For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મલ્ટિવર્સની માયાજાળ : જેટલા ઓપ્શન એટલી ચોઈસ, જેટલી પસંદગીઓ, એટલી જિંદગીઓ....

Updated: Mar 19th, 2023

Article Content Image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- આ વખતની ઓસ્કારવિનર ફિલ્મને માણવી હશે તો વૈદિક ભારતના શરણે જવું પડશે એનું અઘરું લાગતું વિજ્ઞાન અને અટપટી લાગતી કથા સમજવા માટે 

આ જકાલ કોમિક્સથી મૂવીઝ સુધી બધે જેની બોલબાલા છે, એ મલ્ટિવર્સ જો ભારતીયોને ના સમજાય તો ધૂળ પડી કાળા ને ધોળા બંનેમાં ! કારણ કે, જેને લીધે આપણે વિશ્વગુરુ હોવાનો ગર્વ પાળી બેઠા છીએ એ ભારતનો વારસો કોઈ બાબાઓના ટીવી શોના માર્કેટિંગમાં કે સોશ્યલ નેટવર્ક પર લાલ ઝંડી રાખી તદ્દન પછાત અભણ વિચારોની હૂપાહૂપ જય સનાતનના નામે કરવામાં નથી. એ છે જગતને જોવા અને જાણવાના આપણા વર્ષો જૂના છતાં જાણવાના ગહન ચિંતનમાં. એટલે મલ્ટિવર્સ માત્ર માર્વેલમાં નથી. એ ગાલિબની ગઝલો અને નરસિંહ મહેતાના ભજનોમાં પણ છે આ ધરતી પર. એ ઋગ્વેદમાં છે. એ ઈશાવાસ્ય અને છાંદોગ્ય જેવા ઉપનિષદમાં છે, એ સાંખ્ય દર્શનમાં છે. 

ડોન્ટ વરી. એ બધું પછી. પહેલા સરળ રીતે આ આખો કોન્સેપ્ટ સમજવાની મથામણ કરીએ. જ્ઞાન જેટલું અઘરું હોય એમ મહાન નથી થતું. એમ તો એના એજન્ટોની દુકાનો મહાન બને છે. સોરી, મહાન તો નહિ પણ ધીખતી કમાણી કરતી બને છે. આર્થિક મોહ છોડો તો પણ છવાઈ જવાના પ્રલોભન છૂટતા નથી. મૂઢ મેઢાઓને ઈમ્પ્રેસ કરીને એના રખોપિયા બનવાની કિક આવે છે કે કોઈ ડ્રગ જેવી એમાંથી. એટલે તો ધર્મના અને રાષ્ટ્રના નામે યુવાનોને સંયમના માર્ગે સંસાર છોડવાનું શીખવતી હાટડીઓ ચાલે છે. પણ સંસાર સમજવાનું શીખવવાની શાસ્ત્રવાણી ભૂલી જવાય છે. એ હવે આપણને ફોરેનની ફિલ્મો શીખવાડે છે ! કારણ કે ત્યાં ભલે સમૃદ્ધ પરંપરા નથી. પણ ત્યાં પારદર્શકતા અને જજમેન્ટ વિનાની મોકળાશ છે. આનંદના અનુભવનો તિરસ્કાર નહીં, પણ સ્વીકાર છે. અસલી જ્ઞાન પોથીમાંથી નથી આવતું. એ આવે છે ખુલ્લા નિર્મળ હૃદયમાંથી. એ જ્યાં હશે ત્યાં ઉપનિષદો આપોઆપ રચાતા જશે. ભલેને કેમેરા દ્વારા !

