ગોવાથી જૂનાગઢ લઇ જવાતો 18 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : લીંબડી-રાજકોટ હાઇવે નજીકથી લોખંડના વાલ્વના પાર્સલની આડમાં લઇ જવાતા રૂા. ૧૮ લાખના અંગ્રેજી દારૂ સાથે રાજકોટ રેન્જ પોલીસની ટીમે જૂનાગઢના ટ્રક ડ્રાઇવર જાવીદ મટારી અને ક્લીનર આરીફ સમાને ઝડપી લીધા હતા. જૂનાગઢના જ તોસીફે આ દારૂનો જથ્થો મંગાવ્યાનું ખુલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે.
બાતમીના આધારે ટ્રકને અટકાવી પોલીસે તલાશી લેતા અંદરથી અંગ્રેજી દારૂની ૧૦૬૦૮ બોટલ મળી આવી હતી. આ ઉપરાંત રૂા. ૯૪ લાખની કિમતના લોખંડના વાલ્વ મળ્યા હતા. તમામ મળી કુલ રૂા. ૧.૨૨ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ટ્રક ડ્રાઇવર અને ક્લીનર કર્ણાટક સામાન ખાલી કરવા ગયા હતા. વળતા ગોવાના પણજી પહોંચ્યા હતા. જ્યાં હાજર તોસીફે આ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. તેણે દારૂની એક પેટી દીઠ રૂા. ૮૦૦ આપવાનું ઠરાવ્યું હતું.
રાજકોટ રેન્જ પોલીસે સાયલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વોન્ટેડ તોસીફની શોધખોળ શરૂ કરી છે. પણજીના ફાર્મ હાઉસથી દારૂનો જથ્થો મોકલનારને પણ આરોપી બનાવાયો છે. લોખંડના વાલ્વ જામનગર લઇ જવાના હતા.




