mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આપણા વિચારોના ગોડાઉનનો ક્યારેય હિસાબ થતો નથી

Updated: Apr 13th, 2024

આપણા વિચારોના ગોડાઉનનો ક્યારેય હિસાબ થતો નથી 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- 'ઘણા લાંબા સમય સુધી મેં પણ આવી શાંતિની ઝંખના રાખી હતી, પરંતુ શાંતિની ઝંખના જ અશાંતિ બની ગઈ. માટે આવી અપેક્ષા છોડી દો તો આપોઆપ પ્રાપ્તિ થશે.'

આ જ સુધી સહુ કોઈએ કહ્યું કે, 'એક બહારની દુનિયા છે અને બીજી ભીતરની દુનિયા છે અને એ ભીતરની દુનિયા જોવા, જાણવા અને પામવા માટે અંતર્મુખ બનવાની જરૂર છે. કોઈ ગ્રંથ, ગુરુ કે મહાત્મા આપણને અંતર્મુખ બનવાનું કહે, પોતાની ભીતર જવાનું સમજાવે અને આપણે અંતર્મુખ બનવાની કોશિશ કરીએ, ત્યારે સૌથી મહત્ત્વની અને પાયાની વાત એ છે કે એ પૂર્વે આપણા ભીતરનું આપણે ખરેખર રૂપાંતર કર્યું છે, ખરું ? મારે (કુમારપાળ દેસાઈ) તમને ભીતરનું રૂપાંતર સાધતા પૂર્વે જે પ્રયોગો આવશ્યક છે, તેની વાત કરવી છે. જો એ પ્રયોગો ભૂલીને માત્ર સીધેસીધા ભીતરનું રૂપાંતર સાધવા જઈએ તો ઘણીવાર ભૂતકાળનાં વિકારો, વાસનાઓ અને એષણાઓ આપણી સામે રાક્ષસ બનીને ઊભા રહે છે અને આપણે દિશાહીન બનીને ભટકી જઈએ. આથી જ અંતર્મુખતા કાજે ત્રણ બાબતોનું પરિવર્તન કરવું જોઈએ.'

પહેલું છે શ્વાસ. તમારે તમારા શ્વાસને કેળવવો જોઈએ. ઉતાવળે બોલતા કે ઉતાવળે કામ કરતા માણસના શ્વાસની ગતિ અને શાંતિથી કાર્ય કરતા માણસનાં શ્વાસની ગતિ સાવ ભિન્ન હોય છે. ક્રોધથી ધૂંઆપૂંઆ થયેલા માણસના શ્વાસની ગતિ તેજ હોય છે, એ ટૂંકા પણ ઝડપી શ્વાસ લેતો હોય છે, જ્યારે શાંતિ કે સમતામાં સ્થિર માનવીમાં શ્વાસ ધીરે ધીરે લયબદ્ધ રીતે ચાલતા હોય છે. આ શ્વાસનાં પ્રયોગો પર આપણે દ્રષ્ટિ કરીએ, તો ખ્યાલ આવશે કે કોઈ માર્ગદર્શકને બહાર શોધવા જવાની જરૂર નથી. જો તમે તમારા શ્વાસને ચાંપતી નજર રાખીને કેળવશો તો તમારો શ્વાસ જ તમારે ગુરુ બની રહેશે. એ જ તમને કહેશે કે હવે આ વિકારનાં પ્રસંગે તમારો શ્વાસ વધુ વેગીલો બન્યો છે, એ જ તમને કહેશે કે તમે શબ્દ મારફતે તમારા સ્વજનની છેતરપીંડી કરવા ચાહો છો. ભગવાન મહાવીરે આપણને આખું શ્વાસનું વિજ્ઞાાન આપ્યું છે. આપણા ધ્યાનનાં બધાં પ્રયોગો એ પણ શ્વાસ આધારિત છે.

બીજું પરિવર્તન કરવાનું છે વિચારનું અને તમારા મનનાં એ વિચારોને ઓળખવાનાં છે. કઈ સ્થિતિ છે તમારા મનનાં વિચારજગતની. જરાક પોતાના મનના વિચારોથી દૂર જઈને ખોજ કરશો, તો ખબર પડશે કે તમારું વિચારજગત તો એક મોટું ગોડાઉન છે. એમાં વર્ષો જૂની, પુરાણી, ખવાયેલી સ્મૃતિઓ પડેલી છે. એમાં કોઈ ઘટનામાંથી જાગેલો વિચાર પણ ક્યાંક પડયો છે. રાગ અને દ્વેષનાં કેટલાંય વાદળો તમારા વિચારજગતમાં દોડધામ કરી રહ્યાં છે. વર્ષો પહેલાનું વેર ક્યાંક વિચાર રૂપે પડયું હશે તો તાજેતરનો દ્વેષ વિચારજગતમાં સતત તરવરતો હશે. આપણે વિચાર કરીએ છીએ, પણ ક્યારેય આપણા વિચારો વિશે વિચાર કરતા નથી.

