ઇઝરાયલ-ઇરાન યુદ્ધના પગલે ભારતને સીધી આર્થિક અસર

- પેટ્રોલના ભાવોમાં પાંચ રૂપિયા વધારાની શક્યતા
- પ્રસંગપટ
- ભારતના રસ્તાઓ પર અંદાજે ૨૬ કરોડ જેટલાં ટુ-વ્હીલર છે અને ૫ કરોડ જેટલાં ફોર-વ્હીલર દોડે છે
છેલ્લા કેટલાક સમયથી ઓઇલના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ ઇઝરાયલ-ઇરાન યુદ્ધના પગલે ઓઇલના ભાવોમાં એવો ઉછાળો નોંધાયો કે ભારતીય આર્થતંત્રનું ટેન્શન વધી ગયું છે. ઓઇલના ભાવ છેલ્લા પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ - ૭૮ ડોલર પર - પહોંચી ગયો છે.
ડર એ વાતનો છે કે ભારતનું અર્થતંત્ર ઓઇલના વધતા ભાવોમાં લપસી તો નહીં પડેને? કેટલાક એનેલિસ્ટો ઓઇલનો ભાવ ૧૫૦ ડોલર સુધી પહોંચશે એમ કહીને ભારતનાં બજારોને મંદી તરફ ધકેલી રહ્યા છે. ૧૫૦ ડોલરનું અનુમાન કદાચ વધુ પડતું છે, પરંતુ એનેલિસ્ટો કહે છે કે તાત્કાલિક સમાધાનના કોઇ ચાન્સ દેખાતા નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમાધાન માટે પ્રયાસ કરે છે, પરંતુ ઇઝરાયલ અને ઇરાન હવે છેલ્લા પાટલે બેઠા હોય એમ લાગી રહ્યું છે. બંને એક બીજાને ગંભીર નુક્સાન કર્યા વગેર ઠંડા પડે એમ લાગતું નથી.
ઇઝરાયલે ઈરાનના ન્યુક્લિયર સેટઅપ પર હુમલો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેની સીધી અસર પશ્ચિમ એશિયાના ઓઇલ સપ્લાય પર થશે. સોમવારે આ લખાય છે ત્યારે ઓઇલનો ભાવ બેરલ દીઠ ૭૩.૬૭ રૂપિયા છે, જે શનિવારે તે ૭૮ ડોલર પર હતો. ઇઝરાયલ-ઇરાન યુદ્ધથી આખા વિશ્વે આંચકો અનુભવ્યો છે.
ક્રૂડ ઓઇલના વેપાર સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે જો ઇઝરાયલ અને ઇરાકનું યુદ્ધ લાંબું ચાલશે તો ઓઇલનો સપ્લાય બહુ મોટા પાયે અટવાશે, જેના કારણે ઓઇલના ભાવ બેરલે ૯૫ ડોલર સુધી પહોંચી શકે છે. જોકે કેટલાક એનેલિસ્ટો, અગાઉ નોંધ્યું તેમ, ઓઇલના ભાવ ૧૫૦ ડોલરને વટાવી શકે છે તેવી આગાહી કરે છે. બજારો પર અસર કરે એવી ઘટના બને કે તરત જ એનેલિસ્ટો મેદાનમાં ઉતરી આવે છે. કેટલાક સાચા પડે છે તો કેટલાક હવામાં ગોળીબાર કરતા રહે છે.
ભારતમાં અંદાજે ૨૬૦ મિલિયન (૨૬ કરોડ) જેટલાં ટુ-વ્હીલર છે અને ૫૦ મિલિયન (પાંચ કરોડ) જેટલાં ફોર-વ્હીલર છે.પેટ્રોલ-ડિઝલના ભાવો વધે એટલે માલસામાનનું પરિવહન કરતાં વાહનોનો ચાર્જ પણ વધે, જેના પગલે રોજીંદા જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધ્યા વગર ન રહે. શાકભાજી અને દૂધ જેવી ચીજોના ભાવો પણ તરત અસર જોવા મળી શકે છે. જો ક્રૂડ ઓઇલના ભાવ ૮૦ ડોલરને વટાવશે તો ભારતમાં પેટ્રોલના ભાવમાં સીધો જ પાંચ રૂપિયાનો વધારો થઇ શકે છે.
મધ્યમ વર્ગના માસિક ખર્ચનું બજેટ ગરબડાઈ જશે. બજારનાં વર્તુળો કહે છે કે ભારત આવતો ૨૫ લાખ બેરલનો જથ્થો અટવાયેલો પડયો છે. છેલ્લા અહેવાલો અનુસાર યુદ્ધ લાંબું ચાલવાની શક્યતા પણ અને અન્ય દેશો પણ તેમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે. આમ, ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ ઊભી થવા જઇ રહી છે. આ યુદ્ધમાં ભારત સીધી કે આડકતરી રીતે ક્યાંય જોવા મળતું નથી, પરંતુ ઇરાનથી આવનારો ઓઇલનો જથ્થો અટવાઈ ગયો છે એટલે ભારતનું આર્થિક તંત્રને ગુગળામણ થઈ શકે છે.
નિકાસકારોનો ખર્ચ પણ ૨૦થી ૩૦ ટકા વધી જવાની સંભાવના છે. પાકિસ્તાનનો હવાઇ માર્ગ ભારત માટે બંધ છે, એમ ઇરાનની એર સ્પેસ પણ બંધ થવાની શક્યતા છે. તેથી કાર્ગો પ્લેેનના ભાડામાં સંભવતઃ વધારો જોવા મળશે.
ક્રૂડ ઓેઇલના ભાવોમાં ઉછાળાથી કેટલીક ઓઇલ કંપનીઓના શેરના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. આવી કંપનીઓમાં મુખ્યત્વે ઓએનજીસી વિદેશ, ઓઇલ ઇન્ડિયા, પેટ્રોનેટ એલએનજી, ઇન્દ્રપ્રસ્થ ગેસ વગેરેનો સમાવેશ થાય છે. સરકાર ખોટ ખાવા તૈયાર નથી. તે પોતાની પર આવતા બોજાને સીધો લોકો પર ટ્રાન્સફર કરતા ંખચકાશે નહીં.
બીજી બાજુ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઉગામેલું ટેરિફનું શસ્ત્ર પણ ઝળુંબી રહ્યું છે. એક તરફ ઓઇલના ભાવો અને બીજી તરફ ટેરિફની તલવાર - આને કારણે ભારતનું અર્થતંત્ર ડામાડોળ થઇ શકે છે.

