તમને આવા અજ્ઞાત દેવદૂતોનો અનુભવ થયો છે?

Updated: Jan 22nd, 2023


- હોરાઈઝન - ભવેન કચ્છી

- ક્રિકેટર રિષભ પંત જેને યમરાજે પડતો મૂકીને જીવતદાન આપ્યું : 'તુમ રક્ષક કાહુ કો ડરના' જેવું કંઇક તો છે

- ભાનમાં આવ્યા ત્યારે દંપતીએ જોયું કે તેઓ કોઈ હોસ્પિટલમાં છે અને માથા અને પગમાં પાટા બાંધ્યા છે...નર્સે કહ્યું 'રાત્રે અઢી વાગે       તમને કોઈ અજાણી વ્યક્તિ આ રીતે મૂકી ગઈ. તમે હાઈ વે પર કણસતા હતા'

- રજત કુમાર અને નીશુ કુમાર જેવા બે રાહગીર દેવદૂત બનીને આવ્યા 

ભા રતના વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતને મેદાન પર બેટિંગ કરતા કોઈ ફિલ્ડર કેચ પડતો મૂકે તેવું નહીં પણ ચમત્કારિક રીતે છેક મૃત્યુની ક્ષણ નજીક પહોંચ્યા પછી જાણે યમરાજે તેની જિંદગીની ઇનિંગ તો હજુ  લાંબી છે તે ત્વરિત જાણ થઈ હોય તેમ પંતને પડતો મૂકીને જીવતદાન આપ્યું છે. 

અમુક કિસ્સાઓ જાણીને એવું લાગે કે 'તુમ રક્ષક કાહુ કો ડરના' જેવું કંઇક હશે તો ખરું. ધોળે દિવસે અકસ્માત થયો હોય ત્યારે ઘાયલ વ્યક્તિની આજુબાજુ ભીડ જમા થઈ હોય પણ તેમાંથી બચાવનાર કોઈ ન હોય. કેટલાક તો અકસ્માતનો  વિડિયો ઉતારવામાં મશગુલ હોય.

ઘણી વખત મદદ કરવા માટે તત્પર રાહગીરો હોય ત્યારે ઘાયલ વ્યક્તિનું તત્કાળ મૃત્યુ નિપજ્યું હોય તેવું પણ બને.

એવા અસંખ્ય કિસ્સાઓ છે જેમાં પ્રમાણમાં ઓછું લોહી વહ્યું હોય અને દેખીતી જીવલેણ અથડામણ પણ ન થઈ હોય તો પણ વ્યક્તિનું મૃત્યુ થાય કે પછી મહિનાઓ સુધી પથારીવશ રહેવું પડે કે વારાફરતી સર્જરી કરાવવી પડે.

બાથકૂમમાં સહેજ પગ લપસે અને નળ કે કમોડ માથા પર ભટકાય અને ક્ષણમાં વ્યક્તિ હતી ન હતી થઈ જાય કે ખોડ ધરાવતી થઈ જાય.

આની સામે એવી પણ ઘટનાઓ છે જેમાં એવી હદે અથડામણ કે ધડાકાભેર ઇજા થઇ હોય છે તો પણ વ્યક્તિ આબાદ ઉગરી જાય. પહેલી નજરે લાગે કે આ વ્યક્તિ આવા અકસ્માતમાં જીવી શકે તે શક્ય જ કેમ બને. ઘણા તબીબી જગતને આશ્ચર્ય થાય તેમ પેરાલિસીસમાંથી તો ઉગરી જ જાય પણ તેના સિટી સ્કેન અને અન્ય રિપોર્ટ નોર્મલ આવે.

પંત તો જાણીતો ક્રિકેટર છે એટલે તેના અકસ્માત અને બચાવની વિગતો બહાર આવી બાકી દેશ વિદેશમાં રોજના એવા હજારો કેસ બને છે જેમાં કોઈ ચમત્કાર કે આયુષ્ય રેખા જેવું હશે તેની પ્રતીતિ થયા વગર ન રહે.

