આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય અને શીત, આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ઠંડા પાણીના ધોધ કે શાવર નીચે ઉભા રહો અને તપેલા શરીર પર 'અઠખેલિયા' કરતી જળધારાઓની ગલીપચી માણો અને મદહોશ થઇ વિચારો : જેટલી આનંદમય ક્ષણોના ફુવારામાં ન્હાશો, એટલા સંજોગોના સૂરજનો તાપ ઓછો બાળશે!
- આફટર ધ બાથ : મહેન્દ્ર નાથ રોય (1887-1954)નું સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદમાં રહેલું સાંથલ સ્ત્રીનું વિશ્વવિખ્યાત ચિત્ર
- એપોલો એન્ડ ડેફની : જીયોલોરેન્ઝો બર્નિની (1599-1680)નું રોમ, ઈટાલીમાં રહેલું પ્રસિદ્ધ શિલ્પ
'સ નશાઇન ઇઝ ડિલિશ્યસ, રેઇન ઇઝ રિફ્રેશિંગ, વિન્ડ બ્રેસિઝ અસ અપ, સ્નો ઇઝ એક્ઝિલરેટિંગ... ધેર ઇઝ રિયલી નો સચ થિંગ એઝ બેડ વેધર, ઓન્લી ડિફરન્ટ કાઇન્ડસ ઓફ ગુડ વેધર!' જોન રસ્કિનનું એક અદ્દભૂત, આલાતરીત, અફલાતૂન કવોટ છે. કવોટેશન નથી, જાણે ચૈતન્યની વાણી છે. પશ્ચિમમાં વરસ વિન્ટર, સમર, ફોલ, મોન્સુન એમ ચાર મોસમના વિભાગમાં વહેંચાય છે, એ સંદર્ભે રસ્કિન કહે છે કે તડકો, વરસાદ, પવન, બરફ બધું જ ખૂબસુરત છે મજેદાર છે. 'ખરાબ ઋતુ' જેવી કોઇ બાબત જ જગતમાં નથી. બધી જ ઋતુઓ અલગ અલગ પ્રકારની 'સારી ઋતુઓ' હોય છે! કયા બાત હૈ! પ્રકૃતિની એકપણ ઋતુ નકામી નથી, નકામી તો આપણી આંખો હોય છે, જે એની આગવી સુંદરતા નિહાળી નથી શકતી!
ખરેખર વિચારવલોણું ઘમઘમાવે એવી વાત છે આ! બધી જ મોસમ માણવાલાયક છે. ઝરણામાંથી ખળખળ વહેતા પાણીનું જો સંગીત હોય, તો રણમાં સૂસવાટા સાથે ઉડતી રેતીનું પણ પોતીકું સંગીત છે. ઠંડોગાર સ્ટ્રોબેરી થીકશેઇક અને વરાળ નીકળતી હોટ ચોકલેટ બેઉની પોતપોતાની લિજજત છે. ખુલ્લા ઘાસના મેદાનોમાં ફરવાની એક પ્રકારની મજા છે, અને વિશાળ ચટ્ટાનો પર પગ મુકીને પર્વતો પર આરોહણ કરવાની બીજા પ્રકારની મજા છે. બેઉમાંથી એક પણ સજા નથી, મજા જ છે!
