સક્કરબાર .

વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
'એક નાની સરખી આરમારની સજાવટ હોય એવો... માછલિયો મછવો પોતાના બોજથી બમણા સઢનો ભાર ઉપાડીને દરિયામાં જાણે ઊડતો જતો હતો. આટલો ઊંચો ને આટલો મોટો સઢ આ મછવાએ જોયો ન હતો.
ગુ જરાતીમાં ગુણવંતરાય આચાર્ય જેવી સાગરકથાઓ ભાગ્યે જ કોઈએ લખી હશે. 'સક્કરબાર' નવલકથા લખાઈ ૧૯૫૨માં સક્કરબાર એટલે દરિયાનો શકરો, ચાંચિયો. નવલકથાનો પ્લોટ એવો છે કે ઇરાનના બાદશાહે માગણી કરી કે શાહજાદાના લગ્નપ્રસંગે વીસ ખાનદાન ઘરની હિંદુ યુવતીઓને દાસી-ગુલામડી તરીકે લઇ આવવી. ગુજરાતના નાના ગામમાંથી વીસ કુંવારિકાઓને જંજીરાની આરમારમાં ચડાવી દેવામાં આવી. આની ખબર પડતાં રતનચંદ નામે છોકરો ભાયડો મછવો લઇને પૂંઠે પડયો. ત્યાર પછી 'સક્કરબાર' તરીકે ઓળખાતો અમૂલખ દેસાઈ પણ જહાજ લઇને યુવતીઓને ઉગારવા નીકળ્યો. રતનચંદની સાથે હુકમજી નામે ખારવો અને એક અપહૃત કન્યાનો પિતા મંગળજી પણ હતા. મછવાએ તો કાંઠે કાંઠે જવાનું હોય. મધદરિયે જવા માટે એનું નિર્માણ ન થયું હોય. તોય રતનચંદે તોતિંગ આરમારનો મધદરિયે પીછો કર્યો. તેની ગોસ (સમદર-સફર)નું વર્ણન લેખકના શબ્દોમાં :
'એક નાની સરખી આરમારની સજાવટ હોય એવો... માછલિયો મછવો પોતાના બોજથી બમણા સઢનો ભાર ઉપાડીને દરિયામાં જાણે ઊડતો જતો હતો. આટલો ઊંચો ને આટલો મોટો સઢ આ મછવાએ જોયો ન હતો. ખૂવા ઉપર ચડાવેલો તોક હીંચ લેતો હતો ને એટલુંય અધૂરું હોય એમ મછવાને પાછોતરો વેગ આપવાને રતનચંદે નવો જ સથ્થો નાખીને કલમી બાંધી હતી. ને કલમી ઉપર પણ નાનકડો સઢ ફરકતો હતો. જાણે... મલબારી ફત્તેહમારીનો ચાળો પાડતો હોય એવો રતનચંદ એના દરિયાના ઘોડા ઉપર સવાર થયો હતો.' (વહાણવટાના અજાણ્યા લાગતા શબ્દોના અર્થ પુસ્તકમાં અપાયા છે. જેમાંના થોડા આ લેખને અંતે મુકાયા છે.) હુક્મજી ખારવાએ મછવાને માથે આવી મોટી પાઘડી કદી જોઈ નહોતી. મોરોવંઢારની લંબાઈ કરતાં ખૂવો ઊંચો હોય જ નહિ. વહાણ તરે નીરમમાં, ને સરે ભરતમાં, પણ આમ ઘોડાની જેમ ઠેકડા મારે ખરું ? સુકાનનો દાંડો રતનચંદની મજબૂત પકડમાં હતો. મછવાનું પાટિયે પાટિયું ચીસ પાડતું હતું. સઢનું પોતેપોત ફરિયાદ કરતું હતું. પણ રતનચંદ જળોની જેમ સુકાનના દાંડાને વળગ્યો હતો. એક દિવસ અને એક રાત ગઇ, ને મછવાની ચાલ કોઠે પડવા લાગી. હુક્મજીના પગ સ્થિર રહેવા લાગ્યા. મંગળજીને પેટનું વલોણું બંધ થતું લાગ્યું.'આ લાંબી ઝીંક ઝીલશે નહિ.' હુક્મજી બોલ્યો. રતનચંદ હસ્યો, 'ચાર દિવસ આમ ને આમ નીકળી જાય તો જંજીરાની આરમાર ભલે ને પંખણી જેવી હોય, તો પણ ભેટાડી દઉં.'
હવે મછવામાં પાણી ભરાવા માંડયું. હુક્મજી એક વાટ પૂરે ત્યાં બીજી સાંધ ફૂટે ને બીજી સાંધ પૂરે ત્યાં ત્રીજી ફૂટે. ચીકલ હજી પુરાય નહિ ત્યાં ધોવાઈ જાય. નીચેનાં પાણી ચડતાં ચડતાં ગોઠણ સમાણાં થયાં. મછવો દારૂ પીધેલો માનવી ડોલે એમ ઝોકાવા લાગ્યો. 'બસ કર બાપલા, આ સઢ મછવાનો જીવ લેશે.' જવાબમાં રતનચંદ બોલ્યો, 'બસ કરું ? આ સઢોના ફફડાટમાં તમારી બહેનોનાં હૈયાંના ફફડાટ નથી સંભળાતા ?'
