નવા આકાશનો ઉઘાડ .
Updated: Sep 17th, 2022
- આજકાલ-પ્રીતિ શાહ
- આકાંક્ષા કુમારી માટે સૌથી મહત્ત્વની વાત એ હતી કે એની અંડરગ્રાઉન્ડ કોલ માઈન એન્જિનીયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આવી નિમણૂક પામનારી તે દેશની પ્રથમ મહિલા બની
આ પણે સહુ જાણીએ છીએ કે ખાણમાં કામ કરવું કેટલું જોખમ ભરેલું હોય છે અને એમાંય કોલસાની ખાણમાં ! મોટાભાગના લોકો કોલસાની ખાણમાં જતાં જ ડરે છે. આ ક્ષેત્રમાં આજ સુધી પુરુષોનું વર્ચસ્વ રહ્યું હતું, પરંતુ આકાંક્ષા કુમારીએ આ વર્ચસ્વને તોડયું છે. ઝારખંડના હજારીબાગના બડકાગાંવમાં આકાંક્ષાનો જન્મ થયો. એનું બાળપણ કોલસાની ખાણોની આસપાસ જ વીત્યું. તે નાની હતી, ત્યારે વિચારતી કે ખાણની દુનિયા કેવી હશે ? એની અંદર શું હશે ? એના દાદા કોલસા લાવતાં તો તેમને પૂછતી કે આ કોલસા ક્યાંથી લાવ્યા ? ત્યારે દાદા નાની આકાંક્ષાને પટાવવા માટે કહેતા કે ખેતરમાંથી. એ તરત બીજો પ્રશ્ન પૂછતી કે આપણા ખેતરમાં આવા કોલસા કેમ થતા નથી ? આવા કુતૂહલ વચ્ચે આકાંક્ષા થોડી મોટી થઈ, ત્યારે રામગઢમાં રહેતી તેની બહેનપણી કે જેની આસપાસ ઘણા લોકો ખાણમાં કામ કરતા હતા તેને સતત પ્રશ્નો પૂછતી, ત્યારે તેની બહેનપણી તેને સમજાવતી કે આખો રૂમ સોલિડ કોલસાનો હોય તેમાંથી કાપતા કાપતા અંદર જવાય, ત્યારે વળી એને પ્રશ્ન થતો કે જો એને કાપવામાં આવે, તો તે પડી ન જાય ? આવા અનેક પ્રશ્નો અને જિજ્ઞાાસા આકાંક્ષાના મનમાં સતત ચાલ્યા કરતા.
નાનપણથી જ કોલસાની ખાણો પ્રત્યે દિલચશ્પી રાખનારી આકાંક્ષાએ હજારીબાગની નવોદય વિદ્યાલયમાં છઠ્ઠાથી બારમા ધોરણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ધનબાદની બિરસા ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી માઈનિંગ એન્જિનિયરીંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી. મોટેભાગે બહુ ઓછી છોકરીઓ આ પ્રકારની કારકિર્દીનું સ્વપ્ન જોતી હોય છે અને જો કોઈ છોકરી આ ક્ષેત્રે જવાની ઇચ્છા વ્યક્ત કરે તો ભાગ્યે જ કોઈ માતા-પિતા એની મંજૂરી આપે, પરંતુ આકાંક્ષાના માતા-પિતાએ એને સતત પ્રોત્સાહન આપ્યું અને જે ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તેની તેને સ્વતંત્રતા પણ આપી. આકાંક્ષાના પિતા અશોકકુમાર શિક્ષક છે અને માતા આંગણવાડીમાં કામ કરે છે. જ્યારે આકાંક્ષાએ માતા-પિતાને માઈનિંગ એન્જિનીયર બનવાની વાત કરી, ત્યારે એના પિતાએ આ ક્ષેત્રે કામ કરનારા એમના મિત્રોની સલાહ લીધી. કેટલાકે સારો અભિપ્રાય આપ્યો, તો કેટલાકે તેમાં રહેલાં જોખમોને દર્શાવીને અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની સલાહ આપી.
