mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વસમી વિદાયની વેળા એટલે કે ફેરવેલ પાર્ટીની વાત

Updated: May 26th, 2024

વસમી વિદાયની વેળા એટલે કે ફેરવેલ પાર્ટીની વાત 1 - image


- મિત્ર કે આપ્તજનના જીવનના અંતિમ ચરણમાં ઉજવણીની યાદગાર પળો માણવાના અવસરનું આપણે ત્યાં કલ્ચર નથી

- હોરાઈઝન-ભવેન કચ્છી

- ભૂતપૂર્વ સાથી ક્રિકેટરોએ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માઇક હેન્ડ્રિકને તેના અંતિમ દિવસોમાં ફેરવેલ ડ્રિંક પાર્ટી આપી હતી

ઇં ગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર માઇક હેન્ડ્રિકનું અવસાન થયે આમ તો ત્રણ વર્ષ થઈ ગયાં પણ તે તેના સમયમાં જે ખેલાડીઓ જોડે રમતો હતો તેની સાથેનો એક ગ્રુપ ફોટો હમણાં જોવામાં આવ્યો. આ કોઈ સામાન્ય રીતે આપણે ફોટો ખેંચતા હોઈએ તેવો મિત્રો જોડે સહપ્રવાસ કે કોઈ ફંકશનમાં ભેગા ત્યારનો ફોટો નહોતો.

પણ ક્રિકેટર મિત્રોએ  યોજેલ 'ફેરવેલ ડ્રિંક પાર્ટી' હતી. માઇક હેન્ડ્રિક ક્રિકેટમાંથી નિવૃત્ત થવાના હોય તે વખતની આ 'ફેરવેલ' પાર્ટી નહોતી પણ જીવનમાંથી ચિરવિદાય પૂર્વેની ફેરવેલ ડ્રીંક પાર્ટી હતી.હેન્ડ્રિકને કેન્સરની બીમારી હતી અને તબીબોએ કહી દીધું હતું કે વધુમાં વધુ તમે કેટલા દિવસો જીવી શક્શો. તેમના જીવનના અંતિમ દિવસો પહેલા મિત્રોએ કહ્યું કે 'તારી નાદુરસ્ત તબિયતને લીધે પાર્ટી માટે  બહારના કોઈ સ્થળે તો તને આમંત્રણ આપી ન શકીએ પણ તારે ઘેર જ આપણે બધા ભેગા થઈએ. અમારી ઇચ્છા તને ફેરવેલ ડ્રીંક પાર્ટી આપવાની છે. આપણે હંસી મજાક સાથે ક્રિકેટના અને એશિઝ જંગના યાદગાર સંસ્મરણો વાગોળીશું.'

બધા મિત્રોએ તે પછી સોશિયલ મીડિયામાં ફોટા સાથે પોસ્ટ પણ મૂકી.

આપણે એવું માનતા હોઇએ છીએ કે પશ્ચિમ જગતમાં તો બધા પોતપોતાની દુનિયામાં એકલતાથી સ્વકેન્દ્રી બનીને જીવન વિતાવે છે. અમુક વય પછી સંતાનો અને માતા પિતાના વચ્ચેના સંબંધો ત્યાં નથી પ્રવર્તતા. સમાજ વ્યવસ્થા, લાગણી અને સંવેદના પશ્ચિમના દેશોમાં જોવા જ નથી મળતી. પણ આ એક મોટી ગેરસમજ છે.

યાદ રહે પાર્ટી, ગેટ ટુ ગેધર,બુફે, હાઉસ વોર્મિંગ, બેબી શાવર , ફાધર ડે, મધર ડે, ફ્રેન્ડશિપ ડે, કીટી પાર્ટી અને મિત્રો ભેગા થાય ત્યારે  ફિલ્મ ગીત ગાય (કારીઓકે) આ બધું જ પશ્ચિમના દેશોની નીપજ છે. હા, સામાન્ય દિવસોમાં તેઓ એકબીજાના અંગત જીવનમાં માથું મારતા નથી અને પ્રાઈવસીને મહત્વ આપે છે. તેઓનું જીવનથી માંડી મૃત્યુ પણ સ્વાવલંબી હોય છે. પરિવારજનો અંતિમ સમયે સાથે ન હોય તો પણ તેઓ પરત્વે રજ માત્ર કડવાશ નથી હોતી. કેમ કે શક્ય છે કે તેમણે પણ તેમના આપ્તજનના અંતિમ સમયે આ જ રીતે હાજરી આપી ન હોય તેવું બને.

