- ભારતના બજેટનું આર્થિક કદ 670 અબજ ડોલર
- પ્રસંગપટ
- એક તરફ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે, તો બીજી બાજુ, AI પાછળ કરોડો ડોલર ખર્ચી રહી છે
વિશ્વભરમાં AIનો ડંકો તીવ્રતાથી વાગી રહ્યો છે ત્યારે ભારતમાં ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ યોજવાની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ઇમ્પેક્ટ સમિટ યોજીને ભારત વિશ્વને એવો સંકેત આપવા માંગે છે કે AIની રેસમાં અમે પણ અગ્ર હરોળના દેશની સાથે ઊભા રહીને નવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માગીએ છીએ. ૧૯ અને ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ દિલ્હી ખાતે ભારત મંડપમાં યોજાનાર આ સમિટમાં વિશ્વભરના નિષ્ણાતો આવશે અને ભારતનું વિઝન સમજશે. વિશ્વભરની કંપનીઓ સમિટમાં ભાગ લેવા દિલ્હી આવી રહી છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે નામાંકિત અને જાયન્ટ કહેવાતી કંપનીઓ ટેકનોલોજી પાછળ અબજો ડોલર રોકી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નાં મોજાં ઉછાળા મારી રહ્યાં છે. કંપનીઓ તેમાં જંગી રોકાણ કરી રહી છે. ભારત સરકાર ૨૦૨૬માં આખા દેશ પાછળ જેટલો ખર્ચ કરવાની છે લગભગ એટલી જ ફાળવણી વિશ્વની ટોચની ચાર કંપનીઓ AI ની પાછળ કરવાનું આયોજન કરી ચૂકી છે. વિશ્વની ટોચની આ ચાર કંપનીઓ એટલે ગુગલ, એમેઝોન, મેટા અને માઇક્રોસોફ્ટ. AI પાછળ ૨૦૨૬માં તેઓ સંયુક્તપણે ૬૫૦ અબજ ડોલરનું આંધણ કરવા ધારે છે.
હજુ અગિયાર દિવસ અગાઉ ભારત સરકારે ૨૦૨૬-૨૦૨૭નું જે બજેટ બહાર પાડયું તેનું આર્થિક કદ ૬૭૦ અબજ ડોલર હતું. આના કરતાં ફક્ત ૨૦ અબજ ડોલર ઓછી રકમ માત્ર ચાર કંપનીઓ AI પાછળ ફાળવવાની છે. શક્ય છે કે આંકડામાં દેખાતું આટલું અંતર પણ કદાચ ન રહે, કેમ કે છેલ્લાં કેટલાંક વર્ષો પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે નામાંકિત આઇટી કંપનીઓ ખુદના પૂર્વનિશ્ચિત બજેટ કરતાં વધુ ફાળવણી કરતી આવી છે.
આ ચાર સિવાયની વિશ્વની અન્ય કંપનીઓ પણ AI પાછળ જંગી ફાળવણી કરવાની છે. ભારતના તાજા બજેટ કરતાંય વધારે મોટી રકમ ૨૦૨૬માં AI પાછળ થવાની છે.
ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ તેમના એન્યુઅલ રિઝલ્ટની સાથે આગામી વર્ષ દરમિયાન થનારી સંભવિત ફાળવણીનો પણ ઉલ્લેખ કરે છે. કેટલાક દિવસ પહેલાં ગુગલે ૨૦૨૬માં ૧૮૫ અબજ ડોલરનો ખર્ચ કરવાનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ એમેઝોને ૨૦૦ અબજ ડોલર ફાળવણી કરી હોવાની ઘોષણા કરી. મેટાએ ૧૩૫ અબજ ડોલરની જાહેરાત કરી છે, તો માઇક્રોસોફ્ટ ૧૨૦ અબજ ડોલરની ફાળવણીનું આયોજન કર્યું છે.
વિશ્વની ટેકનોલોજિકલ કંપનીઓ વધુને વધુ મહત્ત્વાકાંક્ષી બની રહી છે. મોટી કંપનીઓ AI રીસર્ચમાં એકબીજાથી ચડિયાતી સાબિત થવા ઘાંઘી થઈ છે. નવાં સંશોધનો અને ઇનોવેશન માટે આ કંપનીઓ લખખૂટ નાણું ખર્ચવા તૈયાર છે. આ કંપનીઓની આંતરિક સ્પર્ધા એટલી તીવ્ર હોય છે કે નવાં સંશોધનો મારફતે પોતાના ગ્રાહકોને તેઓ કોઈ પણ રીતે જકડી રાખવા માંગે છે.
ભારતના બજેટમાં ખર્ચ વિવિધ ક્ષેત્રે જેવાં કે સંરક્ષણ, ફૂડ સબસીડી, ટેકનોલોજી, વેલફેર પ્રોગ્રામ, તબીબી ઇત્યાદિ માટે ફાળવવામાં આવે છે. આ બાજુ, પેલી બિગ ફોર કંપનીઓ એકલા AI માટે ૬૫૦ અબજ ડોલર ખર્ચવાની છે. આ ચાર કંપનીઓનું AI બજેટ વિકસિત દેશ ગણાતા સ્વીડન સહીતના બીજા ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધુ છે. સ્વીડનનો જીડીપી ૬૨૦ અબજ ડોલર જેટલો છે.
વાત માત્ર ટોચની ચાર કંપનીઓ પૂરતી સીમિત નથી. ટેકનોલોજી ક્ષેત્રે પ્રવૃત્ત બીજી કેટલીય કંપનીઓ AI પાછળ ખૂબ બધું નાણું રોકવાની છે. AI જોબ્સ આંચકી પણ રહ્યું છે અને નવી જોબ વધુ પગારો સાથે ઊભી પણ કરી રહ્યું છે. એક તરફ કંપનીઓ નોકરીઓની છટણી કરી રહી છે, તો બીજી તરફ AI પાછળ કરોડો ડોલર રોકી રહી છે. ગયા વર્ષે માઇક્રોસોફ્ટે ૯,૦૦૦ તો એમેઝોને ૧૬,૦૦૦ લોકોની નોકરી આંચકી લીધી હતી.
AI હજુય એક નવું ક્ષેત્ર છે. જુદા જુદા દેશની સરકારો દ્વારા તેનું પૂરું નિયમન થઈ રહ્યું નથી. AI વિશે કોઈ આંતરરાષ્ટ્રીય અને સર્વસ્વીકૃત માર્ગદર્શિકા તૈયાર થઈ નથી. કરોડો ડોલર AIના વિકાસ માટે ખર્ચાતા જાય છે, પણ AIના લાભની સાથે ખાસ તો જોખમો પણ હજુ તો ધીમે ધીમે સ્પષ્ટ થશે. ડર માત્ર એ છે કે AIના રવાડે ચડીને માનવજાત ક્યાંક પોઇન્ટ-ઓફ-નો-રિટર્ન પર પહોંચી ન જાય...