આવી અનિર્ણીત સ્થિતિમાં પિતાએ આકાંક્ષાને કહ્યું, 'તું સમજદાર અને હિંમતવાળી છે. તારી કારકિર્દીનો નિર્ણય તું જાતે જ કર. એક વાર તારા મનને પૂછી લે. બહુ મુશ્કેલી આવે તો છોડી દેજે. વધુમાં વધુ કદાચ તું નોકરી નહીં કરી શકે, પરંતુ તું જે ડિગ્રી મેળવીશ તે તો કામ આવશે. નિર્ણય તારે કરવાનો. એમાં જે મુશ્કેલીઓ આવશે તે પણ તારી. એનું જે પરિણામ આવે તે પણ તારું. એમાં જો તું હારી જઈશ, તો હું તારી સાથે છું જ.' પિતાના આ શબ્દોએ એને માઈનિંગ એન્જિનીયર બનવા માટેનો ઉત્સાહ વધાર્યો અને અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી ૨૦૧૮માં ઉદયપુરમાં આવેલી હિન્દુસ્તાન ઝીંક લિમિટેડમાં નોકરી મળી ગઈ. ત્યાં ડ્રિલિંગ વિભાગમાં બે વર્ષ કામ કર્યું. ત્યારબાદ કોલ ઇન્ડિયાની સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડ માટે અરજી કરી અને તે પસંદગી પામી.
આકાંક્ષા કુમારી માટે સૌથી મહત્ત્વની વાત એ હતી કે એની અંડરગ્રાઉન્ડ કોલ માઈન એન્જિનીયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આવી નિમણૂક પામનારી તે દેશની પ્રથમ મહિલા બની. આકાંક્ષા કુમારી સેન્ટ્રલ કોલફીલ્ડ લિમિટેડના નોર્થ કરનપુર વિસ્તારમાં આવેલ ચુરી ભૂમિગત ખાણમાં કાર્યરત છે. એની નિમણૂક પહેલાં એને માઈન્સ રેસ્ક્યૂ એન્ડ રીકવરી વર્કની તાલીમ પણ આપવામાં આવી છે. ભારતમાં ૨૦૧૯ પહેલા મહિલાઓને ખાણમાં અંડરગ્રાઉન્ડ જવાની પરવાનગી નહોતી, તેમ છતાં આકાંક્ષા કુમારી એના માટે જરૂરી એવા ગેસ ટેસ્ટીંગ સર્ટિફિકેટની પરીક્ષા આપવા ગઈ ત્યારે સહુએ એને કહ્યું કે તે અંડરગ્રાઉન્ડ નહીં જઈ શકે, તો પછી આવા સર્ટિફિકેટની શું જરૂર છે, પરંતુ આકાંક્ષાના મનમાં એમ હતું કે સર્ટિફિકેટ હશે તો ક્યારેક જવાનું થાય તો વાંધો ન આવે અને એનું સ્વપ્ન સાકાર થયું.
આકાંક્ષા અંડરગ્રાઉન્ડ માઈનની કામગીરી અંગે કહે છે કે પહેલાં ત્યાં કોલસાને કાપવો અને ખાણમાંથી કાઢવો તે મુખ્ય કામ હતું, પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. અત્યારે ખાણની અંદર પિલર ડિઝાઈન, સ્ટ્રક્ચર, દીવાલની ક્ષમતા વગેરે કામ આકાંક્ષાએ સંભાળવાનું હોય છે. અહીં કામ કરવામાં બે જોખમ રહેલા છે એક ગેસનું ઉત્સર્જન અને બીજું આગ લાગવી.
જોકે હવે મોટેભાગે અગાઉથી એની જાણકારી મેળવવાનું શક્ય બન્યું છે. ટૅક્નૉલૉજીનો વિકાસ થશે તેમ તેમ માણસો પાસેથી કામ લેવાનું લગભગ બંધ થઈ જશે. આજે અમેરિકામાં એટલી એડવાન્સ ટૅક્નૉલૉજી છે કે ભાગ્યે જ માણસો ખાણમાં કામ કરે છે. મોટેભાગે રિમોટ કન્ટ્રોલથી કામ થાય છે. ભારતમાં એ સ્થિતિ આવતા હજી વાર લાગશે. આ બધાની સાથે તે એમ પણ કહે છે કે પ્રત્યેક નોકરીમાં જોખમ હોય છે જ. આ ક્ષેત્રમાં છોકરીઓ કારકિર્દી બનાવવા ઇચ્છતી હોય તો એનું ભવિષ્ય ઉજ્જ્વળ જ છે. ઘણી કંપનીઓ આ ક્ષેત્રમાં આવી છે. પહેલા શ્રમિકો પર આધાર રાખવામાં આવતો હતો તે આજે ટૅક્નૉલૉજી પર રાખવામાં આવે છે અને આવનારા સમયમાં તો હજી સુધારો થશે. આકાંક્ષાની ઇચ્છા આ ક્ષેત્રે વધુને વધુ મહિલાઓ આવે તેવી છે. તે માને છે કે વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિથી દરેક પડકારોનો સામનો કરી શકે છે.