પરિણામ એ આવે છે કે કોઈ ઢંગઢડા વિનાનું મ્યુઝિયમ આપણે જોતા હોઈએ એવી આપણા વિચારોની સૃષ્ટિ છે. એમાં એટલો બધો જરૂરી અને બિનજરૂરી સામાન ખડકાયેલો છે કે તમારે ખુદને જો શાંતિથી તમારું પોતાનું વિચારજગત જોવું હોય તો ક્યાં બેસીને જોવું એ પણ એક સવાલ ઊભો થશે. એમાં નઠારા વિચારોની સાથે સારા વિચારો પણ હશે. અશુભની સાથે શુભ પણ હશે. જેમ જીવતા જઈએ છીએ અને વિચાર આવતા જાય છે અને એેને આપણા ચિત્તમાં નાખતા જઈએ છીએ. એમાં ઉમદા વિચારો પણ હશે, ધર્મભાવના પણ હશે, તો કોઈને પરાજિત કરવાની દ્વેષ વૃત્તિ પણ પડી હશે.

તમે જુઓ કે તમે કેવી વિચારની દોડ લગાવ્યા કરો છો. અહીં દોડો છો, ત્યાં દોડો છો, સહેજ સમતોલન ગુમાવો તો ઊભા થઈને પણ દોડો છો. દિવસે સૂર્યનાં પ્રકાશમાં પણ તમારા વિચારોથી દોડો છો અને રાત્રે સ્વપ્નમાં પણ એ વિચારોને સાથે રાખો છો. આનો અર્થ એ થયો કે આપણે જે કોઈ વિચાર આવે, તેને ચિત્તમાં નાખતા જઈએ છીએ. એ વિચારમાં આપણા અહંકારને ભેળવીએ છીએ, આપણા દ્વેષનો ઉમેરો કરીએ છીએ, આપણા શોખનો વિચાર કરીએ છીએ, ડાયાબિટીસ હોય છતાં છાનામાના મિઠાઈ ચોરીને ખાવાનો વિચાર કરો છો. સામાન્ય માણસની એક ક્ષણ પણ વિચાર વિના જતી નથી.

હવે આવે છે પરિવર્તનની વાત. જરા શાંત બેસો. સામે તમારી વિચારસૃષ્ટિને રાખો. જુઓ કે આ ગોડાઉનમાં વિચારોનો કેવો માલ ક્યાં ક્યાં આડેધડ પડયો છે. એમાં કેટલીક જુની-પુરાણી ભંગાર વસ્તુઓ હશે, જેનો કશો ઉપયોગ નથી. કેટલાંક વિચારો બિનજરૂરી હોય છે, તો કેટલાક વાહિયાત હોય છે, પણ આ ગોડાઉનનો આપણે વિચાર કરતા નથી અને એને પરિણામે આડેધડ વિચારોનો ઢગ આપણને તકલીફ આપવા લાગે છે.

જીવનમાં સારાસારનો વિવેક જરૂરી છે. સારું શું અને ખોટું શું તે જાણવું જોઈએ. હેય અને ઉપાદેયને સમજવું જોઈએ. હેય એટલે છોડવા જેવું અને ઉપાદેય એટલે સ્વીકારવા જેવું તમે અહીં જે નકામા વિચારો છે, તેને હેય માનો અને જે કામના વિચારો છે, એને ઉપાદેય માનીને વ્યવસ્થિત ગોઠવો. એને માટે ક્યા વિચારને રાખવો અને કોને વિદાય આપવી, તે નક્કી કરો. ક્યો વિચાર સંગત છે અને ક્યો વિચાર સાવ અસંગત છે એનું પારખું કરીને અસંગત વિચારોને તમારી વિચારસૃષ્ટિમાંથી દેશનિકાલ આપો.

એક પ્રકારની વ્યવસ્થાની આવશ્યકતા છે. આપણે જાણીએ છીએ કે ઘરમાં ચીજવસ્તુઓ વ્યવસ્થિત રીતે પડેલી હોય તો મળી જાય છે, પણ જો શયનખંડનો સામાન આપણા દિવાનખંડમાં પડયો હોય અને આપણા દિવાનખંડનો સામાન આપણા રસોઈઘરમાં પડયો હોય, તો પછી માત્ર એની દોડાદોડમાં આપણો સમય વીતી જાય છે. જો વિચારો વ્યવસ્થિત હોય તો જીવનમાં સહજ રૂપે એક શિસ્ત આવે છે, કારણ કે એ વિચાર જ તમને માર્ગ બતાવતો રહેશે, પ્રાયોરિટી કહેતો રહેશે અને કઈ વસ્તુ ક્યાંથી લઈને એનો કેવો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવતો રહેશે.

આથી જો મનની વિચારસૃષ્ટિ વ્યવસ્થિત હોય તો માનવીને જીવન જીવવાનો આનંદ આવે. આમ ન થાય તો શું થાય ? જો આડેધડ વિચાર પડેલા જ હોય, તો પછી આપણા જીવનમાં સામાન્ય બાબત પણ મુશ્કેલ બની જાય. નકામા વિચારો આગળ ધસી આવે, કામના વિચારોની વિસ્મૃતિ થાય. આપણા આગ્રહો અને પૂર્વગ્રહો સતત આગળ ધસતા રહે. વળી પરિસ્થિતિ સમજ્યા વિના આપણી આસક્તિ આપણા પર જોર જમાવે. આ પરિસ્થિતિમાં શું થાય ? એની માર્મિક વાત રમણ મહર્ષિએ એક જિજ્ઞાાસુનાં ઉત્તરમાં આપી. તેઓએ કહ્યું.

