત્ર ગોલ નોંધાવનારની જ નહીં પણ આખી મેચ પર નિયંત્રણ મેળવનારા ખેલાડીની ઓળખ કરીને તેેને એવોર્ડ એનાયત કરે છે. કલબ ફૂટબોલમાં માંચેસ્ટર સિટીને છેલ્લા કેટલાક વર્ષોમાં સુપરપાવર બનાવનારા રોડ્રોના અસરકારક દેેખાવ અને પ્રભાવના કારણે જ સ્પેનની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની શકી છે.
ફૂટબોલ વર્લ્ડ કપમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ ગોલ્ડન બોલ એવોર્ડ તરીકે ઓળખાાય છે, જે આ વખતે સ્પેનના કેપ્ટન રોડ્રીને એનાયત કરવામાં આવ્યો હતો. રોડ્રી આ સાથે ગોલ્ડન બોલ એવોર્ડ જીતનારો સ્પેનના ફૂટબોલ ઈતિહાસનો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. સ્પેને ૨૦૧૦માં પણ વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ઉરુગ્વેના ડિયાગો ફોર્લાનને ગોલ્ડન બોલ વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર આખી ટુર્નામેન્ટમાં એક પણ ગોલ ન ફટકાર્યો હોય કે આસીસ્ટ પણ ન કર્યો હોય તેવા ખેલાડીને ગોલ્ડન બોલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને રોડ્રીએ તેની વિશિષ્ટ પ્રતિભાને સહારે આ સન્માન મેળવ્યું હતુ.
વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ ૭૫૬ પાસ પૂર્ણ કરવાનો નવો રેકોર્ડ રોડ્રીએ સર્જ્યો છે. આ કારણે વર્લ્ડ કપમાં ઓવરઓલ તેની પાસ પૂર્ણ કરવાની કુશળતાને ૯૩.૨ ટકા સુધી પહોંચાડે છેે, જે તમામ હરિફ સુપરસ્ટાર્સ કરતાં વિશેષ છે. સ્પેનના મીડફિલ્ડમાં રોડ્રીની હાજરી હરિફ ટીમના સુપરર્સ્ટ્રાઈકર્સને સતાવતી રહી છે. રોડ્રીએ સેમિ ફાઈનલમાં એમ્બાપ્પે અને ફાઈનલમાં મેસી જેવા ગોલ ફટકારવામાં મહાન ખેલાડી તરીકે સ્થાપિત થઈ ચૂકેલા સુપરસ્ટાર્સને જાણે દોરડાથી બાંધી રાખ્યા હોય તેવી રીતે બોલ મેળવવા માટે તરસાવી દીધા. ડિફેન્સીવ મીડફિલ્ડર રોડ્રીના ફાઈનલના દેખાવની વિશેષ સરાહના ફૂટબોલ જગતના જાણકારો અને દિગ્ગજો કરી રહ્યા છે. મેસીએ તેની કારકિર્દીના સૌથી વધુ ગોલ ડાબા પગથી ફટકાર્યા છે. જોકે રોડ્રીએ તેની રમતને એવા અંદાજમાં ઢાળી અને મેસીનો સામનો કર્યો કે, તેને ડાબા પગને બદલે જમણા પગનો ઉપયોગ વધુ કરવો પડયો. આમ, રોડ્રીએ તેની તકનિકી કુશળતાથી મેસીને તેેની આગવી લયમાં રમવા જ ન દીધો અને રોડ્રીનો આ દેખાવ જ સ્પેન માટે નિર્ણાયક સાબિત થયો.
વર્લ્ડ કપના સાયલન્ટ હીરો તરીકે ગોલ્ડન બોલ્ એવોર્ડ જીતીને પોતાની ઓળખ ઉભી કરનારા રોડ્રીની કારકિર્દીનું ઘડતર તેના વતન સ્પેેનમાં જ થયું હતુુ. તેના પિતા એન્ટોનિયો ખુદ પણ એક ફૂટબોલર હતા અને તેમના પગલે રોડ્રીએ ફૂટબોલના મેદાનમાં ડગ માંડયા હતા. પિતા નહતા ઈચ્છતા કે રોડ્રી ડિફેન્સ કે મીડફિલ્ડમાં રમે કારણ કે ફૂટબોલમાં કમાણીથી લઈને લોકચાહનામાં ગોલ સ્કોરર્સ જ આગળ હોય છે, પણ રોડ્રીની પ્રતિભા અગલ હતી. તેણે માત્ર પોતાની રમતને સુધારવા પર ધ્યાન આપ્યું. માત્ર ૧૧ વર્ષની વયે ફૂટબોલની તાલીમ શરુ કરનારા રોડ્રી શરૂઆતમાં રાયોમાજ્દાહોન્ડા અને એ્ટ્લેટિકો મેડ્રીડની યુથ કલબમાં પણ જોડાયો. જોકે એટ્લેટિકોની એકેડમીના કોચીસે ૧૬ વર્ષના રોડ્રીને નબળા બાંધાના કારણે આ છોકરો ડિફેન્સીવ મીડફિલ્ડમાં નહીં ચાલે તેમ કહીને રિજેક્ટ કર્યો.