પ્રવાસ સૌથી મોટો શિક્ષક
આદિવાસી વિસ્તારોમાં રહેવાથી એમના જીવનને તેમજ કલાને સમજવાની તક મળી. મહારાષ્ટ્ર અને બઁગાલુરુમાં લાકડાની મૂર્તિ બનાવતા, તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ખાદીના શર્ટ અને માટીના ઘર બનાવતા શીખ્યા
જ યપુરમાં જન્મેલા અંકિત અરોરાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અભ્યાસ કર્યો અને કારકિર્દી પત્રકારત્વ ક્ષેત્રે શરૂ કરી, પરંતુ એનો સાઈકલિંગનો શોખ એમને ત્રીજી જ દિશા તરફ દોરી ગયો. એણે નક્કી કર્યું કે પોતાની રોજિંદી જિંદગી છોડીને છ મહિના સાઈકલ પર ભારતભ્રમણ કરવું. જોકે એનો હેતુ ગિનેસ બુક આફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ આવે તેવો હતો, કારણ કે ૨૦૧૬માં એણે દિલ્હી, આગ્રા અને જયપુરના ગોલ્ડન ટ્રાયેંગલની સાતસો કિમી.ની યાત્રા ૬૯ કલાક સતત સાઈકલ ચલાવીને પૂરી કરી અને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં નામ દાખલ થયું. અંકિત અરોરાએ ૨૦૧૭ની ૨૭મી ઑગસ્ટે ભારતભ્રમણ શરૂ કર્યું. તેને માટે એણે સારી સાઈકલ, કપડાં, કેમેરા અને એક ટેન્ટની ખરીદી કરી. અંકિતને તમે એના સાઈકલપ્રેમ વિશે પૂછો તો એને માટે એની પાસે ચોક્કસ અને સ્પષ્ટ વિચારો છે.
અંકિત અરોરા માને છે કે લોકો સાથે અને જુદી જુદી સંસ્કૃતિ સાથે જોડાવા માટે સાઈકલ એક ઉત્તમ માધ્યમ છે, તે નથી ઝડપી કે નથી ધીમી. જો મોટરસાઈકલ કે કારમાં તમે ફરો, તો બહુ ઓછા લોકોને મળી શકશો, પરંતુ સાઈકલ પર તો તમે ગમે ત્યારે ગમતી જગ્યાએ રોકાઈ શકો. લોકો સાથે બેસીને ચા પી શકો. સ્થાનિક લોકોની રહેણીકરણી અને તેની સંસ્કૃતિ વિશે જાણી શકો. જેમ જેમ એની સાઈકલયાત્રા આગળ ચાલતી ગઈ, તેમ તેમ એના વિચારો બદલાયા, દ્રષ્ટિકોણ બદલાયો. એને લાગ્યું કે એણે દેશની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ અને આ અનુભવ તો રેકોર્ડ કરવા કરતાં ઘણો મહત્ત્વનો છે. તેણે સાડા ચાર વર્ષમાં એકવીસ હજાર કિમી.ની સાઈકલયાત્રા કરીને ભારતના પંદર રાજ્યો, આઠ કેન્દ્રશાસિત પ્રદેશો અને એક હજાર જેટલાં ગામડાંઓનો પ્રવાસ કર્યો. દક્ષિણ ભારતના પાંચેય રાજ્યોની યાત્રા કરી.
સાઈકલયાત્રાના અનુભવની વાત કરતાં બત્રીસ વર્ષનો અંકિત કહે છે કે આ સમય દરમિયાન ઘણા કુટુંબો સાથે રહેવાનું બન્યું. આર્મી ઓફિસર્સ, એન્જિનિયરો, શિક્ષકો, ખેડૂતો, કારીગરો, ડૉક્ટર અને આત્મસમર્પણ કરી ચૂકેલા નકસલીઓ સાથે પણ રહેવાનો અનુભવ થયો. આશરે છસો જેટલા પરિવારો સાથે રહીને ઘણું શીખવા મળ્યું. આદિવાસી વિસ્તારોમાં રહેવાથી એમના જીવનને તેમજ કલાને સમજવાની તક મળી. મહારાષ્ટ્ર અને બઁગાલુરુમાં લાકડાની મૂર્તિ બનાવતા, તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ખાદીના શર્ટ અને માટીના ઘર બનાવતા શીખ્યા. આંધ્રના નુજવિદ શહેરમાં નાળિયેરની કાચલી અને અન્ય સામગ્રીમાંથી કટલરી, જ્વેલરી, વાંસળી અને વીણા જેવા વાદ્યયંત્રો બનાવવાનું શીખ્યા. જંગલ વિશે જાણ્યું. તંજાવુર, મધુબની અને ગોંડ કલાકારો પાસેથી ચિત્રો બનાવતા શીખ્યા. એક સમય એવો હતો કે જ્યારે એની પાસે રહેવાની કોઈ જગ્યા નહોતી, ત્યારે ગુરુદ્વારામાં રહેવા લાગ્યા. તેઓ બહુ પ્રેમથી જમાડતા. જોકે કેટલાક લોકો શંકાની દ્રષ્ટિથી પણ જોતા હતા કે રાજસ્થાનનો છોકરો આ રીતે કેમ ફરે છે ? કોવિડ મહામારી શરૂ થઈ ત્યાં સુધીમાં દોઢ હજાર કિમી.ની યાત્રા પૂરી થઈ ચૂકી હતી. તે સમયે તેઓ બઁગાલુરુમાં ચિત્રકાર શ્રીદેવી અને એમના પતિ આર્મી ઓફિસર બાલાસુબ્રમણ્યમ સાથે રહેતા હતા.
