Rajkot

રાજકોટની નિર્માણાધીન જિલ્લા પંચાયત ફરી વિવાદમાં, કચેરીમાં દારૂ પાર્ટીની આશંકા વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપ, પૂર્વ સભ્યએ કહ્યું- 'હું તો 2 વર્ષથી કહેતો હતો...'

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ જિલ્લા પંચાયતના નિર્માણાધીન ₹36 કરોડના બિલ્ડિંગમાં દારૂની પાર્ટી અને ભ્રષ્ટાચારનો વિવાદ વકર્યો છે. પ્રમુખ-ઉપપ્રમુખની સરપ્રાઈઝ મુલાકાતમાં ખાલી દારૂની બોટલો મળી હતી. આ ઉપરાંત, બાંધકામમાં જૂના સળિયા, હલકી ગુણવત્તાની ઈંટો અને પ્રતિબંધિત રેતીના ઉપયોગનો આક્ષેપ થતા પૂર્વ સભ્ય મનસુખ સાકરિયાએ 2 વર્ષથી ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું. DDO દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ધરણાની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટની નિર્માણાધીન જિલ્લા પંચાયત ફરી વિવાદમાં, કચેરીમાં દારૂ પાર્ટીની આશંકા વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપ, પૂર્વ સભ્યએ કહ્યું- 'હું તો 2 વર્ષથી કહેતો હતો...'

Rajkot District Panchayat Building Corruption Controversy: રાજકોટની નિર્માણાધીન જિલ્લા પંચાયત ફરી વિવાદમાં આવી છે. નિર્માણાધીન કચેરીમાં દારૂની પાર્ટી થયાની આશંકા સેવાઈ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની સરપ્રાઈઝ મુલાકાતમાં પંચાયતના પરિસરમાંથી ખાલી બોટલ મળી આવી હતી. કચેરીમાં દારૂની બોટલ મળતા અનેક સવાલો ઊભા થયા છે. હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનો વિવાદ હજુ શાંત નથી ત્યાં બીજો વિવાદ સર્જાયો છે. સરકારી કચેરીમાં દારૂ પાર્ટીને લઈને ભારે ચકચારી મચી છે, ત્યારે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યએ તંત્ર પર આકરાં પ્રહારો કરતા જણાવ્યું કે, 'હું તો 2 વર્ષથી કહેતો હતો કે અહીં ભ્રષ્ટાચાર થાય છે…'

રાજકોટની નિર્માણાધીન જિલ્લા પંચાયત ફરી વિવાદમાં

રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બને તે પહેલા કૌભાંડ છતું થયું છે. બીજી તરફ, નવા બિલ્ડિંગના બાંધકામમાં જૂના સળિયા અને ઈંટોના કટકા અને પ્રતિબંધિત રેતીનો ઉપયોગ કરાયાનો પદાધિકારીએ આક્ષેપ કર્યો છે. ₹36 કરોડના ખર્ચે બની રહેલી નવી બિલ્ડિંગના બાંધકામ સામે અનેક સવાલો થઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામની કામગીરી 65% પૂર્ણ થઈ છે. તેવામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની ફરિયાદ થઈ રહી છે. આ મામલે જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેરનો ઊધડો લીધો હતો અને DDO યોગ્ય પગલા ન લેતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હું તો 2 વર્ષથી કહેતો હતો કે અહીં ભ્રષ્ટાચાર થાય છે: પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય

સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મનસુખ સાકરિયાએ આકરાં પ્રહારો કર્યા છે. ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું કહી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ સભ્ય મનસુખ સાકરિયાએ કહ્યું કે, 'હું તો બે વર્ષ પહેલાં કહેતો હતો કે અહીં ભ્રષ્ટાચાર થાય છે. ₹36 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા બિલ્ડિંગમાં રેતી દળેલી અને ઇંટો નબળી કક્ષાની વાપરવામાં આવે છે. ભ્રષ્ટાચાર બાબતે જે તે સમયે પ્રમુખ અને ડીડીઓને રજૂઆત કરેલી હતી. મોટા ભાગનું બિલ્ડિંગનું કામ પૂર્ણ થવા આવ્યું ત્યારે ભાજપને ભ્રષ્ટાચાર દેખાય છે. આમ, ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે. સૌપ્રથમ 29 કરોડ મંજૂર કરી પાછળના બારણેથી 7 કરોડ વધુ મંજૂર કરાયા. અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓએ મલાઈ ખાધી છે. જૂનું બિલ્ડિંગ માંથી કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતરમાં પણ 84 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ હજુ જનતાની સામે મૂકવામાં આવ્યો નથી. ભાજપા ભ્રષ્ટાચારની માતા છે, તેને ઉઠાવવા રાજકોટ અને ગ્રામ્ય જનતાને અપીલ…'