મોનસૂન ઇફેક્ટ : સિમેન્ટ બજાર ઉદ્યોગ ક્ષેત્રના સમીકરણો બદલે તેવી વકી
- પ્રસંગપટ
- સિમેન્ટ ઉત્પાદનમાં કાપ મુકાયો છે
- નવા હાઉસિંગ પ્રોજ્કેટનું લોન્ચીંગ તથા વેચાણમાં સરેરાશ ઘટાડાની ચિંતા
દેશમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો બદલાતા રહ્યા છે. હાલ તહેવારોની મોસમ ખીલી છે ત્યારે વિવિધ રાજ્યોમાં વરસાદનો રાઉન્ડ ફરી શરૂ થયાના વાવડ મળ્યા છે અને તેના પગલે બાંધકામ, કન્સ્ટ્રકશન, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ચહલ પહલ ફરી ધીમી પડતાં સિમેન્ટ બજારમાં માગ પર તેની ઈફેકટ જોવા મળી છે. આગળ ઉપર મોન્સૂનની પુર્ણાહુતિ પછી બાંધકામ પ્રવૃત્તિ ફરી વધવાની આશા છે અને તેના પગલે આગળ ઉપર સિમેન્ટની માગમાં ફરી ચેતના આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, દેશમાં જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં મોન્સૂન ઈફેક્ટના પગલે સિમેન્ટની માગ ધીમી પડતાં આ ગાળામાં સિમેન્ટના મોટાભાગના ઉત્પાદકોએ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યાના વાવડ તાજેતરમાં મળ્યા હતા.
દેશમાં ઉત્તર ભારત, પૂર્વીય ભારત તથા મધ્ય-ભારત વિ. વિવિધ વિસ્તારો તથા રાજ્યોમાંથી મળેલા સમાચાર મુજબ વિવિધ વિસ્તારોમાં મોટાભાગના સિમેન્ટ ઉતેપાદકોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હોવાનું સિમેન્ટ બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ રાજ્યોમાં મોટાભાગના સિમેન્ટ ઉત્પાદકોએ જુલાઈથી સપ્ટેમ્બરના ૩ મહિનાના ગાળામાં ઉત્પાદનમાં સરેરાશ ૧૦ થી ૧૫ ટકાનો ઘટાડો કર્યાના નિર્દેશો મળ્યા હતા. દેશમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં મોન્સૂનની ગતિ ધીમી રહી હતી પરંતુ પાછળથી વરસાદે વેગ પકડયો હતો અને તેની અસર બાંધકામ પ્રવૃત્તિ તથા સિમેન્ટ બજારમાં માગ પર દેખાઈ હતી. સિમેન્ટ ઉત્પાદકોની કુલ ઉત્પાદન ક્ષમતા પૈકી ઉત્પાદન ક્ષમતાના વપરાશની ટકાવારી જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં ઘટી ૭૦થી ૭૫ ટકા નોંધાઈ છે જે એપ્રિલથી જુનના ગાળામાં ઉંચી રહી હતી. જોકે આ વર્ષે ચૂંટણીઓના કારણે પણ આચારસંહિતાના પગલે ઘણા વિસ્તારોમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગતિ ધીમી પડી ગઈ હતી અને તેની અસર સિમેન્ટની માગ પણ દેખાઈ હતી. તથા ત્યારબાદ મોન્સૂનની ઈફેકટ શરૂ થઈ હતી. પશ્ચિમી ભારતમાં ઘણી જગાએ પુર આવ્યા હતા તથા ત્યારબાદ તાજેતરમાં પૂર્વીય ભારતમાં વરસાદે ગતી પકડી હતી. નોર્થ ઈન્ડિયામાં પણ વ્યાપક વરસાદની અસરે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામગીરી ધીમી પડી જતાં તેની અસર સિમેન્ટના ઉપાડ પર જોવા મળી હતી. સિમેન્ટ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય પણે વર્ષના બીજા ત્રિમાસિકમાં માગ ધીમી પડે છે તથા સપ્ટેમ્બર મધ્યથી માગમાં પીકઅપ જોવા મળે છે પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ માગ અપેક્ષાથી ધીમી રહેતાં હવે બજારની નજર ઓકટોબર પર ઠરી છે. સરકારે કેબિનેટમાં જાહેર કરેલા વિવિધ રેલવે પ્રોજેકટોમાં પણ પ્રગતી ઠપ જણાઈ છે તથા આ વિવિધ પ્રોજેકટોમાં હજી ટેન્ડરો બહાર પડવાની પ્રક્રિયામાં પણ વિલંબ થયાના વાવડ મળ્યા હતા. એપ્રિલતથા મે મહિનામાં ચૂંટણી સંબંધી આચાર સંહિતાના કારણે આ વર્ષે એપ્રિલ તથા મે મહિનામાં નવા રોડ પ્રોજેકટોના કોન્ટ્રેકટરો વિલંબમાં પડયા હતા તથા ત્યારબાદ જૂન મહિનામાં તાપમાન તથા ગરમી વધતાં તેની અસર બાંધકામ તથા ઈન્ફ્રા ક્ષેત્રે પ્રવૃત્તિ પર પડી હતી તથા ત્યારબાદ જુલાઈ મહિનાથી મોન્સૂન શરૂ થઈ જતાં તેની અસરે સિમેન્ટ બજારમાં સુસ્તાઈ દેખાઈ હતી. હવે બજારના ખેલાડીઓની નજર ઓકટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા પર રહી છે. ઉત્તર પ્રદેશમાં હાઉસિંગ માર્કેટમાં મંદી જોવા મળી હતી. નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝીયાબાદ, લખનઉ, આગ્રા વિ. વિવિધ વિસ્તારોમાં આશરે ૩૫૦થી ૪૦૦ જેટલા વિવિધ હાઉસિંગ પ્રોજેકટોમાં કામકાજની પ્રગતિ અત્યંત ધીમી જોવા મળી હતી. તથા ૯થી ૧૦ મોટા શહેરોમાં નવા હાઉસિંગ પ્રોજેકટોનું લોન્ચીંગ તથા વેચાણ જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં ૧૫થી ૨૦ ટકાનો સરેરાશ ઘટાડો દર્શાવતું હતું. આ વર્ષના ઉત્તરાર્ધના છ માસિક ગાળામાં સિમેન્ટ ક્ષેત્રમાં ડબલ-ડિજીટનો ગ્રોથ હાંસિલ થાય એવી શકયતા ઓછી જણાઈ રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. આવો ગ્રોથ આ વર્ષે આખા વર્ષમાં ગણીએ તો ૭થી ૮ ટકાનો જ રહેવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વરસાદ ઓછો થતાં સિમેન્ટની માગમાં ૧૫થી ૨૦ ટકાની વૃદ્ધી થઈ હતી જેની સરખામણીએ આ વર્ષ પરિસ્થિતી ઊંધી રહી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારના હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સિમેન્ટ ઉદ્યોગના રિવાઈવલ માટે આશરે રૂ.૭૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવનાર છે. દરમિયાન, ઘરઆંગણે તેમ જ વૈશ્વિક સ્તરે સિમેન્ટના ઉત્પાદનમાં સર્જાતા પ્રદૂષણને ઘટાડવાના પ્રયત્નો શરૂ થયા છે.