તો હોલીવૂડમાં મેટ્રિક્સ ફિલ્મથી જેની ચર્ચા શરુ થઇ અને જેને આધાર બનાવી આજે ઓસ્કારમાં ધાર્યા મુજબ જ ધજાપતાકા લહેરાવી દેતી ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' બની ગઈ, એના ફાઉન્ડેશનનો ભારતના અધ્યાત્મના અર્ક જેવું મલ્ટિવર્સ શું છે ? એક સાથે અનેક પેરેલલ બ્રહ્માંડ એક ફેન્ટેસી છે ? કે પછી મૂળ ભારતના બૌદ્ધ ચિંતનના રિફલેક્શન જેવી ચાઈનિઝ ધારા દાઓઈઝમ કહે છે એમ આપણે જે અત્યારે જીવીએ છીએ, આ લખીએ અને વાંચીએ છીએ એ જ એક સપનું છે ! મૃત્યુ આપણને એ નિદ્રામાંથી જગાડી દે છે ?

સૃષ્ટિમંડાણ છે સર્વ એણી પેરે (સામે પારની પેલી બાજુ) જોગી જોગંદરા કોક જાણે  લલકારતા નરસિંહ મહેતાએ ફાડીતોડીને લખ્યું 'જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે' ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.... પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં, અણુ અણુમાંહીં રહ્યાં રે વળગીત ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.... જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા, રચી પ્રપંચ ચૌદ લોક કીધા....ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે !' મતલબ, આપણી આસપાસ છે એ બધો તો લીલારાસ છે. આપણે જે મજાઓ કરીએ છીએ એ પણ ભ્રમ છે. સવારે હોંશથી જે મીઠી સુગંધી કેસર જલેબી ખાધી એ જ રાત્રે બદબૂદાર અગ્લી મળ / પૂપ બનીને બહાર આવે છે. આજે જે વૃદ્ધ લાગે છે, એ ગઈ કાલે યુવાન હતા અને આજે જે યુવાન લાગે છે એ ગઈ કાલે વૃદ્ધ હતા. જે પળે જન્મીને બાળક હોસ્પિટલમાં રડે છે, એ જ પળે કોઈનો જીવ જવાથી પણ કોઈ રડે છે ! જે અંગોમાંથી સેક્સનો આનંદ રસ વહે છે એમાંથી જ મૂત્ર પણ નીતરે છે ! સુખ અને દુખ, તડકો અને છાયો, જીવન અને મૃત્યુ કોઈ અલગ સામસામેના પ્રદેશ નથી. એક જ સમયની અલગ અલગ અવસ્થા છે ! 

એટલે હજારો ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે લલકારતા મિર્ઝા ગાલિબે આમ જ રિચ્યુઅલ બહારના સ્પિરિચ્યુઅલ થઈને ફરમાવ્યું : ડુબોયા મુજ કો હોને ને, ન હોતા મૈં તો ક્યા હોતા... અને એમ જ ગાલિબસાહેબ એક સનાતન સાયન્ટીફિક કોયડો આપણી સામે મૂકી દે છે : યૂં હોતા તો ક્યા હોતા... વોટ ઇફ.. જગતના તમામ ડ્રીમ્સ આમાંથી જ છે કે કાશ, જો આમ થાય તો. અને બધા જ રિગ્રેટસ પણ આમાં જ છે - જો આમ થયું હોત તો. ગ્રેટનેસથી ગિલ્ટ સુધીની બધી યાત્રા ઘડાય છે, સિચ્યુએશનલ ચોઈસીઝથી. પણ આ ચોઈસ બે પ્રકારની હોય. એક બીજાની પસંદગીની અસર તમારા પર આવે, અને બીજું તમારી ખુદની પસંદગીની અસર આવે. 

કોઈ પરીક્ષામાં કોઈ પેપરસેટર જે એક દાખલો તમને જરાય નથી ગમતો એ જ પૂછવાની ચોઈસ કરે , ત્યારે એ તમને ઓળખતો નથી. પણ એની ચોઈસની અસર તમારા પર આવી. એ ય લાંબી ચાલે ધાર્યા કરતા. એ દાખલાના ૨૦ માર્ક ના મળતા તમે બહાર ભણવાના એડ્મિશનથી રહી ગયા, જ્યાં ભણવા ગયા હોત તો કોલેજમાં કલાસમેટ તરીકે એક છોકરી સાથે પ્રેમ થઇ જાત. અને પછી એ પત્ની બનત અને તમે એની જોડે એની સીટીઝનશિપ પર ફીરેન ગયા હોત જ્યાં તમારું બાળક ત્યાના નાગરિક તરીકે જન્મ લેત અને...