આ દંપતી સાથે પોતાના અનુભવની વાત કરતાં અંકિતે કહ્યું કે ગ્રામીણ ભારત પારંપરિક જીવનશૈલીથી દૂર જઈ રહ્યું છે અને આપણી સમૃદ્ધિ સંસ્કૃતિ અને વારસો વિલુપ્ત થવાના આરે છે. અંકિતની વાત સાંભળીને એમણે બઁગાલુરુ પાસે કૃષ્ણાગિરિમાં આવેલા એંચેટી ગામમાં બે એકર જમીન ખરીદી. ત્રણેયે મળીને તેના પર 'ઈનિસફ્રી ફાર્મ'ના નામે એક ફાર્મ તૈયાર કર્યું. આ એક સસ્ટેનેબલ ફાર્મ છે, જેમાં ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ત્યાંના સ્થાનિક લોકો અને ખેડૂતોને પારંપરિક પદ્ધતિ સાથે જોડી શકાય અને જૈવિક ખેતી વિશે સમજાવી શકાય. આ ફાર્મમાં બે માટીના અને એક લાકડાનું ઘર બનાવ્યું. આદિવાસી લોકો બનાવે તે રીતે માટીમાં ગોળ અને મધ જેવા તત્ત્વો ભેળવીને દીવાલો બનાવી છે. ઘરનો ષટ્કોણ અને અષ્ટકોણ આકાર બનાવ્યો છે, જેનાથી થર્મ ઇન્સુલેશન વધે છે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે છે. ઉધઈથી બચવા માટે લીમડાના પાંદડા, લીલા મરચાં, લસણ, હળદર, ચૂનો અને પાણીનો ઉપયોગ કર્યો છે. એણે માટીનો સોફા પણ બનાવ્યો છે.
આ ફાર્મમાં રસોડાથી લઈને બાથરૂમ સુધીના વેસ્ટને રીસાયકલ કરવામાં આવે છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે બે તળાવ બનાવ્યા છે, જેમાં સાઠ વૃક્ષો વાવ્યા છે. સાથે સાથે પાલક, ટામેટાં, મરચાં, ભીંડા, કારેલા, દૂધી જેવા ઘણા શાકભાજી જૈવિક રીતે ઉગાડી રહ્યા છે. ગામની મહિલાઓને તેઓ નાળિયેરની કાચલીમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવતા શીખવે છે. તેઓને આશા છે કે માટીના અને લાકડાના ઘરને કારણે લોકો અહીં આવશે અને એને કારણે રોજગારી વધશે. આ ફાર્મ આસપાસનાં ગામો માટે એક મૉડલ ફાર્મ બની ગયું છે. તે કહે છે કે જુદી જુદી ભાષા અને સંસ્કૃતિના લોકોને મળવાથી ઘણું બધું જાણવા મળે છે. લોકો એકબીજાને જાણે તો ઘણા પૂર્વગ્રહો અને ધારણાઓ દૂર થાય છે. જે શિક્ષણ કૉલેજ કે યુનિવર્સિટી નથી આપતું તે શિક્ષણ પ્રવાસ આપે છે અને આ અનુભવો વ્યક્તિનું ઘડતર કરે છે. અંકિત અરોરાની આ યાત્રા પૂરી નથી થઈ તે હવે ભારતમાં સસ્ટેનેબલ જીવનશૈલીવાળા મૉડલ ગામ બનાવવા ઇચ્છે છે.