ડિસેમ્બરની ત્રીસમી તારીખ અને દિલ્હી, ઉત્તરાખંડની ઠંડી પરોઢે પાંચ ત્રીસની વાગ્યાની આસપાસ હાઈ વે પર ઝાંખા પ્રકાશ અને ધુમ્મસ વચ્ચે કેટલો મર્યાદિત ટ્રાફિક હોય તે સમજી શકાય તેમ છે. પંત પૂરપાટ  ઝડપે મર્સીડીઝ કાર હંકારી રહ્યો હતો. પંતને હળવું ઝોકું આવી ગયું અને કારની ઝડપ એટલી વધુ માત્રામાં હતી કે ડીવાઇડર સાથે કાર ભારે ધડાકાભેર અથડાઈ તો ખરી પણ તેની ઝડપ હોઇ ફોર્મ્યુલા કાર રેસિંગમાં કાર ક્રેશ થાય તેમ પંતની કાર ત્રણ ગુલાંટ ખાતા સામેની બાજુમાં એટલે કે રોંગ સાઈડ પરના રસ્તા પરની બીજી લેનમાં ઊંધી થઈ ગઈ.

હવે જુઓ આપણે જીવતદાનની વાત કરીએ છીએ તેના પર આવીએ. કાર આ રીતે ફંગોળાઈ ગઈ હતી અને ધુમાડા નીકળવાના શકૂ થઈ ગયા હતા. ત્યારે જ  રજત કુમાર અને નીશુ કુમાર જેવા બે રાહગીર દેવદૂત બનીને આવ્યા હોય તેમ ત્યાંથી તેમની સવારની શિફ્ટની નોકરી હોઇ પસાર થતાં હતાં. તેઓએ જે રીતે કારને ધડાકાભેર ફેંકાઈ જતા જોઈ હતી તેના પરથી તેઓને એમ જ હતું કે અંદર બેસેલ મુસાફરો તત્કાળ મૃત્યુ પામ્યા હશે. આમ છતાં તેઓ તેમનું વાહન થોભાવીને કાર નજીક ગયા તો કારમાં પંતને થોડી હલનચલન કરતા જોયો. (તે વખતે કોઈને ખબર નહોતી કે આ વ્યક્તિ ક્રિકેટર પંત છે.)

સંકટમોચક બનીને આવેલા આ બે વ્યક્તિ સિવાય રસ્તા પર ત્યારે કોઈ નહોતું. તેઓને ખ્યાલ આવી ગયો કે પંતને તાત્કાલિક બહાર કાઢવામાં નહીં આવે તો કાર હવે આગમાં લપેટાવાની તૈયારીમાં છે. કુનેહ, સ્વસ્થતા અને નિર્ણય શક્તિનો ઉપયોગ કરી તેઓએ કારના બારણાનો કાચ તોડવામાં અને તે પછી બારણું ખોલવામાં સફળતા મેળવી. પંતે કેટલાક દિવસો પછી સફળ સર્જરી બાદ આ બંને યુવાનોને બોલાવીને તેઓ જોડે તસવીર ખેંચાવી આભાર માનતી ટ્વીટ પણ કરી હતી. જો કે અન્ય બે  મદદગારો બસ કંડકટર અને ડ્રાઈવર પણ તે પછી પંતની તત્કાળ મદદમાં જોડાયા હતા. બન્યું હતું એવું કે હરદ્વારથી સવારે ૪.૩૫ વાગ્યે દિલ્હી જવા માટે ઉપડેલ બસ અકસ્માતના સ્થળેથી પસાર થઈ રહી હતી. પંત દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલો ત્યારે  કૂરકી નજીક તેની કાર ડીવાઇડર કુદી દિલ્હી તરફ જવાના રસ્તે બીજી લેન સુધી ફંગોળાઈ હતી.

