સફેદ મુસળી ઊગાડી ખેડૂતો માલામાલ થઈ શકે
- 'આયુર્વેદિક વાયેગ્રા' જેવી ઔષધીની આખા વિશ્વમાં ડિમાન્ડ
- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- સફેદ મૂસળીનો વેપાર આજકાલ પુરબહારમાં ખીલ્યો છે, કેમ કે ભારતની સસ્તી અને હર્બલ વાયેગ્રા તરીકે એની ખૂબ જ ડિમાન્ડ છે.
સ ફેદ મુસળી જેને આયુર્વેદિક વાયેગ્રા ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. અનેક પ્રકારના જાતિય રોગો, શક્તિવર્ધક દવાઓ, વાયુ અને ડાયાબિટીસને લગતા રોગોની ઔષધિઓમાં મોટા પ્રમાણમાં વાપરાતી આ જંગલી વનસ્પતિ સફેદ મુસળીની વિશ્વભરના બજારમાં ખૂબ મોટી માંગ છે. આ કારણે અત્યાર સુધી આ અનોખી વનસ્પિતનું આડેધડ બેફામ છેદન થતાં તેનું અસ્તિત્વ જંગલમાં લગભગ નષ્ટ થયું છે. પરંતુ આ વનસ્પતિથી થતા આર્થિક લાભો મોટા હોવાથી તેની વૈજ્ઞાાનિક ઢબે ખેતી ગુજરાતમાં હવે વધી રહી છે.
આયુર્વેદ અને એલોપથીની વિવિધ દવાઓ બનાવવા સફેદ મૂસળીનો ઉપયોગ આપણા દેશમાં વર્ષોથી થઈ રહ્યો છે. આ એક એવી જડીબુટ્ટી છે જેમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ કારણથી આવેલી શારીરિક શિથિલતાને દુર કરવાની નોંધપાત્ર ક્ષમતા છે. આજ કારણે કોઈપણ શક્તિવર્ધક ટોનીક મૂશળી વગર અધૂરી છે. આ જડીબુટ્ટી એટલી બળવર્ધક છે કે તેનું નામ બીજી શિલાજીત પણ પાડવામાં આવ્યું છે. હાલમાં એલોપથીની વાયેગ્રા દવા જેટલું જ મહત્ત્વ સફેદ મૂસળીનું છે.
આ ઉપરાંત તેનો ઉપયોગ માતાનું દૂધ વધારવા, પ્રસવ પછી થનારી બીમારીઓ તથા શિથિલતાને દૂર કરવા તથા ડાયાબિટીસ જેવા અનેક રોગોના નિવારણની દવા બનાવવા માટે થાય છે. આયુર્વેદ અને એલોપથીમાં આ જડીબુટ્ટીનો મોટા પાયે ઉપયોગ થતો હોવાથી તેની માંગ ભારતમાં અને વિશ્વમાં ઘણી વધી ગઈ છે.
થોડા દિવસ પહેલાં કર્જત પાસેના જંગલમાંથી ગેરકાનૂની રીતે એકઠી કરાયેલી સફેદ મૂસળી ભરેલી એક ટ્રક મળી આવી હતી. સફેદ મૂસળીનો વેપાર આજકાલ પુરબહારમાં ખીલ્યો છે, કેમ કે ભારતની સસ્તી અને હર્બલ વાયેગ્રા તરીકે એની ખૂબ જ ડિમાન્ડ છે. જોકે આ આયુર્વેદિક ઔષધિને વાપરવામાં ઘણી વાર આંધળૂકિયાં કરવામાં આવે છે.
આપણે ત્યાં માત્ર સફેદ મૂસળીની જ બોલબાલા છે. બાકી મૂસળી બે પ્રકારની હોય છે: કાળી મૂસળી અને સફેદ મૂસળી, કાળી મૂસળી મધુર, ધાતુપોષક, વીર્યવર્ધક, રસાયણ છે અને વાતનું શમન કરે છે, જ્યારે સફેદ મૂસળી પચવામાં ભારે,સ્નિગ્ધ, શીતવીર્ય અને પોષક છે. આયુર્વેદમાં એને વીર્યવર્ધક ગણવામાં આવી છે. કાળી મૂસળી અને સફેદ મૂસળી બન્ને વીર્યવર્ધક ગણાય છે, પરંતુ કાળી મૂસળી ઉષ્ણ વીર્ય હોવાથી એનો ઉપયોગ ઓછો થાય છે. સફેદ મૂસળી વીર્યનું પ્રમાણ વધારે છે, પરંતુ ઉત્તેજનામાં વધારો નથી કરી શકતી. ઇરેકટાઈલ ડિસફંકશનમાં ઇન્દ્રિયમાં ઉત્તેજના વધે તો જ ઉત્થાન આવે અને ટકે.
