For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્લેનમાં ધમાલિયા પેસેન્જરને કાબુમાં રાખવાની પળોજણ

Updated: Jan 22nd, 2023

Article Content Image

હોટલાઈન - ભાલચંદ્ર જાની

સા માન્ય રીતે એમ માની  લેવામાં આવે છે કે વિમાન પ્રવાસ કરનારા  સમાજના  ઊપલા વર્ગના લોકો  સુ-સંસ્કારી જ હોય છે. તેઓ નીતિ-નિયમોમાં  માનનારા અને શિસ્ત પાળનારા  હોય છે. પરંતુ તાજેતરમાં   પ્લેનના પેસેન્જરોની વર્તણૂંક બદલ સરકાર  જે  નિયમો  ઘડવા જઈ રહી છે તે  જોતાં  અલગ જ ચિત્ર ઉપસે છે.  એવું લાગે  જાણે વિમાન પ્રવાસ કરનારા  ઘણા શખ્સ ઉદ્ધત, ભૂખડા, લંપટ, દારૂડીયા અને બેજવાબદાર હોય છે.

 તાજેતરમાં જ ખૂબ ચકચાર મચાવી ગયેલી  એક ઘટનામાં નવેમ્બરમાં ન્યુયોર્કથી નવી દિલ્હી આવી રહેલી ફલાઇટમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહેલી ૭૦ વર્ષની મહિલાની બેઠક સમક્ષ દારૂના નશામાં ચકચૂર બની પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે  ે બેન્ગાલુરૂમાંથી ધરપકડ કરી હતી. શંકર મિશ્રાની ધરપકડ બાદ એર ઇન્ડિયાએ સમયસર જરૂરી પગલાં ભરવામાં નિષ્ફળ ગયેલા પાઇલટ અને ચાર કેબિન ક્રૂને તેમની સામે તપાસ ચાલે ત્યાં સુધી તેમને રજા પર ઉતારી દઇ તેમને શનિવારે શો કોઝ નોટીસ આપી હતી. 

આવી જ રીતે એર ઇન્ડિયાની  છ ડિસેમ્બરે પેર્રિસથી  નવી દિલ્હી આવેલી ફલાઇટમાં  નશામાં ધૂત બે પ્રવાસીઓએ ગેરવર્તન કર્યાના બનાવ બાબતે  ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ ) દ્વારા એર ઇન્ડિયાને શો કોઝ નોટીસ આપવામાં આવી છે. એક બનાવમાં  ક્રૂની કોઇ વાત સાંભળ્યા વિના નશામાં ધૂત પ્રવાસી વિમાનના શૌચાલયમાં સ્મોકિંગ કરતાં ઝડપાયો હતો તો બીજા બનાવમાં બીજા એક નશામાં ધૂત પ્રવાસીએ બાજુમાં બેઠેલી મહિલા શૌચાલયમાં ગઇ ત્યારે વિમાનની ખાલી બેઠકપર પડેલાં તેના ધાબળાં પર પેશાબ કર્યો હોવાનું ડીજીસીએ દ્વારા જણાવવામાં આવ્યુ ંહતું. બંને બનાવ છ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પેરિસથી નવી દિલ્હી આવેલી  ફલાઇટમાં બન્યા હતા. 

એર ઇન્ડિયાના કર્મચારીઓની તાલીમ અને સમયસૂચકતાના અભાવ ઉપરાંત આપણી સભ્યતા ઉપર લાંછન છે. એક બનાવમાં ઘટના પછી મહિલાને અલગ સીટ આપવામાં આવી. વિમાન દિલ્હી ઉતર્યા પછી આ ઘટનાની માહિતી એરહોસ્ટેસ અને સંબંધિતોએ તત્કાળ વિમાનના કેપ્ટન કે મુખ્ય પાઇલટને આપવી જરૂરી હતી, પરંતુ આવું કંઈ બન્યું નહીં. વિમાને ઉતરાણ કર્યા પછી આ બનાવની ગંભીરતા વરિષ્ઠ અધિકારી સુધી પહોંચાડવામાં આવી કે નહીં તેની તપાસ પણ વરિષ્ઠ સ્તરે કરવામાં આવી  નહીં.

