For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘઉંના લહેરાતા ખેતરોથી ભારતીય હોકી ટીમના કેપ્ટન સુધીની હરમનપ્રીતની શાનદાર સફર

Updated: Jan 22nd, 2023


- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ ચંદ્રક જીતનારી ભારતીય હોકી ટીમની સામે ઘરઆંગણે વિશ્વવિજેતા બનવાની ગોલ્ડન તક

- કિશોરાવસ્થામાં ટ્રેક્ટરના ગિયર પાડી-પાડીને કસેલા કાંડા અને બાવડાને સહારે હરમનપ્રીતે વિશ્વના ડ્રેગ ફ્લિકર તરીકે નામના મેળવી 

વક્ત રહેતા નહીં કહીં ટીક કર - સમયનો નિરંતર વહેતો પ્રવાહ એ પરિવર્તનનો સૂચક છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસનું ચક્ર અવિરત ચાલ્યા કરે છે, તેવી જ રીતે સફળતા પછી નિષ્ફળતા અને ફરી એજ ક્રમ દહોરાયા કરે છે. એક સમયે આંતરરાષ્ટ્રીય હોકીમાં ભારતનો સૂર્ય સોળે કળાએ ખીલી ઉઠયો હતો. તે સમયે યુરોપ-અમેરિકાના દેશો ભારતીય હોકીને-હોકી ખેલાડીઓને ભારે આદરપૂર્વક જોઈ રહેતા. જોકે સમયે પડખું ફેરવ્યું ને ધીરે ધીરે ભારતીય હોકી સાવ અંધકારની ગર્તામાં પહોંચી ગઈ હતી. જોકે હવે ક્ષિતીજે નવી આશાના સૂરજના આગમનનો ઉજાસ જોવા મળી રહ્યો છે. 

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મેન્સ હોકી ટીમે ૪૧ વર્ષ પછી જીતેલા ચંદ્રકની કાંસ્ય મઢેલી ચમક નવી શરુઆતની ઉદઘોષણા સમાન છે. હવે જ્યારે ઘરઆંગણે પુરુષ હોકીનો વિશ્વકપ યોજાઈ રહ્યો છે, ત્યારે દેશવાસીઓની આંખોમાં વિશ્વવિજેતા બનવાનું સ્વપ્ન ચમકી ઉઠયું છે. ભારતે સૌપ્રથમ હોકી વિશ્વકપ જીત્યો, તે ઘટનાને ૪૮ વર્ષ થઈ ચૂક્યા છે. હવે આ દુકાળનો અંત આણવાની જવાબદારી ૨૭ વર્ષના કેપ્ટન હરમનપ્રીત સિંઘ અને તેના સાથીઓના ખભા પર છે. 

છેલ્લા સાત વર્ષથી આંતરરાષ્ટ્રીય હોકીમાં સાતત્યભર્યો દેખાવ કરનારા ડ્રેગ ફ્લિકર અને ડિફેન્ડર એવા હરમનપ્રીત સિંઘને ભારતે વર્લ્ડકપમાં કેપ્ટન તરીકેનો તાજ પહેરાવીને આશ્ચર્ય સર્જનારો પણ યોગ્ય નિર્ણય લીધો હતો. હરમનપ્રીત સિંઘે ભારતીય હોકી ટીમની તાજેતરની સફળતાઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટોક્યો ઓલિમ્પિકનો ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ હોય કે પછી કોમનવેલ્થ તેમજ એશિયન અને પ્રો લીગના મેડલ્સ દરેકમાં હરમનપ્રીતના ગોલ અને તેનું ડિફેન્સ ભારત માટે નિર્ણાયક સાબિત થયા હતા અને થઈ રહ્યા છે. હરમનપ્રીત આંતરરાષ્ટ્રીય હોકીમાં ૧૦૦ ગોલના માઈલસ્ટોનને પાર કરી ચૂક્યો છે, તેની સાથે સાથે સતત બે વાર વિશ્વ હોકીના શ્રે ખેલાડી તરીકેનો એવોર્ડ પણ જીતી ચૂક્યો છે. 

ફૂટબોલમાં સ્ટ્રાઈકર કે ફોરવર્ડ ખેલાડીની જેવી ભૂમિકા હોય છે, તેવી જ હોકીમાં ડ્રેગ ફ્લિકરની છે. જે પેનલ્ટી કોર્નર પરથી સાથી ખેલાડીએ પ્લે એરિયામાં પહોંચેલા બોલને ડ્રેગ કરીને ગોલ પોસ્ટમાં મોકલી આપે છે. આ કૌશલ્યમાં કાંડા અને બાવડાના પાવરની સાથે સાથે ગોલકિપર અને ડિફેન્ડરોથી બોલને બચાવીને ગોલ મોકલી આપવી કુશળતાની જરુરિયાત રહે છે. હરમનપ્રિતે આ ડ્રેગ ફ્લિકમાં મહારત હાંસલ કરી છે અને આ જ કારણે તે હાલની ભારતીય હોકી ટીમના આધારસ્તંભ સમાન બની રહ્યો છે. 