જો સફેદ મૂસળીથી ઉત્તેજનામાં વધારો નથી થતો તો પછી એ વાયેગ્રા તરીકે કામ આપી શકે ખરી? એ સવાલ વાજબી છે. પહેલાંના જમાનામાં વીર્યક્ષયે ઇન્દ્રિય ઉત્થાનમાં ગરબડનું એક કારણ માનવામાં આવતું હતું. એનો મતલબ એ કે વીર્યની માત્રા ઘટવા લાગે એટલે ઇન્દ્રિય ઉત્થાનમાં તકલીફ પડે એવું મનાતું હતું. જોકે મોડર્ન મેડિસિનમાં સેકસોલોજિસ્ટોનાં અનેક સંશોધનો પછી વીર્યની માત્રા ઘટવાને અને ઇરેકટાઈલ ડિસફંકશનને સીધો સંબંધ નથી એવું સાબિત થઈ ચૂક્યું છે. મૂસળીના ગુણધર્મ અનુસાર એ વીર્યની માત્રા વધારે છે. પરંતુ ઉત્તેજના વધારીને ઇન્દ્રિયમાં લોહીનું ભ્રમણ વધારી નથી શકતી. વાજીકર, વીર્યવર્ધક અને ધાતુઓની પુષ્ટિ કરનારી હોવાથી એ શરીરને બળ આપે છે અને કામોત્તેજક કહેવાય છે, પરંતુ ઇરેકટાઈલ ડિસફંકશનની તકલીફ દૂર કરી શકતી નથી.
મોડર્ન મેડિસનની દેશી વાયેગ્રા અને સફેદ મૂસળીની હર્બલ વાયેગ્રા વચ્ચે આસમાન-જમીનનો ફેર છે. વાયેગ્રાની ગોળી સંભોગના એક કલાક પહેલાં લેવાની હોય છે અને એની તરત જ અસર થાય છે. આ અસર થોડા જ સમયમાં જતી રહે છે, જ્યારે સફેદ મૂસળીમાંથી બનતી હર્બલ વાયેગ્રા તરીકે વેચાતી દવા રોજ લેવાની હોય છે. એ લાંબા ગાળે વીર્યની ક્વોન્ટિટી વધારે છે, કામોત્તેજના પેદા કરવામાં પણ મદદ કરે છે, પરંતુ એનાથી વાયેગ્રા જેવું ઇન્દ્રિયમાં ઉત્થાન નથી થતું. એના નાના ક્ષુપ (છોડવા) હોય છે. રતલામની સફેદ મૂસળી વધારે વખણાય છે. પશ્ચિમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળી ઊગે છે. એનાં મૂળને સૂકવીને ખાંડી નાખવામાં આવે છે. એ પાઉડરને અન્ય ઔષધિઓ સાથે મિક્સ કરીને વાપરવામાં આવે છે. તેના ફળો આદિવાસીઓ શાક બનાવવામાં પણ ઉપયોગ કરે છે. જોકે ફળમાં સેક્સટોનિક જેવા કોઈ ગુણધર્મો હોતા નથી.
સફેદ મૂસળીની સાથે હર્બલ ટોનિક કે વાયેગ્રામાં અન્ય આયુર્વેદિક ઓષધો પણ વપરાય છે. જેમાં વિદારીકંદ, શતાવરી, અશ્વગંધા, સાલમ, તાલમૂલી, કપિકચ્છુ, કૌંચાબીજ, મખાન્ન, કોકિલા, પશેરુક જેવી ઔષધિઓ મુખ્યત્વે વપરાય છે. મૂસળી અને સાલમનો શિયાળામાં પાક પણ ખાવામાં આવે છે. આ ઔષધિઓ વીર્યની માત્રા વધારે છે અને એની ગુણવત્તા પણ વધારે છે જે પુરુષોને વીર્યની કમી હોય અથવા તો શુક્રાણુની કમી હોય તેમને આ ટૉનિક સારું કામ આપી શકે છે.