પણ તમને એ ૨૦ માર્ક ના મળ્યા અને તમે ત્યાં ભણવામાં એડમિશનથી રહી ગયા એટલે આ આખી ઇફ્સ એન્ડ બટસની કહાની પર ડસ્ટર ફરી ગયું. પણ તમે અહીં રહીને ભણ્યા ત્યાં તમરી જોડે એક પ્રોફેસરને મિત્રતા થઇ અને એણે તમને નોકરી અપાવી અને એમની સાથે ભાગીદારીમાં તમે ધંધો કર્યો અને એમનું અવસાન અકાળ થતા તમે એકલા જ માલિક તરીકે કરોડપતિ બન્યા એમ પણ થાય. કે તમે કોલેજમાં રાજકીય ગુંડાગીરીથી ત્રાસી સરખું ભણ્યા જ નહિ અને એમાં એક દિવસ મારામારી થઇ એમાં તમારું નામ ખુલતા લોક અપમાં જવું પડયું ને ત્યાં એક ડ્રગ ડીલર મળતા તમને વ્યસન વળગી ગયું એવું પણ થાય અને તમે ભણીને ગામડે આવી ખેતી કરી કે ભણતા ભણતા જ લગ્ન કાર્યા વિના સન્યાસ લઇ લેવાનું નક્કી કર્યું અને એમાં તમે શિબિરમાં જવા જે બસમાં બેઠા હતા એ હિમાલયથી નીચે ખાબકી અને...

આ તો માત્ર એક પેપરસેટરની ચોઈસથી આવતા વળાંકોના વિકલ્પોની એક ઝલક છે, જેમાં આગળ તમારી પણ ચોઈસ ભાગ ભજવે છે. જેમ ચોઈસ કરો છો એમ અનેક સંભાવનામાંથી એક ટ્રેક ફિટ થઇ જાય છે તમારી સાથે. આજીવન કોઈકની પસંદગી કે તમારી પસંદગીનું આ ચક્ર નાના ને મોટા, માઈક્રો અને મેક્રો લેવલે ચાલ્યા જ કરે છે. આજે શું જમવું કે શું પહેરવુંથી શરુ કરી, કરિયર, મેરેજ કે હેલ્થ સુધી. કલ્પના પણ ના કરી શકો એવી અફાટ શક્યતાઓનું નૃત્ય આપણી આસપાસ છે જીવનમાં. કોઈ ભોગ આપે તો તો કોઈ ભોગ બનાવે. દરેક ચોઈસ અને પોસિબિલિટીનો ગ્રાફ તો મગજના ન્યુરોન્સ નેટવર્ક જેવો ભારે ગૂંચવાડાવાળો થાય. એકાદ સપ્તાહનો બનાવો તો પણ અંદરોઅંદર કેટલા રસ્તા ક્યાં મળે, ભળે ને નીકળે એ સમજી જ ના શકો. એવી ગૂંથણી થઇ જાળ. સ્પાઈડર્સ વેબ. એટલે સંસારને કહેવાયો માયાજાળ. મેટ્રિક્સ ફિલ્મની હિન્દી આવૃત્તિનું નામ વર્ષો પહેલા આ જ હતું. 