સગા સૌ સ્વાર્થના, જોયુંને કેવા મતલબી થઈ ગયા, સમય સમય બળવાન છે જેવા નિ:સાસાની તો તેઓને ખબર જ નથી.

પશ્ચિમના દેશોમાં 'જીવતા જગતિયું' જેવી દ્રષ્ટિ જોઈ શકાય છે. હયાતીમાં જ જીવનને માણી લેવું.મિત્રો અને આપ્તજનો જોડે ઉજવણી કરવી.

આપણે ત્યાં કોઈ મિત્ર કે પરિવારજન કોઈ અસાધ્ય બીમારીને લીધે કે વૃધ્ધાવસ્થાને લીધે તેના જીવનના અંતિમ ચરણમાં હોય ત્યારે મિત્રો કે પરિવારજનો તે મૃત્યુ ભણી આખરી ડગ માંડતી વ્યક્તિની હાજરીમાં જ 'ફેરવેલ પાર્ટી' યોજતા હોય તે પરંપરા નથી. હા, મૃત્યુ પછી તે વ્યક્તિ માટે ગુણગાન ગાવાની જાણે સ્પર્ધા થાય છે. સોશિયલ મીડિયામાં પણ મોટા મોટા નિબંધ તે સ્વર્ગસ્થ વ્યક્તિ માટે લખાય.ત્યારે આપણને થાય કે કાશ તે વ્યક્તિની હયાતીમાં જ તેના માટેની લાગણી અને પ્રેમ વ્યક્ત કર્યો હોત તો તે વ્યક્તિ કેટલી પ્રસન્નતાની ઝોળી ભરીને સ્વર્ગે સિધાવી હોત.

એવું જરૂર નથી કે બીમારીના કે વૃધ્વસ્થાના અંતિમ ચરણમાં છો તેટલા માટે આ પાર્ટી આપીએ છીએ તેમ તે વ્યક્તિને કહીએ. પણ તે નિમિત્તે ઓછા ખર્ચે પણ એક પારિવારિક સ્નેહ મિલન તો રાખી જ શકાય.

વિદેશમાં મૃત્યુની વાત કરવી અમંગળ  કે ભય અને આઘાતજનક તે હદે નથી ગણાતી.તબીબો પણ પરિવારજનો અને વ્યક્તિને નિદાન થતાં જ કહી દે છે કે હવે કેટલી આવરદા બાકી છે.

આપણે લેખની શરૂઆતમાં ક્રિકેટર માઇક હેન્ડ્રિકની વાત કરી છે તેમને આંતરડાનું કેન્સર હતું અને તબીબો તેને તબક્કાવાર કહેતા કે હવે વધુમાં વધુ છ મહિના ...ચાર મહિના..બે મહિના તમારા જીવનના બાકી છે. 

એક વખત ભૂતપૂર્વ સાથી ક્રિકેટરમાંથી કોઈએ ફોન કર્યો કે 'માઇક હવે કેમ છે?' તો માઇક હેન્ડ્રિકે ભાવુકતા સાથે કહ્યું હતું કે 'હું અંતિમ યાત્રાની તૈયારી સાથે લાઉન્જમાં બેઠો છું. બસ ગમે ત્યારે વિમાન આવશે..વિમાનની રાહ જોઉં છું.'

