Rajkot

ખેડૂતોને પડતા પર પાટું, માવઠાંને કારણે રાતા પાણીએ રડ્યા, મગફળી-કપાસ અને સોયાબીનનો તૈયાર પાક પલળી જતાં ભારે નુકસાન

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ સરકારનું ધ્યાન દોરવા માટે પલળી ગયેલા પાકનું બેસણું યોજી અનોખો વિરોધ કર્યો હતો. તેમણે રાજકોટને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, દેવા માફ કરવા અને રાહત પેકેજ આપવાની માંગ કરી છે. માંગણીઓ નહીં સંતોષાય તો ગામેગામ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતોને પડતા પર પાટું, માવઠાંને કારણે રાતા પાણીએ રડ્યા, મગફળી-કપાસ અને સોયાબીનનો તૈયાર પાક પલળી જતાં ભારે નુકસાન

Pithadiya Farmers Crop Damage News : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેતરમાં તૈયાર પડેલો મગફળી, કપાસ અને સોયાબીનનો પાક વરસાદમાં પલળી જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. આ સ્થિતિમાં સરકારનું ધ્યાન દોરવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. માવઠાથી પલળી ગયેલા પાકનું બેસણું યોજીને ખેડૂતોએ પોતાની વ્યથા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વીઘે માંડ 5થી 10 મણ મગફળી, એ પણ પલળી ગઈ

ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વર્ષે નબળા ચોમાસાને કારણે મગફળીનું ઉત્પાદન પહેલેથી જ ઓછું થયું હતું. માંડ વીઘે પાંચથી દસ મણ મગફળીનું ઉત્પાદન થયું હતું, પરંતુ ગઈકાલે પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી જતાં બગડી ગયો છે. મગફળી ઉપરાંત કપાસ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે. પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે, જેના કારણે પશુપાલન કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેડૂતોએ જણાવ્યું કે, કેટલાક ખેડૂતો મગફળી યાર્ડમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં પૂરતી છતની વ્યવસ્થા ન હોવાથી ખુલ્લામાં પડેલો પાક પણ વરસાદમાં પલળી ગયો હતો. બીજી તરફ, ખેતરમાં મજૂરોને બોલાવી થ્રેશરથી મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે મગફળી પલળી ગઈ અને મજૂરી તથા થ્રેશરના ભાડાનો ખર્ચ પણ માથે પડ્યો છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

રાજકોટને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માગ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે ખેડૂતોએ પોતાની સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરતાં સરકાર સમક્ષ વિવિધ માગણીઓ મૂકી હતી. ખેડૂતોનું કહેવું છે કે રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાંથી બાકાત રાખવામાં આવ્યો છે, જ્યારે અહીંના ખેડૂતો પણ નબળા ચોમાસા અને માવઠાને કારણે ભારે નુકસાન વેઠી રહ્યા છે. ખેડૂતોએ રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોનાં દેવા માફ કરવા અને બંધ થઈ ગયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ફરી શરૂ કરવાની માગ કરી છે. આ ઉપરાંત, તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકારને અપીલ કરવામાં આવી છે.

માગણીઓ નહીં સંતોષાય તો ગામેગામ આંદોલનની ચીમકી

પીઠડીયાના ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે અને ખેડૂતોની વ્યથા સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામેગામ બગડેલા પાકનાં બેસણાં યોજવામાં આવશે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જરૂર પડ્યે આ રીતે વિરોધને વધુ ઉગ્ર બનાવી આંદોલન કરવામાં આવશે.