જાળ તો આ પણ માયા હજુ ઊંડા ઉતરીને સમજીએ. આપણે માનો કે ૧૯૭૩માં હજુ જન્મીને પારણે પોઢતા હોઈએ એ વખતે અમિતાભ બચ્ચન જયા ભાદુરી સાથે જંઝીરની સફળતા બાદ લગ્ન કરી હનીમૂન કરવા ગયો હોય અને એ જ વખતે બ્રુસ લી અને પાબ્લો પિકાસો જીવનનું છેલ્લું વર્ષ જીવતા હોઈએ એવું બને. પડદા પર જેને જોઇને જવાની ફૂટી હોય એવી હિરોઈન આપણને મળે ત્યારે આપણે યુવા હોઈએ અને એ આયખાના અસ્તાચળે હોય એમ બને. સેલિબ્રિટી લાઈફમાં આ તરત દેખાય. બધામાં આટલી ઝડપથી એ માયાનો ખ્યાલ ના આવે. કાળી દાઢીવાળા મોરારિબાપુ કે નરેન્દ્ર મોદી ક્યારે ધોળી દાઢીવાળા થઇ ગયા એ ખબર પણ ના પડે વહેતા સમયની. ઘણીં વાર એમને પણ અહેસાસ ના હોય ભાવિના ગર્ભનો. રાજીવ ગાંધીને ખ્યાલ નહિ હોય કે એમના પછી તો નરસિંહરાવ, વાજપેયી અને મનમોહનસિંહ ઉંમર વધુ હોવા છતાં લાંબુ જીવી વડાપ્રધાન બનશે. જે દિવસે સૈફે અમૃતા સાથે લગ્ન કર્યા હોય ત્યારે કરીના તો રમતી હોય એના ઘરમાં એવું બને. ત્યારે અંદાજ ના હોય એ મોટી થઈને પ્રેયસી બનશે એની.

આ તો એક ફિલ્ડમાં  જાણીતી વ્યક્તિઓની વાત. પણ બધા સાથે આ જ બને છે ને. બે જીવન અલગ અલગ જગ્યાએ વિસ્તરતા અચાનક એકમેક સાથે ક્રોસ કનેક્શનમાં આવે છે. 

સાવ જુદી જગ્યાએ જુદા કાળમાં મોટા થયેલા ગાંધીજીને ભારતમાં જવાહરલાલ મળી જાય છે. એ પૂર્વનિર્ધારિત નીયતિ છે, એમ માનો તો પણ ત્યાં સુધી પહોંચવામાં અનેક ચોઈસ આવે છે. હવે એ ઘટના માનો કે વિધિના લેખ તરીકે લલાટે લખાયેલી હતી, એવું વિચારો તો પણ ત્યાં પહોંચવા માટેનો નકશો કેટલીય શક્યતાઓ વચ્ચે કેમ બન્યો હશે એકઝેટ એ દિશાનો એ વિચારશો તો ચકરાવે ચડી જશો. પછી ઉંમર એક આભાસ લાગશે. કારણ કે, તમે જ્યારે એકવીસ વર્ષના પુરુષ હશો અને કોઈ અગિયાર વર્ષની દીકરીને મળશો તો વાત્સલ્ય અનુભવશો. પણ તમે જ્યારે એકત્રીસ વર્ષના હો ને એ જ કન્યા એકવીસની થઇ તમારી સામે આવે તો પ્રેમ થઇ શકશે. ગેપ તો સરખો જ હતો ને રહ્યો એજનો. પણ અનુભૂતિ સાવ બદલાઈ ગઈ સમયના પ્રવાહમાં ! યે હૈ માયા ? તમે સતત અરીસામાં જાતને રોજ જુઓ છો પણ એક દિવસ ૨૦ વર્ષ જૂનો ફોટો જોઇને ઝાટકો લાગે છે વધતી ઉંમરના અહેસાસનો, જે રોજ જાતને જોઇને નથી લાગતો. હૈ યે માયા ? એ જ વૃદ્ધ ચહેરો છે જે તમે બાળક હતા ત્યારનો તમારી જ અંદર હતો, પણ ત્યારે એને આપણે ઓળખી નથી શકતા. જન્મ સાથે જ મૃત્યુ પણ શ્વાસ લે છે, એમ જ. 

