Get The App

કળા એ છે જે ઘાયલને આરામ આપે, ને આરામમાં પડેલાઓને ઘાયલ કરે !'

Updated: Mar 6th, 2022

GS TEAM

Google News
Google News
કળા એ છે જે ઘાયલને આરામ આપે, ને આરામમાં પડેલાઓને ઘાયલ કરે !' 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- એક ક્રાંતિકારી ગુમનામ ગ્રાફિટી આર્ટીસ્ટનું કામ ગ્લોબલ થયું છે, વખાણાયું છે પણ હજી સુધી દુનિયામાં એનો ચહેરો કે ઓળખ કોઈ જાણતું નથી

'એ વોલ ઇઝ વેરી બિગ વેપન'

ચાલતા ચાલતા દીવાલ પર જ લખાયેલું આ ક્વોટ તીરની જેમ જાણે છાતીમાં ખૂંચી જાય છે. આ ય એક ડબલ મિનિંગ ક્વોટ છે (પણ એનો બીજો અર્થ વલ્ગર ન હોઈને ભદ્રલોક એને મલ્ટીલેયર્ડ કહે !) દુબઈમાં ૨૦૨૦માં થવા નિર્ધારેલો પણ અંતે ૨૦૨૧માં કોરોના કાળને લીધે શરૂ થયેલો ફ્યુચરિસ્ટિક ગ્લોબલ એકસ્પો હવે ૩૧ માર્ચે પૂરો થવામાં છે. એમાં લટાર મારવા જઈ ચડીએ, ત્યારે કળારસિક મિત્રો જયેશ વોરા આગ્રહપૂર્વક એક આર્ટ એક્ઝિબિશનમાં લઈ જાય છે. 'સલ્તનત' જેવી રાજાશાહી ધરાવતા દુબઈમાં લોકશાહી તો ઠીક વિપ્લવી બળવાખોરી કહેવાય એવા આર્ટવર્કનું જાહેર પ્રદર્શન ?

જી હા. કારણ કે, આર્ટિસ્ટ એનો વર્લ્ડ ફેમસ છે કારણ કે, દુબઈના વિઝનરી શેખ મક્તૂમે ટુરિઝમને ધ્યાનમાં રાખી અંગત પ્રહારો કે ધાર્મિક વિવાદો સિવાય યુએઇમાં લિબરલ માહોલ વર્ષોથી રાખ્યો છે. કારણ કે આ તો એવા ભેજાબાજ કલાકારની બેનમૂન કલાકૃતિઓનું પ્રદર્શન છે, જે કલાકાર કદી ખુદ તો જગત સામે આવ્યો જ નથી ! જેને કદી કોઈએ જોયો જ નથી ! કારણ કે, કારણ કે એની તો કળાકૃતિઓ પર પણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી એ ચિત્રો બનાવી આર્ટ ગેલેરીમાં વેચવા જતો અને ઇન્ટરવ્યૂઝ આપતો પેઇન્ટર નથી. એ તો વોલ ગ્રાફિટી આર્ટીસ્ટ છે. યાને પબ્લિક કે પ્રાઇવેટ કોઈપણ સેન્સમાં કોઈ પણ દીવાલ મધરાતે ગુપચપ જઈને ચીતરનારા અમુક ફિતૂરી બંદાઓ હોય છે એ !