ફરિયાદી  મહિલાએ  ટોચના  સ્તરે  ફરિયાદ કર્યા પછી  પોલીસે  કથિત આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરી  છે. દિલ્હી કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી છે. બીજી તરફ કેન્દ્ર  સરકારે  પણ આ બાબતની ગંભીરતાથી  નોંધ લીધી છે.

પેસેન્જરોના આવા શરમજનક આચરણના કારણે સમાજ અને દેશને શરમિંદા થવું પડે છે. આવી ઘટના ધરતીથી દૂર આસમાનમાં બનતી હોય છે પણ બદનામી ધરતી ઉપર થાય છે.

વિમાનોમાં બનતી અનિચ્છનીય ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. તાજા કેસમાં તો એરલાઇન્સ મેનેજમેન્ટનું વલણ પણ સંતોષકારક નથી રહ્યું. સંપૂર્ણ કેસમાં એર ઇન્ડિયા મેનેજમેન્ટનું ગેર-વ્યવસાયી વલણ જ સામે આવ્યું છે. એક કેસમાં પીડિત મહિલા અનુસાર એરલાઇન સ્ટાફે અસભ્ય ઉતારુ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે કેસને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો અને દિલ્હી વિમાનીમથકે વિમાન ઉતર્યા પછી અસભ્ય ઉતારુને મહિલાની સામે લાવીને ઊભો કરી દીધો હતો. આ અક્ષમ્ય છે.

બીજા કેસમાં આ બનાવ પછી ઉતારુ ફરાર થયો. તેને શોધવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી. ઉતારુ ફરાર કેવી રીતે થઈ ગયો એ પણ સંશોધનનો વિષય બની શકે છે. જો કે તેની ધરપકડ થઈ છે. આવા બનાવો રોકવા માટે હવે એરલાઈન્સે આકરી ગાઈડ લાઈન્સ બહાર પાડી તેનો કડકાઈથી અમલ કરવો ઘટે અને આવા ઉતારુઓને સબકરૂપ સજા મળે એ  ખાસ જોવું જોઈએ.

એક જાણકારી મુજબ નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન  નવેસરથી એક એવું 'નો ફ્લાય લિસ્ટ'  બનાવી રહ્યા  છે જેમાં સમાવિષ્ટ   પ્રવાસીઓને  પ્લેનમાં  ચઢવા જ નહીં દેવાય. તેમને 'ઈનલેન્ડ'  (દેશની  અંદર) કે  વિદેશ જતી કોઈપણ ફ્લાઈટની  ટિકિટ જ ઈશ્યુ નહીં કરાય. એટલે વિમાન પ્રવાસ કરવાનો  ચાન્સ જ ન મળે.

પ્લેનમાં  બીજા પેસેન્જરો સાથે બદતમીજી કરવી કેબિન ક્રુ....  ખાસ તો એરહોસ્ટેસની  પજવણી કરવી, વિમાનની  સલામતી જોખમાય તેવી ચેષ્ટા કરવી વગેરે કારનામા કરનાર પેસેન્જરના નામ આ લિસ્ટમાં  ઉમેરાશે અને પછી તેમને  થોડાં  મહિનાથી લઈને  થોડાં વરસ સુધી (તેમણે  કરેલા  કૃત્ય મુજબ) પ્લેન પ્રવાસ ખેડવા નહીં દેવાય.

નાગરિક ઉડ્ડયન ખાતા પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે  છેલ્લા કેટલાંક વરસથી વિમાનમાં  ધાંધલધમાલ, મારામારી કરતા યાત્રીઓની સંખ્યા વધતી જાય છે. છેલ્લા આઠ વર્ષમાં  પેસેન્જરો દ્વારા પ્લેનમાં  અશાંતિ સર્જવામાં આવી હોય તેવા ૫૦,૯૪૭ કેસ નોેંધાયા હતા.  એકલા ૨૦૨૧-૨૨ ની  સાલમાં પેસેન્જરોએ ઉત્પાત મચાવ્યો હોવાના સાડા સાત હજાર કિસ્સા નોંધાયા છે.