ને જો આ બધું માયા છે, તો વાસ્તવિકતા શું છે ? 

વિજ્ઞાન કહે છે, આંખ જે જુએ છે, કાન જે સાંભળે છે, મગજ જે સંકેતો સમજે છે અને શરીર જે અનુભવે છે એ વાસ્તવિકતા છે. અને કળા કહે છે કે આંખ જે જોવા ઇચ્છે છે, કાન જે સાંભળવા માંગે છે, મગજ જે સંકેતો સમજવા માંગે છે અને શરીર જે અનુભવવા માંગે છે એ મોહ છે ? માયા આ વાસ્તવિકતા અને મોહ વચ્ચે પથરાયેલી અનંત અફાટ વિકલ્પોની એક જાળ છે. માણસ ક્યારેય પણ વાસ્તવિકતા (આંખ જે જુએ છે...) અને મોહ (આંખ જે જોવા માંગે છે...)ની વચ્ચે પથરાયેલા વિકલ્પોની બહારનો કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકતો નથી. જો માણસ માટે વાસ્તવિકતા અને મોહની મર્યાદા મટી જાય તો પછી કોઈ પસંદગી રહેતી નથી, કોઈ વિકલ્પ રહેતો નથી અને માટે જીવ માયાજાળમાંથી મુક્ત થઈ જાય છે. એ છે મોક્ષની અવધારણા. ઉર્ફે કોન્સેપચ્યુઅલાઇઝેશન ઓફ સાલ્વેશન. નિર્વાણ. 

પણ જો બધું પહેલેથી જ નક્કી હોય તો પછી આટલી ચોઈસના મલ્ટીવર્સ ક્યાંથી આવ્યા ? તમારું ફાઈનલ ડેસ્ટીનેશન ટ્રેનમાં નક્કી હોઈ શકે. પણ તમે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી હોય ને ત્યાં કોઈ માથાકૂટ થતા ચેર પર બેસી જાઓ, ઊંઘી જાઓ કે કટલેસ ખાઓ કે પુસ્તક વાંચો કે મ્યુઝિક સાંભળો કે કોઈ મળી જાય એની ભેગા આંટા મારતા ગપ્પા મારો એ બધું પૂર્વનિર્ધારિત ના હોય. બેઉનો ફિફ્ટી ફિફ્ટી રોલ જીવન રચે છે. એટલે જીવન મનુષ્યના પ્રયત્નોના હાથમાં પણ છે કે જે ભાગ્ય પલટાવી શકે છે. કોઈની દુઆ ક્યારેક કર્મબંધન મિટાવી શકે છે. રાગ નક્કી છે, કોન્સર્ટનું સ્થળ નક્કી છે. પણ વાજિંત્રોનો એરેન્જમેન્ટ કરી ગીત સંગીતકાર મૌલિક બનાવી શકે છે. 

એક વાર મેટ્રિક્સ ફિલ્મ જોયા પછી ચર્ચા થયેલી, એ મૂળ તો સનાતન છે. જીવનમાં કરેલી દરેક પસંદગી, દરેક વિકલ્પનો આધાર અગાઉ કરેલી પસંદગી ઉપર છે. એક કોરા કેનવાસ પર ચિત્રકાર ચિત્ર દોરવા જઈ રહ્યો છે. તે શું દોરશે એ પૂર્વનિર્ધારિત નથી. ચિત્રકાર પાસે કંઈ પણ દોરવા માટે પુરતા વિકલ્પો છે. ચિત્ર દોરવાનું શરૂ કર્યા બાદ એ ચિત્રમાં જે-જે ફેરફારો કરશે એ ફેરફાર પછીનાં વિકલ્પોની મર્યાદા નક્કી કરશે.

