Rajkot

તાવા-ચાપડીના ધંધાર્થીનો રિક્ષાચાલક રાઇડર પર ઝારા વડે હુમલો, ધમકી

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટના યુનિવર્સિટી રોડ પર મિલન તાવો-ચાપડીના માલિક દશરથ વાળા અને 2 માણસોએ રેપીડો રાઇડર ધર્મેશ પરમાર પર હુમલો કર્યો. છૂટક સામાન લઈ જવાની ના પાડતાં દશરથે ગાળો ભાંડી ઝારા વડે હુમલો કર્યો. અન્ય 2 માણસોએ માર મારતાં ધર્મેશને ગંભીર ઈજા થઈ. ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાવા-ચાપડીના ધંધાર્થીનો રિક્ષાચાલક રાઇડર પર ઝારા વડે હુમલો, ધમકી

રાજકોટ: યુનિવર્સિટી રોડ પર આવેલ મિલન તાવો-ચાપડી નામની દુકાનના માલિક દશરથ વાળા અને તેના બે માણસોએ રેપીડોના રાઇડર ધર્મેશ પરમાર (ઉ.વ.૪૪, રહે. રેમ્બો સિટી, મોટામવા) પર હુમલો કરી ધાકધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
ફરિયાદમાં ધર્મેશભાઈએ જણાવ્યું છે કે ગઇ તા. ૭નાં રોજ રાત્રે રેપીડોમાંથી તેને મિલન તાવો-ચાપડી નામની દુકાનનું ભાડુ મળ્યું હતું. જેથી ત્યાં જતા છૂટક સામાન તેની રીક્ષામાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રોપ લોકેશન ભક્તિનગર સર્કલ પાસેનું હતું. જો કે તેણે કંપની આ રીતે છૂટક સામાન લઇ જવાની મંજૂરી આપતી નથી તેમ કહી ભાડુ કેન્સલ કરવાનું કહેતા દશરથ વાળાએ સ્પષ્ટ ઇન્કાર કરી બેફામ ગાળો ભાંડી તારાથી થાય તે કરી લેજે તેમ કહ્યું હતું.
એટલું જ નહીં ઝઘડો કરી ઝારા વડે હુમલો કર્યો હતો. તેના બે માણસોએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. ઝારાનો ઘા જોરથી અંગુઠામાં ઝીંકી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. તત્કાળ ૧૧૨માં કોલ કરતાં બંને માણસો ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે તેને અને દશરથને પોલીસ મથકે લઇ ગઇ હતી.
તેને લોહી નીકળતું હોવાથી સિવિલ પહોંચ્યો હતો. તબીબે અંગુઠા અને હથેળીમાં ગંભીર ઇજા થયાનું જણાવી તત્કાળ સર્જરી કરવી પડશે તેમ કહ્યું હતું. સિવિલમાં રાત્રે સર્જરી શક્ય ન હોવાથી અમદાવાદ પહોંચ્યો હતો. જ્યાંની સિવિલ હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોએ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી પડશે તેમ કહ્યું હતું.
અમદાવાદની સિવિલમાંથી નોંધ આવ્યા બાદ ગાંધીગ્રામ-૨ પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે દશરથના બંને માણસો તેની બાજુમાં ઉભા હતા તે વખતે દશરથે બંનેને ઉશ્કેરીને કહ્યું કે તમે ઉભા-ઉભા શું જોવો છો, આને મારો. ત્યાર પછી તેના માણસો તૂટી પડયા હતા. દશરથે તેને આજ પછી ક્યારેય મારી દુકાને રીક્ષા લઇને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.