For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત કૃષિ પ્રધાન દેશ છતાં આયાત પર વધેલા આધારથી સર્જાયેલી આશ્ચર્યજનક સ્થિતિ

Updated: Jan 15th, 2023

Article Content Image- મસ્ટર્ડનું ઉત્પાદન વ્યાપક વધતાં ખાદ્યતેલોની આયાત ઘટાડવા સરકાર માટે ઊભી થયેલી સાનુકુળ તક

દેશમાં કૃષી ક્ષેત્રે પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. વિતેલા ૨૦૨૨ના વર્ષમાં આ ક્ષેત્રે સમીકરણો  બદલાયા પછી હવે નવા વર્ષમાં આ ક્ષેત્રે ઉત્પાદન વિષયક આશાવાદ વધતો જોવા મળ્યો છે. વર્ષો પૂર્વે અનાજની બાબતમાં આપણે આયાત પર આધારીત રહ્યા હતા પરંતુ ત્યારબાદ હરીયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશનના પગલે દેશમાં અનાજનું ઉત્પાદન વધતાં આપણે અનાજની આયાતના બદલે નિકાસ કરતા થયા છીએ. જોકે વિવિધ કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં હજી દેશમાં આવી સ્થિતિ આવી નથી અને આ ચીજમાં હજી પણ આયાત પર આધાર ચાલુ રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ પ્રશ્ને હવે ઘરઆંગણે આ ચીજોનું ઉત્પાદન વધારવા પ્રયત્નો શરૂ થયા છે. દેશમાં હજી પણ ખાદ્યતેલોની કુલ આંતરીક માગ સામે સ્થાનિક ઉત્પાદન સરખામણીએ ઓછું થતું હોવાથી આપણે વિશેષરૂપે પામતેલ, સોયાતેલ, સનફલાવર તેલ વિ.ની આયાત કરવી પડે છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દેશમાં ૨૦થી ૩૦ વર્ષ અગાઉ ખાદ્યતેલોની કુલ વાર્ષિક આયાત આશરે ૪૦ લાખ ટન જેટલી રહેતી હતી તે હવે વધતી જતાં તાજેતરમાં વાર્ષિક ૧૪૦થી ૧૪૫ લાખ ટનના મથાળે પહોંચી ગઈ છે. ઓક્ટોબર ૨૦૨૨ના અંતે પુરા થયેલા તેલ વર્ષ ૨૦૨૧- ૨૨માં દેશમાં વિવિધ ખાદ્યતેલોની કુલ આયાત વધી ૧૪૦ લાખ ૩૦ હજાર ટન નોંધાઈ  હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આટલી આયાતનો ખર્ચ મુલ્યના સંદર્ભમાં આશરે રૂ.૧ લાખ ૫૭ હજાર કરોડ જેટલો થયો છે. ખાદ્યતેલોની આયાત વધતાં વિદેશી હુંડિયામણનું ધોવાણ દેશના અનામત ફોરેક્સ રિઝર્વમાંથી થતું રહ્યું છે. આયાત પર આધારના પગલે વિશ્વબજારમાં ખાદ્યતેલોના ભાવમાં થતી ચડ ઉતરની તાત્કાલિક અસર ઘરઆંગણે બજારભાવ પર પડતી રહી છે અને વૈશ્વિક તેજી આવે ત્યાં ત્યારે દેશમાં ભાવ ઉછળતાં ફુગાવો પણ વધી જતો જોવા મળ્યો છે તથા આના પગલે સરકાર પણ ચિંતિત બની છે. હવે ઘરઆંગણે ઉત્પાદન વધારવા શરૂ થયેલા પ્રયત્નો નવા વર્ષમાં કેટલા સફળ થાય છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, દેશમાં