ગ્રાફિટી આપણા માટે તો વર્ષો સુધી ચૂંટણી આવે કે દીવાલ પર 'આપનો કિંમતી અને પવિત્ર મત ફલાણા ઢીકણાને આપો'વાળા લખાણો જ હતા અથવા છાણા થાપી કે કે ઉભા ઉભા પેશાબ કરીને ચીતરી મારેલી દીવાલો. પછી ગંદકી રોકવા કોઈ ભગવાનનું ચિત્ર કોઈ ચાલાક વ્યક્તિ લગાવે, ફિલ્મો- નેતાઓના ક્યારેક ચિત્રો હોય. (રેડીમેઇડ પ્રિન્ટેડ પોસ્ટર્સ એ ગ્રાફિટી નથી) હવે ઘણી વાર નગરપાલિકા બાળકો કે ચિત્રકારો પાસે અમુક દીવાલો ચીતરાવે છે પણ એ ઓરિજીનલ ગ્રાફિટી નહિ. ગ્રાફિટી પણ ઇન્ટેગ્રિટી કે સેક્સી કે ચેનલ કે મોબાઇલ કે ઇન્ટરનેટ જેવો ઠેઠ પરદેશી શબ્દ છે જેનો સીધો સ્પષ્ટ અનુવાદ ઝટ શક્ય નથી પણ પશ્ચિમમાં દીવાલો ચીતરવાની આખી એક પરંપરા રહી છે. કામ ઇલલિગલ છે. વળી મોટે ભાગે તો વિકૃત મગજના લોકો ગંદા ચિત્રો કે વાક્યો કે ઇશારાબાજી માટે જાહેર મિલકતો બગાડી નાખતા હોઈને પ્રતિબંધિત પણ છે પણ એમાં એકદમ ક્રિએટીવ આર્ટવર્ક અને ચોટડૂક (શાર્પનો તળપદો અનુવાદ !) સ્લોગન્સ ધરાવતું કામ પણ જોવા મળે. મોટે ભાગે એનો સર્જક ગુમનામ જ હોય. આ સ્ટેશન પર ભિખારીઓ જાણીતા ફિલ્મગીતોનું કવર વર્ઝન ગાય એવું ગેરકાનુની કૃત્ય છે. ચાલી જાય, પણ કોઈ દાઢમાં રાખી પકડે તો સજા થાય. અલબત્ત, દીવાલો પર ખાસ્સી રમુજી, આર્ટ, ક્રિએટીવ કળા ય જોવા મળે. હ્યુમર તો લાજવાબ જર્મન ફિલસૂફ નિત્શે કહે કે 'ગોડ ઇઝ ડેડ' (ઇશ્વર મરી ચૂક્યો છે) એક જાહેર સંસ્થામાં એનું આ વિખ્યાત એનું આ વિખ્યાત ક્વોટ મઢાવીને મુકાયું. નીચે કોઈ ટીખળી નિત્શેના અવસાન પછી ચોરી છૂપીથી લખી ગયો. 'નિત્શે ઇઝ ડેડ- ગોડ !' ખીખીખી

પરદેશમાં તો ગ્રાફિટી આર્ટવર્કસ કે જોક્સના આખા પુસ્તકો બહાર પડે છે વર્ષોથી આપણે હજુ નિયમબદ્ધ ધર્મભીરુ પ્રજા. 'મર્યાદા'ની બહાર ઝાઝા ઠેકડા મારનારને મોટો ખતરનાક માની લઈએ અને ચોવીસે કલાક 'સમાજનું શું થશે ? નવી પેઢી ક્યાં જઈને અટકશે ? બધું બગડી ગયું છે ને સંસ્કૃતિ ખતમ થઈ જશે ?' જેવી ચાંપલી ચિબાવલી ચિંતાઓ જ ચરક્યા કરીએ. ફીઅરલેસ માઇન્ડને બદલે કાવર્ડ સોસાયટી જન્મે ત્યારે આવું જ થાય. ઘરેડમાં (એકસરખી બીબાઢાળ જિંદગીમાં) ચાલીને બધા ઘરડા જ થઈ જાય ! યૌવન તો ક્રાંતિનો સમાનાર્થી શબ્દ છે. પણ આપણા વડીલો પાસે સપના ય આઝાદીના નથી, સલામતીના જ છે પછી 'સેટલ્ડ'કરિઅર માટે પરદેશ જાય પેસા ખર્ચી સંતાનોને ત્યાં 'અપસેટ' સર્જાય ત્યારે કરિઅર છોડી ભાગવું ય પડે !