એક લાંબી લીટી દોર્યા બાદ ચિત્રકાર પાસે વિકલ્પ છે કે એમાંથી એ કોઈ પણ પદાર્થ દોરી શકે છે પણ જે ક્ષણે તે લીટીની આસપાસ બીજી લીટીઓ દોરીને તેમાં પાંદડા દોરે છે, 

તે ક્ષણે તેમાં વિકલ્પની મર્યાદા સિમિત થઈ જાય છે. હવે તે માત્ર કોઈ પણ વૃક્ષ જ દોરી શકે છે. છેવટે ચિત્રકાર વડનું ચિત્ર દોરે છે.

માયાનું રહસ્ય એ છે કે ચિત્રકાર ને એવું પ્રતીત થાય છે કે તેને વડનું ચિત્ર જ દોરવું હતું. તેને એવું લાગવા માંડે છે કે વડનું ઝાડ દોરવું એ 'તેણે' કરેલી પસંદગી છે. કોરો કેનવાસ, મતલબ આંખ જે જોતી હતી (વાસ્તવિકતા) અને વડનું ઝાડ, મતલબ આંખ જે જોવા માંગતી હતી (મોહ). આ કેનવાસ અને વડનાં ચિત્ર વચ્ચે પથરાયેલી અસંખ્ય વિકલ્પોની જાળ એટલે માયાજાળ.

મન માયાનું હથિયાર છે અને મન વગર શરીરનું કોઈ અસ્તિત્વ નથી. મન ભૌતિક અને અભૌતિકને જોડતી તક છે. મન એક ટ્રાન્સમીટર છે જે દરેકનાં શરીરની અંદર છે. મન નામનાં ટ્રાન્સમીટર વડે માયા દરેક મનુષ્ય પર નિયંત્રણ રાખે છે. સંસાર ભાગેડુ બાવાઓની જેમ માયાને જો દુશ્મન માનીએ તો આપણે બધાં એક એવા યુદ્ધમાં છીએ જ્યાં આપણા તરફની બધી જ હિલચાલની જાણ આપણી પહેલાં દુશ્મનને થઈ જાય છે. એટલે માયાને નકારવાનો વિચાર કરવાથી માયાનું અસ્તિત્વ મટી નહીં જાય. કારણ? માણસ જન્મથી વિચારોનાં કન્ટ્રોલમાં છે. વિચાર મનનાં કાબૂમાં છે. મન માયાનાં નિયંત્રણમાં છે. નિયંત્રણ ભારે  મજબૂત છે અને તુટતાં - તુટતાં તો મોત થઈ જાય છે.

માયાનું અસ્તિત્વ જ નથી એવો 'વિચાર' કરવાથી મૂક્તિ નથી મળતી કારણ કે વિચાર તો માયાનું જ એક પ્યાદું છે. નિયંત્રણ તોડવા માટે નિયંત્રણ છે જ નહિ, એ અહેસાસ થવો જરૂરી છે. જેને આપણે સાક્ષાતકાર કે કેવળજ્ઞાન કહીએ છીએ તે આ ફીલિંગ હોઈ શકે. જે માટે સાક્ષી યાને વિટનેસ બનવાની વાત આવી અને જરૂરથી વધુ કર્મ કે આસક્તિ છોડવાનો બોધ આવ્યો. 

સ્વપ્નનાં દ્રષ્ટાંતથી આ વાત સમજાશે. ઊંઘ્યા બાદ આપણે સ્વપ્નમાં સરી જઈએ છીએ. જોતી વખતે ક્યારેય સપનું સાચું હોવા વિશે શંકા થઈ છે? એમાં ડર લાગે છે. મજા આવે છે. મારામારી થાય છે. ચુંબન પણ થાય છે. સવારે ઊઠયા બાદ ખ્યાલ આવે છે કે આ અનુભવ સાચો હોવા છતાં, આપણો જ હોવા છતાં વાસ્તવિક નહોતો. એ કોઈ બીજી જિંદગી હતી. રિયાલિટીને ક્રોસ કરતી ફેન્ટસી. જે ફેક્ટ લાગે છતાં ફેક્ટ નથી. 