ગાઢ જંગલને પોતાનું એક વિશિષ્ટ સૌંદર્ય છે, તો ઝાકઝમાળ મોલને પણ એનું એક સ્પેશ્યલ સૌંદર્ય હોય છે. એકને વખાણવા બીજાને વખોડવું ફરજીયાત નથી. રોટલી ખાઇએ એટલે ઇડલી ન ખાવી, એવા ચુસ્ત 'કમ્પાર્ટમેન્ટ' બનાવીને જીવવાનો મતલબ નથી. અખિલ બ્રહ્માંડનો એક શ્રીહરિ રંગબેરંગી જૂજવા રૂપે આપણી સામે નિત્ય નૃત્ય કરી રહ્યો છે. પૃથ્વી ગ્રહના પ્રવાસ પર છીએ, ત્યાં સુધી આ શકય તેટલા ખેલ ખુશી-ખુશી જાણવા અને માણવાની તૈયારી જોઇએ! પછી ઉલઝી હૈ કિસ જાલમેં તૂ ગીતમાં માઘુરી દીક્ષિતની લચકતી કમરિયા અને હિપ્સ ડોન્ટ લાઈમાં શાકીરાની ઠુમકતી કમરિયામાં પૂર્વ-પશ્ચિમનો ભેદ નહિ લાગે, પણ રસ-રંજનનો વેદ પડઘાશે!
માટે, આપણને જે 'બેડ વેધર' દુર્ઘટના લાગે છે, એ ય કુદરતના ચરખે જરા જુદા પ્રકારની 'ગુડ વેધર' જ હોય છે. ગઝલની ગમગીની કે ડિસ્કોની થનગની- બે ય જુદા જુદા ટેસ્ટના આનંદ છે. શિયાળાની શીતળતાનો એક મિજાજ હોય, તો ઉનાળાની ઉષ્ણતાનો પણ જુદો મિજાજ છે. પણ હીટરની સ્વીચ ઓન કરીને શિયાળામાં ઉનાળો, અને એ.સી.ની સ્વીચ ઓન કરી ઉનાળામાં શિયાળો ઉભો કરી દેતા, રોજ બાથરૂમમાં શાવર ચાલુ કરી ન્હાતા સમાજને મોસમના અસલી મિજાજપલટા જોવાની ફુરસદ જ ક્યાં છે? ઉનાળામાં ખાખરે ખાખરે ભડભડ સળગતી અગનજ્યોત જેવા કેસૂડાં જોવા કદી સ્કૂટર-કારને બ્રેક મારી છે? સાંજ પડે શરીરને વળગવા દોડતી ઠંડી હવાની લ્હેરખીઓને બાહુપાશમાં ભરી છે?
ઉનાળો ભારતમાં કોઇની ય ફેવરિટ ઋતુ નથી (સિવાય કે બરફગોળાથી ફ્રીજ અને આઈસ્ક્રીમથી એસી વેંચવાવાળાઓ!) પણ અહીં ઉનાળાને કોસવાને બદલે જાણે ચૂમવાની વાત છે. ઉનાળાના સૂક્કા ભેંકાર સ્વરૂપની વાત છેડી, પછી રસિકતાથી ઉનાળાનું પ્રાકૃતિક સૌંદર્ય ઘૂંટડે ઘૂંટડે ગટક ગટક પીવડાવે છે. આ ગરમીને પણ નરમીથી જોવાનો એક અંદાજ નિરાળો છે. ઉનાળો ભલે રોજ સૂરજદાદાના કિરણોથી આપણા પર કાંકરીચાળો કરે, એ ય પોતાની રીતે તો રૂડોરૂપાળો છે, છેલછોગાળો છે.ઉનાળામાં અજવાળું વહેલું થાય અને આંબાડાળે કોયલ ઝૂલે એ વર્ણવતી જુગલકિશોર વ્યાસની કેવી મજાની પંક્તિ છે : ઝાડ સોંસરો થઇને વહેલો ટહુકો જે દિન છૂટે,મારે આંગણ કૂણો મજાનો નવો ઉનાળો ફૂટે!
