Rajkot

ઓનલાઇન મંગાવેલું દૂધ બગડેલું નિકળતા રીફન્ડ મેળવવા જતાં 1.90 લાખ ગુમાવ્યા

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં 63 વર્ષીય વૃદ્ધા શોભાબેન રાઠી ઓનલાઈન મંગાવેલ બગડેલા દૂધનું રિફંડ લેવા જતા છેતરાયા હતા. ઝેપ્ટો એપ મારફત દૂધ મંગાવ્યા બાદ, કસ્ટમર કેરમાં ફરિયાદ કરતા ગઠિયાએ ₹1.91 લાખ તેમના બેંક ખાતામાંથી ઉપાડી લીધા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના જામનગર રોડ પરની ગાયત્રીધામ સોસાયટીમાં બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન મંગાવેલું દૂધ બગડેલું નિકળતા રીફન્ડ મેળવવા જતાં 1.90 લાખ ગુમાવ્યા

રાજકોટ : ઓનલાઇન એપ મારફત પાંચ થેલી મંગાવેલું દૂધ બગડેલું નિકળતા તેનું રીફન્ડ મેળવવા ગયેલા વૃદ્ધાને ગઠિયાઓ ભેટી ગયા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂા.૧.૯૧ લાખ ઉપાડી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર રોડ પરની ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા શોભાબેન પ્રમોદભાઇ રાઠી (ઉ.વ.૬૩) એકલા મકાનમાં રહે છે. તેમનો પુત્ર પુલકિત જોધપુર એરબેઝ પર વિંગ કમાન્ડર તરીકે નોકરી કરે છે. પુત્રી આંચલ અમદાવાદમાં પરણેલા છે. તેમણે ગઇ તા.૧૨ જૂનના રોજ ઝેપ્ટો એપ મારફત પાંચ લિટર દૂધ મંગાવ્યું હતું. જે બગડેલું હોવાથી કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા ગુગલમાં સર્ચ કરી નંબર મેળવ્યો હતો.
જેની ઉપર સંપર્ક કરતા કોલરે પોતાનું નામ ઇસ્માઇલ અન્સારી જણાવી ઝેપ્ટો કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહ્યું હતું. સાથોસાથ રૂા.૧૭૫નું રીફન્ડ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વ્હોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી યુપીઆઇ આઇડી મારફત રીફન્ડ આપવાની પ્રક્રિયા કરાવતા શોભાબેનના બેંક ખાતામાંથી રૂા.૯૭ હજાર ટ્રાન્સફર થઇ ગયા હતા.
જેથી તેમણે ગઠિયાને આ બાબતે જાણ કરતા તેણે રકમ પરત આપવાની વાત કરી રૂા.૯૫ હજાર તેમના ખાતામાં જમા થયાનો બેંક જેવો મેસેજ પર્સનલ નંબર પરથી મોકલ્યો હતો. તે મસેજ બેંકમાંથી આવ્યાનું સમજી શોભાબેને રૂા.૯૭ હજાર સામે રૂા.૯૫ હજાર જ જમા થયાનું કહેતા ગઠિયાએ બીજી વાર યુપીઆઇ આઇડી મારફત પ્રક્રિયા કરાવતા ફરીથી રૂા.૯૪,૨૬૨ બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા.
આ રીતે ગઠિયાઓએ રૂા.૧.૯૧ લાખ ઉપાડી લેતા હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.