તો આવો જ એક માથાફરેલ પણ મેધાવી એવો ગ્રાફિટી આર્ટિસ્ટ છે જગતમાં. સાચું નામ એનું આજના ડિજીટલ વર્લ્ડમાં ય કોઈને ખબર નથી. એના આર્ટ એજન્ટસને ય એ 'ગુપ્તતાના સોગંદ' નીચે મળે છે. ભૂતપ્રેત નથી. હાડચામનો માણસ છે આજની તારીખે લેટ ફોર્ટીઝમાં હોય એવો જુવાન. એકવાર એણે ઇન્ટરવ્યૂ આપેલો. ઓળખ છુપાવી માથે વાંદરાટોપી પહેરીને પત્રકારને મળેલો. વર્ષોપહેલાં આ જ જેવું સોશ્યલ મીડિયા કે મોબાઇલ કેમેરા નહોતા ત્યારે એ એક પત્રકારને મળેલો, ત્યારે એનું વર્ણન ટેટૂ, સિલ્વર ઘરેણા સાથે આર્ટ ઇન્સ્ટિટયૂટના કેમ્પસમાં ફરતા કોઈ વિદ્યાર્થી જેવું કરેલું. એણે સમાજની સાવ ટીનએજર નહિ. કોઈ રોકબેન્ડમાં હોય એવો જુવાન ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ નગરમાં રહેતો હોવાનું મનાય છે (હવે લંડન રહે છે એમ કહેવાય છે.) કારણ કે, શરૂઆતના એના બધી ચીતરામણ બ્રિસ્ટોલની દિવાલો પર મળતા.

પોલીસ એને ફરિયાદો પરથી પકડવા મથતી. દીવાલ માલિકો એની ગ્રાફિટી પર કૂચડો ફેરવી નાખતા પણ આર્ટનો એક અલાયદો પાવર હોય છે. એ મજબૂત હોય તો બહુ લાંબો સમય છુપાવી નથી શકાતી. એની અસર ક્યાંક ને ક્યાંક એ સજ્જડ છોડે જ છે એટલે તો બરબાદીમાં ખતમ થઈ ગયેલા શાયરો, ચિત્રકારો, સંગીતકારોને ય પાછળથી સભાનતાપૂર્વક યાદ કરે જ છે. ન સમજાય કળા તો ય એટલું તો સમજાય જ કે આમાં કશુંક એવું છે જે સમજવા જેવું છે. એમાં ૧૯૯૭માં એક ટેડી બેર શીશામાં વટથી આ પ્રગટાવી ત્રણ હથિયારધારી પોલિસ સામે ઉભું છે. એવું એક એનું ભીંતચિત્ર (ગ્રાફિટીનો સગવડિયો અનુવાદ) ૧૯૯૭માં વગર ડિજીટલ કોમ્યુનિકેશને પણ વર્લ્ડ ફેમસ થયું. ટાઇટલ હતું 'માઇલ્ડ માઇલ્ડ વેસ્ટ' પછી એની એક હાથમાં લાલ ફુગ્ગો પકડીને ઉભેલી છોકરીના ચિત્રવાળી સીરિઝ ફેમસ થઈ ને ૨૦૧૯માં તો આપણે ત્યાં વોટસએપમાં ફરતું રહે છે એવું 'પ્લેનેટ ઓફ ધ એપ્સ' ફિલ્મ પ્રેરિત 

વાંદરાઓ (બ્રિટીશ) સંસદમાં બેઠા છે, એ ચિત્ર ૧૦૦ કરોડ જેવી અધધધ કિંમતે વેચાયું !