જેમ છૂટાછેડાનું મુખ્ય કારણ લગ્ન હોય છે, એમ વ્હાલા વરસાદનું મુખ્ય કારણ તો ઉનાળો જ છેને! જો ઉનાળો ન હોત, તો ચોમાસું જ કયાંથી આવત? પરીક્ષા પછીનું વેકેશન મધમીઠું લાગે છે. થાક પછીની નીંદર મધમીઠી લાગે છે એમ જીંદગીમાં આવતો સંજોગોના આકરા તડકાનો ઉનાળો જ આપણી આવતીકાલના શીતળ ચોમાસાના જળભરપૂર વાદળોનો પિંડ બાંધે છે. જેટલી ઉનાળુ ઉષ્મા વધુ, એટલું ખારા પાણીનું મીઠા પાણીમાં બાષ્પીભવન પણ વધુ! જો વરસાદમાં ન્હાવાનું ગમતું હોય, તો ગરમીમાં શેકાવાનું પણ સ્વાગત કરવું પડે! ઇન ફેક્ટ, જ્યાં ઓઝોન લેયરમાં ગાબડા હોય એવા પરદેશમાં ફરતા ફરતા આ વાત જ જાણવા જડી છે કે ત્યાં સમરમાં ટેમ્પરેચર ઓછું હોય પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડીને દઝાડી દે. આપણે ત્યાં એટલો બફારો બધે થતો નથી.
ઉનાળો જરૂર એની દાહક ધૂળિયા ગરમીને લીધે કાંટાળો લાગે. પણ એ કાંટા વચ્ચે ઉગતા ગુલાબની મહેક માણીશું તો કંટાળો ભાગી છૂટશે. ઠંડા કરેલા તરબૂચ- ટેટીને રસનીતરતા બચકા ભરવાની મજા ઉનાળાની બપોરે આવે, એટલી શિયાળાની રાત્રે આવે ખરી? ગ્રીક દેવતા પ્રોમિથિયસ સૂરજની ગરમી ચોરવા ગયો, ત્યારે હાથમાં વરિયાળીના છોડની ડાળખી લઈને ગયેલો, એવી વાર્તા છે. ખસ કે વરિયાળીના સાકરસ્વાદુ શરબતોની ચૂસ્કી લેવાની મજા ઉનાળામાં છે, એ વરસતા વરસાદમાં નથી! તાજાં લીંબુની સાથે મધ અને મરી ભેળવી, કાચના ગ્લાસમાં બે-ત્રણ આઈસ ક્યુબ્સ તરતા મુકીને ગ્લાસને હલાવીએ ત્યારે કાચ સાથે બરફ અથડાવાનો જે સ્વીટ સ્વીટ રણકાર પેદા થાય છે, એની મધુરતા જલતરંગ કે સંતૂરવાદનથી કંઈ કમ નથી હોતી! ઉનાળાની ગરમી ન પડે, તો કરપ્ટ ઓફિસરની 'કટકી'થી પણ ફેકટરીમાં ન બને એવી કાચી કેરીની કટકીનું તડકા-છાંયાનું તીખું મીઠું પિપરમિન્ટીયું અથાણું ક્યાંથી બને? તાજા મુરબ્બાના કેન્ડીનુમા કેરીના ફીંડવા સાથે દાંતમાં ભીંસાતી તજની ભૂકીનો સ્વાદ જેવો સમરસીઝનમાં આવે, એવો મોન્સુનમાં ન આવે!
ભારતમાં નવાસવા આવેલા બ્રિટિશર્સને ભારતની ગરમી અસહ્ય લાગતી, કારણ કે એમણે છાશ, કેરી, લીંબુ, ચંપા, ચમેલી, જૂઇ, ગુલમહોર, અમલતાસ, દ્રાક્ષ, ચંદન અને મહેંદીના ઠાઠઠઠારાથી ભરપૂર ભારતીય ઉનાળાની રંગત માણી જ નહોતી! આ બધી 'બીટ ધ હીટ'ની ઇન્ડિયન ટ્રીટ છે! ભારતના સુતરાઉ અને મખમલી કાપડની રોમમાં ઉનાળામાં એટલી માંગ રહેતી કે રોમનું સોનું એમાં ખર્ચાઇ જતું અટકાવવા રોમન સેનેટે ઠરાવ કર્યો હતો!