'વિચાર તમને નથી પજવતા, તમે વિચારોને પજવો છો. મન તમને નથી પજવતું, તમે મનને પજવો છો, એ તો અંદર પડયું છે. વિચાર તકલીફ આપે છે જ્યારે અંદર આગ્રહ અને અહંકાર પડયા હોય છે. આપણા હોવામાં, શ્વાસ લેવામાં, ભોજન કરવામાં, વિશ્વને જોવામાં, આંખ, નાક, કાન, હાથપગના ઉપયોગને જે અવસર મળે છે એમાં જો સંતોષ ન હોય, જીવવાનાં કર્મમાં જ એની પરિપૂર્ણતા છે. જો એ સમજાયું ના હોય ત્યારે જ ચિત્તમાં આગ્રહ, આસક્તિ ઊઠે છે. વિચાર ત્યારે તકલીફ આપે છે. જ્યારે આગ્રહ હોય છે, ઈચ્છાઓ જ્યારે આસક્તિ બની જાય છે ત્યારે તકલીફ આપે છે.'

આ રીતે પોતાના વિચારસૃષ્ટિને વ્યવસ્થિત કરીને વ્યક્તિ પરિવર્તન સાધે છે અને એ પછી એનું ત્રીજું પરિવર્તન પોતાની જાતનું સાધવાનું છે. એ ભૂલવું ન જોઈએ કે આપણે ઈંદ્રિયોથી બાહ્ય જગત સાથે જોડાયેલાં છે અને ભીતરથી પરમાત્મા સાથે જોડાયેલાં છે અને એથી જ આપણે ઇંદ્રિયોનાં યૂ-ટર્નની વાત કરી. એ ઈંદ્રિયને દમનમાંથી બહાર કાઢવી જોઈએ. એનું કારણ એ છે કે ઇંદ્રિયોનો સંબંધ આપણી ઉત્તેજના અને અપેક્ષા સાથે છે. ચીનનાં ઈતિહાસમાં સૌથી વધુ જાગૃત કોઈ વ્યક્તિ હોય તો તે લાઓત્સે છે.

ગ્રીસમાં સોક્રેટિસ થયા, ભારતમાં ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ થયા. લગભગ એ સમયની આસપાસ ચીનમાં લાઓત્સે થયા.

લાઓત્સેની વાણી અને વિચારસરણી અનોખી છે. આવા લાઓત્સે પાસે એકવાર એક સાધક આવ્યો. કશીય ખબર આપ્યા વિના એકાએક ધસમસતો દોડી આવ્યો. લાઓત્સે શાંત મુદ્રામાં બેઠા હતા. હજી એને કશું કહે તે પહેલાં એ સાધક એકાએક બોલવા લાગ્યો.

'મારા આપને કોઈ સવાલ પૂછવો નથી કે કોઈ કૂટ સમસ્યાનો મારે ઉકેલ જાણવો નથી. હું એક જ અપેક્ષાએ તમારી પાસે આવ્યો છું અને તે એ કે મારે શાંતિ જોઈએ છે. બસ, મને શાંતિ આપો. બીજું કાંઈ નહીં.'

સાધકની અકળામણ સાંભળતાની સાથે જ લાઓત્સેએ ઉત્તર આપ્યો, 'ભાઈ, તને શાંતિ નહીં મળે.'

પોતાની અપેક્ષાનો આટલો ત્વરિત ઉત્તર પામીને સાધક અકળાઈ ગયો. તેણે લાઓત્સેને પૂછ્યું કે એવું તે શું છે કે તમે મને તરત જ કહી દીધું કે મને શાંતિ નહીં મળે. આપને મારામાં એવી કઈ ખામી લાગી. મેં એવા તે ક્યા પાપ કર્યા છે કે શાંતિ માગવા છતાં આપ કહો છો કે મને શાંતિ નહીં મળે !

લાઓત્સેએ કહ્યું, 'જ્યાં સુધી તું શાંતિની ઝંખના રાખીશ, ત્યાં સુધી તને શાંતિ નહીં મળે.'

'તમે આવું શા માટે કહો છો ?' સાધકે અકળાઈને પૂછ્યું.

લાઓત્સેએ કહ્યું, 'ઘણા લાંબા સમય સુધી મેં પણ આવી શાંતિની ઝંખના રાખી હતી, પરંતુ શાંતિની ઝંખના જ અશાંતિ બની ગઈ. માટે આવી અપેક્ષા છોડી દો તો આપોઆપ પ્રાપ્તિ થશે.'

આ અપેક્ષાઓની દોડ અટકે તો જ શ્વાસની શાંતિ, વિચારની શિસ્ત અને ઇંદ્રિયોની સમજદારી પ્રાપ્ત થાય.

Gujarat