અને એ ધૂની પ્રતિભાએ એ પછી તો આ તો વધુ પડતું છે કહીને ચિત્રો વેચવાના હાલ પૂરતા બંધ કરી દીધા છે. સ્પ્રે પેઇન્ટથી લીથો બનતા એવી સ્ટેનસિલિંગ સ્ટાઇલમાં દેશદેશાવર ઘૂમીને ગ્રાફિટી કરવાનું ચાલુ રાખ્યું છે. મફત. અમુક હાઇબ્રો (ઉચ્ચ ભૂ્ર !) લોકોને એ ગમતું નથી એનું કામ. કેસ કર્યા કરે છે પોલિસ શોધતી નથી કે શોધવા માંગતી નથી પણ બાકી તો ઘણે એનું ચિત્ર દીવાલ પર હોય એ ગૌરવવંતુ ગણાય છે. અમુક હોટલો તો ખાસ જાહેર આમંત્રણ પાઠવે છે એને. 'ભઈલા, તું મધરાતે મનગમતી રીતે અમારી દીવાલ ચીતરી જા. તને કોઈ કશું નહીં કહે, નહીં પકડે.' ટાઇપ શોખીનો તો એની 'દીવાલો' ઉપડાવી ખર્ચ કરી સાચવે છે ? એની વેબસાઇટ જુઓ તો ય બહુ જ ઓછી વાતો ને સાદી. લાખો ફોલોઅર્સ કરતા ઇન્સ્ટાગ્રામ પર વધુ પડતું લખતો ય નથી. ઓલિયો અલગારી છે પણ અવ્વલ ! પણ એટલે જ જ્યારે કશું સર્જે છે, એ ધારદાર હોય છે. જોરદાર હોય છે. બે લીટી પણ લખે એ મગજની આરપાર નીકળી જાય એવી હોય છે.

જેમ કે આ લેખનું શીર્ષક, જે એના જ ક્વોટ 'આર્ટ શુડ કમ્ફર્ટ ધ ડિસ્ટર્બ્ડ એન્ડ ડિસ્ટર્બ ધ કમ્ફર્ટેબલ'નો જરા મૌલિક અનુવાદ છે અને આ લેખનું પ્રમ વાક્ય. વિચારનું ખંજર ! કેવી અદ્ભુત વાત ! દીવાલ બહુ જ મોટું શસ્ત્ર છે ! યસ, વોલ. આનો એક અર્થ એ કે કેન્વાસ કે કોમ્પ્યુટર સ્ક્રીનને બદલે દીવાલ પરની ગ્રાફિટી ઝટ પબ્લિક સુધી રજીસ્ટર્ડ થાય છે પણ બીજો ગહરો અર્થ એ કે 'મહેણાના માર્યા મરીએ જો ને'ની જેમ ઉપેક્ષાની, ઇગ્નોરની દીવાલો ચણી લેવી એ અભેદ કિલ્લો છે. કોઈની સાથે ઝઘડો કરી શકાય. તુ- તી થઈ જાય પણ બ્લોક કરો પછી તમારા પૂરતું એનું અસ્તિત્વ જ મટી જાય છે. જવાબો જ ન આપવા, વાત જ ન કરવી, સંબંધ જ ન રાખવો, નોંધ જ ન લેવી, ખુલાસો તો શું અસ્તિત્વ પણ ન સ્વીકારવું એ જખમ તલવાર કરતાં વધુ ઝડપથી કટકા કરી શકે છે ! અને ત્રીજો અર્થ જે દેખાય છે. આસપાસ. બોર્ડર્સ, સરહદો. દેશો દેશો વચ્ચે દીવલ છે, એના તો સઘળા આ હિંસક યુદ્ધ છે. બંગલા મોટા એમ દીવાલો ઉંચી. હોદ્દો મોટો એમ ફરતે સુરક્ષાકર્મીઓની માનવદીવાલ, સ્પેશ્યલ, એક્સક્લુઝીવ, પ્રીમીયમ, વીઆઇપી, પ્લેટીનમ/ ગોલ્ડ આ બધા જ લેબલો ય એક પ્રકારની દીવાલ જ છે ને - અન્યોની સામે !

કોણ છે આવું વિચારનાર ને વળી એથીય અદ્ભુત શબ્દો વિના જ ચીતરનાર જિનીયસ ?