મસ્ટર્ડ- સરસવના વાવેતર હેઠળનો વિસ્તાર નોંધપાત્ર વધ્યો છે તથા મસ્ટર્ડનો નવો પાક મોટો આવવાની આશા બજારમાં હાલ બતાવતી થઈ છે. આવા રાયડાનું ઉત્પાદન વધી ૧૨૦થી ૧૨૫ લાખ ટનની સપાટીને આંબી જાય તો નવાઈ નહિં એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દેશના બજારોમાં ઉત્પાદક મથકોએ નવા પાકની આવકો ફેબુ્રઆરીમાં શરૂ થઈ જવાની શક્યતા બતાવાઈ રહી છે. તાજેતરના વર્ષોમાં ગરઆંગણે મસ્ટર્ડની હેકટરદીઠ ઉત્પાકતા વધતી રહી ૧૪૫૦થી ૧૪૬૦ કિલોની સપાટીએ પહોંચી ગઈ છે. બે- ત્રણ વર્ષના ગાળામાંજ દેશમાં મસ્ટર્ડનું વાર્ષિક ઉત્પાદન પ્રથમ તબક્કે ૯૧થી ૯૨ લાખ ટનથી વધી ૧૧૭થી ૧૧૮ લાખ ટન તથા હવે ૧૨૦થી ૧૨૫ લાખ ટન સુધી પહોંચવાની શક્યતા સર્જાઈ છે. મસ્ટર્ડના વાવેતર હેઠળનો વિસ્તાર ૯થી ૧૦ ટકા વધી ૯૫થી ૯૬ લાખ હેકટર્સને આંબી ગયું છે. મસ્ટર્ડનો પાક બમ્પર આવશે તો દેશમાં અન્ય તેલ તથા તેલીબીયાંના બજાર ભાવ પણ કાબુમાં રહેવાની શક્યતા બજારના તજજ્ઞાો બતાવી રહ્યા છે. દેશમાં ખાસ કરીને નોર્થ ઈન્ડિયામાં પંજાબ, હરીયાણામાં ઘઉં- ચોખાનું વધુ વાવેતર થાય છે અને આના બદલે જો ત્યાં તેલીબિયાંનું વાવેતર કરવામાં આવે તો ઘરઆંગણે તેલીબીયાંની ઉત્પાદન વૃધ્ધિમાં નોંધપાત્ર વૃધ્ધિ મેળવી શકાશે એવું કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું. સરકારે મિશન ઓઈલ સીડ્સ શરૂ કર્યું છે તથા આના પગલે જો દેશમાં ઉત્પાદન વધશે તો ઘરઆંગણે ખાદ્યતેલોની આયાત પરનો આધાર આશરે ૩૫થી ૪૦ ટકા જેટલો થોડા વર્ષોમાં ઘટાડી શકાય તેમ છે એવું તજજ્ઞાોએ જણાવ્યું હતું. દેશમાં વિશેષરૂપે દક્ષિણ ભારતમાં પામની ખેતી વધારવાની ઝુંબેશ પણ શરૂ થઈ છે. ઘરઆંગણે પામનું ઉત્પાદન વધશે તો મલેશિયા તથા ઈન્ડોનેશિયાથી આયાત થતા પામતેલ પરનો આધાર ઘટશે એ વાત ચોક્કસ છે. દેશમાં વિવિધ તેલિબિયાંનું વાવેતર વધારવા સરકારે ખેડૂતોને વિશેષ લાભો આપવા પણ જરૂરી બન્યા છે. તાજેતરમાં સરકારે જીએમ સ્વરૂપના મસ્ટર્ડના ઉત્પાદનમાં પણ વિશેષ રસ બતાવ્યો હતો. જોકે આવા જીએમ સ્વરૂપનો વિરોધ તથા વિવાદ પણ જોવા મળ્યો છે. દરમિયાન, સરકારે નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનામાં શરૂ કર્યું હતું તથા ત્યારબાદ દેશના વિવિધ ૨૨ રાજ્યોમાં આ વિષયક ઝુંબેશ અત્યાર સુધીના ગાળામાં શરૂ થઈ ગઈ છે. હવે આના ફળ આવનારા વર્ષોમાં દેશને ચાખવા મળશે એવી આશા કૃષી જાણકારો બતાવી રહ્યા છે.


Gujarat