mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આ છોકરો ધીમો છે, બેડમિંટનમાં નહીં ચાલે

Updated: May 26th, 2024

આ છોકરો ધીમો છે, બેડમિંટનમાં નહીં ચાલે 1 - image


- નાનકડા પ્રણોયની રમત જોઈને કોચે કહી દીધુ કે

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ભારતનો નંબર વન બેડમિંટન ખેલાડી પ્રનોય થોમસ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બનવાની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપથી લઈને એશિયાડમાં ચંદ્રક જીતી ચૂક્યો છે

દ રેક સફળતાનો પાયો આત્મશ્રદ્ધા છે. પરિસ્થિતિની વિષમતાની વચ્ચેથી રસ્તો કરીને આગળ વધી જવાનો જુસ્સો જ વ્યક્તિમાં આત્મશ્રદ્ધાને જન્મ આપે છે. તે જ દરેક મુશ્કેલી વેળાએ તેને પાર કરી જવાની કુશળતાનો વિકાસ કરે છે. જ્યાં સુધી આત્મશ્રદ્ધા દ્રઢ બનતી નથી, ત્યાં સુધી દરેક પડકારો દુર્ગમ જ દેખાય છે. જ્યારે વ્યક્તિ પંડેે જ પોતાની પ્રતિભાને નવી ઊંચાઈને પામવા માટે તૈયાર કરે છે, ત્યારે જ અડધો જંગ તો જીતી જ લે છે. આ પછી મહેનત અને કૌશલ્યનો વારો આવે છે, જેમાં પણ આત્મશ્રદ્ધાની ઊર્જા તો જરુરી હોય જ છે. 

ભારતનો નંબર વન બેેડમિંટન ખેલાડી એચ. એસ. પ્રનોયે માત્રને માત્ર આત્મશ્રદ્ધાને સહારે કારકિર્દીમાં અસાધારણ ઊંચાઈઓને હાંસલ કરી છે. ૩૧ વર્ષની પાકટ ઉંમરે પહોંચેલા જમણેરી ખેલાડી પ્રનોયની છેલ્લા એક દશકથી વધુની મહેનતને પરિણામે જ ભારતીય બેડમિંટનને આગવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં પાવરહાઉસ ગણાતા ચીન, જાપાન, થાઈલેન્ડ, મલેશિયા તેમજ ડેનમાર્ક જેવા દેશોની હરોળમાં ભારતે સ્થાન મેળવી લીધું છે. બેડમિંટન વિશ્વમાં ભારત ઉદયની ઐતિહાસિક ઘટનાને સાકાર કરવામાં પ્રનોય જેવા કેટકેટલાય ખેેલાડીઓનો ફાળો રહેલો છે. 

કેેરળના થિરુવનંતપુરમમાં જન્મેલો પ્રનોય હાલ વિશ્વના ટોચના દસ ખેલાડીઓમાં સ્થાન મેળવી ચૂક્યો છે. તેણે ભારતને ૨૦૨૨માં સૌપ્રથમ વખત થોમસ કપ પુરુષ ટીમ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે ભારત થોમસ કપના ૭૪ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહ્યું હતુ.  આ ઉપરાંત પ્રનોયે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષ એકલ વિભાગનો સુવર્ણ ચંદ્રક પણ હાંસલ કરી બતાવ્યો છે. 

બેડમિંટનની વર્લ્ડ ચેમ્પિયનશિપથી લઈને એશિયન ગેમ્સ સુધીની આંતરરાષ્ટ્રીય રમત જગતની મહત્વની અને બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ પ્રનોયે તેની ઉપસ્થિતિ ટોચના ત્રણ ખેલાડીઓમાં નોંધાવવામાં સફળતા મેળવી છે, જે તેની કારકિર્દીની આગવી વિશેષતા દર્શાવે છે. એક સમયે ભારતીય બેડમિંટન ખેલાડી આવી મેજર ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઈનલ કે સેમિ ફાઈનલ સુધી પહોંચે તો તે પણ સિદ્ધિ ગણાતી, જ્યારે ભારતીય પુરુષ બેડમિંટનમાં છેલ્લા એક દશકમાં આવેલી સ્વર્ણિમ પેઢીના સિતારાઓ પારુપાલી કશ્યપ, કિદામ્બી શ્રીકાંત, એચ. એસ. પ્રનોય અને યુવા સિતારા લક્ષ્ય સેને મેજર ચેમ્પિયનશિપમાં ચંદ્રક જીત્યા છે. તેમની સફળતાએ ભારતના યુવા ખેલાડીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવાનો આત્મવિશ્વાસ જન્માવ્યો છે. 

