Rajkot

સામાન્ય ઝઘડામાં આઠ વાહનો સળગાવી નાખી મકાન અને સીસીટીવીમાં તોડફોડ

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ : શહેરમાં પોલીસ અને કાયદાનો કોઇને ડર રહ્યો ન હોય તેની પ્રતિતિ કરાવતી ઘટનાઓ હવે રોજિંદી બની ગઇ છે. આમ છતા પોલીસની ઉંઘ ઉડતી નથી. ધોકાના દિવસે રૈયા ગામમાં મુક્તિધામ સામેની શેરીમાં આવેલા ખોડીયારનગરમાં રહેતી મહિલાએ ત્રણ શખ્સો સાથે મળી પાડોશમાં રહેતા પરિવારના આઠેક જેટલા વાહનો સળગાવી નાખ્યા હતા. એટલું જ નહીં મકાન અને સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી રૂા. ૨૬.૫૦ લાખ જેવી માતબર રકમનુ નુકસાન કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સામાન્ય ઝઘડામાં આઠ વાહનો સળગાવી નાખી મકાન અને સીસીટીવીમાં તોડફોડ

રાજકોટ : શહેરમાં પોલીસ અને કાયદાનો કોઇને ડર રહ્યો ન હોય તેની પ્રતિતિ કરાવતી ઘટનાઓ હવે રોજિંદી બની ગઇ છે. આમ છતા પોલીસની ઉંઘ ઉડતી નથી. ધોકાના દિવસે રૈયા ગામમાં મુક્તિધામ સામેની શેરીમાં આવેલા ખોડીયારનગરમાં રહેતી મહિલાએ ત્રણ શખ્સો સાથે મળી પાડોશમાં રહેતા પરિવારના આઠેક જેટલા વાહનો સળગાવી નાખ્યા હતા. એટલું જ નહીં મકાન અને સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી રૂા. ૨૬.૫૦ લાખ જેવી માતબર રકમનુ નુકસાન કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ગુનાખોરી અને શરીર સંબંધી ગુનાઓ વધવા પાછળ નબળા થાણા ઇન્ચાર્જોને જવાબદાર ગણાવાય છે. શહેરમાં હાલમાં એવા કોઇ થાણા ઇન્ચાર્જ નથી કે જેના નામ માત્રથી ગુનેગારો ગુનો કરતાં ડર અનુભવે.
ખોડીયારનગરમાં રહેતા રણજીતભાઈ પરમાર (ઉ.વ.૬૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. ૮નાં રોજ રાત્રે મિત્ર સાથે કાર લઇ રણુજા મંદિરે દર્શન કરવા ગયા બાદ પુત્ર પાર્થે કોલ કરી પાડોશમાં રહેતા રાબિયાબેન પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતા હોવાની જાણ કરી હતી. જેથી તત્કાળ ઘરે આવી ગયા હતા. તે વખતે પુત્ર પાર્થે કહ્યું કે રાબિયાબેન અને તેની પુત્રી ફીઝાએ ઝઘડો કર્યા બાદ બંને હાલ સારવાર લેવા દવાખાને ગયા છે. જતાં-જતાં ફીઝા બદલો લેવાની વાત કરતી હતી.
પરિણામે મધરાતે પરિવારના સભ્યો મોરબીના રવાપર રોડ ખાતે આવેલા બીજા મકાને જવા માટે નીકળી ગયા હતા. ટંકારા પાસે પહોંચ્યા ત્યારે મકાનના લાઇવ સીસીટીવી જોતાં બે શખ્સો કાચની બોટલોના તેના મકાન પર ઘા કરતાં દેખાયા હતા. વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ ફરીથી બે અજાણ્યા શખ્સો કાચની બોટલ લઇ તેના મકાન પાસે આવતા દેખાયા હતા. થોડીવાર બાદ એક શખ્સે તેના પુત્રની થારને આગ લગાડી હતી. જેથી થારની બાજુમાં પડેલી તેની એન્ડેવર કાર, જીપ ટુકડો સહિત ત્રણ ફોર વ્હીલર ઉપરાંત બુલેટ, બીજુ બાઇક અને ત્રણ ટુ-વ્હીલર પણ સળગી ગયા હતા.
ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ઘરે પરત આવતા ફીઝા મળી હતી. તેણે મેં જ રાત્રે મારા મિત્રોને બોલાવી તમારા મકાનની બારીઓમાં નુકસાન અને વાહનોમાં આગ લગાડયાનું જણાવ્યું હતું. ઘરે જઇને જોતાં બારીઓમાં તોડફોડ થયેલી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ તૂટેલા મળ્યા હતા. ગાંધીગ્રામ-૨ પોલીસે ફીઝા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.