ઉનાળો એટલે ગમે તે ઉંમરે ભૂલકું બનીને પાકી પીળી કેરીઓને ધાવવાની પણ મોસમ! ગોલ્ડ ડિપોઝિટ તોડીને પણ આ નેચર્સ ગોલ્ડના રસમાં તરવાની પણ મસ્ત મોસમ. ઉનાળો ન હોય, તો કેરી અને જાંબુ ન હોત. ગરમી તો આવા ગોલ્ડન ફ્રૂટની એસેટસ પર ઉપરવાળી સરકારે નાખેલો ટેક્સ છે! ઉનાળા વિના કેસરિયા કણીદાર શિખંડ-મઠ્ઠો જીભ પર સુંવાળુ અસ્તર ન લગાવી શકત. સમર સીઝન ન હોત તો આઈસ્ક્રીમ ખાવાનું રિઝન ક્યાંથી મળત? ઠંડા દૂધમલાઈના પહાડ પર ચળકતા જેલી, પાઈનેપલ કે ડ્રાયફુટસ તો મિસ સમરના આભૂષણો છે.
શિયાળામાં તો જીન્સ-જેકેટ જ દેખાવાના હોય. ચોમાસામાં લાઈટ કલર્સ ગમે ત્યારે કાદવીયા બની જાય! પણ ઉનાળામાં કોટન, ખાદી, લીનનના લાઈટવેઈટ, લાઈટકલર કપડાં પહેરવાની અને આછેરા હલકાં વસ્ત્રો તળે જાણે દિગંબર ફરવાની જે મોજ છે, એ કોઈ આઘ્યાત્મિક ખોજ કરતા કમ નથી! ગુલાબી, આસમાની, લીંબુપીળો, આછેરો લીલો ને એવરગ્રીન શુભ્રધવલ વ્હાઈટ! જાણે ગુલમહોર, ગરમાળો કે ચંપો પહેરીને ફરતા હોઈએ એવું લાગે! ઠંડા પશ્ચિમ કરતાં તો ગરમ પૂર્વમાં બિકિની કે શોર્ટસ જેવા ઓછામાં ઓછા વસ્ત્રોમાં ફરવાની ફેશન હોવી જોઈતી હતી!
શરદીના ડર વિના ઉનાળામાં શર્ટ કાઢીને ફરી શકાય છે. ઉનાળો એટલે કૂરતી, ઝભ્ભા, ચડ્ડીઓના ખીલવાની મોસમ. રંગબેરંગી ઝભ્ભા-કૂરતીમાં પવનની સાથે લહેરાતા જવાની મોસમ ખુલતી ખાખી શોર્ટસ પહેરીને રસ્તા સાથે વહેતા જવાની મોસમ. મુલાયમ ચામડાના ચપ્પલ- સેન્ડલ પહેરીને ધરતી સાથે ચોંટતા જવાની મોસમ. સ્ટાઈલિશ સુપરકૂલ શાઈનિંગ ગોગલ્સ પહેરીને તડકા સાથે સંતાકૂકડી રમતા જવાની મોસમ.
ઉનાળો એટલે સૂકા પાંદડાથી મઢેલી તપેલી પૃથ્વી પર પથરાતા વેરાનના મૌનને સાંભળવાનો અનુભવ. ઉનાળો એટલે સૂનકાર અને સન્નાટા વચ્ચે પરસેવાના ટાઢકમાં બપ્પોરે આવી જતું એક ઝોલું. ઉનાળો એટલે ચામડી પર પડતા લાલ ચકામાં ખંજવાળવાનું સુખ. ઉનાળો એટલે આખા દિવસના બફારા પછી સાંજે ફૂંકાતા વાયરાનો અદ્રશ્ય મલમ. ઉનાળો એટલે, હૈયામાં ઉઠતી એક જલનની અગન. ઉનાળો એટલે ગળે ઉઠતા શોષની કાતિલ તરસ અને ઉનાળો એટલે એ પ્યાસ પછી મળતું માટલાનું પાણીનું એક પવાલુ પીવામાંથી છલકાતુ આનંદનું અમૃત!