એટ્લેટિકોના રિજેક્શનથી હતાશ થયા વિના રોડ્રી અને તેના પિતાએ નવી કલબની તલાશ જારી રાખી અને આખરે તેણે વિલારિયલમાં સ્થાન મળી ગયું. આ જ કલબ તરફથી તેણે કલબ ફૂટબોલમાં કમાલનો દેખાવ કરતાં પોતાની આગવી ઓળખ ઉભી કરી. જેના કારણેે તેને એક સમયે રિજેક્ટ કરનારી કલબ એટ્લેટિકો મેડ્રિડે જ તેને જંગી રકમ આપીને કરારબદ્ધ કરી લીધો. જ્યાં ટીમના હેેડ કોચ ડિએગો સિમેવનના માર્ગદર્શનમાં તેની પ્રતિભા નિખરી સિમેવને તેને વધુ આક્રમકતા સાથે રમવાની પ્રેરણા આપી. આ દરમિયાનમાં જ રોડ્રીમાં ઈંગ્લિશ કલબ માંચેસ્ટર સિટીએ રસ દાખવવા માંડયો. આખરે ૨૦૨૦માં માંચેસ્ટર સિટીએ તેને પોતાની કલબમાં સામેલ કરી લીધો અને આજે જે સાપ્તાહિક ૨૪ લાખ રુપિયા જેટલો પગાર મેળવી રહ્યો છે.
માંચેસ્ટર સિટીમાં ફૂટબોલના દિગ્ગજ કોચ અને જાદુગર પેપ ગ્યુએર્ડિઓલાની દેખરેખ હેઠળ રોડ્રીની રમત અલગ જ ઉંચાઈ પર પહોંચી ગઈ. તે હરિફ ટીમની આક્રમણ પંક્તિના ખેલાડી સાથે બોલ પર નિયંત્રણ મેળવવાની ટક્કરમાં હંમેશા ચઢિયાતો રહેતો. ગ્યુએર્ડિઓના અને રોડ્રીની જોડીએ માંચેસ્ટર સિટીને ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં જ નહીં, પણ યુરોપીયન ફૂટબોલમાં પણ આગવું ગૌરવ અપાવ્યું. આ દરમિયાન જ તેણે સ્પેનને યુરો કપમાં ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી અને તેમાં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર થયો હતો. વિશ્વ શ્રેષ્ઠ ફૂટબોલરને દર વર્ષે એનાયત થતો બાલોન ડી ઓર એવોર્ડ રોડ્રીને ૨૦૨૪માં આપવામાં આવ્યો, ત્યારે બધાએ તેની વિશિષ્ટ પ્રતિભાના ભારોભાર વખાણ કર્યા હતા, કારણ કે સ્ટ્રાઈકર્સને બદલે એક ડિફે્ન્સીવ મીડફિલ્ડરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
હવે ફૂટબોલ વર્લ્ડ કપમાં તેનની કુશળતાએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાથે તેણે સાબિત એ પણ કર્યું કે, ટીમમાં તમને જે ભૂમિકા મળે તેમાં શ્રેષ્ઠ દેખાવ કરીને તમે સફળતાની ટોચ પર પહોંચી શકો છો. હરિફ ટીમના સ્ટ્રાઈકર્સ પાસેથી ટેકલ કરીને બોલ છીનવી લેવાની રોડ્રીની કુશળતાના કારણે જ સ્પેન સામે આખા વર્લ્ડ કપ ફૂટબોલમાં હરિફ ટીમ એકમાત્ર ગોલ ફટકારી શકી હતી. આર્જેન્ટીના સામેની ફાઈનલમાં રોડ્રીએ હરિફ ખેલાડી સામે વન-ઓન-વનની સ્થિતિમાં ૧૦માંથી આઠ વખત બોલ છીનવી લેવામાં સફળતા મેળવી હતી. તેની આ જ કુશળતા ફૂટબોલના દિગ્ગજો અને જાણકારોમાં રોડ્રીની પ્રતિભાને આજના ટોચના સ્કોરરો કરતાં પણ મુઠી ઊંચેરી સાબિત કરી રહી છે.
પેપ ગ્યુએડઓલા તો રોડ્રીના વખાણ કરતા થાકતા નથી. તેમણે કહ્યું કે, લોકો તો માત્ર ગોલ ફટકારનાર ખેલાડીને જ ઓળખે છે, પણ હકીકતમાં ફૂટબોલની રમત તેના કરતાં ઘણી વિશાળ છે. રોડ્રી જે પણ મેચ રમે છે, તેમાં મોટાભાગે તેનું જ નિયંત્રણ હોય છે. તેની ઝડપ, બોલ પરનું નિયંત્રણ, અસરકારક પાસિંગ, હરિફ પાસેથી ફાઉલ કર્યા વિના બોલ છીનવી લેવાની કુશળતા થકી ટીમના બાકીના ખેલાડીઓમાં તેમના શ્રેષ્ઠ દેખાવને બહાર લાવવા માટેનો જુસ્સો પુરો પાડે છે. તેનું વિઝન જબરજસ્ત છે. તે જે પ્રકારે ફૂટબોલની રમતને જુએ છે, તેવી રીતે અન્ય કોઈ જોઈ શકતું નથી. સ્પેનને યુરો કપ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બનાવનારા રોડ્રીએ તેની વિશિષ્ટ પ્રતિભાને દિગ્ગજ સુપરસ્ટાર્સની હરોળમાં પ્રસ્થાપિત કરી દીધી છે.









