mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ખોદ્યો ડુંગર અને નીકળ્યો લોટરી કિંગ ચંટણી બોન્ડ ગાજ્યા પણ વરસ્યા નહીં

Updated: Mar 16th, 2024

ખોદ્યો ડુંગર અને નીકળ્યો લોટરી કિંગ ચંટણી બોન્ડ ગાજ્યા પણ વરસ્યા નહીં 1 - image


- કોર્પોરેટ ક્ષેત્રની કોઇ મોટી કંપનીનું નામ નથી

- 13 વર્ષની ઉંમરે લોટરી ઉદ્યોગમાં કરીઅર શરૂ કરનાર માર્ટીને ૧૯૮૮માં માર્ટીન લોટરી એજન્સી શરૂ કરી હતી

- પ્રસંગપટ

- લોટરી કિંગ સેન્ટીઆગો માર્ટીન

આજે જ્યારે લોકસભાની ચૂંટણીના શેડયુલ જાહેરાત થવાની છે ત્યારે આ માહોલમાં ચૂંટણી બોન્ડનો મુદ્દો ખૂબ ચગશે એવું લાગતું હતું. પરંતુ આ મામલામાં તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો લોટરી કિંગ જેવી હાલત થઇ છે. ચૂંટણી બોન્ડનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચાયો હતો કે આમ જનતાના દિમાગમાં ચૂંટણી બોન્ડ ખરીદનારાનાં નામો જાણવાનું કુતૂહલ કૂદાકૂદ કરી રહ્યું હતું. ચૂંટણી બોન્ડનું ગ્રહણ ભાજપને બદનામ કરે એમ હતું, પરંતુ ભાજપ માટે તો બાલ બાલ બચ ગયે જેવી સ્થિતિ પેદા થઈ છે.

એક તરફ રાજકીય પક્ષો તેમના બાકીના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ, ચૂંટણી બોન્ડના વિવાદનું લગભગ ટાંય ટાંય ફિસ્સ થઈ ગયું છે એમ કહી શકાય. બહુ ફીણ્યા પછી પણ તેમાંથી ખાસ કશું નીપજ્યું નથી. રાજકીય પક્ષોને અનુદાન આપનારા સૌ કોઈને રાજકારણીઓ સાથે સીધો સંબંધ હોવો જરૂરી નથી તે પણ જોવા મળ્યું છે. 

સુપ્રીમ કોર્ટે સ્ટેટબેંકને ખખડાવ્યા બાદ મામલે વધુ પેચીદો બની ગયો હતો. લોકો શા માટે ચૂંટણી બોન્ડ ખરીદે છે અને કેવી રીતે સત્તાધારી પક્ષનો પ્રેમ જીતે છે - આ પ્રકારની અનેક સ્ટોરીઓ સોશિયલ નેટવર્ક પર ફરતી થઇ ગઇ હતી. કઇ કઈ કંપનીઓએ ચૂંટણી બોન્ડ ખરીદ્યા હશે તે વિષે અટકળો શરૂ થઇ ગઇ હતી. 

સામાન્ય સમજ પ્રમાણે, ચૂંટણી બોન્ડ એક પ્રકારે રાજકીય પક્ષોને અપાતું સત્તાવાર ડોનેશન છે. સ્ટેટ બેંકે કહ્યું હતું કે ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૨૨,૨૧૭ ચૂંટણી બોન્ડ વેચાયા હતા. 

આર્થિક તખ્તો અને રાજકીય તખ્તો - આ બંને વચ્ચે સીધો અને ગાઢ સંબંધ છે. સત્તાધારી પક્ષ સાથે મોટી કંપનીઓ તાલબદ્ધ ચાલતી હોય છે. સૌથી વધારે ૧૩૬૮ કરોડ રૂપિયાના ડોનર બોન્ડ ખરીદનાર ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસ સાથે સંકળાયેલા  લોટરી કિંગ ૫૯ વર્ષીય સેન્ટીઆગો માર્ટીનનું નામ એકાએક પ્રકાશમાં આવી ગયું છે. ઇલેક્ટોરલ બોન્ડમાં આટલી જંગી રકમ  'રોકનાર' માણસમાં સૌ કોઈને રસ પડે જ.  કોઇમ્બતુર સ્થિત ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસ અગાઉ માર્ટીન લોટરી એજન્સી લિમિટેડ તરીકે ઓળખાતી હતી. તે ૧૯૯૧થી કાર્યરત છે.

ઇન્ડિયાની લોટરી સિસ્ટમમાં અનેક ફેરફારો કરીને લોકોને તે દિશામાં ખેંચનાર માર્ટીને ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન લોટરીના ડ્રો કરવાની અને વિજેતાઓની ઘોષણા કરવાની શરૂઆત કરી હતી. આ રીતે તેઓ અમુક વર્તુળોમાં ભારતના લોટરી કિંગ તરીકે જાણીતા થયા હતા.

લોટરી સિસ્ટમને આધુનિક બનાવનાર માર્ટીનની કંપની એશિયા પેસિફિક લોટરી એસોસિયેશન અને વર્લ્ડ લોટરી એસોસિયેશનની સભ્ય છે. ૧૩ વર્ષની ઉંમરે લોટરી ઉદ્યોગમાં પોતાની કરીઅર શરૂ કરનાર માર્ટીને ૧૯૮૮માં માર્ટીન લોટરી એજન્સી શરૂ કરી હતી. તેમણે કર્ણાટક, કેરળ, સિક્કીમ, મેધાલય અને અરૂણાચલ પ્રદેશમાં પોતાના બિઝનેસનો વિસ્તાર કર્યો હતો. માર્ટીને ૨૦૦૮માં કેરળમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ને બે કરોડ રૂપિયા આપ્યા હતા.

ચૂંટણી બોન્ડ પર જોરદાર મહાભારત થશે એવું લાગતું હતું અને લગભગ સૌ કોઈ માનતા હતા કે દેશની જાયન્ટ કંપનીઓ અને સત્તાધારી પક્ષ એનડીએ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી જશે. એવું કશું થયું નહીં. અંબાણી, અદાણી, ટાટા, બિરલા જેવા બિઝનેસ ક્ષેત્રનાં મોટાં માથાઓ નરેન્દ્ર મોદીના 'ખાસ' મિત્રો છે તેવા આક્ષેપો જાહેરમાં અનેક વાર થઈ ચૂક્યા છે, પણ તેમના નામ બેાન્ડ ખરીદનારાઓની યાદીમાં ક્યાંય નજરે પડતા નથી. દેશના આર્થિક તખ્તા પર ટોચના કહેવાતા લોકોનાં નામો સપાટી પર ન આવ્યાં એટલે આશ્ચર્ય ફેલાયું છે.

 મોટી કંપનીઓ પણ લાંબુ વિચારીને આર્થિક રોકાણો કરતી હોય છે. જે ત્રણ મોટી કંપનીઓનાં નામો ખૂલ્યાં છે તેમને કોઈ રાજકીય પક્ષે ટિકિટ આપી નથી. ન તો રાજકારણ સાથે તેમનો કોઈ સીધો સંબંધ છે. 

ઇલેક્ટોરલ બોન્ડ નામના કોથળામાં બસ આટલા જ બિલાડા છૂપાયેલા હતા? કે પછી, હજુ નવા બિલાડા બહાર આવવાના બાકી છે? આ પ્રશ્નનો ઉત્તર મળવામાં ઝાઝી વાર લાગવાની નથી.

Gujarat