ઉનાળાની ચામડીચીરાઉ ગરમી આપણને આળસુ બનાવી દે છે. પણ આળસ અને આરામમાં ફરક છે. કોમ્પ્યુટર સામે ચીટકીને પોદળાની માફક પથારીમાં આળોટયા કરવું, એ આરામ નથી, આળસ છે. ઉનાળો વેકેશનની, એટલે કે આરામ અને આનંદની ઋતુ છે. ગરમીમાં ક્યારેક માથું દુખે, પસીનો બૂંદ બૂંદ શક્તિને પીગાળે- ત્યારે ખાસ કશું કરવાનું મન ન થાય. અને સામ કીન યાદ આવે, જેણે કહેલું કે 'ઉમદા ઉનાળો એવો (કાળઝાળ ગરમ) હોય કે, જ્યાં પ્રમાદીપણું પણ પ્રતિતિ ગણાય! યાને, આળસને પણ આદર આપવામાં આવે. (વ્હેર લેઝિનેસ ફાઈન્ડ રિસ્પેક્ટિબિલિટી!)'
પયોધરો જે સજીયા છે, ચંદને
તુષારધોળા વરહાર ધારતાં
સુવર્ણ માળા ઢળતી નિતંબ પે
કરે ન કોના મનને સમુત્સુક?
શરીર સાંધે પ્રસર્યો જ સ્વેદ છે,
ત્યજે છે વસ્ત્રો ઘટ્ટ એટલે
ઉરો જ ઉંચા નિજ આવરી રહી
ખરે જ ઝીણા વસ્ત્રોથી યૌવના.
કાલિદાસના દરેક મોસમનો માદક મહિમા ગાતા 'ઋતુસંહાર'ની પંક્તિઓનો આ ધીરૂ પરીખે કરેલો અનુવાદ છે. કૂલ, હોટ એન્ડ સેક્સી તો આપણો સનાતન વારસો છે ! સંસ્કૃત કવિ રાજશેખર કહે છે કે હરન્તિ હૃદયાનિ ચચ્છ્રવણશીતલા વેણવો... ભવન્તિ ચ હિમોયમા સ્તનભુવો યદેણીદ્રશાં- મીન્સ, કાનમાં
ઠંડક મળે એવું બાંસુરીનું શાંત સંગીત સાંભળતા મૃગનયનીઓના (સ્નાન અને જળપાનથી) ઠંડા હિમપર્વત જેવા સુગઠિત સ્તન રતિપતિ (કામદેવ)ની ગ્રીષ્મઋતુ પરની કૃપા છે! (ઉનાળાનું ચીલ્ડ ઓશિકું?) કવિ મલયરાજ ઉનાળાની બપોરનું વર્ણન કરતા કહે છે કે પડછાયો પણ તાપથી દાઝીને વૃક્ષના મૂળિયામાં સમાઈ જાય છે! (જેબ્બાત!) અને કવિ ગોવર્ધન કહે છે- સુંદરીઓ, વાવ-તળાવ (કે સ્વીમિંગ પુલ/બાથટબ)માં ફૂલો સાથે ડૂબકી મારે છે, ત્યારે એમની ઘાટીલી છાતી, જંઘા, નિતંબ સાથે ચોંટેલા વસ્ત્રો પર ભીના વાળમાંથી ટપકતી બૂંદોનું માદક દ્રશ્ય જોવા ઉનાળામાં સૂરજ પોતાનો રથ ધીમે ચલાવે છે (માટે ઉનાળાનો દિવસ લાંબો હોય છે- આ થયું અ-વૈજ્ઞાાનિક કારણ પણ આ-કર્ષક તારણ!)