વર્ષ પહેલા  દિલ્હીથી મુંબઈ આવી રહેલા પ્લેનમાં એક પેસેન્જરે ચાલુ વિમાને એવી જાહેરાત કરી કે 'આ પ્લેન પર હવે મારો કન્ટ્રોલ છે અને હું આ પ્લેનને ક્રેશ (ભોંયભેગું) કરવાનો છું.' તો તરત જ કેબિન ક્રુના સભ્યોએ થોડાં સારા પેસેન્જરોની મદદ લઈને પેલા પેસેન્જરને બળજબરીથી બેસાડી દીધો હતો. એટલું જ નહીં, પ્લેન મુંબઈ વિમાનમથકે ઊતર્યું કે તરત પેલા પેસેન્જરને પોલીસને સુપરત કરાયો હતો.

છ મહિના પૂર્વે   મુંબઇથી નાગપુર જઇ રહેલા વિમાનમાં બે એર હૉસ્ટેસનો વિનયભંગ કરવામાં આવ્યો હતો. દારૂના નશામાં  પ્રવાસીએ આ કૃત્ય કર્યુ  હતું. 

મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી આકાશ ગુપ્તા (ઉં.વ.૨૩) ગોવા ફરવા ગયો હતો. ત્યારબાદ આકાશ ગોવાથી મુંબઇ આવ્યો હતો. પછી તે મુંબઇથી નાગપુર જવા વિમાનમાં બેઠો હતો. પ્રવાસ દરમિયાન   તેણે નાસ્તો આપી રહેલી એર હોસ્ટેસનો હાથ પકડી લીધો હતો. આ બનાવની માહિતી એર હોસ્ટેસે  કેબિન ક્રૂને આપી હતી. તેમણે પ્રવાસીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ પ્રવાસીએ દારૂના નશામાં તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. છેવટે મામલાની જાણ વિમાનના કેપ્ટન ગોપાલસિંહને કરાઇ હતી. તેમણે સીઆઇએસએફના જવાનને ઘટના બાબતે સતર્ક કર્યા હતાં. જેને  પગલે  યુવકની કેસ નોંધી એરપોર્ટ પર ધરપકડ કરાઇ હતી. 

 એવું  જોવા મળે છે કે લાંબા અંતરનો પ્રવાસ કરનારા લોકો ફ્લાઈટમાં  ઘણીવાર  સમય પસાર કરવા માટે શરાબનું સેવન કરતાં હોય છે, પણ હેલ્થ એક્સપર્ટ્સના કહેવા મુજબ આ યોગ્ય નથી. હવાઈ મસાફરી દરમિયાન  કેબિનની ંઅંદરનું વાતાવરણ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું  કરે છે.   આવામાં શરાબના સેવનથી  પાણીનું પ્રમાણ વધુ ઘટી શકે છે. વધુ ઊંચાઈ પર ડ્રિન્ક લીધા વિના પણ હેન્ગઓવરનો અનુભવ થાય છે એવામાં શરાબના સેવનથી આ અસર  વધુ તીવ્ર બને છે.   વધુ ઊંચાઈ પર ફેફસાની જેમ પેટ પણ ફૂલવા લાગે છે એમાં શરાબના સેવનથી તકલીફ વધે છે. ડોક્ટરોના મતે  ફ્લાઈટમાં  પેટમાં ગેસ પેદા કરે એવી કોઈ ચીજના સેવનથી દૂર રહેવું  જોઈએ.  શરાબના સેવનથી મગજ પર અસર થાય છે. આસપાસના વાતાવરણને સમજવામાં પણ ગરબડ થાય  છે.  નિર્ણય લેવાની ક્ષમતા  અને એકાગ્રતા ઘટી જાય છે આ બધાનું પરિણામ એ આવે  છે કે  તમારા ગુસ્સામાં વધારો  થાય છે. જો આમ છતાં પણ તમે  હવાઈ મુસાફરીમાં ડ્રિન્ક કરવા ઈચ્છતા હો તો એની સાથે નમકીન વસ્તુઓ લેવાનું ટાળો.  જો કનેક્ટિંગ  ફ્લાઈટમાં   હોય તો  કેફીન  લઈ શકાય.  પરંતુ શરાબનું સેવન પૂર્ણતઃ ટાળવું   જોઈએ. 