નામ તો ખબર નથી. જાતભાતની થિયરી આવે ચે. બે ચાર નામ ઉછળ્યા, પણ બધા ખોટા પડયા,. ત્રણેક નામોમાં તો મૂળ વ્યક્તિએ સામે આવી કહી દીધું - વો મૈં નહિ તો મી નાહેચ, પણ ૨૦૦૮માં લંડનના ધ મેઇલ ના ખંભાતિયા પત્રકારોએ ઘટસ્ફોટ કરેલો કે એ રોબર્ટ ગુનિંગહામ છે. ૨૮ જુલાઈ ૧૯૭૩માં બ્રિસ્ટોલ પાસે જન્મેલો. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓથી ૨૦૧૭માં ડિટેક્ટિવ વર્ક જેવો રિસર્ચ કરેલો. ગુનિંગહામની હિલચાલ અને એ લોકેશન પર પ્રગટ થતી ગ્રાફિટીનો. આ ક્લેઇમને રદિયો કે સમર્થન નથી. આપવું શક્ય નથી. અમુક ગ્રાફિટી એ ગુનો છે, કોઇની સ્પેસમાં. અમુક ચિત્રો માલેતુજારો ને સત્તાધીશોને ગમે એવા નથી. એટલે ગુમનામ હૈ કોઇની ગુપ્તતા ચાલે છે. પણ આર્ટિસ્ટ તરીકે એનું ઉપનામ (તખલ્લુસ) વિશ્વવિખ્યાત છે. એ છે: બેન્કસી !

પણ એથી ય વધુ પ્રસિધ્ધ છે, એના અવનવા કોન્સેપ્ટ ધરાવતા ચિત્રો. એ પાછળ એની પીંછીથી નીકળી ચીસ. એના સ્થાપિત હિતોને પડકારતા પોકારો. સીસ્ટમમાં, નીતિનિયમોમાં, પરંપરાઓના જડ બંધનોમાં ગૂંગળામણ અનુભવતી એની ફ્રીડમ. એનામાં ધોધમાર વહીને કશુંક કહેવા, વ્યક્ત થવા મથતી  એની ક્રિએટિવીટી અને આ રસિક સર્જકતા છે. બેફિકર સ્વતંત્રતા છે... એ જ તો યૌવન છે ! ફ્રીડમ એન્ડ ક્રિએટિવીટી જ માણસને જવાન બનાવે છે જે મિજાજ આઝાદ નથી, એનો અવાજ ગર્જના નથી બનતો, કોઇકનું કોરસ બને છે !

બેન્કસીના ક્વોટ ને આર્ટલેકના પુસ્તકો છે. દુબઈ ખાતેના પ્રદર્શનમાં ૨૦ જેટલા એના ગ્રાફિટી આર્ટવર્કસ એક સાથે નજરે જોવા મળ્યા અને યોગાનુયોગે પછી વિન્સેન્ટ વાન ગોંગના ચિત્રોથી તરબતર એ ચિત્રો ડિજીટલી આખા બિલ્ડિંગમાં જીવંત બને છત, ફરસ, દીવાલો બધે જ એવો ફ્રેન્ચ લ્યુમીઅર શો જોયો. નશો ચડી ગયો બે પરખંદા ફરંદા તેજસ્વી સુરજમુખીઓની કળા બેક ટુ બેક માણીને.

એ હેંગઓવર ઉતારવા આ શેરિંગ. બેન્કસીના ચિત્રોમાં ઉદાસી છે, પણ આત્મહત્યા નથી. આશાના ટમટમિયા છે. વેદના છે, રૂદન છે, રક્તપાત છે, પણ એને કળાશને કટાક્ષમાં ફેરવી હસી લેતા આવડે છે. અને ઓછા સ્ટ્રોક્સને શબ્દો વાપરે છે, એટલે ઘણી મોટી અસર છોડે છે. એક ચિત્રમાં ગુલાબી બેકડ્રોપમાં બે ડોશીઓ સ્વેટર ગૂંથે છે પણ એ બૂઢાપાના ચિત્રમાં દર્શન છે કે કરચલી ચહેરા પર પડે, મન પર નહિ. સ્વેટર પરના સ્લોગન છે, એ યૂથના છે. બિન્દાસ અલ્લડ મસ્તીના છે. એમની જવાનીના જલસા જાણેદાઇમાઓ નવી પેઢીને આગળ વધારવા પાસઓન કરે છે !

