વિધવાઓનો આધાર .

- આજકાલ - પ્રીતિ શાહ
- આજે નીતિ ગોયલ 'નારી નીતિ' અંતર્ગત ઉત્તરપ્રદેશનાં ગામડાંમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને ગૌરવપૂર્ણ રીતે જીવવામાં મદદ કરી રહી છે
ચં ડીગઢના ઉદ્યોગપતિને ત્યાં નીતિ ગોયલનો જન્મ થયો હતો. મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં એ ભાવનાઓ ગૂંજતી હતી. તમે જે ઇચ્છો તે કરો. લક્ષ્ય નક્કી કરી પાંખો ફેલાવો, ઊડાન ભરો અને એને હાંસલ કરો. આવી મોકળાશને કારણે નીતિ ગોયલ આજે એક સફળ આંત્રપ્રિન્યોર બની રહ્યા છે. મુંબઈમાં ઘણી રેસ્ટોરન્ટનું કુશળતાથી સંચાલન કરે છે. અત્યાર સુધીમાં તેમણે સેવાનાં ઘણાં કાર્યો કર્યા છે, પરંતુ ૨૦૨૨માં જ્યારે તેઓ પહેલીવાર સુંદરવન ગયા, ત્યારે તેમણે ત્યાં અત્યંત નજીકથી વિધવાઓ અને તેમની હૃદયવિદારક પરિસ્થિતિ નિહાળી. બંગાળની ખાડીમાં આવેલું સુંદરવન ૧૦,૨૭૭ સ્ક્વેર કિમી.માં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ છે. વિશ્વમાં મધની જે માગ છે તેમાં સુંદરવનમાંથી મળતા મધનો મોટા પ્રમાણમાં હિસ્સો છે.
સુંદરવનમાં રહેતા લોકો જાનના જોખમે પણ મધ લેવા જતા હોય છે. કેટલીક જગ્યાએ એવું મધ હોય છે કે જેની બજારમાં ઘણી વધારે કિંમત આવે, પરંતુ એ માર્ગમાં મગર, સાપ અને વાઘનો સતત ભય રહેતો હોય છે. કોઈ વ્યક્તિ મધ લેવા ગઈ હોય અને એક દિવસ સુધી ન આવે તો લોકો એને મૃત માની લે છે. આજે સુંદરવનમાં આશરે ત્રણ હજારથી વધારે વિધવાઓ રહે છે. આ સ્ત્રીઓને જ્યારે નીતિ ગોયલે પૂછયું કે,' વાઘ માનવીનો શિકાર કરે એવી ભયાવહ જગાએ શા માટે જવું જોઈએ?' એમણે કહ્યું કે, 'જો તેઓ મધ વેચે નહીં તો ખાય શું ? ક્યાં તો વાઘમારી નાખે અથવા ભૂખમરો.'
તેમનો જવાબ સાંભળીને નીતિ ગોયલ વિચારમાં ડૂબી ગઈ. સરકાર આ રીતે મૃત્યુ પામનારને વળતર આપે છે, પરંતુ ઘણા પુરુષોનું તો પ્રતિબંધિત વિસ્તારમાં મૃત્યુ થયું હોય તો કશું વળતર પણ મળતું નથી. તે લોકો પાસે નથી જમીન, ન કોઈ સ્થિર આવક કે નથી કોઈ સામાજિક પીઠબળ. આવા સંજોગોમાં વિધવા સ્ત્રી અને તેના સંતાનોમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા ઘણો સંઘર્ષ કરવો પડે છે અને આખા દિવસની મજૂરી પછી માંડ એક ટંક ભોજન પ્રાપ્ત થાય છે. પ્રાણીશાસ્ત્રમાં પીએચ.ડી. કરનાર વૈજ્ઞાાનિક એમ.એ. અઝીઝ ત્રણ દાયકાથી સુંદરવનમાં કામ કરે છે. તેઓ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર વાઘ હુમલો કરે છે, ત્યારે તે બચી જાય તો પણ તેનો ભય એ સતત અનુભવે છે. વિધવા થયેલી સ્ત્રીઓમાં ૭૨ ટકા સ્ત્રીઓ વાઘના હુમલાથી વિધવા થયેલી છે અને તેમનામાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર જોવા મળે છે.
