જેતપુરમાં પ્રેમ પ્રકરણમાં સમજાવવા જતાં યુવતીના પરિવાર પર પથ્થરથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેતપુર : જેતપુરમાં પ્રેમ પ્રકરણમાં સમજાવટ કરવા ગયેલા યુવતીના ભાઈ અને કાકા પર પ્રેમી અને તેના પરિવારે પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ઉદ્યોગનગર પોલીસ મથકમાં પ્રેમી, તેના પિતા, બનેવી અને મિત્ર એમ કુલ ૪ શખ્સો વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શહેરના જેતપુરના જનતાનગરમાં રહેતા અને મજૂરીકામ કરતા રવિભાઈ રસીકભાઈ જિંજરીયા (ઉ.વ. ૨૪) એ નવાગઢમાં રહેતા ચિરાગ મેટાણીયા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,
રવિભાઈના કાકાની દીકરીને ચિરાગ મેટાણીયા સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. પરિવારને જાણ થતાં તેઓએ દીકરીને સમજાવી હતી, જેના કારણે ચિરાગ સાથેનો પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. તેમ છતાં ચિરાગ અવારનવાર રવિભાઈના ઘર પાસે શેરીમાં આંટાફેરા મારતો રહેતો હતો.
ગત તા. ૧૮/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા દશેક વાગ્યાના અરસામાં, રવીભાઈ તેમના ભાઈ કિશન અને કાકા વિનોદભાઈ સાથે ચિરાગ અને તેના પિતા જગદીશભાઈ મેટાણીયાને સમજાવવા તેમના ઘરે (નવાગઢ ચોકડી પાસે) ગયા હતા. રવિભાઈએ જગદીશભાઈને કહ્યું હતું કે, તમારા દીકરાને સમજાવો અમારા ઘર પાસે આંટાફેરા ન મારે અને દીકરીને હેરાન ન કરે, અમારે તેની સાથે લગ્ન કરાવવા નથી. પરંતુ જગદીશભાઈએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપતા કહ્યું કે, મારો દીકરો તે રસ્તેથી ચાલશે જ, તમારે જે કરવું હોય તે કરી લેજો. સાથોસાથ ચિરાગે પણ કહ્યું કે, હું તો ત્યાં આવીશ જ, તારાથી થાય તે કરી લેજે. ત્યારબાદ ચિરાગ અને તેના પિતાએ રવિભાઈ અને તેમના કાકા પર હુમલો કરી દીધો હતો. ચિરાગનો બનેવી અજયભાઈ અને મિત્ર જીગો પણ આ મારામારીમાં સામેલ થઇ હતા. આ દરમિયાન ચિરાગે જમીન પર પડેલો એક પથ્થર ઉપાડીને રવિભાઈના માથાના ડાબા ભાગે જોરથી મારી દીધો હતો, જેથી રવિભાઈ લોહીલુહાણ થઈને ઢળી પડયા હતા. હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્ત રવીભાઈને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા.
જેતપુર ઉદ્યોગનગર પોલીસે રવિભાઈની સત્તાવાર ફરિયાદના આધારે આરોપી ચિરાગ મેટાણીયા, જગદીશભાઈ મેટાણીયા, અજયભાઈ અને જીગા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.