હોકીને આત્મસાત કરનારા પંજાબના અમૃતસરમાં આવેલા જંડિયાલા ગુરુ બસ્તીના તિમ્મોવલ ગામમાં ૬ જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ ખેડૂત પરિવારમાં હરમનપ્રીતનો જન્મ થયો હતો. હરમનપ્રીતના પિતા સરબજીત સિંઘ ખેડૂત હતા. જ્યારે તેની માતા રાજવિંદર કૌર ઘરકામ કરતી. સરબજીત સંપન્ન ખેડૂત હતા અને તેમની પાસે સારી એવી જમીન પણ હતી. હરમનપ્રીત અને તેનો મોટોભાઈ કોમલપ્રિત બાળપણમાં પિતાની સાથે ટ્રેક્ટરમાં બેસીને ખેતરે જતાં અને આખો દિવસ ખેતરમાં કામ કરતાં. 

નાનકડા હરમનપ્રીતને ટ્રેક્ટરનું જબરું આકર્ષણ હતુ. તે ટ્રેક્ટરના વિશાળ પૈડાને આશ્ચર્યથી જોઈ રહેતો અને તેમાંય જે પ્રકારે તેના પિતા ટ્રેક્ટર ચલાવતા તે જોઈને વિચારતો કે હું પણ મોટો થઈને ટ્રેક્ટર ચલાવીશ. આ દરમિયાન તેની નજર ટ્રેક્ટર ગિયર પર પડી. તેના પિતા ખુબ જ કુશળતાથી ગિયર બદલતા, પણ બંધ ટ્રેક્ટરના ગિયર બદલવાની મથામણ કરતાં હરમનપ્રીતને નિષ્ફળતા જ મળતી. તેના પિતા નાનકડા હરમનપ્રીતના પ્રયાસો પર હસી પડતા પણ સમય જતાં કિશોરાવસ્થામાં પ્રવેશેલા હરમનપ્રીતને તેમણે ટ્રેક્ટર ચલાવતા અને ગિયર બદલતા શીખવી દીધું. જોકે નાનકડા હરમનપ્રીતને ટ્રેક્ટરનો ગિયર બદલવા માટે ખુબ જોર લગાવવું પડતુ. તેના આ જ પેશનને કારણે તેના કાંડા અને બાવડા મજબુત બન્યા, જે તેને આગળ જતાં હોકીના મેદાનમાં ઉપયોગી સાબિત થયા. 

હરમનપ્રીત પણ વિદ્યાર્થીકાળમાં ગામના અન્ય બાળકોની જેમ હોકી તરફ આકર્ષાયો. આક્રમક મિજાજ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હરમનપ્રીતની ખ્વાઈશ તો સ્ટ્રાઈકર બનવાની હતી. તે હરિફ ટીમના સર્કલમાં ગોલ ફટકારવાનો પ્રયાસ કરતો રહેતો. તેણે લુધિયાણાની પંજાબ યુનિવર્સિટી એકેડમીમાં હોકીની પ્રારંભિક તાલીમ મેળવી અને ત્યાર બાદ ૨૦૧૧માં તેને જાલંધરની જાણીતી સુરજીત હોકી એકેડમીમાં એડમિશન મળી ગયું. જ્યાં તેને એકેડમીના સિનિયર ખેલાડી સિમરનજીત સિંઘ અને ગગનપ્રીત સિંઘનું પણ માર્ગદર્શન મળ્યું હતુ. 

કિશોરાવસ્થામાં હરમનપ્રીત તે સમયના ભારતના ટોચના ડ્રેગ ફ્લિકર જુગરાજ સિંઘથી ખુબ જ પ્રભાવિત થયો હતો. અત્યંત પ્રતિભાશાળી જુગરાજ સિંઘ જે પ્રકારે ગોલ ફટકારતો તે જોઈને લાગતું કે તે આંતરરાષ્ટ્રીય હોકીમાં સૌથી વધુ ૩૪૮ ગોલના પાકિસ્તાનના સોહૈલ અબ્બાસનો રેકોર્ડ તોડી નાંખશે. જોકે ૨૦૦૩માં નડેલા અકસ્માતને કારણે જુગરાજની કારકિર્દી રોળાઈ ગઈ. હરમનપ્રીત માટે જુગરાજ આદર્શ સમાન હતો. જુગરાજે હરમનપ્રીતની રમતમાં નિખાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોશ, ઝનૂન અને કૌશલ્યના ત્રિવેણી સંગમ સમાન હરમનપ્રીતને ૨૦૧૧માં સૌપ્રથમવાર ભારતની જુનિયર હોકી ટીમમાં સ્થાન મળ્યું હતુ. 

