ક્રૂડ ઓઈલના સપ્લાયના ધાંધિયા મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ચિંતાનો વિષય

પ્રસંગપટ
વોર ઈફેકટ : પાંચ મહિનાની ટોચે પહોંચી ગયું
યુદ્ધમાં અમેરિકા દાખલ થશે તો ક્રૂડ વધુ ઉછળી 100 ડોલર થઈ જવાની બતાવાતી શક્યતાઃ ભારતમાં વેપાર ખાધ વકરશે
દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં ઝડપી તેજી આવતાં બજારના ખેલાડીઓ ઉંઘતા ઝડપાયા હતા. ઈરાન તથા ઈઝરાયેલ વચ્ચે ઓચિંતું યુદ્ધ ફાટી નિકળતાં વિશ્વ બજારમાં આવતા ક્રૂડતેલની સપ્લાયમાં રૂકાવટ જોવા મળી હતી અને તેના પગલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ટૂંકાગાળામાં ઝડપી ઉછળી પાંચ મહિનાની નવી ઉંચી ટોચને આંબીગયાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલની બજારમાં ઉત્પાદન ક્ષેત્રે ઈરાનની ભૂમિકા મહત્ત્વની રહી છે તથા ઈરાનથી આવતા પુરવઠા પર વૈશ્વિક ખેલાડીઓની ચાંપતી નજર રહેતી હોય છે. આ પૂર્વે ઈરાન તથા અમેરિકા વચ્ચે ટયુનિંગ બગડયું હતું. ઈરાન દ્વારા ન્યુક્લીયર ક્ષેત્રે ગતિવિધ વધારવામાં આવતાં અમેરિકાએ આ પૂર્વે ઈરાનનો સખત વિરોધ કર્યો હતો તથા અમેરિકા દ્વારા ઈરાન પર વિવિધ પ્રકારના અંકુશો પણ લાદવામાાં આવ્યા હતા. આના પગલે વિશ્વ બજારમાં ઈરાનના ક્રૂડતેલના પુરવઠામાં વધઘટથતી રહી હતી. આ દરમિયાન ઈરાન તથા અમેરિકા વચ્ચે વાટાઘાટો પણ ચાલી રહી હતી. આવા માહોલમાં તાજેતરમાં ઈઝરાયેલે ઈરાન પર ઓચિંતો હુમલો કરી દેતાં વિશ્વના વિવિધ બજારોમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં ઝડપી ઉંચકાઈ બેરલના ઉંચામાં ૭૭ ડોલર પાર કરી ૭૮ ડોલર સુધી ઉછળતાં પાંચ મહિનાની નવી ઊંચી ટોચ જોવા મળી હતી. જો કે ત્યારબાદ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એવા સંકેતો આપ્યા હતા કે કદાચ ઈરાન વાતચીત કરવા આગળ આવશે અને આવા સંકેતો પાછળ વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચા મથાળ ેથી નીચા આવી ૭૫.૨૦થી ૭૫.૨૫ ડોલર આસપાસ ટ્રેડ થતાં જોવા મળ્યા હતા. વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઈરાનમાં દૈનિક સરેરાશ ૩.૪૦ મીલીયન બેરલ્સ ક્રૂડતેલનું ઉત્પાદન થાય છે તથા આ પૈકી ઈરાનમાંથી દૈનિક ધોરણે ક્રૂડતેલની આશરે ૧.૫૦થી ૨.૦૦ મિલીયન બેરલ્સની નિકાસ કરવામાં આવે છે. હવે ઈરાન-ઇઝરાયલ યુદ્ધના પગલે આ સપ્લાય ખોરવાઈ છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે એવી શક્યતા તાજેતરમાં સર્જાતાં ક્રૂડતેલની તેજી માટે બજારને નવું કારણ મળ્યું હતું.
તાજેતરમાં ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા ક્રૂડના કુલ દૈનિક ઉત્પાદનમાં વૈશ્વિક ધોરણે ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની વૃદ્ધી કરવાનો નિર્ણય કરાયો હતો અને એ વખતે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. જોકે ત્યારબાદ ઈરાન તથા ઈઝરાયલ વચ્ચે હુમલાઓ શરૂ થતાં સિનારિયો ઓચિંતો બદલાઈ ગયો હતો. દરમિયાન, અમેરિકાથી મળેલા સમાચાર મુજબ ત્યાં ક્રૂડ તેલનો સ્ટોક ૧૧૫ લાખ બેરલ્સ ૈ ઘટયાના વાવડ મળ્યા હતા. યુ.એસ.એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન ઈઆઈએ દ્વારા આ આંકડા તાજેતરમાં બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાં આવો સ્ટોક ઘટી ૪૨૦૯ લાખ બેરલ્સ નોંધાયો છે. આ પૂર્વે અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૦૧થી ૧૦૨ લાખ બેરલ્સ જેટલો ઘટયો હોવાના આંકડા બહાર પાડયા હતા. આવો સ્ટોક આશરે ૬૦ લાખ બેરલ્સ જેટલો ઘટશે એવી અપેક્ષા આ પૂર્વે વિશ્વ બજારના એનાલીસ્ટો બતાવી રહ્યા હતા પરંતુ હકીકતમાં આવા સ્ટોકમાં ઘટાડો બજારની અપેક્ષાથી વધુ આવ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, હુમલાઓ વધુ વધે એ પૂર્વે ઈરાને તાજેતરમાં ક્રૂડતેલની નિકાસમાં આશરે ૪૦ થી ૪૫ ટકાની વૃદ્ધી પણ કર્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. જોકે આમ છતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૭૭ ડોલરની ઉપર ચાલ્યા ગયા હતા. ઈરાનથી આવી દૈનિક નિકાસ વધી ૨૩થી ૨૪ લાખ બેરલ્સની નોંધાઈ હતી! ઈરાનમાં ખર્ગ આઈલેન્ડ ક્રૂડતેલના ઉત્પાદન તથા વેપારમાં મુખ્ય કેન્દ્ર ગણાય છે. આવા ઓઈલની સપ્લાયનો રૂટ સ્ટ્રેઈટ ઓફ હોર્મઝને હુમલાથી નુકશાન થશે તો ક્રૂડતેલના વૈશ્વિક ભાવ વધી ૧૦૦ ડોલર થવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા. ક્રૂડના ભાવ વધતાં ભારતમાં વેપાર ખાધ વધી જવાની ભીતિ પણ બતાવાતી થઈ છે. ઈમ્પોટ ર્ બિલ ઉંચું જવાની ગણતરી દિલ્હીના સૂત્રો બતાવી રહ્યા હતા. આના પગલે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ જોવાયો હતો.

