mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતનું રાજકારણ સાપ-સીડીની રમત કરતાય વધારે લપસણું

Updated: Mar 23rd, 2024

ભારતનું રાજકારણ સાપ-સીડીની રમત કરતાય વધારે લપસણું 1 - image


- કેજરીવાલ બાહોશ હોવા છતાં સપડાઇ ગયા

- વિપક્ષના કોઇ નેતાએ કેજરીવાલને એવી સલાહ નહોતી આપી કે સમન્સનો વિરોધ ભવિષ્યમાં મોંઘો પડશે

- પ્રસંગપટ

ભારતનું રાજકારણ અભિમન્યુના સાત કોઠા સમાન છે. તેમાં કોણ ક્યારે ઉગે છે અને ક્યારે આથમી જાય છે તેની ખબર પણ નથી પડતી. અહીં સંયમ રાખીને આગળ વધનારા ફાવે છે અને કેટલાક સમય માટે સત્તા સુખ ભોગવી શકે છે. બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતી તમામ અવરોધોનો સામનો કરીને એકલા હાથે મુખ્યપ્રધાન પદ સુધી પહાચ્યાં હતાં અને તેઓ પહેલાં દલિત વડાંપ્રધાન બનવાના સપનું જોતાં હતાં. પરંતુ ભ્રષ્ટાચારનો ભોરીંગ તેમને ડસી ગયો હતો. આજે તેઓ  એકલાં અટૂલાં છે. 

મમતા બેનર્જી પણ એકલા હાથે પોતાની તાકાતના જોરે મુખ્યપ્રધાન પદ સુધી પહોંચ્યાં છે અને તેઓ પણ વડાપ્રધાન બનવાનું સપનું સેવી રહ્યાં છે. રાજકીય પક્ષનો ટેકો કે રાજકીય વારસ વિના ભારતના રાજકારણમાં આગળ આવવું તે ્અથાગ મહેનત અને ચોક્કસ પ્લાનિંગ માંગી લે છે. કુટુંબવાદને વરેલા રાજકારણમાં આઉટસાઇડરો માટે આગળ વધવું કઠિન છે જ. 

મહાભારતના અભિમન્યુએ માત્ર સાત કોઠાનો સામનો કરવાનો હતો, પરંતુ ભારતના રાજકારણમાં સ્વતંત્ર રીતે આગળ વધવા મથતા નેતાઓ સામે રોજ નવા કોઠા ઊભા થાય છે. દરેક કોઠા પર જાણે લપસણી સમાન નાણા પદ્ધતિ ગોઠવાયેલી હોય છે.  ઠેકડો મારીને નાણા પદ્ધતિને કૂદી જઈ શકે તે જ નેતા આગળ વધી શકે છે.

કહે છે કે માયાવતી મુખ્યપ્રધાન હતાં ત્યારે તેમના જન્મદિવસે તેઓ બહાર બગીચામાં બેસતાં અને તેમને શુભેચ્છા પાઠવનારાઓ ફૂલોનો બુકે નહીં પણ રોકડની થેલીઓ લઈને આવતા. જેની થેલી ઓછા વજનવાળી હોય તેને માયાવતી તતડાવતાં અને વધુ વજનવાળી થેલી શુભેચ્છા સ્વરુપે સ્વકારી લેતાં. એ જમાનામાં ઇલેક્ટોરલ બોન્ડ હજુ આવ્યા નહોતા.

કોઇ મુખ્યપ્રધાન સામે કાનૂની કાર્યવાહી થઈ હોય તે આપણા દેશમાં નવી વાત નથી. લોકશાહીના સંવર્ધનની વાત કરતા લોકો જ ખુદ કાયદાને માન ન આપે એ કેવું? સામાન્ય માણસ પોલીસ સ્ટેશનનું તેડું આવે તો પણ ડરી જાય છે. પોતાની સાથે કોઇ ઓળખાણવાળી વ્યક્તિને લઇ જાય છે. કેજરીવાલે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી બંધારણીય સંસ્થાના સમન્સને ખોટા ગણાવ્યા હતા. 

કેજરીવાલના સલાહકારો કહે છે કે પહેલા સમન્સ વખતે જ એમણે ફૂલહાર પહેરીને ઢોેેલ નગારાં સાથે ઇડીની ઓફિસે પહોંચી જવા જેવું હતું. આ રીતે એમની ઇમેજ કાયદાના રક્ષક તરીકે થઈ હોત, પણ આ તો એવી છાપ ઊભી થઈ કે કેજરીવાલ ઇડીને કે કાનૂનને ગાંઠતા જ નથી. હકીકત એ છે કે ઇન્ડિયા ગઠબંધન રચાયું ત્યારે વિપક્ષી નેતાઓમાં મોદીવિરોધી સૂર બળકટ થવા માંડયો  હતો. મોદીનો વિરોધ કરતાં કરતાં આ નેતાઓ દેશના કાયદાનો પણ વિરોધ કરવા લાગ્યા હતા.

વિપક્ષના કોઇ નેતાએ કદાચ અરવિંદ કેજરીવાલને એવી સલાહ નહોતી આપી કે ઇડીના સમન્સનો વિરોધ ભવિષ્યમાં તમને મોંઘો પડશે. સૌ કોઈ કેજરીવાલની પીઠ થાબડતા રહ્યા. પોતે પ્રાઇમ મિનિસ્ટર મટીરિયલ છે એવું માની કેજરીવાલ વડાપ્રધાન બનવાનું સપનું જોતા રહ્યા. પરિણામ એ આવ્યું છે કે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓની સાથે હવે તેમણે પણ જેલમાં બંધ થઈ જવું પડયું છે.

અમુક નેતાઓને સત્તાનો એવો નશો ચઢી જાય છે કે તેઓ કાબુ ગુમાવી બેસે છે. આર્થિક ભ્રષ્ટાચાર કરતી વખતે પણ તેઓ બિન્દાસ બની જાય છે.  ભૂતકાળ પર નજર કરીએ તો બીએસ યેદુઆરપ્પા,  શિબુ સોરેન, હેમંત સોરેન, મધુ કોડા, લાલુપ્રસાદ યાદવ, જયલલિતા, ઉમા ભારતી જ્યારે મુખ્ય પ્રધાન હતાં ત્યારે તેમની સામે કાનૂની કાર્યવાહી થઇ હતી. ઉમા ભારતીનું નામ હુબલી હુલ્લડ કેસમાં સંડોવાયું હતું.

કેજરીવાલ રાજીનામું આપવા તૈયાર નથી. કેજરીવાલ કેટલાય રાજકીય કોઠા ભેદીને બે રાજ્યોમાં સરકાર બનાવી શક્યા, પણ શરાબ પોલિસીની  લેતીદેતીમાં ફસાઇ ગયા.

અગાઉ કહ્યું તેમ, રાજકારણના દરેક કોઠા પર પૈસાની લપસણી સપાટી હોય છે. કેજરીવાલ આ જાણતા હતા જ. તેઓ પૈસાને અંકે કરવા માટે નવી રીત અજમાવવા ગયા, જેમાં તેમની કથિત ઇમાનદારીની પોલ ખુલી ગઇ .

Gujarat