For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચોકલેટની ગીફટ પણ મોંઘી કોકોના બજારમાં રેકોર્ડ તેજી

Updated: Feb 12th, 2024


- વેલેન્ટાઇન-ડે અને વસંત પંચમી એક જ દિવસે

- પ્રસંગપટ

- કોકોના વૈશ્વિક ભાવ 2023ના વર્ષમાં આશરે 70થી 72 ટકા જેટલા વધી ગયા હતા તથા ભાવ ઉછળતાં તેજીનો નવો વિક્રમ સર્જાયો હતો 

દેશમાં તથા દરિયાપારના દેશોમાં ચોકલેટ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો તથા સમીકરણો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. ચોકલેટના ઉત્પાદનમાં મુખ્ય કાચા માલ તરીકે કોકોનો વપરાશ થાય છે તથા આવા કોકોના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે અને તેની અસર ચોકલેટ બજાર પર પણ જોવા મળી છે. કાચામાલના ભાવ નવી ઉંચાઈએ પહોંચતાં ચોકલેટ ઉત્પાદકોની પ્રોડકશન કોસ્ટ વધી ગઈ છે. ત્યારે માગને અસર થવાની ભિતી વચ્ચે ચોકલેટના ભાવ વધારવા કે નહિં એવી મુંઝવણ ચોકલેટ ઉત્પાદકો તાજેતરમાં અનુભવતા જોવા મળ્યા છે. જોકે અમુક ઉત્પાદકોએ ભાવ વધાર્યા પણ છે, એવા નિર્દેશો મળ્યા હતા.ચોકલેટના વેચાણમાં ઘરઆંગણે તથા દરિયાપારના બજારોમાં થતી વેચાણ વૃદ્ધીનો દર પણ નીચો ઉતર્યો છે. ચોકલેટ ઉત્પાદકોમાં આપસમાં હરિફાઈ પણ તીવ્ર બની છે. ભારતમાં આ પૂર્વે વિવિધ તહેવારોમાં વિવિધ મીઠાઈઓનો વપરાશ વધુ થતો હતો પરંતુ તાજેતરના વર્ષોમાં હવે સિનારીયો બદલાયો હોવાના સંકેતો મળ્યા છે. લોકોમાં આરોગ્ય વિશે સભાનતા વધી છ તેવા માહોલમાં વિવિધ તહેવારોમાં તથા કૌટુંબિક વિવિધ પ્રસંગોમાં મીઠાઈઓના બદલે ચોકલેટો તથા સૂકા મેવાઓનો વપરાશ વધુ વધ્યાનું બજારના જાણકારોે જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ કોકોનો વાયદો જે લંડન તથા ન્યુયોર્કના વાયદા બજારમાં ધમધમે છે તે વાયદાના ભાવ રોજબરોજ ઉછળતા જોવા મળ્યા છે. હકીકતમાં કોકોના વૈશ્વિક ભાવ ગયા વર્ષે ૨૦૨૩માં જ ઉછળવાની શરૂઆત થઈ ગઈ હતી અને હવે ૨૦૨૪ના નવા વર્ષમાં આ રેકોર્ડ બ્રેક તેજી આગળ વધતી જોવા મળી છે. કોકોના વૈશ્વિક ભાવ ૨૦૨૩ના વર્ષમાં આશરે ૭૦થી ૭૨ ટકા જેટલા વધી ગયા હતા તથા ભાવ ઉછળતાં તેજીનો નવો વિક્રમ સર્જાયો હતો.  વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ કોકોનું ઉત્પાદન વિશેષરૂપે વેસ્ટ આફ્રિકાના વિસ્તારોમાં થાય છે અને આ વિસ્તારોમાં વાયરસ સ્વોરલ શુટ નામની જીવાત લાગુ પડતાં કોકોના પાક પર વિપરીત અસર જોવા મળી છે. આ વર્ષે પણ તેજી આગળ વધશે એવાં એંધાણ મળી રહ્યા છે. કોકોની નવી આવકોને હજી વાર છે. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા  મુજબ કોકોની નવી આવકો ઓકટોબરથી શરૂ થશે એ જોતાં નવી આવકો શરૂ થાય એ અગાઉના સમયગાળામાં કોકોના ભાવ એકંદરે વધઘટે ઉંચા જ રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ગયા વર્ષે લંડન બજારમાં કોકોના માર્ચ ૨૦૨૪ વાયદાના ભાવ ઉછળી ટનના ૩૧૫૫ બ્રિટીશ પાઉન્ડ સુધી પહોંચ્યા હતા.

