- સરકાર સંગ્રહ કરનારાઓ સામે લાલ આંખ બતાવે
- મધ્યમવર્ગ હવે પહેલાં જેવો લાચાર નથી. તે જોખમ ઉઠાવતો થયો છે. તે સરકારનાં ખોટા પગલાંની ટીકા પણ કરે છે
- પ્રસંગપટ
આ વખતે પહેલી વાર રવિવારે બજેટ પેશ થવાનું છે. આવતી કાલના બજેટમાં મોટાં પરિવર્તન જોવા મળે તેવી શક્યતા છે. મધ્યમવર્ગ છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ઉછળતા ભાવોમાં વ્યસ્ત છે ત્યારે આવતી કાલના બજેટમાં મધ્યમવર્ગ માટે કેવી રાહતો હશે તેના પર સૌનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે. મોદી સરકારનો સમર્થક મધ્યમવર્ગ છે માટે સૌ કોઈ ઇન્કમટેક્સમાં રાહત અને રોજીંદી ચીજોના ભાવોમાં ઘટાડો ઇચ્છે છે. સરકાર સંગ્રહ કરનારાઓ સામે લાલ આંખ બતાવે તેવું પણ લોકો ઇચ્છે છે.
જ્યારથી મધ્યમવર્ગની આવકમાં વધારો થયો છે ત્યારથી તેની રોજીંદા વપરાશની ચીજોમાં ફોર-વ્હીલર અને એરકન્ડીશનર જેવી ચીજોના ખર્ચા વધ્યા છે. મધ્યમવર્ગ ઇલેકટ્રીક ટુ- વ્હીલર વસાવીને દેશના પર્યાવરણની રક્ષાની સાથે પોતાનો માસિક પેટ્રોલ ખર્ચ પણ બચાવી રહ્યો છે.
મધ્યમવર્ગ જાણે છે કે સરકારની નીતિ 'એક હાથ લંે દૂસરે હાથ સે દે' જેવી હોય છે. દરેક વર્ગ અને ક્ષેત્રની માંગણી પૂરી કરવી સરકાર માટે લગભગ અશક્ય છે. સરકારે જીએસટી લાદીને લગભગ સૌની પાસેથી ટેક્સ ચૂકવણી શરૂ કરી છે. સામે પક્ષે, લોકોની રાહત માટેની માંગ સતત વધી રહી છે. કૃષિ ક્ષેત્રે કિસાનોની આવક બમણી કરવાનું આપેલું પ્રોમીસ હજુ સિદ્ધ થયું નથી, મોદી સરકાર કેન્દ્રીય સત્તામાં ૧૧ વર્ષથી સક્રિય છે, તેમ છતાં.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ટેરિફથી ભારતની આર્થિક પ્રગતિ પર શરૂઆતમાં થોડી બ્રેક વાગી હતી, પરંતુ ભારતનાં બજારો અમેરિકી ટેેરિફને પચાવી ગયા હતા. મધ્યમવર્ગ જેેમાંથી વધારાની આવક મેળવવાની કોશિશ કરે છે તે શેરબજારે કેટલાય લોકોને નાણાં કમાવી આપ્યા છે. ઉતાવળે નાણાં રોકીને ઉતાવળે પાછા ખેંચનારાઓને રોવાનો વારો પણ આવ્યો છે. શેરબજારમાં લાંબા સમયના રોકાણકારોએ નોંધપાત્ર વળતર પણ મેળવ્યું છે.
ચાંદી-સોનામાં ભાવવધારાના કારણે મધ્યમવર્ગનાં અનેક કુટુંબો સમૃદ્ધ થયા છે. મધ્યમવર્ગીય પરિવારોએ શેરબજારમાં ઇન્વેસ્ટ કર્યું હોય કે ન કર્યું હોય, પણ સૌના ઘરમાં વત્તે-ઓછે અંશે સોનું અને ચાંદી જરૂર હોય છે. ચાંદી મધ્યમવર્ગનું સોનું કહેવાતી હતી, કેમ કે સોનાના ભાવની સરખામણીમાં ચાંદી સસ્તી રહેતી હતી. હવે સ્થિતિ બદલાઇ છે. ચાંદીના ભાવો બહુ ઉછળતા પોતાના ઘરમાં રહેલી ચાંદીની કેટલી કિંમત થઇ તેની ગણતરી કરતા લોકો થઈ ગયા છે.
ભારતનો મધ્યમવર્ગ હવે બે દાયકા પહેલાં હતો તેવો નથી રહ્યો. મધ્યમવર્ગનાં સંતાનો સ્કોલરશિપ લઈને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જાય છે અને ત્યાં કરીઅરની શરૂઆત કરે છે. સંતાનો પોતાનાં માતાપિતાને વિદેશની ટ્રીપ પર મોકલતા થયા છે. પહેલાંની તુલનામાં મધ્યમવર્ગ દેશના રાજકારણમાં હવે ઘણો વધારે રસ લે છે, જેને કારણે મતદાન પણ વધ્યું છે.
મધ્યમ વર્ગના અનેક લોકો પોતાના મનમાં રમતા બિઝનેસ કરવાના સપનાંને પૈસાના અભાવે દબાવી દેતા હોય છે, પરંતુ હવે સ્ટાર્ટઅપ શરૂ કરવા માગતા લોકોને મળતી લોન મળવામાં સરળતા થઈ છે, તેમજ એમએસએમઇ સેક્ટરમાં પેમેન્ટની રાહતો વધી છે. તેથી મધ્યમ વર્ગ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઝંપલાવતો થયો છે. મધ્યમવર્ગ હવે પહેલાં જેવો લાચાર નથી, તે જોખમ ઉઠાવતો થયો છે, સરકારનાં ખોટાં પગલાંની ટીકા કરતો પણ થયો છે.
મધ્યમવર્ગે હવે ઉચ્ચ મધ્યમવર્ગમાં સ્થાન પામવા ગતિ વધારી દીધી છે. તે વધુ કમાતો થયો છે. પૈસાદાર લોકોનાં સંતાનોની હરોળમાં પોતાના સંતાનો પણ ઊભાં રહે તેવા પ્રયાસો મધ્યમવર્ગીય માતાપિતાઓ કરે છે.
મધ્યમ વર્ગનું પહેલું સપનું ઘરનું ઘર હોય છે. બેંકોએ હાઉસિંગ લોનની વિધિઓ પ્રમાણમાં આસાન બનાવીને, વ્યાજદર ઘટાડીને લોન આપવાનું શરૂ કર્યું ત્યારથી લોકો પોતાની માલિકીના ફ્લેટ માટે કેટલાંય વર્ષો સુધી હપ્તા ભરવા તૈયાર થવા માંડયા છે. હા, બેરોજગારીની સમસ્યા મધ્યમવર્ગને વિશેષ નડી રહી છે. અનિશ્ચિત નોકરીઓ અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ઘટી રહેલી જોબની સમસ્યાથી મધ્યમવર્ગ પીડાઇ રહ્યો છે.
કોઇ પણ સરકારને મધ્યમવર્ગની ઉપેક્ષા કરવી પોષાય એમ નથી. સ્વાભાવિક છે કે બજેટમાં મધ્યમવર્ગને ક્યાં કેટલી રાહત અપાય છે તે પરથી બજેટની લોકપ્રિયતા નક્કી થશે.


