જાહેર સ્થળો પરથી રખડતા કૂતરાં દૂર કરવાનો સુપ્રીમનો કડક આદેશ

- ભારતમાં દર વર્ષે 37 લાખ જેટલા ડોગ બાઇટના કેસો
- પ્રસંગપટ
- અમદાવાદમાં સત્તાવાળાઓ પ્રાણી પ્રેમ પ્રતિ માનવીય અભિગમના એક ભાગ રૂપે કૂતરાં માટે વિશેષ સ્મશાન બનાવ્યું છે
૪૫ ડિગ્રી ગરમીમાં કે ધોધમાર વરસાદમાં કે કડકડતી ઠંડીમાં રખડતા કૂતરાંની મદદે કોર્ટની મદદ કરવા કોઇ આદેશ નથી આવતો પણ માનવતા મદદે આવે છે.માનવતા બજારમાં વેચાતી નથી પણ દરેક માનવતા પડેલી હોય છે. દેશ ત્રણ ભાગમાં વહેંચાયેલો હોય એમ લાગે છે. મેટ્રો સિટી, ટાઉન અને નાના ગામડા. મેટ્રો સિટીમાં રખડતા કૂતરા માટે કોઇ સ્થાન નથી. તેમને પકડીને જંગલોમાં છોડી દેવાય છે જ્યાં તે ભૂખે તરસે મોતને ભેટે છે. ટાઉન અને ગામડામાં તેમને માનથી જોવામાં આવે છે.
જો કે બીજી તરફ કૂતરાં કરડવાની સમસ્યા હકીકતે ગંભીર છે. ભારતમાં દર વર્ષે ૩૭ લાખ જેટલા ડોગ બાઇટના (કૂતરા કરડવાના)કેસો નોંધાય છે. એટલેકે રોજ અંદાજે ૧૦,૦૦૦ જેટલા ડોગબાઇટના કેસો બને છે. માનવજાત સાથે સદીઓથી રહેતા કૂતરાને ભગવાન દત્તાત્રયે ૨૪ ગુરૂઓ પૈકી એકનું પદ આપ્યું છે. પરંતુ હવે કૂતરા તરફનો અપ્રોેચ બદલાઇ ગયો છે.
સુપીમ કોર્ટે જાહેર સ્થળો પરથી કૂતરાં પકડવાનો કડક આદેશ આપ્યો છે તે આવકાર્ય છે પરંતુ માનવ વસાહત સાથે સદીઓથી રહેતા કૂતરાંની સમસ્યા સાંભળનાર કોઇ નથી. મેનકા ગાંધી જેવા નેતાઓ મૂંગા પ્રણીઓની સેવા કરતા આવ્યા છે. કૂતરાંઓની સેવા કરતી અનેક સંસ્થાઓ કોર્ટના ચૂકાદા પર આંસુ સારી રહી છે. સનાતન ધર્મ અબોલ જીવોની સેવા સાથે જોડાયેલો છે. કૂતરાના ખસીકરણને અમાનવીય કહેવાયું છે પરંતુ તેમની વસ્તી ઘટાડવાનો તે એક ઉત્તમ ઉપાય સાબિત થયો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ માનવજાતને થતી હેરાનગતી અટકાવવાનો છે.
કૂતરાં કરડવાના અનેક વિડીયો જોઇને ડર લાગે છે. પાંચ સાત કૂતરા નાના બાળકને પીંખી નાથે ત્યારે કૂતરાં ખતમ કરી નાખવાનું યોગ્ય લાગે છે. ટાઉન લેવલે કૂતરા હડેહડે થાય છે છતાં તેમને લોકો નિયમિત ખાવાનું આપે છે. તેમના માટે પાણી મુકવામાં આવે છે. એનિમલ વેલફેર સંસ્થાઓ તેમની સારવાર પણ કરેે છે. અનેક સેવાભાવીઓ કૂતરાઓને દૂધ પીવડાવતા જોવા મળે છે. ટાઉન લેવલ અને ગામડાઓમાં કૂતરા તરફનો પ્રેમ જોવા મળે છે. ગરમીમાં તેમના માટે પાણી, વરસાદમાં તેમને ઓટલા પર આશરો અપાય છે જ્યારે ઠંડીમાં તેમના માટે કાપડના ગાભામાંથી વિશેષ ગોદડી પાથરીને તેમને હૂંફ મળે તેવું આયોજન કરાય છે.
