યુવકે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદીમાંથી આરોપી બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : પડધરીના ન્યારા ગામે રહેતા મોતીભાઇ ઉર્ફે જબ્બો હેમતભાઈ ચાવડિયા (ઉ.વ.૩૬)એ ગઇ તા. ૧૨ના રોજ બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ પોતાને લૂંટી લીધાની ફરિયાદ નોંધાવી હતી. એલસીબીની તપાસમાં આ ફરિયાદ બોગસ નીકળી છે. મોતીએ જ લેણદારો ઉઘરાણી કરતા હોવાથી લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હતી. હવે તેની ધરપકડ કરવામાં આવી છે.
તેણે એવી ફરિયાદ નોંધાવી હતી કે જેતપુરમાં માલ ખાલી કરી માલવાહક વાહન લઇ ઘરે જતો હતો ત્યારે ઇશ્વરિયાથી ન્યારા તરફ જવાના રસ્તા પર બાઇક પર ધસી આવેલા ત્રણ શખ્સોએ ડ્રાઇવર સાઇડનો કાચ તોડી, તેની આંખમાં સ્પ્રે છાંટી, મારકૂટ કરી, રોકડ અને ચાંદીનુ કડું,વીંટી વગેરે મળી રૂા. ૭૨ હજારની મત્તા લૂંટી લીધી હતી.
એલસીબીએ તપાસ કરતાં લૂંટ થયાના કોઇ પૂરાવા મળ્યા ન હતા. આ સ્થિતિમાં મોતીના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવતા તે દિવસે જેતપુર ગયો જ નહીં હોવાનું અને રાજકોટ જ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં ખોટી ફરિયાદ નોંધાવ્યાનું કબૂલી લીધું હતું.
તેણે ચાંદીનું કડુ રાજકોટના સોની વેપારીને વેચી રૂા. ૫૬ હજાર આવતા લેણદારને આપી દીધા હતા. ઘરે કોઇ કડા વિશે પૂછે તો તેનો જવાબ દેવા માટે લૂંટની ખોટી સ્ટોરી ઘડી હતી. પરંતુ હવે ટેકનોલોજી આવી ગઇ હોવાથી તેનો ભાંડી ફૂટી ગયો હતો. એલસીબીએ તેની પાસેથી રૂા. ૬૦ હજારનું કડુ અને ચાંદીની વીંટી કબજે કરી હતી.




