રેલવેની નકલી ટિકિટો બનાવવાનું કૌભાંડ ખૂલ્યું, બે મુસાફરો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાંથી ગઇકાલે નકલી ટીકીટ સાથે બે મુસાફરો ઝડપાયા હતા. રેલવે પોલીસે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી હતી. એઆઈ અને ફોટોશોપની મદદથી નકલી ટીકીટો બનાવી આપનાર શખ્સની પણ અટકાયત કરાઇ હતી.
સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ગઇકાલે રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ટીકીટ નિરીક્ષક રાજેનસિંહ રાજપૂતે બે પેસેન્જરોની ટીકીટ તેમના મોબાઇલમાં ચેક કરતાં શંકા ગઇ હતી. વધુ તપાસ કરતાં બંને ટીકીટ નકલી હોવાનું સ્પષ્ટ થતાં બંને મુસાફરોને સુરેન્દ્રનગર આરપીએફના હવાલે કર્યા હતા.
ત્યારબાદ રાજકોટ રેલવે પોલીસમાં આજે ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા મુસાફરનું નામ કનૈયા ચૌધરી (ઉ.વ.૪૩) છે. બીજો મુસાફર સગીર છે. આ બંને હાલ ગોંડલના ગુંદાળા ગામે રહી કારખાનામાં કામ કરે છે. કનૈયા મૂળ બિહારનો અને સગીર મૂળ યુપીનો વતની છે.
બંનેને વતન જવું હોવાથી કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનમોહનસિંહને વાત કરી હતી. જેણે એઆઈ અને ફોટોશોપની મદદથી બંનેને નકલી ટીકીટો બનાવી આપી બદલામાં રૂા. ૨ હજાર વસૂલ કર્યા હતા. રેલવેના પીએસઆઈ કુરેશીએ મનમોહનસિંહને પણ અટકાયતમાં લીધો છે.
તેણે આ રીતે બીજી નકલી ટીકીટો બનાવી છે કે કેમ તે દિશામાં હવે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.




