ધોરાજીમાં એકમાત્ર જાહેર ગ્રાઉન્ડમાં પણ સરકારી ક્વાર્ટર્સ માટે હિલચાલનો વિરોધ, યોજાયી ખાસ મિટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhoraji College Ground Protest: ધોરાજીની મધ્યમાં આવેલા અને શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓ માટેના એકમાત્ર જાહેર મેદાન એવા કે. ઓ. શાહ કોલેજ ગ્રાઉન્ડ પર સરકારી અધિકારીઓના રહેણાંક બંગલા (ક્વાર્ટર્સ) બનાવવાની હિલચાલ હાથ ધરવામાં આવતા શહેરીજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે કોલેજ ગ્રાઉન્ડ બચાવો આંદોલન સમિતિના નેજા હેઠળ યોજાયેલી વિશાળ જાહેરસભામાં તમામ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને વેપારી મંડળોએ બિનરાજકીય રીતે એકત્ર થઈ ઉગ્ર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.
ધોરાજીમાં એકમાત્ર કોલેજ ગ્રાઉન્ડ બચાવવા તમામ પક્ષો એકમંચે!
પ્રાપ્ત વિગતો મુજબ, ધોરાજીની મધ્યમાં આવેલું કે. ઓ. શાહ કોલેજનું ગ્રાઉન્ડ રાજ્ય સરકાર હસ્તક છે. અહીં બે જજ, ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર અને મામલતદાર સહિતના અધિકારીઓના સરકારી બંગલા બનાવવાની કાર્યવાહી સામે લોકોમાં રોષ પ્રસર્યો છે. જેમાં આજે જમનાવડ રોડ પર આવેલ લેવા પટેલ સમાજ ખાતે બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ પક્ષોના આગેવાનો, વિવિધ સમાજના પ્રમુખો અને નાગરિકોએ એક અવાજે નિર્ધાર કર્યો હતો કે કોઈપણ સંજોગોમાં આ ગ્રાઉન્ડ પર સરકારી ક્વાર્ટર્સ બનાવા દેવામાં આવશે નહીં. આ તકે રાજકીય-સામાજિક આગેવાઓએ જણાવ્યું હતું કે, ધોરાજી શહેરમાં કે. ઓ. શાહ કોલેજનું ગ્રાઉન્ડ એકમાત્ર એવું મેદાન છે જ્યાં વિદ્યાર્થીઓ રમી શકે અને સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ શકે છે. સરકાર આ એકમાત્ર વધેલા ગ્રાઉન્ડ પર ક્વાર્ટર્સ બનાવી કબજો કરવાની પેરવી કરી રહી છે. તમામ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓએ બિનરાજકીય રીતે એકત્ર થઈને કોઈપણ સંજોગોમાં અહીં કામ ન થવા દેવાનો નિર્ધાર કર્યો છે.
ગ્રાઉન્ડ બચાવવાની લડાઈમાં સાંસદ-ધારાસભ્ય ગેરહાજર
ધોરાજીના એકમાત્ર જાહેર ગ્રાઉન્ડ પર અધિકારીઓના બંગલા બનાવવાના નિર્ણય સામે તમામ પક્ષો એક મંચે આવ્યા, પણ પ્રજાના હિતના આંદોલનમાં ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે. એક તરફ ભાજપ, કોંગ્રેસ અને આપના સ્થાનિક આગેવાનો સહિત સામાજિક સંસ્થાઓએ ગ્રાઉન્ડ બચાવવા સરકાર સામે લડત આપવાનો સંકલ્પ કર્યો હતો, તો બીજી તરફ જનપ્રતિનિધિઓની ગેરહાજરી લોકચર્ચાનો વિષય બની હતી.
જન્માષ્ટમી અને ખ્વાજા સાહેબના મેળાનાં ગ્રાઉન્ડ નગરપાલિકાને પરત સોંપવાની માંગ
છેલ્લા છ મહિનાથી અગ્રણીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પ્રાંત અધિકારી અને કલેક્ટર દ્વારા ઉંધા ભણાવી સરકારમાં રજૂઆતોને ખોટી પાડવામાં આવે છે, જેમની સામે પગલાં ભરવા જોઈએ. આ ઉપરાંત, જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ અને ખ્વાજા સાહેબના મેળાનું ગ્રાઉન્ડ પણ ધોરાજી નગરપાલિકાને પરત સોંપવામાં આવે તેવી મારી માંગ છે.