થોડા સમય પહેલાં  કોલકત્તાથી મુંબઈ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા ૪૩ વર્ષના બિઝનેસમેનની  વિમાનમાં એર હોસ્ટેસો સામે બે વાર કથિત રીતે પોર્ન મુવી જોવા બદલ  એરપોર્ટ પોલીસે ધરપકડ કરી હતી. એરપોર્ટ પોલીસના કહેવા મુજબ   ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરી રહેલા આરોપીએ ક્રૂ મેમ્બર પાસે પાણી માગ્યું હતું. એરહોસ્ટેસે તેને મોબાઈલ પર પોર્ન ફિલ્મ જોતાં જોયો હતો. ત્યાર બાદ તેણે કથિત રીતે ગરમ પાણી માગ્યું અને જ્યારે  એરહોસ્ટેસ  પાછી પાણી આપવા ગઈ ત્યારે પણ તે પોર્ન મૂવી જોતો હતો અને મોબાઈલની સ્ક્રિન તેના તરફ કરી હતી. આરોપી જાણી જોઈને તેને આ મુવી બતાવવા માગતો હોવાનું જણાતાં તેણે મહિલા સુપરવાઈઝરને જાણ કરતાં તેણે પણ આરોપીને  સેક્સી   ક્લિપ જોતાં પકડયો હતો.

 હવે તો હવાઇ  યાત્રા દરમિયાન કોઇ મુસાફર દારૂ પીને ધમાલ મચાવે અથવા કોઇ કારણ વિના જ ઉત્પાત કરી અન્ય મુસાફરોની  કનડગત કરે તો તેને પ્લેનમાં તેની સીટ સાથે જ દોરી વડે બાંધી દેવામાં આવશે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા હવાઇ મુસાફરી દરમિયાન નાહકના ઉધામા મચાવતા મુસાફરો ઉપર નિયંત્રણ મેળવવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીસીએ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર જે પણ મુસાફર આ રીતે ઉત્પાત મચાવતો હશે તેની સામે આ પગલા લેવાની સત્તા ફ્લાઇટના કેપ્ટનની રહેશે. 

આ માટે કેપ્ટને પહેલા તે મુસાફરને ચેતાવણી આપવી પડશે. વારંવાર  ચેતવણી  છતાં મુસાફર તેની અસામાજિક વર્તણૂક જારી રાખે તો કેપ્ટન આ આકરાં પગલાં લઇ શકશે. છેલ્લા કેટલાક સમયમાં હવાઇ મુસાફરી દરમિયાન મુસાફરો દ્વારા આ રીતે ઉત્પાત મચાવી ફ્લાઇટના ક્રુ મેમ્બર્સ-અન્ય મુસાફરોને કનડગત કરવાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.  આ કિસ્સાઓને ધ્યાનમાં રાખીને જ ડીજીસીઅ ે દ્વારા આ પ્રકારના આકરા પગલાં લેવાનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર મુસાફરના વર્તન ઉપર કાબૂ મેળવવો  મુશ્કેલ થઇ જાય અને કોકપિટમાં ઘૂસી સલામતીને ખોરવવા પ્રયાસ કરે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની સત્તા પણ કેપ્ટનને આપવામાં આવી છે. આ વિષે એક અધિકારીએ જણાવ્યું હતું કે 'કોઇક મુસાફર તેના  તોફાની   વર્તનથી પૂરી ફ્લાઇટને જ માથે લઇ લેતો હોય છે. આ પરિસ્થિતિમાં પણ ક્રુ મેમ્બર્સ વિનમ્ર વર્તન કરવા બંધાયેલા હોય છે, જેનો તે મુસાફર ગેરલાભ ઉઠાવે છે. આ સ્થિતિનો ઉકેલ લાવવા ડીજીસીએ દ્વારા આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. અલબત્ત પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય પછી જ કેપ્ટન આ પ્રકારના આકરા પગલાં લઇ શકશે. આ ઉપરાંત ફ્લાઇટનું ઉતરણ થયા બાદ કેપ્ટને આ પ્રકારના આકરા પગલાં શા માટે લેવા પડયા તેનો લેખિત રિપોર્ટ  ડીજીસીએને આપવો પડશે. '

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ઇન્ડિગોની એક ફ્લાઇટમાં  શરાબના નશામાં મુસાફરે ઉધામા મચાવ્યા હતા અને કોકપીટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આવી જ રીતે એર ઇન્ડિયાની મેલબોર્ન-દિલ્હી ફ્લાઇટમાં એક મુસાફરે એટલી ધમાલ મચાવી હતી કે તેને સીટ ઉપર બાંધી દેવો પડયો હતો. આ ઘટનામાંથી શીખ મેળવી ડીજીસીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લાઇટ શરૂ થતા પણ એવી સૂચના આપવામાં આવશે કે કોઇ મુસાફર હવાઇ મુસાફરી દરમિયાન ધમાલ મચાવશે કે રોકવા છતાં વારંવાર ધુમ્રપાન કરશે તો તેને સીટ ઉપર બાંધવા કે એરપોર્ટ ઉપર ઉતરતા જ  ધરપકડ કરવા જેવા આકરા પગલાં લેવામાં આવી શકે છે.