દરેક ખેેલાડીની પાછળ વ્યક્તિગત સંઘર્ષની સાથે મેદાન પર થતી ઈજા અને નિષ્ફળતાના કારણે સર્જાતી માનસિક અકળામણનો એક મોટો ઈતિહાસ હોય જ છે. જે આ તમામ મોરચે સંઘર્ષ કરવાની સાથે આગળ વધે છે, તેને જ સીમાચિહ્નરુપ સફળતાઓ મળી શકે છે. પ્રનોય એ દ્રઢ સંકલ્પશક્તિ અને માનસિક મક્કમતાનું જીવંત ઉદાહરણ છે, જેણે બાળપણથી જ તેની પ્રતિભા અંગે શંકા વ્યક્ત કરનાર તમામને ખોટા સાબિત કર્યા છેે. વળી, આમ કરવામાં તેણે જરાપણ અહંકાર કે તોછડાઈ કે ઉદ્ધતાઈભર્યું વર્તન દાખવ્યું નથી, પણ પોતાની પ્રતિભાને જ એટલી ઊંચે સુધી વિસ્તારી છે કે, તેની ટીકા કરનારાઓની પાસે મૌન થઈ જવા સિવાયનો કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. 

પ્રનોયના પિતા સુનિલ કુમાર ભારતીય વાયુ સેનાના અધિકારી રહી ચૂક્યા છે.  સુનિલ કુમાર એક જમાનાના અચ્છા બેડમિંટન ખેલાડી હતા અને તેઓ ઓલ ઈન્ડિયા એર ફોર્સ બેડમિંટન ચેમ્પિયનશિપ પણ જીતી ચૂક્યા છે. જ્યારે પ્રનોયની માતા હસીના ઘર પરિવારની જવાબદારી સંભાળતા. સુનિલ કુમારની ઈચ્છા પુુત્રને બેડમિંટન ખેલાડી બનાવવાની હતી અને આ કારણે તેમણે નાનકડા પ્રનોયને જાતે જ બેડમિંટનની તાલીમ આપવાની શરુ કરી દીધી. સૈન્યના પરિવારમાં જોવા મળતા કડક શિસ્ત અને નિયમિતતાને કારણે પ્રનોયના વ્યક્તિત્વનું પણ ઘડતર થયું. 

સુનિલ કુમાર નિયમિત રીતે પ્રનોયને બેડમિંટન રમવા લઈ જતાા અને તે અન્ય બાળકોની સાથે ેપ્રેક્ટિસ પણ કરતો. થોડા સમય બાદ તેમણે વિચાર્યું કે, પ્રનોયને કોઈ સારા કોચ પાસે તાલીમ માટે મુકી દઉં અને આ કારણે તેઓ પ્રનોયને લઈને એક સ્થાનિક કોચ પાસે પહોંચ્યા. તેમણે પ્રનોયનો ટેસ્ટ લીધો પછી કહ્યું કે, આ છોકરો ખુબ જ ધીમો છે.  મને નથી લાગતું કે તે સિંગલ્સ બેડમિંટન રમી શકશે. જો તમારી બહુ ઈચ્છા હોય તો તેને ડબલ્સમાં આગળ વધારો. કોચના આ શબ્દો પ્રનોયની સાથે તેના પિતા સુનિલને પણ ગમ્યા નહતા. જોકે તેમણે ત્યારે કોઈ પણ પ્રતિક્રિયા આપી નહી.

પ્રનોયે કોચની વાત સાંભળીને મનોમન ગાંઠ વાળી કે હવે ગમે તે થાય હું ટોચનો બેડમિંટન ખેલાડી બનીને જ રહીશ. દુનિયાએ ફેંકેલા પડકારને પ્રનોયે જિંદાદિલીથી ઝીલી લીધો અને પોતાની ફિટનેસ અને ઝડપમાં સુધારો કરવા માટે મહેનત કરવા માંડી. એક તરફ પ્રનોયે મહેનત શરુ કરી અને જાણે તેને ભાગ્યનો પણ સાથ મળ્યો. તે જ વેળાએ ભારતના ધુરંધર ખેલાડી પુલેલા ગોપીચંદે પોતાની બેડમિંટન એકેડમી શરુ કરી. તેમની નજરમાં આ નાનકડા છોકરાની પ્રતિભા વસી ગઈ. ગમે તેટલી મુશ્કેલ તાલીમમાં પણ ટકી રહેવાની પ્રનોયની માનસિકતાથી તેઓ ખુુબ જ પ્રભાવિત થયા. 