નીતિ ગોયલે જોયું કે આ સ્ત્રીઓ આર્થિક, સામાજિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડે છે. શરૂઆતમાં તેણે પૈસા અને અનાજથી સહાય કરી અને ધીમે ધીમે તેમને ફિશ ફાર્મિંગ, મરઘાપાલન, બકરીપાલન કરવા પ્રોત્સાહિત કર્યા. મોટું કુટુંબ હોય તેમને ગાય આપી. નીતિએ વિચાર્યું કે ત્રણ હજાર વિધવાઓ સુધી પહોંચવું તો મુશ્કેલ છે, તેથી પ્રારંભે એક સો ીઓથી શરૂઆત કરી. જે સ્ત્રીઓ ફિશ ફાર્મિંગ કરવા માગતી હતી, તેમને તેમના ઘર પાસે જ નાનું તળાવ બનાવવા કહ્યું. આજે સૌરવી મંડલ જેનો પતિ અને પુત્ર વાઘનો શિકાર બન્યા હતા અને પુત્રી મગરનો શિકાર બની હતી તે પોતાના ઘર પાસે નાનું તળાવ બનાવી ફિશ ફાર્મિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જે દાન પર જીવતી હતી તેવી આશરે પાંચસો વિધવાઓ આજે પોતાની રીતે આવક મેળવે છે, ભોજન પામે છે અને તેમનું સ્વાસ્થ્ય સુધર્યું છે અને સૌથી વિશેષ તો આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવે છે. ઘર પર નાનકડી સોલર પેનલ લગાવી છે અને બાળકો સ્કૂલે જાય છે.
અડતાળીસ વર્ષની નીતિ ગોયલ મુંબઈમાં દક્ષિણ ભારત, જાપાનીઝ, મધ્ય એશિયાની વાનગીઓ પીરસતી ચાર રેસ્ટોરન્ટ સફળતાપૂર્વક ચલાવે છે. અલીબાગમાં 'એમોર સ્ટે' નામની હોટલ છે. કોવિડ મહામારી સમયે 'ખાના ચાહિયે' અને 'ઘર ભેજો' અભિયાનમાં સોનુ સૂદ સાથે મળીને લાખો જરૂરિયાતમંદ અને શ્રમિકોને ભોજન પૂરું પાડયું હતું. તેમના કુટુંબમાં કોઈ વ્યક્તિ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં નથી. લોકડાઉન વખતે બત્રીસ અનાથાલયો અને આઠસો સેક્સ વર્કરને મદદ કરી હતી. રાયગઢમાં નિસર્ગ વાવાઝોડું આવ્યું ત્યારે એક હજાર ઘર બાંધવામાં પણ તેનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. આજે 'નારી નીતિ' અંતર્ગત ઉત્તરપ્રદેશનાં ગામડાંમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને ગૌરવપૂર્ણ રીતે જીવવામાં મદદ કરી રહી છે. આ બધી સફળતા માટે તે તેમના પિતા સુબોધકુમાર ગુપ્તા જે આજે હયાત નથી તેનો, તેની માતા નીલમ ગુપ્તા અને પતિ પ્રણય ગોયલનો આભાર માને છે સ્ત્રીઓને સશક્ત બનાવવાની જરૂર નથી. તેઓ સશક્ત છે જ, માત્ર તેને જરૂર છે એક યોગ્ય તકની.

- ગુલાબના ફૂલોની મહેંક
- રાજેશકુમારે તેમની પુત્રીના નામ પરથી પરેરાના ફ્લાવર ફાર્મ શરૂ કર્યું છે. આજે તેઓ મહિને પચાસ હજાર રૂપિયાની કમાણી કરે છે.