વિમાનના અન્ય ઉતારુઓ અને ક્રૂ મેમ્બરોની સલામતી માટે જોખમી ગણાતાં આક્રમક પ્રવાસી સાથે કામ પાર પાડવા માટે તમામ વિમાનોમાં પ્લાસ્ટિકની હાથકડી જેવા સાધનો રાખવાની માગણી એર ઈન્ડિયાના કેબીન ક્રૂના સભ્યોએ  અગાઉ  કરી હતી.

થોડાં  સમય  પહેલાં   ન્યુયોર્ક- મુંબઈની ફલાઈટમાં એક ઉતારુએ ગુસ્સે થઈ કરેલા બેફામ વર્તનનો જે કિસ્સો બન્યો હતો, ત્યાર બાદ એર ઈન્ડિયાના યુનિયન, 'ઓલ ઈન્ડિયા કેબીન ક્રૂ એસોસિયેશને' (એઆઈસીસીએ) એ આ માગણી કરી  હતી.   પહેલાં ઓસ્ટ્રેલિયા જતાં એર ઈન્ડિયાના વિમાનોમાં પ્લાસ્ટિકની હાથબેડી રાખવામાં આવતી હતી, પરંતુ હવે તે પ્રથા નીકળી ગઈ છે. એમ એક  પ્રવક્તાએ  ઉમેર્યું હતું.

હકીકતમાં તો નિયમાનુસાર આક્રમક અને ઉધ્ધત ઉતારુને વિમાનના કમાન્ડર દ્વારા શાબ્દિક કે લેખિત ચેતવણી આપવામાં આવે છે. તે જ પ્રમાણે જરૂર પડે તો પ્રવાસીને બાંધી દેવાની સત્તા પણ ક્રૂ પાસે હોય છે, પરંતુ બાંધવાના યોગ્ય સાધન વગર મુશ્કેલી પડે છે એવી ફરિયાદ ક્રૂ મેમ્બરોએ કરી હતી. અમે માત્ર પટ્ટા અથવા રેડિયો સેટના વાયરનો ઉપયોગ કરી શકીએ છીએ. શરાબના નશાના ધૂત કે ભારે શરીરવાળા પ્રવાસીને અંકુશમાં રાખવાનું ખૂબ મુશ્કેલ બને છે. એમ એક  અધિકારીએ  કહ્યું હતું.

 આંતરરાષ્ટ્રીય વિમાનોમાં આવા  સાધનો હોય છે. એક યુરોપીયન એરલાઈનના ક્રૂ મેમ્બરે કહ્યું હતું કે અમારા તમામ વિમાનમાં હાથકડી અને બોડીબેલ્ટ સાથેની તોફાની ઉતારુને અંકુશમાં રાખવાની કિટના બે સેટ હોય છે.

છેલ્લા એક દાયકાથી ઉધ્ધત પ્રવાસીઓની સાન ઠેકાણે લાવવા માટે વિમાની કંપનીઓ જુદી જુદી પદ્ધતિ અજમાવતી જોવા મળે છે. કેટલાક વિમાનોમાં ડક્ટ ટેપ (ચીકટ પટ્ટી) રાખવામાં આવે છે તો અન્યો બીજા નવતર અખતરા કરે છે. થોડા વર્ષો પહેલાં બ્રિટનના એક નિવૃત્ત પોલીસે તે માટે પટ્ટાવાળું 'હ્યુગર' નામનું સાધન વિકસાવ્યું  હતું, જ્યારે ગત મહિને અમેરિકાની એક કંપનીએ તોફાની પ્રવાસીને બાંધવા નાયલોન અને સીટબેલ્ટના મટીરીયલમાંથી બનેલા એક સાધનની જાહેરાત આપી હતી.