હરમનપ્રીતે ત્યાર બાદ ૨૦૧૪માં રમાયેલા સુલતાન જોહોર કપમાં છ મેચમાં ૯ ગોલ ફટકારીને સનસનાટી મચાવતા ભારતને ચેમ્પિયન બનાવ્યું હતુ. ૧૯ વર્ષની વયે તેને ભારતની સિનિયર હોકી ટીમમાં સ્થાન મળ્યું. જોકે તેની કારકિર્દીની ખરી ઉડાન તો ૨૦૧૬માં તે ૨૦ વર્ષનો થયો ત્યારથી શરુ થઈ હતી. જ્યાં તેણે ભારતને સુલતાન અઝલાન શાહ કપમાં રનર્સઅપ બનાવ્યું. તેની સાથે હોકી વર્લ્ડકપ પછીની પ્રીમિયર ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતને ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયા સામે હારતાં ભારત સિલ્વર મેડલ જીત્યું, જે પણ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતનો પહેલો મેડલ હતો. તેને રિયો ઓલિમ્પિક માટેની ટીમમાં પણ તક મળી હતી. જોકે તેમાં તે પ્રભાવ પાડી શક્યો નહતો અને તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.

અલબત્ત, હરમનપ્રીતે ૨૦૧૬માં ભારતને જુનિયર હોકી વર્લ્ડકપમાં વિજેતા બનાવતા ફરી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતુ. ત્યાર બાદ ૨૦૧૭માં તેણે સાત ગોલ ફટકારતાં ભારતને એશિયા કપમાં ત્રીજીવાર ચેમ્પિયન બનાવ્યું હતુ. એશિયા કપની સેમિફાઈનલમાં પાકિસ્તાન સામેનો તેનો ગોલ દર્શનીય રહ્યો હતો અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં તે અને મલેશિયાનો ફૈઝલ સાએરી બરોબરી પર રહ્યા હતા. ભારતીય હોકી ટીમના એક્સપર્ટ ડ્રેગ ફ્લિકર તરીકે પોતાનું સ્થાન સુદ્રઢ કરનારા હરમનપ્રીતે સફળતાના સિલસિલાને આગળ ધપાવ્યો હતો. 

હરમનપ્રીત તેની કારકિર્દીના શ્રે તબક્કામાં ૨૦૧૮માં પહોંચ્યો હતો. જ્યાં તેણે જબરજસ્ત દેખાવ કરતાં ભારતને એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં સુવર્ણ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં રજત અને એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક અપાવ્યા હતા. કોરોનાના કારણે એક વર્ષ વિલંબથી યોજાયેલા ટોક્યો ઓલિમ્પિકમાં હરમનપ્રીતના ડ્રેગ-ફ્લિકે કમાલ કરતાં ભારતને ૪૧ વર્ષ બાદ મેડલ અપાવ્યો હતો. ભારતનો આ કાંસ્યચંદ્રક એ ભારતીય મેન્સ હોકી ટીમે છેલ્લે ૧૯૮૦ના ઓલિમ્પિકમાં જીતેલા સુવર્ણ પછીનો સૌપ્રથમ ચંદ્રક હતો. આ સફળતાની સાથે હરમનપ્રીતે ભારતીય હોકી ઈતિહાસમાં આગવું સ્થાન મેળવી લીધું છે.

હવે ઓલિમ્પિક ચંદ્રકની સિદ્ધિએ હરમનપ્રીતની પ્રતિભાને વિશ્વસ્તરે આગવી ઓળખ અપાવી. તેણે આ જ વર્ષે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન દ્વારા અપાતો વર્ષના શ્રે હોકી ખેલાડીનો એવોર્ડ પણ જીતી લીધો. જે ઈતિહાસમાં પહેલીવાર ભારતના કોઈ ખેલાડીને મળ્યો હતો. હરમનપ્રીતના અસરકારક દેખાવને પરિણામે ભારતે પ્રો હોકી લીગમા કાંસ્ય ચંદ્રક મેળવ્યો અને તે સતત બીજા વર્ષે વિશ્વનો શ્રે ખેલાડી જાહેર થયો હતો. હવે જ્યારે ઘરઆંગણે હોકીનો વિશ્વકપ યોજાઈ રહ્યો છે. ત્યારે તેણે ભારતને સફળતા અપાવવાનું બીડું ઝડપ્યું છે. ભારત હોકી વિશ્વકપમાં ૧૯૭૫માં સુવર્ણ સફળતા બાદ આજ દિન સુધી એક પણ મેડલ જીતી શક્યું નથી. જોકે હરમનપ્રીતની આગેવાનીમાં ભારતની યુવા અને અનુભવી ટીમ ઘરઆંગણે આગવો ઈતિહાસ રચવા માટે થનગની રહી છે.


Gujarat