આખરે પ્રનોયની બેડમિંટન ખેલાડી તરીકેની કારકિર્દીના ઘડતરની જવાબદારી ગોપીચંદે ઉઠાવી લીધી અને સુનિલ કુમારે તેમના પુત્રને ગોપીચંદ બેડમિંટન એકેડમીમાં પ્રવેશ અપાવી દીધો. સિંગાપોરમાં ૨૦૧૦માં યોજાયેલા યુથ ઓલિમ્પિકમાં પ્રનોયે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જે તેની કારકિર્દીનો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ચંદ્રક હતો. ત્યાર બાદ તેણે બહેરિનમાં સૌપ્રથમ ટુર્નામેન્ટ જીતવામાં સફળતા હાંસલ કરી. જોકે, પ્રનોયની પ્રતિભાએ હજુ તો ડગ માંડવાની શરુઆત જ કરી હતી, ત્યાં જ તેને ઈજાનું ગ્રહણ લાગી ગયુ અને આ કારણ તેને બે વર્ષ સુધી ઈંતજાર કરવો પડયો. 

બે વર્ષના અત્યંત અકળાવનારા ઈંતજાર બાદ પ્રનોયે બેડમિંટનમાં ફરી જોશ સાથે પુનરાગમન કર્યું, ત્યારે તેની ઉંમર ૨૪ વર્ષની હતી. લાંબા ઈંતજાર અને સંઘર્ષનું ફળ તરત જ જોવા મળ્યું. વર્ષ ૨૦૧૪માં તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આગવી સફળતા મેળવતા બેડમિંટન જગતનું 

ધ્યાન ખેંચ્યું હતુ. ચાર વર્ષ સુધી વર્લ્ડ બેેડમિંટન ટુરની ટુર્નામેન્ટ્સમાં સખત મહેનત કરનારા પ્રનોયને તેની કારકિર્દીની સૌપ્રથમ મેજર સફળતા ૨૦૧૮માં મળી. ત્યારે તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મિક્સ ટીમની સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. 

ભારતને ૨૦૨૨માં થોમસ કપ પુરુષ બેડમિંટન ચેમ્પિયનશિપમાં વિજયી બનાવવામાં પ્રનોયે મહત્વની ભૂમિકા ભજવી. તેેણે ક્વાર્ટર ફાઈનલ અને ફાઈનલમાં આખરી અને નિર્ણાયક મેચ અત્યંત તનાવ વચ્ચે જીતીને ભારતને ટાઈટલ અપાવ્યું હતુ. આ પછી ૨૦૨૩માં હાંગઝોઉ એશિયન ગેમ્સનું આયોજન થયું. તેમાં ભારતની પુરુષ ટીમને રજત ચંદ્રક સુધી પહોંચાડવામાં પ્રનોયે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આ જ ગેમ્સમાં પુરુષોની સિંગલ્સ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જે એશિયન ગેમ્સની મેન્સ સિંગલ્સ બેેડમિંટન સ્પર્ધામાં ભારતને ૪૧ વર્ષમા પહેલીવાર મળેલો ચંદ્રક હતો. 

પ્રનોયની કારકિર્દીના ચડાવ-ઉતારમાં કોચ પુલેલા ગોપીચંદે સતત તેનો સાથ આપ્યો છે અને તેના સહારે જ પ્રનોયે આ સફળતા હાંસલ કરી હતી. તેણે ૨૦૨૩માં જ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે દેશના ટોચના ખેલાડી તરીકેનું ગૌરવ મેળવી લીધું હતું. ભારતીય બેડમિંટનમાં કિદામ્બી શ્રીકાંત બાદ પ્રનોયે પોતાનું આગવું પ્રભુત્વ જમાવ્યું છે. લક્ષ્ય સેન જેવા યુવા ખેલાડીએ શરુઆત તો સારી કરી છે, પણ તેણે સાતત્ય દાખવવાનું છે. હવે પેરિસ ઓલિમ્પિક નજીક છે, ત્યારે પ્રનોય ભારતને વધુ એક ચંદ્રક અપાવે છે નહીં, તેના પર ભારતીય રમત ચાહકોએ મીટ માંડી છે.

Gujarat