રાજકોટ સિવિલમાં 70 વર્ષના વૃદ્ધાની પાસે સ્ટ્રેચર ખેંચાવવા બદલ ફક્ત શોકોઝ નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આશરે ૭૦ વર્ષનાં વૃદ્ધા પોતાના સ્વજનને લઈ જવા માટે જાતે સ્ટ્રેચર ખેંચતાં નજરે પડયાં હતાં. જેથી ઉહાપોહ મચી જતાં આખરે અધિકારીઓએ ભૂલ સ્વીકારીને આઉટસોર્સિંગ સ્ટાફની કોન્ટ્રાક્ટર એજન્સી એમ.જે. સોલંકી અને અન્ય જવાબદાર કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. આ સાથે બેદરકારી સાબિત થશે તો લાપરવાહ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવા અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેવી ખાતરી આપી છે.
આ ઘટનાના સંદર્ભમાં આરએમઓ ડો. હર્ષદ દુસરાએ સ્વીકાર્યું છે કે, નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટ સ્ટાફ હાજર હોવા છતાં નિષ્કાળજી દાખવવામાં આવી હતી. સિનિયર સિટીઝન સાથે હોય ત્યારે તેમની મદદ માટે સર્વન્ટને મોકલવો જોઈતો હતો. આ ઘટનાને ગંભીર ગણીને સંબંધિત નર્સિંગ સ્ટાફ, વોર્ડબોય અને સર્વન્ટ સ્ટાફને રૂબરૂ બોલાવી ઠપકો આપવામાં આવ્યો છે અને કારણદર્શક નોટિસ પણ અપાઈ છે. આ સાથે આજથી દર્દીઓની સાથે એક સર્વન્ટ કર્મચારીને મોકલવાનું શરૂ કરાયું છે.
જ્યારે સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારી ડો. એમ.એસ. રોયે પણ આ ઘટનાને દુઃખદ ગણાવીને ઉમેર્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સ સ્ટાફ પૂરો પાડવાની જવાબદારી એમ.જે. સોલંકી એજન્સીની છે, જેથી તેને અને સંબંધિત કર્મચારીઓને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે. તપાસમાં કોઈની બેદરકારી સાબિત થશે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ખાસ એસઓપી તૈયાર કરીને દર્દીઓને સર્વન્ટ દ્વારા જ સ્ટ્રેચર પર લઈ જવાની વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે.




