Rajkot

રાજકોટ: ફરિયાદ લેવાને બદલે ગોદડું ઓઢીને સૂઈ જવું ભારે પડ્યું, રેલવે પોલીસના ASI સસ્પેન્ડ, ગુમ બાળકને ટ્રેનમાંથી શોધી કઢાયો

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ રેલવે સ્ટેશન પરથી બાળક ગુમ થતાં તેના મામા ફરિયાદ નોંધાવવા ગયા હતા. ત્યારે ફરજ પર હાજર મહિલા ASI કામિનીબેન મારણકા પોલીસ સ્ટેશનમાં જ સૂતા હતા. તેમણે ફરિયાદ સાંભળવાને બદલે 24 કલાક રાહ જોવાનું કહ્યું. આ વીડિયો વાયરલ થતાં પશ્ચિમ રેલવેના SPએ તાત્કાલિક કાર્યવાહી કરી મહિલા ASIને સસ્પેન્ડ કર્યા છે. બાળક હેમખેમ મળી આવતા પરિવારે રાહત અનુભવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ફરિયાદ લેવાને બદલે ગોદડું ઓઢીને સૂઈ જવું ભારે પડ્યું, રેલવે પોલીસના ASI સસ્પેન્ડ, ગુમ બાળકને ટ્રેનમાંથી શોધી કઢાયો

Rajkot railway police negligence : રાજકોટ રેલવે પોલીસની માનવતાને શર્મસાર કરતી અને ફરજ પ્રત્યેની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેલવે સ્ટેશન પરથી એક માસૂમ બાળક ગુમ થતાં તેના ચિંતાતુર મામા ફરિયાદ નોંધાવવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, તે સમયે પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) તરીકે ફરજ પર હાજર મહિલા ASI કામિનીબેન મારણકા ફરિયાદ સાંભળવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ ગોદડું ઓઢીને આરામથી સૂઈ રહ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ પશ્ચિમ રેલવેના SP દ્વારા મહિલા ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

'24 કલાક રાહ જુઓ, પછી આવજો' તેવો ઉદ્ધત જવાબ

પોતાના ભાણેજની ચિંતાથી વ્યથિત મામાએ જ્યારે મહિલા ASIને જગાડીને બાળક ગુમ થયાની જાણ કરી, ત્યારે સંવેદનશીલતા દાખવવાને બદલે કામિનીબેને અત્યંત બેજવાબદાર વલણ અપનાવ્યું હતું. તેમણે ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરતા કહ્યું હતું કે, હમણાં 24 કલાક રાહ જુઓ અને ત્યારબાદ ફરિયાદ કરવા આવજો.

વીડિયો વાઈરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ

ફરજ પરના પોલીસકર્મીની આવી ગંભીર બેદરકારી અને ગોદડું ઓઢીને સૂતેલી હાલતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો પહોંચતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસ હાથ ધરી ગુમ થયેલા બાળકને શોધી કાઢ્યું હતું.

ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં મળી આવ્યો બાળક

દ્વારકા પહોંચેલા બાળક પાસે રૂપિયા ન હોવાના કારણે એક પાનની દુકાનમાં જઈ પોતાના નાનાને ફોન કરી રૂ. 300 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મેળવ્યા હતા. જેની જાણ પોલીસને કરાતા આ બાબતે સર્વેલન્સની ટીમ દ્વારા દ્વારકા ખાતે તે પાનની દુકાન અને આસપાસના CCTV ચેક કરાયા હતા અને દ્વારકા રેલવે સ્ટેશનથી બપોરે 3.45 નીકળકી ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બાળક બેઠો હોવાની પુરેપુરી સંભાવનાને પગલે સર્વેલન્સની ટીમે ટ્રેન ચેક કરતા બાળક મળી આવ્યો હતો. આ પછી બાળકને રાજકોટ લાવી પરત સોંપાતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

મહિલા ASI કામિનીબેન મારણકાને સસ્પેન્ડ કરાયા

બાળક હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર મહિલા ASI સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. વાયરલ વીડિયો અને પ્રાથમિક તપાસના આધારે પશ્ચિમ રેલવેના SPએ કડક વલણ અપનાવીને મહિલા ASI કામિનીબેન મારણકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.