કોકોના વાયદાના વેપાર ત્યાં ૧૯૨૦થી શરૂ થયા હતા અને ત્યારથી અત્યાર સુધીના ૧૦૦ વર્ષથી વધુના ગાળામાં કોકોના આવા ઉંચા ભાવ ક્યારેય જોવા મળ્યા નથી એવુ વિશ્વ બજારના પીઢ વેપારીઓએ જણાવ્યું હતું. તાજેતરમાં પ્રાપ્ત થયેલા નિર્દેશો મુજબ કોકોના માર્ચ ૨૦૨૫ના વાયદાના સરખામણીે માર્ચ-૨૦૨૪ના વાયદાના ભાવમાં ટનદીઠ આશરે ૬૫૦ બ્રિટીશ પાઉન્ડનું પ્રીમિયમ જોવા મળ્યું છે. માર્ચ ૨૦૨૪ વાયદાના ભાવ તાજેતરમાં વધુ ઉછળી ટનના ૩૫૭૦થી ૩૫૭૫ બ્રિટીશ પાઉન્ડના મથાળે પહોંચ્યા હતા જે ભાવ અમેરિકન ડોલરના સંદર્ભમાં ગણતા આશરે ૪૬૭૦થી ૪૬૭૫ ડોલર આસપાસ થાય છે. કોકોના ભાવ ઉંચા જવા છતાં વૈશ્વિક વાયદા બજારમાં કોકોનું ટ્રેડિંગ વોલ્યુમ પણ ઉંચુ ગયું છે. લંડન તથા ન્યુયોર્કના કોકો વાયદા બજારમાં તાજેતરમાં ટ્રેડિંગ વોલ્યુમમાં આશરે ૫૪ ટકાની વૃદ્ધી નોંધાઈ હતી. ઓપન ઈન્ટરેસ્ટ ૬૮ ટકા વધ્યો હતો. ૩૧ જાન્યુઆરીએ ૧૮ લાખ લોટ્સના સોદા નોંધાયા હતા. ચોકલેટ ઉત્પાદકોના જણાવ્યા મુજબ કોકો ઉપરાંત સુગર તથા એનર્જી-ઉર્જા સાધનોના ભાવ પણ ઉંચા જતાં ચોકલેટ ઉત્પાદકોને ભાવ વધારવાની ફરજ પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા સમાચાર મુજબ કોકોના વૈશ્વિક ભાવ ટનદીઠ ડોલરના સંદર્ભમાં ઉછળી ૫૦૦૦ ડોલરની સપાટીને આંબી ગયા હતા. જ્યારે પાઉન્ડના સંદર્ભમાં આવા ભાવ વધી ટનના ૪૦૦૦ ડોલરની ઉપર ક્વોટ થતા જોવા મળ્યા હતા. આફ્રિકામાંથી કોકોની સપ્લાયમાં ડેફીસીટ ચાલુ રહી છે. કોકોની સપ્લાયમાં આવી ડેફીસીટ ત્રીજા વર્ષમાં પ્રવેશી છે. વૈશ્વિક સ્તરે આઈવરી કોસ્ટ તથા ઘાના નામના દેશોમાં કોકોનું ઉત્પાદન ઘટી રહ્યાના વાવડ મળ્યા હતા.ઈન્ટરનેશનલ કોકો ઓર્ગેેનાઈઝેશનના જણાવ્યા મુજબ ૨૦૨૩ના છેલ્લા ત્રિમાસિકમાં ઉત્પાદક વિસ્તારોમાં વ્યાપક વરસાદથી પાકને ફટકો પડયો છે. વૈશ્વિક સ્તરે કોકોનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી વેસ્ટ આફ્રિકામાં ઉત્પાદન ૭૫ ટકા થાય છે. 

Gujarat