બજારમાં મળતી કેટલીક હર્બલ વાયેગ્રામાં મેટલનો ઉપયોગ થયો હોય છે, જે શરીરને બીજી
આડઅસરો કરે એવી શક્યતાઓ વધારે રહે છે. મૂસળી કરતાં તો શિયાળામાં સાલમનો પાક બનાવીને ખાવાથી વધુ ફાયદો થાય છે.
દૌર્બલ્ય, નપુંસકતા, પ્રદર, ઝાડા જેવી તકલીફોમાં પણ સફેદ મૂસળી કામ આપે છે. દૂધ ઓછું આવતું હોય એવી સ્તનપાન કરાવતી મહિલાઓને પણ એનાથી ફાયદો થાય છે.
આયુર્વેદમાં જેમ શતાવરીનો મહિમા છે તેમ મુસળીનો પણ મહિમા છે. કારણ કે મુસળી તે શતાવરી વર્ગનું ઔષધ છે. શતાવરીની જેમ તેનાં પણ મૂળ ઉપયોગમાં લેવાય છે. 'મુસળ' એટલે સાંબેલુ. તેના મૂળ સાંબેલાનાં આકારનાં હોવાથી 'મૂસળી' નામ પડયું છે.
મુસળી ધાતુ પૌષ્ટિક હોવાથી સાતેય ધાતુઓને વધારતી હોવાથી પૌષ્ટિક ટોનિક દવાઓમાં તેનો છૂટથી ઉપયોગ કરી શકાય. મુસળી પાક, મુસળી સિરપ, મુસળી અવલેહ, મુસળી ધૃત વગેરે બનાવી શકાય. શિયાળામાં 'મુસળી પાક' ખાવાની આપણે ત્યાં પરંપરા હતી.
છેલ્લા બે દાયકાથી જુનાગઢ ખાતે વિવિધ પ્રકારની વનસ્પતિઓના અભ્યાસ કરી રહેતા અને આ દિવ્ય ઔષધિઓની વૈજ્ઞાાનિક ખેતીની ટેકનીક વિકસાવી રહેલા એક ગૃહસ્થના જણાવ્યાનુસાર સફેદ મૂસળીનું વિશ્વભરમાં વાર્ષિક ઉત્પાદન લગભગ ૫૦૦૦ ટનનું છે. જ્યારે તેની સાથે તેની બજારમાં માંગ વાર્ષિક ૩૫૦૦૦ ટનની હોવાથી મૂસળી એક કિંમતી ઔષધી બની ગઈ છે. તેની માંગની સામે ઉત્પાદનમાં હજુ જોઈએ તેટલો વધારો થઈ શક્યો નથી. અત્યાર સુધી આ વનસ્પતિ જંગલોમાંથી સહજ રીતે પ્રાપ્ત થતી હતી તે કારણે તેનું અંધાધૂંધ વિચ્છેદન થયું છે. તેથી હવે જંગલોમાંથી ગુણવત્તાવાળી મૂસળી મળી શકતી નથી. સામે તેની માંગ ખૂબ મોટી હોવાથી હવે તેની ખેતી તરફના પ્રયત્નો વધી ગયા છે.
મુંબઈની દુકાનોમાં સફેદ મૂસળીનો પાઉડર ૫૦ રૂપિયા ૧૦ ગ્રામના ભાવે વેચાય છે. મોટાભાગના લોકો માટે એ ૧૦ ગ્રામ રૂ.૩૬૦૦ના ભાવે વેચાતી વાયેગ્રાનો સસ્તો વિકલ્પ બની રહે છે. એની લોકપ્રિયતાનું બીજું એક કારણ એ પણ છે કે એની કોઈ આડઅસરો નથી.
સફેદ મૂસળીની માગ એના પુરવઠા કરતા વધારે હોવાથી દાણચોરો જંગલમાંથી એની ચોરી કરવા પ્રેરાય છે.