હ રિયાણાના હિસાર જિલ્લામાં આવેલા હિંદવાન ગામમાં રાજેશકુમારનો જન્મ થયો હતો. જન્મથી જ તેમને રેટિનાઇટિસ પિગમેંટોસા અને મેક્યૂલર ડિજનરેશનની બીમારી હતી, આ આનુવંશિક બીમારી હોવાથી તેનો કોઈ ઉપચાર થઈ શકે તેમ નહોતો. મેક્યૂલા રેટિનાનું એવું કેન્દ્ર છે, જે કોઈ પણ વસ્તુ સ્પષ્ટરૂપે જોવામાં મદદ કરે. આ બીમારીને કારણે ધીમે ધીમે રાજેશકુમારને જોવામાં તકલીફ પડવા લાગી અને બાર વર્ષની ઉંમરે તેમની દ્રષ્ટિનું ક્ષેત્ર દસ ડિગ્રી થઈ ગયું, જે સામાન્ય રીતે ૧૮૦ ડિગ્રી હોય છે. આને કારણે તેઓ દસમા ધોરણથી વધુ અભ્યાસ કરી શક્યા નહીં. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમણે સિક્યોરિટી ગાર્ડની નોકરીની સાથે ગાડીઓ સાફ કરવાનું કામ કરતા રહ્યા. તેમના ઘણા પ્રયત્નો પછી પણ તેઓ મહિને માંડ પાંચ હજાર રૂપિયાની કમાણી કરી શકતા. અફસોસ તો એ વાતનો હતો કે બાળકોનાં અભ્યાસ માટેના પુસ્તકો પણ ખરીદી શકતા નહીં. સંતાનોની નાની માગણીની પણ અનિચ્છાએ અવગણના કરવી પડતી.
૨૦૧૫માં બગીચાના માળી સાથે વાત કરતા ખબર પડી કે માળી થોડા દિવસ રજા ઉપર જવાનો છે. રજાનું કારણ પૂછતાં તેણે રાજેશકુમારને જણાવ્યું કે તે તેનાં ખેતરમાં ફૂલો વાવવા જાય છે. તે જ્યારે પાછો આવ્યો, ત્યારે તેણે જણાવ્યું કે તે ગુલાબની ખેતી કરે છે અને તેના એક હજાર છોડ વાવીને તે પાછો આવ્યો છે. ગુલાબની ખેતીમાંથી સારા પ્રમાણમાં પૈસા મળે છે તેવી વાત સાંભળીને રાજેશકુમાર એ દિશામાં વિચારવા લાગ્યા, કારણ કે તેમની પાસે જે જમીન હતી તેના પર તેઓ ઘઉંની ખેતી કરતા અને એમાંથી સાવ નજીવી કમાણી થતી હતી. રાજેશ પાસે છ કનાલ જમીન હતી એક કનાલ એટલે ૦.૧૨૫ એકર થાય. આઠ કનાલ જમીને એક એકર જમીન ગણાય.
રાજેશે ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું અને શરૂઆતમાં બે કનાલ જમીનમાં ગલગોટા અને રજનીગંધા જેવા ફૂલોની ખેતી શરૂ કરી. બીજા વર્ષે ૨૦૧૬માં ગલગોટાના છોડ વચ્ચે એક હજાર જેટલા ગુલાબના છોડ વાવ્યા. એક છોડના બાવીસ રૂપિયા અને અન્ય ખર્ચ થતાં કુલ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો. ત્રીસ હજારના મૂડીરોકાણ સાથે ગુલાબની ખેતી શરૂ કરી અને ધીમે ધીમે છોડ પર ગુલાબ આવવાં લાગ્યાં. તાજાં ગુલાબના વેચાણમાંથી રોજના ત્રણસો રૂપિયાની આવક થઈ. આમ મહિને નવ હજારની આવક થવા લાગી. રાજેશ કુમાર હંમેશાં વિચારતાં કે અન્ય માટે મહેનત કરવા કરતા ભલે નાનો વ્યવસાય હોય, પણ પોતાના માટે મહેનત કરીને આર્થિક ઉપાર્જન કરવું જોઈએ, ગુલાબની ખેતીથી તેમનામાં ઉત્સાહ વધ્યો અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા. ૨૦૧૮માં પરિવારજનોની મદદથી ચાર કનાલ જમીનમાં ગુલાબની ખેતી શરૂ કરી.