મિત્રએ તેના સાથી મિત્રોને માઈકના અંતિમ દિવસો નજીક આવે છે તે વાત કરી અને માઇકને ઘેર જ ખાસ મિત્રો બિયર પાર્ટી માટે ભેગા થયા. માઇકને કહેવામાં જ આવ્યું હતું કે 'આ તારી ફેરવેલ પાર્ટી છે.' કોઈ રડવાનો કકળાટ નહોતો.કૃત્રિમ લાગણીઓના પેગ જેવી શેર શાયરી કે  એકબીજા પર સાહિત્યિક સિધ્ધિ બતાવતી સ્પર્ધામાં તે પાર્ટી ફેરવાઈ નહોતી ગઈ.બસ ક્રિકેટ શ્રેણી, પ્રવાસ અને કાઉન્ટી ક્રિકેટના અરસામાં કોલેજ, હોસ્ટલની યાદો યુવાનો કરતા હોય તેમ તે દિવસે બધા યુવાન બની ગયા હોય તેમ તસવીર જોઈને જ લાગશે.પાર્ટીમાં જ્યોફ બોયકોટ પણ છે જે ખુદ કેન્સર સામે ઝઝુમી રહ્યા છે.તે પણ મનોમન વિચારતા જ હશે કે આગામી સમયમાં તેના માટે પણ આવી  ફેરવેલ પાર્ટી યોજાશે જ. કેન્સરને કેન્સલ કરી જ શકાય છે એટલે જેઓને કેન્સર થયું છે તેની વાત નથી પણ કોઈપણ બીમારીમાં પણ એવું આખરી સ્ટેજ આવી જ શકે છે. જેઓ વૃદ્ધ વયના છે તેઓ શતાયુ થાય તેની શુભેચ્છા જ હોય પણ વ્યક્તિ વૃદ્ધ હોય અને સગા સ્નેહીઓ જોડે પાર્ટી માણી શકે,તેના માટેની લાગણીઓ ઝીલી શકે તે અવસ્થામાં હોય ત્યારે જ સ્નેહ મિલન યોજી જ શકાય.

વિદેશમાં તો જે દર્દી કે વૃદ્ધ વ્યક્તિ અંતિમ તબક્કામાં હોય તેઓ જ સામે ચાલીને સ્પષ્ટ આમંત્રણ જ એવી રીતે આપે છે કે 'આ મારી ફેરવેલ પાર્ટી છે.' તેવી જ રીતે મિત્રો યોજતા હોય તો તેઓ જ તે વ્યક્તિને જણાવે છે કે 'હવે તું ગમે ત્યારે વિદાય લઈશ તે પહેલા એક છેલ્લી વખત ખાણી પીણી સાથે થઈ જાય.'

પાર્ટી શબ્દ આવતા જ એવો અંદાજ માંડતા હોઈએ છીએ કે ત્રણસો - પાંચસો આમંત્રિતોનો મેળાવડો હોવો જોઈએ.ના,એવું નથી દિલોજાન જેવા આઠ દસ મિત્રો કે જેમની જોડે બાળક બનીને ખીલી જવાય તેવા જૂજ પરિવારજનોની હાજરીમાં જ 'ફેરવેલ પાર્ટી' યોજાતી હોય છે.કેમ કે આ અંતિમ અને જીવન જીવ્યા, માણ્યાનો એહસાસ કરાવી શકે તેવા સાથેની પાર્ટી છે.આને ખરાબ લાગશે અને તેને લાગશે તેવી તો વિદેશમાં કોઈને દરકાર પણ નથી હોતી.પાર્ટી જેના માટેની હોય તેની વાતો કરીને તેને આગળ કરવાનો હોય છે પોતાની ડંફાસ મારવાની કે દંભી હરકતો કરનારા પર ચોકડી મારી દેવામાં આવે છે.

;;;

આપણે ત્યાં જીવનના અંતિમ ચરણમાં આવી પહોંચેલ વ્યક્તિ દ્વારા કે તેના માટેની  ફેરવેલ પાર્ટીનું કલ્ચર નથી. જો તેવું થાય તો આવકાર્ય છે. મોટેભાગે એવું બનતું હોય છે કે આપણે બીમાર કે ઘણા લાંબા અરસાથી પથારીવશ પરિચિતને ભાગદોડ ભરી જીંદગીમાં ભૂલી જ જતા હોઇએ છીએ. ઓફિસના વડીલ સહકર્મચારી હોય કે એક અરસામાં રોજેરોજ મળતા મિત્ર કોઈ જ કારણ વગર એમ જ હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે.