એક ચિત્રમાં સતત બારકોડ સ્કેનર પર જ ચાલતી દુનિયા જોઇ બેન્કસી ખીજાયો છે. જો જો, પોતાના જ શોરૂમમાં પડેલા માલની કિંમત જાણવા વેપારીને બારકોડ રાખવા પડે છે. એ બારકોડ જેલમાંથી ફગાવી એક દીપડો ચાલ્યો જાય છે ! અમેરિકાના એક પ્રદર્શનમાં બેંકસીએ વળી જીવતો હાથી ગુલાબી રંગમાં ફુલોચીતરી ઓરડામાં રાખેલો લાઇવ ! બેન્કસીની એક ગ્રાફિટી કહે જ છે: કોપીરાઇટ ઇઝ ફોર લૂઝર્સ. ૨૦૨૦માં એણે વેલેન્ટાઇન્સ ડેની ગ્રાફિટી બનાવેલી. જેમાં હૃદયના આકારનો ફુગ્ગો દીવાલ પર તૂટયો હોય ને લોહી ફેલાયું હોય એવું સચોટ ચિત્ર હતું. એક ચિત્રમાં ઝિબ્રાના પટ્ટા સુકવવામાં આવે છે. એકમાં મિસાઇલ પકડી એક નાનકડી છોકરી ઉભી છે. મારામારી વચ્ચે જઇ શાંતનો સંદેશ આપતી. નામ છે: બોમ્બ હગર ! એકમાં ઢેખાળા, એસિડ ને બદલે ફૂલોનો ગજરો (બૂકે) ફેંકતો યુવક છે. પથરા મારનારા બહુ જડશે, ફુલો ફેંકે વિરોધ હોય તો ય તમારી ઉપર એ આર્ટિસ્ટ જીવડાઓ !

બેંકસીએ કહ્યું છે કે,પરેનોઇડ - ઉત્પાતિયું ચિત્તર ઘણીવાર વધુ સારી રીતે સર્જન કરે. કારણ કે એમાં ક્લેરિટી હોય ! હાઈ સ્પીડમાં વિચારો આવતા હોય. 'ફોલો યોર ડ્રીમ્સ' પર 'કેન્સલ' લખી નાખતો. આર્ટિસ્ટ એવું માને છે કે, એક સાચા વિચારની કિંમત હજારો ફોરવર્ડ થતાં મીનિંગલેસ ફાલતુ ક્વોટ્સ કરતા વધુ હોય છે. કોમર્શિયલ એક્સેસને ક્રિએટીવ ફેઇલ્યોર માનતો બેંકસી મોડર્ન આર્ટના નામે 'હાલી નીકળેલા' (જેમ અછંદાસના નામે ઘણા આવડતું ન હોય તો ય કવિતા કરવા લાગે છે !) ને દેખાદેખીમાં હાઈસોસાયટીમાં વટ મારવા વધુ વેચાતા ચિત્રકારોને ય ઝાટકે છે. એ કહે છે: આજનું કહેવાતું (અપર ક્લાસ) આર્ટ વર્લ્ડ તો બિગેસ્ટ જોક છે. આ તો ભરેલ પેટવાળાઓ, દંભીઓ અને નબળાઓની પાંજરાપોળ છે ! પોતાને કાયમી આઝાદી, સમાનતા, દરિદ્રતાનો તરફદાર ગણાવી એ કહે છે જ કે કોર્પોરેટ વર્લ્ડની કઠપૂતળીઓ બનીને આપણે લાચાર છીએ. શોપિંગને પ્રાઇસટેગની બીમારી બધે ફેલાઈ ગઈ છે.