બસમાં ત્રીસ મુસાફરો હતા. ડ્રાઈવર  સુશીલ કુમાર અને કંડક્ટર પરમજીત સિંઘે જોયું કે બે વ્યક્તિ પરોઢના ઝાંખા પ્રકાશમાં કોઈ વ્યક્તિને ઉગારી રહ્યા છે તેઓ બંને બહાર આવ્યા. એક તરફ પંત કારમાંથી હજુ બહાર લવાયો અને બીજી જ ક્ષણે કારમાં આગ ફાટી નીકળી.ડ્રાઈવર પેલી બે વ્યક્તિની મદદે જોડાયો.

કંડક્ટરે નેશનલ હાઈ વે ઇમરજન્સીને ફોન લગાવ્યો પણ લગાતાર તે કોઈ ઉપાડતું જ નહોતું. પંત અર્ધ બેહોશ અવસ્થામાં તેના માતાનો નંબર આપી શક્યો. માતાને આ મદદગારોએ ફોન લગાવ્યો તો તે સ્વીચ ઓફ આવતો હતો. અંતે ડ્રાઈવર  સુશીલ કુમારે પોલીસને ફોન લગાવ્યો અને સદનસીબે તે લાગ્યો અને તે સાથે એમ્બ્યુલન્સનો પણ સંપર્ક થયો. તે પછી બસ તો ઉપડી ગઈ પણ ઇમરજન્સી સારવાર આપવાથી માંડી નજીકની હોસ્પિટલમાં  પંતને દાખલ  કરાવવાનું માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપતું કાર્ય કર્યા બાદ જ સુશીલ અને રજત કુમાર  નોકરીએ જવા નીકળ્યા.

કંડકટર અને ડ્રાઈવર પણ કહે છે કે અમે સવારે ખબર પડી કે અમને  જેઓને બચાવ્યો તે ક્રિકેટર પંત હતો. પંતે કણસતી હાલતમાં કહ્યું હતું કે હું રિષભ પંત છું પણ ડ્રાયવરને ક્રિકેટમાં રસ નહીં હોઇ ઓળખ ન થઈ જ્યારે કંડક્ટરે કહ્યું કે આવા કોઈ ક્રિકેટ રમનારાનું નામ સાંભળ્યું છે ખરું.

 આ ચારેય વ્યક્તિઓ નમ્રતા સાથે કહે છે કે 'તમે જે રીતે અકસ્માત થયો તે જુઓ તો કલ્પના કરતા જ કંપી જાવ તેવું દ્રશ્ય હતું. ભાગ્યે જ આ હદે અકસ્માત થાય પછી કોઈ બચી શકે. આશ્ચર્ય તો એ વાતનું પણ થાય કે અકસ્માતમાં પંત બેભાન પણ ન થયો અને કારમાં આટલા મોટા ફટકા અને ધડાકા સાથે ફંગોળાયો તો પણ કારમાં ફસાયેલી ઇજાગ્રસ્ત અવસ્થામાં મદદગારોને રિસ્પોન્સ આપતો હતો અને કારમાંથી બહાર નીકળ્યા પછી તેનું નામ અને માતાનો ફોન નંબર આપવા સુધી ભારે પીડા અને લોહી વચ્ચે સ્વસ્થ રહ્યો. તબીબી જગતની રીતે પણ અકલ્પનીય જેવી ઘટના કહી શકાય. ભગવાને તેને બચાવ્યો છે અમે તો તેને હયાત હતો અને બહાર કાઢીને મદદ માત્ર કરી છે તેમ સુશીલ અને રજત નમ્રતાથી કહે છે.

જો કે એ ખરું કે પંત બેભાન હોત તો તેને કારમાંથી બહાર કાઢવો અશક્ય બન્યું હોત અને કાર તે પછી મિનિટમાં જ આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી.

પંતના ચમત્કારિક બચાવને યાદ કરીને આપણે આવા હાઇ વે પરના ફરિશ્તાઓને મનોમન આશીર્વાદ આપવા જોઈએ. વાચકોને કે તેમના પરિચિતોને પણ આવા કોઈ અકસ્માતમાં અજાણ્યા માનવીઓની નિઃસ્વાર્થ મદદ મળેલી હોઇ શકે.