એકાએક રતનચંદે સઢની ઝોકમાં પગ ભરાવ્યા, તોકના છેડાને બગલામાં પકડયો, નેજવું કરી તાકી રહ્યો, ને ફાટયા અવાજે બોલ્યો, 'સમાલ બેલી સમાલ !' જંજીરાની આરમાર !' ઉશ્કેરાટમાં હુક્મજી સુકાન સંભાળવાને બદલે સઢની ઉપલી ગાંઠમાં પગ ટેકવવા દોડયો, ને એક કડાકો થયો. પ્રચંડ મોજાની ઝીંક મછવાએ ઝીલી નહિ ને પવન સઢમાં તીરકસ પેઠો. કડાકા સાથે સઢ ઊભો ચિરાયો ને તાણ છૂટતાં તોક બટકીને અરધો બહાર પડયો. બાજની ચોટમાં પંખી પડે તેમ રતનચંદ નીચે પડીને લોહીનો ઢગલો થઇ ગયો. ખારવાઓએ પોતાનું કામ કરી દેખાડયું. હવે આરમારને રોકવાનું કામ દરિયાલાલે કરવાનું હતું. હુક્મજીએ દૂર દૂર લાલ સોળ ઊઠતાં જોયા, જાણે લોહિયાળ પંજો ઊંચો થતો હતો. તે બરાડી ઊઠયો, 'રતનચંદ, ઊઠ ! ગાજૂસ, ગાજૂસ ! દરિયાલાલ તાંડવ ખેલવા નીકળ્યા છે.' એક તરફ દરિયાનું તળિયું દેખાયું ને બીજી તરફ દરિયો આભમાં કૂદતો દેખાયો.સો સો ફૂટ ઊંચો પાણીનો થાંભલો ચક્કર ચક્કર ઘૂમતો હતો. એક પ્રચંડ મોજા પર આરમાર ચડતી દેખાઈ અને જાણે કૂવામાં ડૂબી ગઈ.
(વહાણવટાની શબ્દસૂચિઃ- ખૂવોઃ વહાણમાં સઢ બાંધવા ઊભો કરાતો કૂવાથંભ, તોકઃ મોટા ખૂવા પર બાંધવામાં આવતો નાનો ખૂવો, કલમીઃ નાના ખૂવા પરનો સઢ, સથ્થોઃ વહાણ પર જડેલી બાંકડા જેવી બેઠક, મોરોઃ વહાણનો આગલો ભાગ, નીરમઃ ખાલી વહાણ ઊછળે નહિ માટે ભરાતો નકામો બોજ, વાટઃ પાટિયામાંથી પાણી ઝમતું રોકવા ભરાતી તેલમાં બોળેલી રૂની વાટ, ગાજૂસઃ રણ ઉપરથી દરિયામાં આવતો ખૂબ ગરમ પવન)
લેખકે વહાણવટાનાં નવાંજૂનાં પુસ્તકોમાંથી શબ્દસૂચિ મેળવીને પ્રયોજી છે, પણ કૃત્રિમતા ક્યાંય વરતાતી નથી. ખારવાના ખોળિયામાં પ્રવેશીને લેખક તેમની બોલી બોલે છે. અહીં વીરરસ પ્રધાન છે. આવડા મોટા મહાસાગરમાં આધુનિક ઉપકરણો વગર મછવો શી રીતે આરમારને શોધી શકે ? પરંતુ અતિશયોક્તિનો અલંકાર સાહિત્યકારોએ સ્વીકૃત ગણ્યો જ છે. લેખકે કથાદોરને શિથિલ નહિ પણ તંગ-એકશન પેકડ-રાખ્યો છે. નાની નાની ક્રિયા વર્ણવીને કથા ઉપરાંત જાણે પટકથા પણ લખી છે. તોફાનમાં સપડાયેલા વહાણ વિશેની પંક્તિઓ યાદ આવે છે :
મધદરિયે વીજળી વેરણ થઇ
વેરી થયાં વાદળ
પડયાં પાછળ
કાળવી તે પાંખને ફફડાવતાં
સૂર્ય જેવા સૂર્યને પણ ઢાંકતાં
ચિચિયારીએ ચિચિયારીએ
ચીરે ચીરા ઉરાડતાં
લોહીના લીરેલીરા ઉરાડતાં
મોજાંઓ મારે સામી ને આડી
ને ખૂવા પર મૂકેલો તોક
લેતો ઝોક
બુડ બુડ સાંધ
ડુબ ડુબ બાંધ
પીટયાં પાટિયાં હેજી
કરે હુંકાર બેલી
ખારા જળનો ખારવો તું
વાયરાને વઢ
લોઢ સાથે લઢ
કરી કેસરિયા સંકેલાય ના
તેસરિયા તારા સઢ

