ચીનની જેમ અમેરિકામાં પણ ફૂગાવાનો દર ઉંચો આવાતા વ્યાજમાં ઘટાડો અટવાશે
- પ્રસંગપટ
- ક્રૂડતેલના ભાવ મંદીમાંથી બહાર આવ્યાઃ ઉંચામાં ૮૬ ડોલર નજીક
- ઈરાક સિવાયના વિવિધ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં કરેલો ઘટાડો જૂન સુધી ચાલુ રાખવા નક્કી કર્યું
ક્રૂડતેલ બજારમાં ઘરઆંગણે તથા વિશ્વ બજારમાં તાજેતરમાં સમીકરણો નવેસરથી બદલાતા જોવા મળ્યા હતા. બજારમાં આંચકા પચાવી ભાવ ફરી ઉંચા જતા વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલદીઠ ઉંચામાં ૮૬ ડોલર નજીક પહોંચ્યા હતા. ચીનમાં આયાત-નિકાસના ડેટા સારા આવ્યા પછી ત્યાં તાજેતરમાં ફુગાવો પણ ઊંચો આવ્યાના સમાચાર મળ્યા હતા.
આ નિર્દેશો વચ્ચે ચીન મંદીમાંથી બહાર આવી રહ્યાની ચર્ચા વિશ્વ બજારમાં શરૂ થઈ હતી અને આવા માહોલમાં વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ચીનની માગ વધવાની આશા સર્જાઈ હતી. યુએસ ક્રૂડના ભાવ વધી બેરલદીઠ ૮૨ ડોલર નજીક પહોંચ્યા હતા. ચીનની જેમ અમેરિકામાં પણ ફુગાવાનો દર અપેક્ષા કરતા ઉંચો આવતાં ત્યાં હવે પછી વ્યાજ દરમાં થનારો ઘટાડો વિલંબમાં પડશે એવી શક્યતા પણ જાણકારો બતાવતા થયા હતા.
આના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચો રહેવાની તથા વૈશ્વિક ક્રૂડતેલ તથા સોનાના ભાવ દબાણ હેઠળ રહેવાની ગણતરી પણ બજારના અમુક જાણકારો બતાવી રહ્યા હતા. જો કે ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશો દ્વારા તાજેતરમાં ઓપેક સંગઠનના નેજા હેઠળ દૈનિક ઉત્પાદન કાપનો અમલ ચાલુ રાખવાની તથા આવો સમય જૂન મહિના સુધી જાળવી રાખવાનું નક્કી થતાંક્રૂડતેલના ભાવ આંચકા પતાવી નવેસરથી ઉંચા જતા જોવા મળ્યા હતા.
જો કે ક્રૂડતેલના ઉત્પાદનમાં કપાતના નિર્ણયને રશિયાએ સપોર્ટ કર્યો છે પરંતુ ઈરાક દ્વારા આવો સપોર્ટ આપવામાં આવ્યો નથી એવા નિર્દેશોપણ મળ્યા હતા. ઈરાક દ્વારા ઉત્પાદન વધારવામાં આવતાં વૈશ્વિક ખેલાડીઓમાં આ પ્રશ્ને ખાસ્સી ચર્ચા પણ જાગી છે.
દરમિયાન, અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૫૪થી ૫૫ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. ત્યાં ગેસોલીનનો સ્ટોક પણ ઘટયો હતો. આની અસર વૈશ્વિક ક્રૂડતેલ બજાર પર તાજેતરમાં પોઝીટીવ જોવા મળી હતી. ઓપેક દ્વારા ઈરાક માટે ઉત્પાદનનો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો તેની સરખામણીએ હકીકતમાં ઈરાક દ્વારા ક્રૂડતેલનું ઉત્પાદન વધુ કરવામાં આવી રહ્યાના વાવડ વહેતા થયા હતા.
જો કે સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત યુએઈ, કુવૈત તથા અલ્જીરિયાએ ક્રૂડના ઉત્પાદનમાં નોંધપાત્ર કપાતના નિર્ણયનો અમલ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યો છે તથા આવી કપાત જૂન સુધી ચાલુ રાખવામાં આવનાર છે. જોકે આથી વિપરીત ઈરાક દ્વારા ઉત્પાદન ધમધમનતું રાખવામાં આવતાં વિશ્વ બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
રશિયાથી સી-બોર્ન ક્રૂડતેલની નિકાસ તાજેતરમાં વધ્યાના વાવડ પણ મળ્યા હતા. રશિયા ખાતેથી આવી દૈનિક નિકાસ તાજેતરમાં વધી ૬ લાખ બેરલ્સની સપાટી નજીક પહોંચી હતી.
દરમિયાન, ક્રૂડતેલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના જણાવ્યા મુજબ આ વર્ષે ક્રૂડતેલની વૈશ્વિક માગ ઉંચી રહેલાની આશા છે. આ વર્ષે વૈશ્વિક ક્રૂડતેલની દૈનિક માગ ૨૨થી ૨૩ લાખ બેરલ્સ જેટલી ઉંચી રહેવાની શક્યતા ઓપેકના સૂત્રો બતાવી રહ્યા હતા. ૨૦૨૫ના આવતા વર્ષ માટે આ આંકડો દૈનિક ૧૮થી ૧૯ લાખ બેરલ્સની વૃદ્ધીનો બતાવાતો હતો.
જોકે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી આઈએના જણાવ્યા મુજબ ક્રૂડતેલની વૈશ્વિક માગમાં ઓપેક દ્વારા જે વૃદ્ધીની ગણતરી બતાવાઈ છે તે ગણતરી વધુ પડતી આશાવાદી જણાઈ રહી છે અને હકીકતમાં વૈશ્વિક માગમાં આટલી વૃદ્ધી થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. આમ વૈશ્વિક માગ વિષયક ઓપેકનો વ્યુહ તથા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી આઈઈએના વ્યુહ વિરોધાભાસ બતાવી રહ્યો છે.
આના પગલે વૈશ્વિક ખેલાડીઓમાં પણ મુંઝવણ વધી છે. આઈઈએના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડ તેલના ઉત્પાદનમાં પણ વૃદ્ધી થવાની શક્યતા જણાય છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી તાજેતરમાં ૨૦૦ દિવસની મુવિંગ એવરેજની સપાટી વટાવી ગયાના નિર્દેશો પણ મળ્યા હતા.
દરમિયાન, આઈઈએના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડતેલના સ્ટોકમાં ૧૫ લાખ બેરલ્સનો ઘટાડો થયો છે જ્યારે અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટ આ ઘટાડાનો આંકડો ૫૫ લાખ બેરલ્સનો બતાવતું હતું. આમ આ બન્ને આંકડામાં પણ ખાસ્સો તફાવત જોવા મળ્યો હતો.