કટ ટુ ગાથા સપ્તશતી. પ્રાકૃત ભાષામાં રચાયેલા પ્રાચીન ભારતીય મુક્તકોનો સંગ્રહ. સાતવાહન રાજાઓના સમયનો કવિ એમાં શું વર્ણવે છે? : વસંત પછીની ઋતુમાં યૌવનાઓ ખેતરમાં ફરી રહી છે, પોતાના (દૂર ગયેલા) પતિને કોસતી, એમનામાં ઉછળતી જુવાની અને ઉન્મુક્ત હૃદય છે, એને વફાદારી નિભાવવાનું આવા સમયે કહેવું, એટલે એમને મરવાનું કહેવુ! ઉનાળાની રાત્રે જો પ્રિયજનની હૂંફ ન મળે, તો એ તડપ નવો સંગાથી શોધવાની અકળામણ પેદા કરે! ગ્રીષ્મનો સંગમ સંસ્કૃત સાહિત્યમાં અચાનક, ઉત્કટ અને ક્ષણજીવી છે! (ભારતમાં સાવનકુમાર ટાંકના પૂર્વજોના જન્મ પહેલાં પણ સાવન જ સીઝન ઓફ લવ ગણાયો છે!) પણ પશ્ચિમ અને પૂર્વના ઊનાળામાં બુનિયાદી ફર્ક છે. પશ્ચિમ માટે ઊનાળો હિલ સ્ટેશન પર કે દરિયા કિનારે ભાગી છૂટવાનો 'ગ્રેટ એસ્કેપ' છે. પણ પૂર્વ ઊનાળા સાથે જ સદાય જીવતો સમાજ છે. જાયે તો જાયે કહાં?
માટે અહીંના રસિકજનોએ ઉનાળાને 'એન્વેલોપ ઓફ વોમ્થ' ગણ્યો છે. આખા દિવસના બફારા પછીની શીતળ રાત્રિઓને બહેલાવી છે. વધુ એક પ્રાકૃત મુક્તક એવું નયનરમ્ય વર્ણન કરે છે કે 'ગ્રીષ્મની બપોરે બહાર ફરીને થાકેલા પતિની છાતી પર પત્ની પોતાનો સ્નાનસુગંધિત, ફૂલ ઝરતો તાજા નાહીને હજું ભીનો છોડેલો કેશપાશ બિછાવી રહી છે!' અર્થાત પોતાના લાંબા, છૂટ્ટા, જળબિંદુઓને મોતીની માફક ચમકાવતા વાળથી એ સ્ત્રી પિયુને ઠંડક આપી રહી છે! (ફિર એ.સી. કા કયા કરના?)
વળી એક રચનામાં ઉનાળુ નાયિકાનું શબ્દચિત્ર પ્રગટે છે : શ્વેત ત્વચા પર પીળાં ચંદનના લેપથી 'વ્હાઇટ-યેલો શેડ્સ' વાળા અંગો, તાંબૂલરસે (યાને પાન ચાવવાથી) રાતા બનેલા કોમળ હોઠ, ફુવારાની નીચે ન્હાવાથી (આંખમાં પાણીની છાલક ઉડવાથી) રતુંબડા બનેલા નેત્રો, ફુલોના હાર અને કાનમાં કમળની દાંડલીઓ પહેરવાથી મહેંકતાં- 'કુસુમપરિમલ પલ્લવિત' કેશ, આછું-ઝીણું, રેશમી વસ્ત્ર એ જ કાંતાની ગ્રીષ્મ ઋતુમાં અભિનવ કમનીયતા!