રાજેશકુમાર ખાતર તરીકે ગાયનું છાણ, વર્મિકમ્પોસ્ટ, માસ્ટર્ડ કેક અને ગ્રાઉન્ડનટ કેકનો ઉપયોગ કરવા લાગ્યા. તેમણે જાતે ગોકૃપા અમૃત બનાવ્યું. આ મિશ્રણ કેવી રીતે બનાવવું તે ઘણા ખેડૂતોને શીખવે છે. આ મિશ્રણ માટે પાંચ લિટર લસ્સીમાં પાંચથી સાત જેટલું ગૌમૂત્ર અને પાંચથી સાત કિલો ગોળ ઉમેરવાનો હોય છે. ત્યારબાદ આ મિશ્રણને પાંચસો લિટર પાણીની ટાંકીમાં નાખીને સાત દિવસ રહેવા દેવાનું અને તે પછી છોડ પર છંટકાવ માટે ઉપયોગમાં લે છે. જ્યારે છોડ પર છંટકાવ શરૂ કરવાનો હોય ત્યારે આ મિશ્રણમાં થોડી હિંગ ઉમેરે છે, જેથી તેની વાસથી જીવાત છોડથી દૂર રહે છે. દર અઠવાડિયે એક વખત આ મિશ્રણ છાંટવાથી તેનું સારું પરિણામ મળે છે. ચાર કનાલમાં ગુલાબની ખેતી કરવાથી દરરોજ એટલા ગુલાબ મળવા લાગ્યા કે તેમના પત્ની સુનીતા અને બાળકો ગુલાબ ચૂંટવાના કામમાં જોડાયા. આ ગુલાબ સિરસા, ફતેહાબાદ, ચંડીગઢ, મોહલી, અંબાલા, રોહતક, પંચકૂવા જેવા વિસ્તારોમાં જાતે પહોંચાડવા લાગ્યા.
રાજેશકુમારના સંતાનોના શિક્ષકે તેમને ગુલાબમાંથી અન્ય ઉત્પાદનો બનાવવાનું સૂચન કર્યું. જે કોવિડ મહામારીમાં કામ આવ્યું. રાજેશકુમારે આને માટે હરિયાણા એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં તાલીમ લીધી અને ગુલાબમાંથી ગુલકંદ, ગુલાબજળ અને અન્ય ઉત્પાદનો બનાવ્યા. તેમના ગુલકંદને લુધિયાણાની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રીસર્ચે માન્યતા આપી. તેને ખજીજીછૈંનું લાયસન્સ મેળવવામાં કેટલાક અધિકારીઓએ મદદ કરી. આજે રાજેશકુમારના પત્ની સુનીતા અને બાળકોએ ગુલાબના છોડ વાવવાથી માંડીને તેનાં ઉત્પાદનો સુધીનું કામ સંભાળી લીધું છે. રાજેશકુમાર પ્રવાસ અને વેચાણ સંભાળે છે. ૨૦૨૦માં તેમણે તેમની પુત્રીના નામ પરથી પરેરાના ફ્લાવર ફાર્મ શરૂ કર્યું છે. આજે તેઓ મહિને પચાસ હજાર રૂપિયાની કમાણી કરે છે. જ્યારે તેમણે નાના પાયે ફૂલોની ખેતી શરૂ કરી હતી, ત્યારે કેટલાકે ટીકા કરી તો કેટલાકે દયા ખાઈને કહ્યું કે તેમણે તો નોકરી જ કરાય. પરંતુ કોઈની વાત ગણકાર્યા વિના રાજેશકુમારે મક્કમતા, ખંત અને જુસ્સાથી સફળતાનું બી વાવ્યું અને તેના મધુર ફળ પ્રાપ્ત કર્યા.