ગામડામાં કૂતરૃં એ ઘરના સભ્ય સમાન હોય છે. તે ચોકીદારીનું કામ કરે છે. ગામડામાં ખેતરમાં ભાથું લઇને જતી કોઇ મહિલાનું ચિત્ર જોશો તો તેમાં મહિલાએ કેડમાં બાળક રાખ્યું હશે.માથે ઘાસનો ભારો હશે અને તેની આગળ કે પાછળ કૂતરૃં ચાલતું હશે.ગામડામાં બાળકો સાથે કૂતરાં રમતાં જોવા મળે છે. શહેરનું બાળક કૂતરાને જોઇને ગભરાય છે. જ્યારે ગામડાનું બાળક કૂતરા સાથે દોસ્તી કરીને તેના કાન આમળતું જોવા મળેે છે. પાળેલા કૂતરાં કરતાં શેરી કૂતરૃં વધુ શક્તિશાળી અને વધુ વફાદાર હોય છે. તે સોસાયટી કે પોળના દરેક લોકોને ઓળખે છે.
પોતાની શેરીના કૂતરાંને કોઇ પથ્થર મારે તો મારામારી થતી હોવાના ઉદાહરણો જોવા મળે છે કેમકે તે માનવ વસાહતના એક અંગ સમાન ગણાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રાણી પ્રેમ પ્રતિ માનવીય અભિગમના એક ભાગ રૂપે તાજેતરમાં પાળેલા કૂતરાં માટે વિશેષ સ્મશાન બનાવ્યું છે. એક સમય હતો કે જ્યારે ઘરફોડ ચોરો ત્રાટકે તે પહેલાં શેરીમાં કેટલા કૂતરાં છે અને જે ઘરમાં ચોરી કરવાની છે ત્યાં કેટલા કૂતરાં છે તેની રેકી કરીને માહિતી મેળવતા હતા. આજે ઘરફોેડ ચોરોની જગ્યાએ સાયબર ક્રિમિનલો આવી ગયા છે. પોતાના માલિકને ડિજીટલ એરેસ્ટના ટ્રેપમાંથી કૂતરો બચાવી શકતો નથી.
ગામડામાં બહુ ઘરફોડો ચોરો આવે છે માટે ત્યાં કૂતરાને માન સાથે રાખવામાં આવે છે. ઘરમાં પહેલી રોટલી શેરીના કૂતરા અને શેરીની ગાય માટે રાખવામાં આવતી હતી. જેને ગાય-કૂતરાંનું કાઢવું એમ કહેવાતું હતું. તે સંસ્કૃતિના એક ભાગ સમાન હતું. તે પ્રથા શહેરોમાં હવે ગાયના અભાવે બંધ થઇ ગઇ છે, હવે શેરી કૂતરાંને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. કેમકે શેરી કૂતરાઓથી લોકો ડરવા લાગ્યા છે. અનેક શહેરોમાં વાનરોનો ત્રાસ પાછળનું કારણ કપાતા જંગલો દર્શાવાય છે. વાનરોને રહેવાની જગ્યા કપાઇ માટે તે શહેર તરફ આવ્યા પરંતુ કૂતરાના ત્રાસ પાછળનું કોઇ કારણ જોવા મળતું નથી. કૂતરાં તો દાયકાઓથી માણસ જાત સાથે રહેતા આવ્યા છે. તે વફાદારી અને પ્રેમ સિવાય બીજું કશું આપી શકતા નથી. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવકાર્ય છે પરંતુ સિક્કાની બીજી બાજુ જોવાની દરકાર નથી કરાઇ એવું પ્રાણી પ્રેમીઓ માની રહ્યા છે.