અમારા એક પરિચિત દંપતી પૂનાથી શિરડી જતા હતા ત્યારે રાત્રે અઢી વાગે તેમની કારને ભીષણ અકસ્માત થયો. સવારે બંને અગિયાર વાગે ભાનમાં આવ્યા ત્યારે હિન્દી ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા. તેઓએ તેમના માથા અને પગ પર પાટા બાંધેલા જોયા. નાના ગામની હોસ્પિટલની બેડ પર તેઓ હતા. નર્સે કહ્યું કે કોઈ સફેદ મારુતિ વેન પર તમને બંનેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં મૂકી ગયું. ડ્રાઈવર અંગે કંઇક પૂછવા જઈએ ત્યાં તો તે હોસ્પિટલ છોડી નીકળી ગયો હતો. શક્ય છે તેણે તેની ફરજ બજાવી  સંતોષ માન્યો હોય કે પછી પોલીસની પૂછપરછના ડરથી વિધિ માટે હાજર ન રહ્યો હોય.

ડોકટરની પણ માનવતા જુઓ. રાત્રે સવા ત્રણ વાગે આવીને તેણે દંપતીની સારવાર કરી. દંપતી પૈકીના ભાઈને બપોરે છેક થોડું ઝાંખું ચિત્ર દેખાયું કે મધરાત પછી હાઈ વે પર તેને કોઈ કારમાંથી બહાર કાઢી રહ્યું હતું અને તે પછી શું બન્યું તે ખબર નથી. તેઓનું પર્સ પણ નર્સ પાસે સલામત હતું.

હજુ થોડા દિવસો પહેલા જ ભકૂચથી તેમની કારમાં અમદાવાદ તરફ દંપતી  આવી રહ્યું હતું. તેઓ જોડે ત્રણ વર્ષની બાળકી પણ હતી. રાત્રિનો ૧૦.૩૦નો સમય હતો. ખાસ કોઈ ટ્રાફિક નહોતો ત્યારે એક બેકાબુ કાર દંપતીની કારને પાછળથી જોરથી ધડાકાભેર અથડાઈ. હજુ શું થયું તેની સમજ પડે તે પહેલા તો એસ.યુ.વી. કાર અંધકારમાં અલોપ થઈ ગઈ. સદનસીબે કારમાં અંદર ત્રણેય અફળાયા પણ ઇજા ન થઈ. કારને નુકશાન થયું હતું અને સ્વાભાવિક છે કે આઘાત સાથે તેઓ ગભરાઈ પણ ગયા હતા આટલી શિયાળાની ઠંડી રાત્રે શું કરવું તેમ વિચારતા હતા ત્યાં એક કાર ઊભી રહી. તેમાંથી ત્રણેક યુવકો ઉતર્યા. તેઓની કાર બાજુએ મૂકીને અકસ્માતગ્રસ્ત દંપતીને સાંત્વના આપી કે કારને નુકશાન થયું છે પણ તમે અને તેના કરતા બેબી બચી ગઈ તે બદલ ઈશ્વરનો આભાર માનો. પીવાના પાણીની  બોટલ આપી. નેશનલ હાઈવેના ઇમરજન્સી ટોલ ફ્રી નંબર પર ફોન લગાવ્યો પણ કોઈ પ્રતિભાવ જ ન મળ્યો.

અંતે મદદગાર યુવાનોની મદદથી કાર ટો કરવાની પણ વ્યવસ્થા થઈ. આટલું કરીને યુવાનો નીકળી ન ગયા પણ ટો કરવા વાહન આવ્યું ત્યાં સુધી ઊભા રહ્યા. તે પછી રાત્રીના ૧૨ની આસપાસ આ દંપતી અને તેની બાળકીને ભુજ તેઓના ઘેર તેઓની કારમાં મૂકી આવ્યા.

