બે જ સાચા વ્યસન : વિદ્યાભ્યાસ અને હરિભક્તિ
- સુભાષિત-સાર- કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક

(आर्या)
व्यसनानि सन्ति बहूनि
व्यसनद्वयमेव केवलं व्यसनम् ।
विद्याभ्यसनं व्यसन
मथवा हरिपादसेवनं व्यसनम् ।।
(આ સંસારમાં વ્યસનો તો ઘણાં ય છે, પણ એમાં ખરાં વ્યસન તો બે જ છે : વિદ્યાભ્યાસ એક, અને બીજું ઈશ્વરની ભક્તિ)
એક સુભાષિત કહે છે કે સાચું બંધન એક જ છે : પ્રેમનું તો આ બીજું સુભાષિત કહે છે કે આ દુનિયામાં સાચા વ્યસન બે જ છે : વિદ્યાઓનો નિરંતર અભ્યાસ, અને બીજી ઈશ્વરની આરાધના.
સંસ્કૃતમાં વ્યસનના બે અર્થ થાય છે. એક તો વ્યસન એટલે બંધાણ દા.ત. દારૂનું બંધાણ, અથવા લત, બુરી આદત. બીજો અર્થ વ્યસન એટલે દુ:ખ. આ અર્થમાં સંસ્કૃતમાં ઘણો વપરાય છે. ગુજરાતીમાં દુ:ખના અર્થમાં 'વ્યસન' વપરાતો નથી. પ્રસ્તુત શ્લોકમાં બંધાણનો અર્થ જ લેવાયો છે. પોતાની ઉન્નતિ અને પ્રગતિ ઈચ્છનાર મનુષ્યે જીવનમાં ઉપયોગી એની ટેવો પાડવી જોઈએ. આવા કામમાં સદ્વિદ્યાઓ મદદ કરે છે. વિદ્યાઓનો તો અંત જ નથી.
ગ્રેજ્યુએટ થયા એટલે બધી વિદ્યાઓ આવડી ગઈ એવું નથી. વિદ્વાનો અને વિજ્ઞાાનીઓ હંમેશાં નવું સંશોધન કરતાં જ રહે છે, અને તેમની શોધથી જ્ઞાાનનો વિસ્તાર થતાં રહે છે. અનિષ્ટ વ્યસનોમાંથી છુટવા માટે અને સદાચાર અને સારી ટેવો શિખવા માટે માણસે જીવનભર સદ્વિદ્યાઓ શિખતા રહેવું જોઈએ.
બીજું સાત્વિક, શુભ અને ઈષ્ટ 'વ્યસન' છે 'હરિભક્તિ.'
હરિભક્તિની વ્યાખ્યા અને રીત ખુદ શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં સમજાવી છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ ઈષ્ટદેવની અંતર-મનમાં સ્થાપના કરી, તેમનું નામસ્મરણ, સેવા, પૂજન, ભજન, વ.થી તેમની આરાધના કરવી જોઈએ. ભગવાને જુદી જુદી રીતે બે બાબતોને આવશ્યક ગણી છે. ભક્તિ અનન્ય અને સતત હોવી જોઈએ, જે ઈષ્ટદેવ સ્વીકાર્યા પછી અન્ય કોઈ દેવતા કે શક્તિની આરાધના તરફ ખેંચાઈ જવું નહિ તે અનન્ય ભક્તિ અને તે નિત્ય, સતત કરવી જોઈએ. તેમાં વિક્ષેપ પડવો ન જોઈએ. આને અનન્ય અને સતત ભક્તિ કહેવાય.
આ બે ઉત્તમ અને બેજોડ 'વ્યસનો' છે. જેમને દ્રઢપણે અપનાવી જીવનમાં ઉતારવાથી દુર્મતિનો નાશ થાય છે, અને જીવન ઉન્નત, શુભ અને કલ્યાણકારી બને છે.