તડબૂચ, લીચી, ફાલસા, ખસ, જાંબુ આ બધા જ ઉનાળુ ફળો 'એફ્રોડાઇસિક' યાને કામાવેગ વધારનાર ગણાય છે. કેરીને તો સંસ્કૃત સાહિત્યમાં કામદેવના પાંચ બાણમાંના એક બાણ તરીકે વર્ણવવામાં આવી છે. કોણાર્ક, ખજૂરાહો, મોઢેરા, તાજમહેલ... બધા જ રોમેન્ટિક સ્થાપત્યો તપતા સૂરજના પ્રદેશોમાં અહીં છે. જો અરબસ્તાની ગરમીમાંથી 'બેલી ડાન્સિંગ' આવ્યું હોય તો ભારતીય ગરમીમાંથી પહાડી, રાગમાલા, રાજસ્થાની અને મેવાડ પેઇન્ટિંગની પરંપરા આવી છે. જેમાં 'પ્લેમેટસ' રાધા-કૃષ્ણ ધોધ, કમળ, ઉનાળુ લતા અને ઉનાળુ પંખીઓના બેકગ્રાઉન્ડમાં પ્રણયાધીન રહે છે. રાગ તોડી,ભૈરવી, વિલાસ કે મલ્હારનું સંગીત ગુંજતું હોય અને ગરમીમાં મલમલના પાતળા અને પારદર્શક કપડાં બદનના સુંવાળા વળાંકો પર પસીનાની સિલવટો સાથે ચપોચપ ભીંસાઇ ગયા હોય... એક તો આછાં વસ્ત્રો, એ પણ ઓછાં! આજે ઇન્સ્ટાગ્રામમાં હોટમહોટ પ્રોફાઈલમાં આ જ પુરાતન વૈભવ વિલાસનો એકશન રિપ્લે થાય છે ને! ખબર છે?
ઉનાળો છે, તો વોટરપાર્કમાં છબછબિયાં કરવાની, નદીની ભેખડોથી ભૂસકા મારવાની, સ્વીમિંગ પુલમાં જળપરીઓ સંગ તરીને રૃંવાડે રૃંવાડે પાણીને સીંચવાની મસ્તી છે. ઉનાળો છે તો પાઉડર, ડિઓડરન્ટ અને કિસમ કિસમના પરફ્યુમ્સથી સુગંધની પાંખો ફફડાવતા પુષ્પ બની જવાની તંદુરસ્તી છે. ઉનાળો એટલે ફ્લાવર પ્રિન્ટસના ટોપ સાથે તિતલી બનીને છુટ્ટી ગાળવાની આઝાદી. ઉનાળો એટલે સશક્ત તાંબાવરણા કસરતી બદન પરથી નીતરતો પરસેવો. ઉનાળો એટલે ફ્રોક- મિની સ્કર્ટ પહેરીને હિલોળા લેતી જવાન છોકરીઓ પર લપસી જતી નજર.
જી હા. ઉનાળો પસીનાની ઋતુ છે. અને પરસેવો એટલે શરીરની આગવી ગંધ! જે વળી વાસનાવૃત્તિનું પાયાનું તત્વ છે. સેકસ્યુઆલિટીમાં દેહની ખૂશ્બો (જેમનું ચિત્ત એનાથી ભ્રમિત થાય, એમને માદકતાની આ મહેંક અત્તરને પણ ભૂલાવનારી લાગવાની!) સ્પાર્ક પ્લગ કે કિક સ્ટાર્ટનું કામ કરે છે. માટે સમર ટાઈમમાં પ્રસ્વેદ નિતરતાં શરીરો મેક્સીમમ સિગ્નલ પાઠવે છે. બકૌલ વિલિયમ શેકસપિયર, પ્રેમ વરસાદ પછીના ઉઘાડના કૂમળા સૂર્યકિરણો જેવો છે, અને વાસના કાળઝાળ સૂરજ સાથે આવતા તોફાની વાવાઝોડાં જેવી!