વાતચીત દરમ્યાન ખબર પડી કે આ ત્રણેય યુવાન લગ્નમાં હાજરી આપવા જાન જોડે જોડાવવા અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તેઓનો ભાવવિભોર થઈને ભીની આંખો સાથે દંપતીએ આભાર માનીને કહ્યું કે 'અમારા માટે તમે લગ્નનો પ્રસંગ અને તેની મજા ગુમાવી ..તમે જિંદગીભર યાદ રહેશો.'

યુવાનોએ કહ્યું કે 'લગ્ન તો પરિવારમાં થતાં રહેતા હોય છે. અમે તેમાં હાજરી આપી શકીશું જ પણ ખુશીમાં સામેલ થવા કરતા કોઈની મુસીબત વખતે હાજર રહેવું વધારે મૂલ્યવાન હોય છે.' તે પછી બીજે દિવસે પણ યુવાનોનો ખબર અંતર પૂછતો ફોન આવ્યો હતો.

આવી જ રીતે એક મહિલા સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે ભારે ફટકો અને ઇજા પહોંચાડતો અકસ્માત બે વિદ્યાર્થિનીઓએ કર્યો.વિદ્યાર્થીઓની અર્ધવાર્ષિક પરીક્ષા હતી. મહિલા ફંગોળાયા અને માથા પરથી લોહી વહી રહ્યું હતું. નજીક ઉભેલા શાકભાજીની લારીવાળા અને નજીક જ કોલેજ હોઇ ચાર પાંચ છોકરાઓએ મહિલાને દુપટ્ટાથી કસીને પાટો બાંધી દીધો. જેનો દોષ હતો તે છોકરીઓ સ્કૂટર જ ત્યાં મુકીને પરીક્ષાનું કારણ આપીને રડતા રડતા ચાલી ગઈ અને તેના પપ્પાને અકસ્માત અને સ્થળ જણાવતો ફોન કર્યો. પપ્પા પણ તરત જ મદદ માટે આવી પહોંચ્યા. કોલેજના યુવાનોએ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાને દાખલ તો કર્યા જ પણ બીજા બે કલાક તેઓ મહિલાના સિટી સ્કેન લેવાયા અને રિપોર્ટ નોર્મલ આવ્યા ત્યાં સુધી ઊભા રહ્યા. ઇજાગ્રસ્ત મહિલાના મોબાઈલમાં છેલ્લે જેને ફોન કરેલા તે સગાઓને ફોન કરીને હોસ્પિટલ બોલાવ્યા.

શાકની લારીવાળા બેને બંનેના સ્કૂટર તેની લારી પાસે લોક કરીને સાચવી રાખ્યા એટલું જ નહીં  અકસ્માતમાં જવાબદાર છોકરીના પપ્પા પછીથી સ્કુટરની ચાવી લેવા આવ્યા ત્યારે શાકની લારી પરના બેને કહ્યું કે 'ઇજાગ્રસ્ત પરિવારમાંથી કોઈ તમને ચાવી પરત આપવાની છે તેમ કહેવા આવે તો ચાવી આપું.'

છોકરીના પપ્પા દેખીતી રીતે સાવ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હતા. અકસ્માતગ્રસ્ત મહિલાના પરિવારે દયા બતાવીને શાકની લારી સુધી જઈને કહ્યું કે 'બેન ચાવી આપી દો. હવેથી પપ્પા તેની દીકરીને ધ્યાન રાખીને સ્કૂટર ચલાવવાનું કહેશે.'

શાકની લારીવાળા બેને ચાવી આપતા કહ્યું કે 'બેનને હવે સારું છે ને..અમે માતાજીને છેલ્લા કલાકથી ધંધો કરવા સાથે મનોમન પ્રાર્થના જ કરતા રહ્યા છીએ.'

ભારત દેશ આવા અજ્ઞાત બનીને ફરતા આવા દેવદૂતો થકી જ વિશ્વ કરતા અલગ અને આગવો છે.

તમે પણ અકસ્માત, આપત્તિ કે ભીસની વેળાએ જેમણે પણ મદદ કરી હોય તેનો મનોમન આભાર માની શકો છો.


    Sports

    RECENT NEWS