તર્કથી વિચારતા સમજાય છે કે રાત્રે જોયેલું સ્વપ્ન એક ભ્રમ હતો. પણ સ્વપ્ન જોતી વખતે જરા પણ શંકા કેમ ન થઈ? સ્વપ્ન સ્વપ્ન છે એ અહેસાસ થતાં જ સ્વપ્ન તુટી જાય છે. માયા માયા છે એ અહેસાસ થતાં જ માયાનું નિયંત્રણ તુટી જાય છે. અસ્તિત્વનું પ્રયોજન શું છે? નિયંત્રણમાં રહેવું કે નિયંત્રણમાંથી મૂક્ત થવું! માયાના આગોશમાં તરફડતું રહે છે. દરેક નવા હેતુનો હેતુ રસ્તો ભુલેલા માણસને વધુ ભુલો પાડવાનો છે અને એટલે જ વીતેલા સમય સાથે અફસોસ અને આવનારા સમય સાથે ડર જોડાયેલો રહે છે. કંઈક બાકી રહી ગયાનો અફસોસ અને કંઈક બાકી રહી જશે એનો ડર... આ અફસોસ, આ ડર એ લઇ આવે છે હતાશા. 

બટેટા વાસ્તવિકતા છે. પણ એમાંથી ફ્રેંચ ફ્રાય્સ બનાવવી, સુકી ભાજી બનાવવી, સમોસા બનાવવા, ભજીયાં બનાવવા, સેન્ડવિચ બનાવવી, વેફર બનાવવી, આલુપરોઠા બનાવવા એ બધા ઓપ્શન્સ છે, જે દરેકનો આગવો સ્વાદ છે. અલાયદી પ્રોસેસ છે. યાને એ જ બટેટા અલગ અલગ વિકલ્પથી અલગ યુનિવર્સ રચે છે. જે મૂળ (બટેટું) સરખું હોવા છતાં ફળ (વાનગીઓ) એકસરખા આપતું નથી. પણ એક સાથે એક જ ડીશમાં બધું ભેગું થઇ જાય ત્યારે ? કેટલું ભાવે ? કેટલું પચે અને મૂળ તો પેટમાં જાય ત્યારે એમાંથી શરીર એક જ પોષક દ્રવ્યો બનાવશે ને ! રક્તકણ લીવરમાં બટેટા થકી બન્યા કે ટમેટા થકી એનું ક્યાં લેબલ છે ? 

બસ, આ છે પ્રચંડ ઓસ્કાર વિનર એવી એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ નામની લાજવાબ ફિલ્મની મૃત્યુલોકમાં અન્યત્ર ક્યાંય વાંચવા ના મળે એવી અપૂર્વ પૂર્વભૂમિકા. (અને આ ફર્ક છે, ગૂગલ ને ચેટજીપીટીના તેજસ્વી જ્ઞાનનો અને ભીતરના તપ થકી મળતા ઓજસનો) હવે, પહેલી ફુરસદે થિયેટર કે સોની લિવ પર આ ફિલ્મ થોડી ના સમજાય, કંટાળો આવે તો પણ જોજો. એના ઘૂંઘટના પટ થોડા સ્પોઈલર સાથે ખોલીશું આવતા રવિવારે. એક સપ્તાહ છે રસ પડયો હોય તો. 

ફાસ્ટ ફોરવર્ડ

हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत्॥ स दाधार पृथिवीं द्यामुतेमां कस्मै देवाय बविषा विधेम ॥

(प्रथम श्लोक, हिरण्यगर्भ सूक्त्म, ऋग्वेद मण्डल, सूक्त- 121)

वो था हिरण्यगर्भ, सृष्टि से पहले विधमान

वहीं तो सारे भूत जात का स्वामी महान

जो हे अस्तित्वमान, धरती-आसमान धारण कर

ऐसे किस देवता की उपासना करे हम हवि देकर)

(अनुवादः वसंत देव, भारत एक खोज)

Gujarat