આવા વ્યક્તિનું મૃત્યુ થાય અને તેનો કોઈ મિત્ર તેના સંસ્મરણોની વાત છેડે  ત્યારે એમ લાગે કે આ મિત્ર તો તેના રોજિંદા સંપર્કમાં હશે તે રીતે વાત કરે છે. આપણાથી સહજ એમ પુછાઇ જાય કે તમે 'મૃતક ભૂતપૂર્વ સહકર્મચારી કે મિત્રને છેલ્લે ક્યારે મળ્યા હતા તો તે એક જ શહેરમાં રહેતી તે વ્યક્તિ છોભીલી પડતા જવાબ આપે છે કે 'બે વર્ષથી તો મળી નહોતું શકાયું. એકાદ બે વખત ફોન કર્યો હતો પણ કોઈ જવાબ નહોતો આવ્યો, પછી રહી જ ગયું'

આપણા સૌની આ વાત છે તેમ સમજવું. આ લેખ વાંચીને મારે અને તમારે એવી યાદી બનાવવી જોઈએ કે એક અરસામાં રોજ ઓફિસમાં મળતા કે અવારનવાર મિલન મુલાકાત થતી તેવા વડીલોની મુલાકાત લઇએ.

;;;

અને છેલ્લે.. આજે પણ બેંક, વીમા કંપની, સરકારી ઓફિસ અને જાહેર ક્ષેત્રમાં કર્મચારી નોંધપાત્ર વર્ષો નોકરી કરીને નિવૃત્ત થાય ત્યારે સ્ટાફ કે ક્રેડિટ સોસાયટી દ્વારા તે વ્યક્તિને ફેરવેલ પાર્ટી આપવાની પરંપરા જળવાઈ રહી છે. કર્મચારીની સેવાને બિરદાવતા સહકર્મચારી મનનીય વક્તવ્ય આપે. મેનેજમેન્ટ તરફથી પણ ઉપરી અધિકારી હાજર હોય. કર્મચારીના પરિવારની હાજરીમાં આવો વિદાય સમારંભ યોજાતો હોઇ કર્મચારી જીવનના સંભારણા અને સાફલ્ય તરીકે આ વિદાય સમારંભ ભીની આંખો સાથે મૂલવે છે.

હાર તોરા, શાલ અને કોઈ ભેટ આપીને તેનું સન્માન થાય. બધા ભોજન લઈને છુટા પડે છે.

પણ, જાહેર કે ખાનગી કંપનીમાં આ સૌજન્ય વિસરાતું જાય છે. કર્મચારીઓ વચ્ચે કોઈ ખાસ આત્મીયતા જોવા નથી મળતી. કોઈ જ દેખીતા કારણ વગર બધા ચહેરા પર બોજ લઈને ફરતા હોય છે. સમગ્ર સ્ટાફ ખાણી પીણીની રીતે નાના નાના સર્કલમાં વહેંચાઈ જતો જોઈ શકાય છે. કર્મચારી અન્ય કંપનીમાં જોબ લે કે વર્ષોની નોકરી બાદ નિવૃત્ત થાય કોઈને  જાણે ખબર જ નથી હોય તેમ બધા વર્તે છે. આજે છેલ્લો દિવસ હોય અને કાલથી નિવૃત્ત થવાનું છે તો પણ કોઈ લાગણી વ્યક્ત નથી થતી. કર્મચારીને કેવું અજીબ લાગે. અડધી જિંદગી જ્યાં વિતાવી છે ત્યાં ઠંડો પ્રતિસાદ અને બોદો પડઘો લઈને પરત ફરવાનું. લાગણીશીલ વ્યક્તિ આવો સમાજ જોઈને ડિપ્રેશનમાં સરકી જઈ શકે છે.

તો આપણે આવા ફેરવેલ કલ્ચરની પણ જરૂર છે. ;

Gujarat