આ તો આળસને આરામને બદલે આનંદમાં ફેરવવાની વાત થઈ, પણ આળસ આરામનો દરજ્જો ક્યારે પામે? ઉનાળાની ઢળતી સાંજે લીલા ઘાસની લોન પર (ગુટકા- વેફરના પડીકા બાજુએ ખસેડી, કીડી મંકોડા ખંખેરી!) આડા પડી ફુવારા, ધોધ કે હોજમાં ટપ-ટપ ટપકતાં પાણીનું તાલબદ્ધ સંગીત આંખો મીંચીને સાંભળવા માટે ક્યાં લાયસન્સ લેવા જવાનું છે? રાત્રે શેરીમાં વાવેલી કોઈ રાતરાણી કે જૂઈની વેલ પરથી પસાર થઈને આવતા મઘમઘતા પવનને ફેફસામાં ભરતાં, અગાસીએ આડા પડીને આકાશમાં ટમટમતાં તારાઓ વચ્ચે પસાર થતા રૂપેરી વાદળોને નીરખવા! અહા, જાણે પરીની શ્વેત સાડીના કાળા પાલવમાં ચોંટાડેલા ડાયમંડસ! ઉનાળાની રાત્રે આકાશ જેટલું ચોખ્ખું દેખાય, એટલું બીજી કોઈ ઋતુમાં જોવા ન મળે! જાણે પ્રકૃતિના કાળાભમ્મર અંબોડામાં ગૂંથેલા મોગરાના ફૂલ આપણી પર જરી વરસાવતા હોય એવું લાગે! આ 'ચાંદી'નો સિલ્વર મેજીક મનમાં સ્ટોર કર્યો હોય, તો ચાંદીના ભાવમાં વધારા- ઘટાડાનું ટેન્શન કદી થાય જ નહિ!
ઠંડા પાણીએ માથાબોળ ન્હાયા પછી આછા રંગોના સુતરાઉ વસ્ત્રો પહેરો, ત્યાં જ જાણે હળવાફુલ બનીને વગર એરટિકિટે આકાશમાં ઉડતા હો, એવું લાગે! ઉનાળુ દાહ મિટાવવાની બે અકસીર ઔષધિ છે: નાહવું અને ચાહવું. ન્હાવાને ચાહવું અને લવર ઉર્ફે ગમતી ચાહત સાથે ન્હાવુ ! આલ્બેર કામૂએ લખેલું : શિયાળાની ઠંડીગાર ગહેરાઇમાં પણ મને મહેસૂસ થાય છે કે મારી અંદર એક અનંત અવિનાશી ઉનાળો ધખધખે છે! (શીર્ષક : જયંત પાઠક)
ફાસ્ટ ફોરવર્ડ
ઉનાળે આ પૃથ્વી રખરખ થતી લૂ વરસતી
ચઢાવી હો જાણે બળતણ તણી ચૂલ ઉપરે
ઉનાળો આવે કે ગગન પણ આ આગ ઠલવે
મનુષ્યો ના દિસે, કલરવ પણે સુપ્ત સરખા,
ગયો સુંઘી જાણે સરપ જ ભલા આ પવનને
ઉનાળે જો કે ના રસવિહીનતા માત્ર વસતી
ઉનાળે કેસૂના વન મઘમઘે લાલ નમણાં
ઉનાળે મીઠાં આ કલરવ મળે કોકિલ તણાં
ગુલમ્હોરે બેસે ગુલ શિશુ તણાં હાસ્ય સરખા
અને લીંબોળી તો મૃદુ શિશુ મુખે દંત સરખી
લળે ગરમાળાના ઝુમ્મર સઘળાં સ્વર્ણિમ પુષ્પે!
ધરે જાણે કોઇ નવપરિણિતા કેશ ગજરો
ઉનાળામાં સૌ આ નજર ધરવા લાયક ખરે,
ઉનાળાને કેવો કવિ વગોવતો નાહક અરે!
( અનિરુદ્ધસિંહ ગોહિલ, શિખરિણી છંદ )

