For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી સરકારની ટીકા વરૂણને ભારે પડી : ટિકિટ ટલ્લે ચઢી ગઇ

Updated: Mar 28th, 2024

Article Content Image

- વરૂણ ગાંધી રાજકીય વમળમાં ફસાયેલા છે

- પ્રસંગપટ

- વરૂણ ગાંધી

- મેનકા ગાંધી

- વરૂણ ગાંધી વિશે અનેક અફવાઓ ચાલે છે. કાં તો એ કોંગ્રેસમાં જાડાશે અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડશે

વરૂણ ગાંધી રાજકીય વમણમાં ફસાયેલા છે. વરૂણ ગાંધીના સલાહકારો તેમને કોંગ્રેસમાં મોકલવા માગે છે. કોંગ્રેસ પણ કંકોત્રી મોકલી રહી છે, પરંતુ મુખ્ય ગાંધી પરિવાર, એટલે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, મૌન રાખીને બેઠાં છે. બીજો ગાંધી પરિવાર મેનકાનો છે. ભાજપે મેનકા ગાંધીને ટિકિટ આપી છે, પણ વરૂણ ગાંધીને લટકાવી રાખ્યા છે. બંને ગાંધી પરિવારોના બે પુત્રો એટલે રાહુલ ગાંધી અને વરૂણ ગાંધી. આ બંનેમાંથી રાહુલ ગાંધીનું નામ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચર્ચાય છે, જ્યારે વરૂણ ગાંધીને લોકસભાની ટિકિટ મેળવવના પણ ફાંફાં છે.

વરૂણ ગાંધી મારફાડ વક્તા છે. રાહુલ ગાંધીની સરખાણીમાં તેમની વાણી વધુ તેજાબી છે. મેનકા ગાંધીને ઘર છોડવાની ફરજ પડાઇ હતી ત્યારે દિવંગત અટલ બિહારી વાજપેઇએ તેમને રાજકીય સપોર્ટ આપ્યો હતો. તે વખતે વરૂણ ગાંધી માત્ર ત્રણ વર્ષના હતા. કૌટુંબિક વિખવાદનાં અનેક કારણો હતાં. ગાંધી પરિવાર અને કોંગ્રેસ એમ બંનેએ મેનકાને આશરો આપવાનું બંધ કરી દીધું હતું. 

મેનકા ગાંધી જાણતાં હતાં કે તે સોનિયા ગાંધી એન્ડ કંપનીને પહોંચી વળેે એમ નથી, તેથી તેઓ એનિમલ હેલ્પ લાઇન સેન્ટરમાં વ્યસ્ત રહેતાં હતાં અને પુત્રને ઉછેરતાં હતાં. બંને ગાંધી કુટુંબ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે વરૂણ ગાંધી અને કાકાની દીકરી પ્રિયંકા ગાંધી વચ્ચે સારૃં ટયુનિંગ હતું. મેનકા ગાંધી જોકે ભાજપને વફાદાર રહ્યાં હતાં. 

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ વરૂણ ગાંધીને મુખ્યપ્રધાન બનાવવા માટે લોબિંગ મોટા પાયે થયું હતું, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યોગી આદિત્યનાથ પર પસંદગી ઉતારી હતી. લગભગ ત્યારથી વરૂણ ગાંધીએ ભાજપ વિરૂધ્ધ બોલવાનું શરૂ કરી દીધું હતું. તેમનાં ભાષણોમાં કોંગ્રેસી વિચારધારાની છાંટ વર્તાતી હતી. મમ્મી મેનકા ગાંધીની જેમ વરૂણ પણ અખબારોમાં લેખો લખતા થયા હતા. તેમના લખાણોમાં પણ સરકાર વિરોધી અભિગમ વધુ જોવા મળતો હતો. 

૨૦૧૪માં, વડાપ્રધાન મોદીની પહેલી ટર્મમાં, લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવાની હતી ત્યારે ભાજપનો એક વર્ગ મેનકા ગાંધીને આ પદ આપવા માગતો હતો, કેમ કે મેનકા જો લોકસભાના અધ્યક્ષની ખુરસી પર બેઠાં હોય તો સામે બેઠેલાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમને સત્તાની રૂએ 'મેડમ' કે 'મહોદયા' કહીને સંબોધવું પડે. વળી, મેનકા ગાંધી તેમને ખખડાવીને બોલતાં અટકાવી પણ શકે. વિચારો કે આવી સ્થિતિમાં સોનિયા ગાંધી અને રાહુલની કેવી દશા થાય! 

વરૂણ ગાંધી પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી શક્યા નથી. તેમના લલાટે હજુ ગાંધી પરિવારનો સિક્કો લાગેલો છે. જે રીતે વરૂણ ગાંધી મોદી સરકારની ટીકા કરતા હતા તે જોતાં એ કોંગ્રેસતરફી બની ગયા હોય  એમ લાગતું હતું. ઉત્તરપ્રદેશ ભાજપના નેતાઓએ વરૂણને ટિકિટ ના આપવી જોઇએ એમ મોવડીમંડળને લખીને આપ્યું હતું. લગભગ ત્યારથી વરૂણ ગાંધીએ ભાજપ વિરૂદ્ધ બોલવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા પાંચ વર્ષથી ભાજપના નેતાઓ સાથે એ સંપર્કમાં નહોતા અને મોટા ભાગે ભાજપની વિરૂદ્ધ બોલતા હતા અને લખતા હતા. ૨૦૨૧માં લખીમપુર એક્સિડન્ટ કેસમાં એમણે ભાજપના નેતાઓ વિરૂદ્ધ ખૂબ ઝેર ઓક્યું હતું. આટલું કર્યા પછી પણ એ ભાજપની ટિકિટની આશા રાખે તો તે અપરિપક્વ રાજકારણીની નિશાની કહેવાય. 

વરૂણ ગાંધી વિશે અનેક અફવાઓ ચાલે છે. ક્યાં તો તે કોંગ્રેસમાં જાડાશે અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડશે. આ બંને વિકલ્પો વરૂણ ગાંધી માટે પોતાના પગ પર કૂહાડોે મારવા સમાન સાબિત થઇ શકે છે. કહે છે કે કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ બંને વરૂણને ટેકો આપીને અપક્ષ ઉમેદવાર તરીકે લડાવવા માગે છે.

રાજકીય સમીક્ષકોનું માનવું છે કે કોઇ આંધળુકિયું કરવાના બદલે વરૂણે રાજકારણને રામ રામ કરી દેવા જોઇએ. અલબત્ત, આવું કરવું દેશના કોઇ પણ રાજકારણી માટે આસાન નથી, પરંતુ બહુ ઓછા વિકલ્પ બચ્યા હોય ત્યારે બાજી છોડી દેવી તે જ ઉત્તમ ઉપાય છે.

Gujarat