Get The App

નવરાત્રિ રેપરાત્રિ બની રહી છે સલામતીની વ્યૂહ રચના બદલો

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
નવરાત્રિ રેપરાત્રિ બની રહી છે સલામતીની વ્યૂહ રચના બદલો 1 - image


- ઇન્ટરનેટ પર સેક્સવૃત્તિ ભડકાવતા કોન્ટેન્ટની ભરમાર 

- પ્રસંગપટ

- રેપ કર્યા પછી યુવતીની હત્યા કરી નાખતા  નરાધમો માનવજાત પર કલંક સમાન 

આ કેવું દુર્ભાગ્ય છે કે નવરાત્રિ બળાત્કારીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહી છે. નવરાત્રિ રેપરાત્રિમાં પરિણમે ત્યારે આક્રોશ પેદા થાય છે. નવરાત્રિ દરમિયાન રોજ ઘટતી બે-ત્રણ રેપની ઘટનાથી સભ્ય સમાજનું માથું શરમથી ઝુકી ગયું છે. ગુજરાત સરકારે રેપની ઘટનાને પોતાની પ્રશાસકીય નિષ્ફળતા સાથે સાંકળી લેવી જોઇએ. એક ભગવાધારીએ નવરાત્રિને લવરાત્રિ તરીકે સરખાવી ત્યારે એ  ટીકાનું કેન્દ્ર બન્યા હતા, પરંતુ હવે લાગે છે કે નવરાત્રિને કેવળ ભક્તિભાવથી નહીં, પણ કડક દષ્ટિએ જોનારા લોકોની જરૂર છે.

કોલકાતાની હોસ્પિટલમાં બળાત્કાર અને ક્રૂર હત્યાનો ભોગ બનેલી ડોક્ટરની ઘટનાએ દેશને ધૂ્રજાવી દીધો હતો. આ સંદર્ભમાં કોલકાતામાં ડોક્ટરોની હડતાળ હજુ ચાલુ છે. એકવાર સમાધાન થયા પછી પશ્ચિમ બંગાળની સરકાર શરતોનું અમલીકરણ કરવામાં આનાકાની કરતાં હડતાળ ફરી શરૂ કરાઇ છે. દેશમાં બળાત્કારની ઘટનાઓ બને ત્યારે કેટલીય વાર કેન્ડલ માર્ચ નીકળે છે, ઉપવાસ આંદોલનો થયા છે, પરંતુ  નઠારા લોકોમાં રેપ કરવાની વૃત્તિ કેવી રીતે પેદા થાય છે તે જાણવાના પૂરતા પ્રયાસો થતા નથી. 

આખું ઇન્ટરનેટ માણસની સેક્સવૃત્તિને ભડકાવી મૂકે તેવા કોન્ટેન્ટથી છલકાઈ રહ્યું છે. સાવા આસાનીથી ઉપલબ્ધ આવા એક્સ-રેટેડ અને અત્યંત અશ્લીલ વેબસાઇટ્સ અને એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિશે કોઇ વિચારતું નથી.

રેપના મામલા ચર્ચાસ્પદ બનતા જાય છે. દીકરી ટયુશન ક્લાસ કે જોબ પરથી થોડી મોડી આવે તો તેના વાલીઓનું બ્લડ પ્રેશર વધવા લાગે છે. વાતો કરવામાં શૂરી સરકારો એ નથી સમજતી કે ટેકનોલોજી, સીસીટીવી કેમેરા વગેરે મારફતે સલામતીની વ્યવસ્થા વધુ કડક બનાવી શકાય છે.

આખો દેશ રેપના વધતા જતા કેસોથી ચિંતિત છે. તેમાંય નવરાત્રિ દરમ્યાન રેપની સંખ્યામાં આવેલો ઉછાળેા મા અંબાના પર્વને લજવી રહ્યો છે. જે પર્વ આનંદ-ઉલ્લાસનું છે તેના પર કાળી ટીલી ચોંટી ગઈ છે. પોલીસે કરેલી સલામતી માટેની ગોઠવણ પાયાવિહોણી લાગે છે.  