રેગ્યુલેટરે નવા પરિપત્રમાં એરલાઈનોને વિમાનમાં હિંસક વ્યવહાર કરવો, વિમાનની સુરક્ષાને જોખમમાં મૂકવા અને કેબિન ક્રુ સહિત સહયાત્રીઓ સાથે ખરાબ અને હિંસક વર્તાવ કરનારાઓને વિમાનની લેન્ડિંગ સુધી  નરમાશથી નહીં લેેવા  તેમ જ કાયદાકીય પગલાં લેવાની પરવાનગી  આપી છે.

લાઉન્જ વેિઈટંગ રૂમથી લઈને બોર્ડિંગ પાસ અને ચેક ઈન દરમ્યાન જ નશાખોરોને ઓળખી લેવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ એરલાઈનોને  સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા અપનાવવાનું કહેવામાં આવ્યું છેે. આમાં ઉદ્ધત યાત્રીઓ વિરુદ્ધ ગ્રાઉન્ડ સ્ટાફ, ફ્લાઈટ ક્રુ, એરલાઈન મેનેજરને અધિકાર આપવામાં આવ્યા છે. આ પ્રવાસીઓ પર નજર રાખવા તથા તેમના દ્વારા થતા નુકસાનની આશંકા પરથી તેમને વિમાનમાં ચડવા દેેવાશે નહીં.  

આનો  મતલબ એ થયો  કે ભારતીય સીમામાં  હવાઈ પ્રવાસ કરવા દરમિયાન  દારૂનું સેવન, ધૂમ્રપાન કરનારા, વિમાનમાં યાત્રીઓની સુરક્ષા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરનારા, કમાન્ડો ક્રૂનો આદેશ નહીં માાનનારા, ધમકી કે ગાળાગાળી આપનારા, ક્રૂ સાથે અસભ્ય વર્તન કરનારા, ક્રૂના કામમાં હસ્તક્ષેપ કરનારાને  વિમાનમાંથી ઊતારી પાડવાથી લઈને  ધરપકડ સુધીની કાર્યવાહી થઈ શકે છે.

આગળ વાત કરી એ મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ચારેક વર્ષ પૂર્વે જે 'નો ફલાય લિસ્ટ'  તૈયાર કરવાની વાત હતી તેમાં  પેસેન્જરો દ્વારા ટિકિટ બુક કરાવતી વખતે અપાયેલા આઈડેન્ટિફિકેશન નંબર (આધારકાર્ડ, પેનકાર્ડ, પાસપોર્ટ વગેરે)ની નોંધ હશે. જેથી એકવાર પેસેન્જરે કંઈક ઉધામા મચાવ્યા અને તેનું નામ નો ફલાય લિસ્ટમાં ચઢયું તો ત્યારબાદ એ દેશની અંદર કે દેશ બહાર જતી કોઈ એરલાઈન્સમાં ટિકિટ બુક કરાવી નહીં શકે. આવો પ્રવાસી કોઈ એરલાઈનની ટિકિટ કઢાવવા પ્રયાસ કરે કે તરત જ આપોઆપ સંબંધિત એજન્સીને તેની જાણ કરી દેવામાં આવશે.

'નો ફલાય લિસ્ટ'ની આ પ્રથાની શરૂઆત સૌપ્રથમ અમેરિકામાં થઈ હતી. અમેરિકાની કેટલીક ફેડરલ એજન્સીઓ મળીને શકમંદ ત્રાસવાદી હોય અથવા અન્ય કોઈ જોખમી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિ હોય  તેવા લોકોની યાદી 'નો ફલાય  લિસ્ટ'માં મૂકે છે. ત્યારબાદ આવી વ્યક્તિ ન તો પ્લેનમાં પ્રવાસ ખેડી દેશની બહાર જઈ શકે છે કે ન તો વિદેશથી આવી શકમંદ વ્યક્તિ અમેરિકામાં પ્રવેશી શકે છે.

ભારતમાં સરકાર દ્વારા 'નો ફલાય લિસ્ટ' તૈયાર કરવાના નિર્ણયને આવકારતા વિમાન પાયલટોના મહામંડળે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે હવાઈ જહાજોમાં પેસેન્જરોની સલામતી વધારવા વિમાનમાં સાદા કપડાંમાં એર માર્શલનો બંદોબસ્ત કરવો જોઈએ.


Gujarat