Rajkot

ખંભાલીડામાં લાખો રૂા.ના આંધણ પછી નવનિર્મિત બૌધ્ધ સ્મારકની દુર્દશા

By GS Team
20 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટ નજીક ખંભાલીડાની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ પાસે લાખોના ખર્ચે બની રહેલું બૌદ્ધ સ્મારક ઉદ્ઘાટન પહેલા જ જર્જરિત બન્યું છે. અશોક વિજયાદશમીએ 1000 બૌદ્ધ અનુયાયીઓએ સ્મારકની દુર્દશા જોઈ ચિંતા વ્યક્ત કરી. જાળવણીના અભાવે બારીઓના કાચ તૂટ્યા છે, દરવાજા વળી ગયા છે અને લાદી ઉખડી ગઈ છે. બુદ્ધની પ્રતિમાને પણ નુકસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાલીડામાં લાખો રૂા.ના આંધણ પછી નવનિર્મિત બૌધ્ધ સ્મારકની દુર્દશા

રાજકોટ : ખંભાલીડાની પ્રાચીન ગુફાઓનો રસપ્રદ ઇતિહાસ રહ્યો છે. ગોંડલથી આશરે ૨૦ કિ.મી. દૂર આવેલી આ ગુફાઓ ચોથીથી પાંચમી સદીની હોવાનું માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના ઐતિહાસિક વારસાને જાળવવા માટે બૌધ્ધ ગુફાઓ નજીક અહીં લાખો રૂા.ના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા અહીં જે બૌધ્ધ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે તેનું ઉદ્દઘાટન થાય તે પહેલાં જ જર્જરિત બની ગયું હોવાની લાગણી આજે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બુધ્ધ ગુફાની મુલાકાતે આવેલા બૌધ્ધ ધર્મના અનુયાયીઓએ વ્યક્ત કરી હતી.
આજે અશોક વિજયાદશમી નિમિત્તે નિર્માણાધીન બૌધ્ધ સ્મારકની મુલાકાતે સૌરાષ્ટ્રથી એકાદ હજાર બૌધ્ધ ધર્મના અનુયાયીઓએ આ સ્મારકની દયનીય હાલત જોઇ જાળવણીના અભાવે ઐતિહાસિક વારસાની દુર્દશા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું કે અહીં લાખો રૂા.નાં ખર્ચે જે બૌધ્ધ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની જાળવણી માટે કોઇ ચોકીદાર નથી. બારીઓના કાચ તોડી નાખવામાં આવ્યા છે. દરવાજાઓ વળી ગયા છે. લાદી તૂટીને ઉખડી ગઇ છે. નિર્માણાધીન ઇમારત જાણે કબુતર અને પશુ-પક્ષીઓનું રહેઠાણ બની ગઇ હોય તેવી સ્થિતિ છે. ખંડેર હાલતમાં ફેરવાઇ ગયેલા સ્મારકના સ્થળે આવારા તત્ત્વોનાં આંટાફેરા વધી ગયા છે. સુરક્ષાના અભાવે એકલ-દોકલ પ્રેમીપંખીડા અહી એકાંત માણવા પહોંચી જાય છે. સ્મારકનું કામ પણ અધૂરું છે. જે ચોકીદાર રહ્યા હતા તેઓ પણ પગાર નહીં મળતાં ત્રણ મહિનાથી ચાલ્યા ગયા હોવાની ફરિયાદ છે. નવનિર્મિત સ્મારકમાં દરવાજામાં કોતરવામાં આવેલી ભગવાન બુધ્ધની પ્રતિમા સાથે ચેડાં કરી તેને વિકૃત બનાવી દેવામાં આવી છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના એકમાત્ર બૌધ્ધ સંસ્કૃતિના ઐતિહાસિક વારસાની જાળવણી પ્રત્યે સરકારી તંત્ર કેવી ઘેર ઉદાસીનતા દાખવી રહ્યું છે ? તેવો સવાલ ઉઠાવી નિર્માણાધીન સ્મારકના જતન માટે તાકીદે ઘટતું કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.