Rajkot

વાડીમાલિકનાં પત્નીની હત્યા નિપજાવી શ્રમિકે મૃતદેહ ખેતરમાં છૂપાવી દીધો

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
ગોંડલના ત્રાકુડા ગામે ભાઈબીજના દિવસે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ખેડૂત જીતેન્દ્રભાઈ અમૃતિયાના પત્ની જોશનાબેન (58)ની, ભાગિયા તરીકે કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક રાજુ ડોડિયારે પાવડાના હાથા વડે હુમલો કરી હત્યા કરી દીધી. કામ બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા રાજુએ આ કૃત્ય આચર્યું અને મૃતદેહને રીંગણના ખેતરમાં છુપાવી ફરાર થયો હતો. પોલીસે રાજુને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાડીમાલિકનાં પત્નીની હત્યા નિપજાવી શ્રમિકે મૃતદેહ ખેતરમાં છૂપાવી દીધો

ગોંડલ : ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ભાઈબીજના સપરમા તહેવારે ખેડૂતનું ભાગિયું ખેતર રાખનારા મધ્યપ્રદેશના શ્રમિક શખ્સે ખેડૂતની પત્ની સાથે થયેલી બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ જઈને પાવડાના હાથા વડે તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ મૃતદેહને રીંગણાના વાવેતરમાં છુપાવી નાસી છુટયાની ઘટના બનતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. બનાવના પગલે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી આરોપી શ્રમિકને પોલીસે પકડી પાડયો છે.
બનાવની વધુ વિગત મુજબ ત્રાકુડા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઉકાભાઈ અમૃતિયા અને તેના પત્ની જોશનાબેન (ઉવ.૫૮) ભાઈબીજના દિવસે વાડીએ ગયા હતા એ વખતે વાડીએ ભાગિયા તરીકે ખેતીકામ કરતા મુળ મધ્યપ્રદેશના જાંબુઆના ચૌરા ગામનો રાજુ રમેશભાઈ ડોડિયાર નામનો શ્રમિક રોજિંદા ક્રમ મુજબ ખેતીકામ કરતો હતો. આ શખ્સ અહી ભાગિયા તરીકે છેલ્લા ચાર માસથી કામે રહ્યો હતો. દરમિયાન, જીતેન્દ્રભાઈ વાડીનાં શેઢા પાસે સૂકવેલા કપડા લેવાં ગયા હતા તે વેળા જોશનાબેન અને રાજુ વચ્ચે કામ બાબતે બોલાચાલી થઇ હતી.
પોલીસ સૂત્રો અનુસાર, જોશનાબેનને રાજુ સાથે કામકાજ બાબતે માથાકુટ થતી હતી, જે પછી ફરી બોલાચાલી થતાં ઉ શ્કેરાયેલા રાજુએ મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ખેતરમાં પડેલા પાવડાના હાથાથી જોશનાબેન પર બેરહેમ તુટી પડયો હતો, જેના કારણે જોશનાબેનને માથા સહિત ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં જોશનાબેન ફસડાઇ પડયા હતા અને તેનું મોત ઘટના સ્થળે જ મોત નીપજ્યુંં હતું. હત્યા બાદ ખેત મજુર રાજુ જોશનાબેનના મૃતદેહને વાડીમાં વાવેલા રીંગણના પાક વચ્ચે છુપાવી પોતાના પરિવાર સાથે નાસી છુટયો હતો.

  • પરિવારજનો દ્વારા છ કલાકની શોધખોળ બાદ મહિલાનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો
    આ બનાવ બની ગયાના થોડા સમય બાદ પરત ફરેલા જીતેન્દ્રભાઈએ પત્ની જોશનાબેન તથા રાજુને નહીં જોતા તેની શોધખોળ કરી હતી. પરંતુ પત્નીની ભાળ નહી મળતા પુત્ર ભાર્ગવ તથા સબંધીઓને જાણ કરતા સૌ વાડીએ દોડી આવ્યાં હતા. છ કલાકની શોધખોળ બાદ આખરે રીંગણનાં વાવેતર વચ્ચેથી જોશનાબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સહુ ચોંકી ઉઠયા હતા. શ્રમિક રાજુનો કોઇ પત્તો નહી લાગતા બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. બનાવની ગંભીરતા લઇ ડીવાયએસપી કે.જી. ઝાલા, તાલુકા પીઆઇ. ડામોર સહિત પોલીસ સ્ટાફ ત્રાકુડા દોડી ગયો હતો. જોશનાબેનના મૃતદેહને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલમાં ત્યાર બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડયો હતો. તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનનાર જોશનાબેનનાં પુત્ર ભાર્ગવની ફરિયાદ લઇ નાસી છુટેલા પરપ્રાંતીય શ્રમિક રાજુને પકડી લેવા અલગ-અલગ ટીમ બનાવી તપાસનાં ચક્રો ગતિમાન કરતા રાજુ ઝડપાઇ ગયો હતો. પોલીસે હત્યામાં વપરાયેલ પાવડાનો હાથો કબ્જે કરી આરોપી રાજુની પુછપરછ હાથ ધરી છે.