બેંકસીના એક ચિત્રમાં બે પ્રેમીઓ આલિંગન કરે છે. પણ વાસ્તવમાં એકમેકમાં ભળવાને બદલે સામેના પાત્રની પીઠ પાછળ પોતાના હાથમાં રહેલા મોબાઇલમાં જુએ છે. શહેરો પર, નેતાઓ પર, વેપારી નફાની માનસિકતા પર એ ચીરી નાખે એમ કળાનો તોપમારો કરે છે. બે દીવાલે વહેંચાયેલા એક ચિત્રમાં એક બાજુ એક ગરીબ મજુર બાળક ક્રિસમસનો સ્નો જોઇ હરખાતો હોય એવું લાગે. બીજી તરફ જાવ તો ખ્યાલ આવે કે એ બાજુ હિમવર્ષા લાગે. રોમેન્ટિક એ વાસ્તવમાં રજાઓ વિના ચાલુ રહેતી ભઠ્ઠીની આગનો ધુમાડો છે ! ક્યાંક પાંખાળી દેવદૂત ખોપરી લઇને બેઠી છે. ક્યાંક સેક્સ ક્લિનિકની બારીએ નગ્ન પુરૂષ લટકે છે. ક્યાંક ઉંદર દોડે છે ઝંડા પર તો ક્યાંક મોનાલિસાના હાથમાં મિસાઇલ છે. શસ્ત્રની હિંસા, મુક્ત પ્રેમ પર પાબંદી લગાવતી રાજકીય કે ધાર્મિક પાબંદી, રૂપિયાથી જ થતા આદરના તોલમાપ એને હરગીઝ પસંદ નથી. સિક્યોરિટીના નામે માણસે ફરતી જેલ બનાવી છે, એમ માને છે.

બેન્કસીના ચિત્રો પાછળ પણ વિચાર છે. જે શબ્દો વિના બોલે છે અને એના વિચારો તો થોરના હથોડાની જેમ તમારી છાતીને ખળભળાવે એવા છે. લો, ચાખો જરા. ગમે તો પછી વધારે ધુખાડા નેટ પર લગાવજો. ''એ કહે છે, તમે બે વાર મરો છો: એક વાર શ્વાસ બંધ થાય ત્યારે, ને બીજું જ્યારે એ તમારું નામ છેલ્લી વાર લે ત્યારે'' એક સિક્સર ઓર: ''થિંક આઉટસાઇડ ધ બોક્સ. પછી એ બોક્સ/ફિકસ્ડ ફેનના ચોકઠાંને દબાવી દો. તેજ ધાર છરી લઇ ટુકડા કરી દો !'' એક વધુ બોમ્બ વાંચો: ''ચાર મૂળભૂત માનવીય જરૂરિયાત છે. ખોરાક, ઊંઘ, સેક્સ અને વેર !''

આજના સમયને બેંકસી તો એવું માને છે કે આજે જગતમાં સૌથી વધુ કોમન હોય તો એ છે પ્રતિભાશાળી માણસો નિષ્ફળ જાય એ ! જો કશુંક સાચે જ ઘરમાં રહેવા જેવું મૂલ્યવાન ન જડે તો ઘર છોડી દો ! જગતમાં એડવર્ટાઇઝિંગથી આર્ટ બધે ચીટીંગ છે. આર્ટમાં મોડર્નાનિટીના નામે ખૂબ કન્ઝમ્પશન છે.  પણ કહેવાયું સાવ ઓછું ? માનવજાતના ઇતિહાસમાં આજે ! (ડિટ્ટો, મ્યુઝિક) તમે ચીટિંગમાં, જૂઠમાં પાવરધા હો તો બીજી એકે ય એક્સપર્ટાઇઝની જરૂર નથી ! જો તમારે લોકો સુધી કોઇ વાત પહોંચાડવી હશે તો કોઇ માસ્ક પહેરવો પડશે. જમાનો સચ્ચાઈ કરતા છળથી વધુ આકર્ષાય છે !

લોંગ લિવ બેંકસી, જીયો આર્ટ, જીયો હાર્ટ.

ફાસ્ટ ફોરવર્ડ

''ખબર નહિ અંગત જિંદગીની બધી જ વિગતો જાહેર પ્રદર્શનમાં મુકવાનો લોકોને શું શોખ લાગ્યો છે ? એ ભૂલી ગયા છે કે અદ્રશ્ય રહેવામાં જ સાચો સુપરપાવર છે !'' (બેન્કસી)

Tags :