હમણાંથી કર્જત આસપાસના જંગલમાંથી સફેદ મૂસળીની દાણચોરીના કિસ્સા વધ્યાં છે. 'જો દાણચોરી બેરોકટોક ચાલુ રહેશે તો કર્જતના જંગલમાંથી સફેદ મૂસળીનું નિકંદન નીકળી જાય એવી શક્યતા છે'
સફેદ મૂસળીનો એક કંદયુક્ત છોડ હોય છે. તેની વધારેમાં વધારે ઊંચાઈ દોઢ ફૂટ હોય છે. તેના મૂળ જેને ફીંગર્સ કહેવામાં આવે છે. તેની જમીનમાં લંબાઈ દસ ઇંચ સુધીની હોય છે. ભારતના તમામ જંગલોમાં પ્રાકૃતિક રૂપમાં મળનારા આ છોડ આમ તો ફલોરોફાઈટમ બોરિવિલિઓનના નામથી ઓળખાય છે.
ગુજરાતમાં આ છોડ સફેદ મૂસળીના નામથી ઉત્તર પ્રદેશમાં ખૈરૂવા નામથી, મરાઠીમાં સફેદ અથવા સુકેતા મૂસળીના નામથી, મલાયાલમમાં શેહેવેલીની નામથી તમીલ ભાષામાં તામિરવિતાંગાના નામથી અને અરબી ભાષામાં તે શેકેકવેલના નામથી ઓળખાય છે.
મધ્ય પ્રદેશના જંગલોમાં આ છોડ વરસાદના સમયે પોતાની જાતે ઊગી નીકળે છે તથા આદિવાસી લોકો તેને ઉગાડીને સસ્તા ભાવથી બજારમાં વેચી દે છે. પરંતુ તેની વૈજ્ઞાાનિક ઢબે યોગ્ય માવજત નહીં થતાં તેના ઔષધીય ગુણો વિકસાવવામાં ઉણપ રહી જવાથી આ મૂસળીના યોગ્ય ભાવો મળતા નથી. બાકી સારી ગુણવત્તાવાળી સૂકવેલી મૂસળીના બજારમાં ૧૫૦૦ રૂા. પ્રતિકિલો અથવા તેથી વધુ કિંમત પણ ઉપજી શકે છે.
ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં હવે ધીમે ધીમે મૂસળીની વૈજ્ઞાાનિક ખેતી શરૂ થઈ છે. જેના પરિણામો ઉત્સાહજનક છે. સફેદ મૂસળીની ખેતીથી પ્રતિ એકર ૨ થી ૩ લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો કમાઈ શકાય છે. અને આની ખેતી માટે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરીસ્સા, હરિયાણા, દિલ્હી પ્રદેશોના હવામાન ખૂબ અનુકુળ હોવાથી આ વિસ્તારોમાં સફેદ મૂસળીની ખેતી માટે વિપુલ તકો રહેલી છે.
ગુજરાતનાં વિવિધ પ્રાંતોમાં પકવવામાં આવતી સફેદ મુશળીનું હેક્ટરદીઠ વધુ ઉત્પાદન લેવા માટે વધારે 'શક્તિ' વાપરવી નહી પડે. કેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાાનિકોને સફેદ મુશળીનું હેક્ટરદીઠ વધુ ઉત્પાદન આપતું 'પ્લાન્ટિંગ મટિરિયલ' વિકસાવવામાં સફળતા મળી છે.
સંશોધકોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પહેલી વાર સફેદ મુશળીનું પ્લાન્ટિંગ મટિરિયલ વિકસાવવામાં આવ્યું છે. આ નવી વિકસાવેલી જાતને 'આણંદ સફેદ મુશળી-૧' એવું નામ આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટિંગ મટિરિયલ સાથે સંકળાયેલા સંશોધક ડો. શ્રીરામે જણાવ્યું કે, સફેદ મુશળી એ કંદમૂળ છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ મુસળીનું ઉત્પાદન થાય છે પણ આપણે ત્યાં તેની કોઈ ચોક્કસ વેરાયટી ઉપલબ્ધ નહોતી, એટલે અમે યુનિવર્સિટી ખાતે સફેદ મુશળીનું પ્લાન્ટિંગ મટિરિયલ વિકસાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી જોડાયેલા હતા. જુદા જુદા તબક્કામાં આ મુશળીનાં વિવિધ પ્રયોગો કરાયા હતા, જેમાં અમને નવી જાત વિકસાવવામાં સફળતા મળી છે. ડો. શ્રીરામે વધુમાં જણાવ્યું કે, આ નવી જાતની વિશેષતા તેની ઉત્પાદકતા છે. ઉપલબ્ધ સામાન્ય સફેદ મુશળીની ઉત્પાદનક્ષમતાની ચકાસણી આણંદ મુશળી-૧ની સાથે કરાઈ હતી. જેમાં અન્ય જાતો કરતાં નવી જાતનું હેક્ટરદીઠ ૧૫૦૦ કિલોગ્રામ વધુ ઉત્પાદન જોવા મળ્યું હતું. આમ હેક્ટરદીઠ આણંદ સફેદ મુશળી-૧ અન્ય કરતાં ૭૪ ટકા વધુ ઉત્પાદન આપે છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. મોટાભાગે ટોનિક માટે ઉપયોગમાં લેવાતી આ સફેદ મુશળીની ગલ્ફના દેશોમાં નિકાસ થાય છે. નવી વિકસાવેલી જાતથી ખેડૂતોને હેક્ટરદીઠ વધુ ઉત્પાદન મળશે અને એ રીતે ખેડૂતોની સમૃદ્ધિ વધારશે.
આમ તો એક એકરના ક્ષેત્રમાં મૂસળીના લગભગ ૮૦,૦૦૦ છોડ લગાડવામાં આવે છે. જો તેમાંથી ૭૦ હજાર સારા છોડ અંતમાં બચે તો પણ ખેડૂતને લગભગ ૨૧૦૦ કિલોગ્રામ મૂસળી મળી શકે. જેને છોલ્યા અને સૂકવ્યા પછી તેનું વજન ૪ ક્વીન્ટલ રહી જશે. ચાર ક્વીન્ટલ સૂકી મૂસળીથી સરેરાશ પાંચ લાખ રૂપિયા મળી શકે. મૂસળી તૈયાર થયા પછી તેનું ગ્રેડીંગ કરવામાં આવે છે. જેનો ભાવ ૧૦૦૦ રૂા.થી ૧૭૦૦ રૂા. પ્રતિ કીલોના મળી શકે તેમ હોય છે. તેની ખેતી ઉપર થનારા ખર્ચાને બાદ કર્યા બાદ ગણતરી કરવામાં આવે તો ૬થી ૯ મહિનાની ફસલથી પ્રતિ એકર ૨.૮૦ લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. તેમ નિષ્ણાતોનું માનવું છે. તેમના જણાવ્યાનુંસાર ગુજરાતમાં પણ ખેડૂતોએ મૂસળીનો પાક વૈજ્ઞાાનિક ઢબે લઈને નફો કરવાનું શરૂ કર્યું છે.
મૂસળીની ખેતી બહુ કપરી કે ખર્ચાળ નથી
- મૂસળીને કોઈ પ્રકારે પ્રોસેસિંગ કરવાની જરૂર નથી તથા કોઈ મશીનરી કામે લગાડવાની જરૂર નથી. સીધા ઉખાડીને, છીણીને સૂકવીને વેચી શકાય છે.
- મૂસળીની ખેતી માટે કૃષિ ટેકનીક વિકસીત થઈ ચૂકી છે.
- અકુશળ શ્રમિકોથી કામ ચાલી શકે છે.
- મૂસળીની ખેતી માટે વ્યવહારિક પ્રશિક્ષણ મળી શકે છે.
- મોસમના પરિવર્તનની અસર ફસલ ઉપર થતી નથી.
- જો શરૂઆતમાં ખેડૂત મોંઘાં બીયાં ન લઈ શકે તો સસ્તા છોડ લઈને તેનો વિકાસ જાતે પણ કરી શકાય છે.
આમ બધી વાતોને ધ્યાનમાં લેતા સફેદ મુસળીનું વાવેતર વધારવું એ ખેડૂતોના હિતમાં છે. મોદી સરકારે ૨૦૨૨ સુધીમાં કિસાનોની કમાણી ડબલ કરવાની વાત કરે છે. પરંતુ મુસળી જેવો રોકડિયો પાક ઊગાવી ખેડૂતો જલ્દી સમૃદ્ધિ પામી શકે છે.