પોલીસ તકેદારીનાં પગલાં લે છે છતાં રેપના કિસ્સા બને છે એનો અર્થ એ થયો કે સલામતી માટેની વ્યૂહરચનાને સુધારવાની જરૂર છે. પોતાના વિસ્તારમાં બનેલી રેપની ઘટનાને કારણે કોઇ પોલીસ અધિકારીએ શરમના માર્યા રાજીનામું આપ્યું હોય એવું ક્યારેય જોવામાં આવ્યું નથી. દારૂ પકડાય તે વિસ્તારના પોલીસો પર કડક પગલાં લેવાય છે, પરંતુ રેપ જેવી અત્યંત શરમજનક ઘટના બને છે ત્યારે પોલીસ સામે કોઇ પગલાં ભરાતાં નથી. પશ્ચિમ બંગાળમાં બનેલી રેપની ઘટનાની કડક ટીકા કરનારાઓએ ગુજરાતમાં થઈ રહેલા બળાત્કારો વિશે મૌન થઈ ગયા છે. 

રેેપની ઘટનાઓ અટકાવી શકાય તેવી કોઇ જાદુઇ લાકડી નથી. પ્રેમીપંખીડાઓએ ખૂણેખાંચરે જતાં ચેતવું જોઇએ. યુવતી જેટલી જાગૃતિ બતાવે છે એટલી યુવાન બતાવી શકતો નથી. તે સામનો પણ કરી શકતો નથી. નરાધમોની આંખોમાં સેકસનો કીડો સળવળતો હોય ત્યારે તક મળતાં જ કોઇ એકલદોકલ યુવતી કે યુગલને ઝડપી લેવા માટે એ રાહ જોઈને બેઠા હોય છે. પુરુષની કામવૃત્તિ ભારે ભેદી અને લોંઠકી છે. બહારથી સજ્જન જેવા લાગતા પુરુષની ડાગળી પણ પોતાની દીકરી કરતાં નાની ઉંમરની એકલદોકલ કન્યાને જોઈને ચસકી શકે છે. આવી સ્થિતિમાં નઠારાં તત્ત્વોનું તો કહેવું જ શું? મારા કુકર્મની સાબિતી કોણ આપશે? એમ વિચારીને  કામાતુર થઈ ગયેલો આદમી પોતાના ગંદા હાથ નિર્દોષ યુવતી તરફ લંબાવે છે. 

કેટલાક કેસમાં તે સફળ થાય છે, કેટલાક કેસમાં નિષ્ફળ. યુવતી પાસે બચાવ માટે ચીસો પાડયા સિવાય કોઇ વિકલ્પ નથી હોતો. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી જો આક્રમકતા દેખાડે તો આ નરાધમો તેને પતાવી નાખતા અચકાતા નથી. 

રેપિસ્ટો પકડાય  ત્યારે તેમના કુટુંબની બદનામી પણ થાય તે જરૂરી છે. તેમનાં નામ-સરનામાં અને ફોટા જાહેર થઈ જવા જોઈએ. રેપ કરવાની વૃત્તિ ધરાવતા માણસ પર પોતાની કુટુંબની બદનામીના ડરથી થોડી બ્રેક લાગે તે શક્ય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી તો જાણે રેપ કર્યા પછી યુવતીનું મર્ડર કરી નાખવાનો 'ટ્રેન્ડ' શરૂ થયો છે. સદભાગ્યે ગુજરાતમાં નરાધમો હાલ ફક્ત રેપ કરીને અટકી જાય છે.  

ગુજરાત સરકારે સલામતીનાં પગલાં માટે સૌ કોઈનાં સૂચનો મંગાવીને તેનું કડક અમલીકરણ કરવું જોઈએ. પુરુષનો કામાગ્નિ ભડકાવતી વેબસાઇટ્સ તેમજ એપ્લિકેશન્સનો વગેરેનો સમૂળગો નાશ પણ એક અત્યંત અસરકરાક ઉપાય બની શકે છે. 

Prasangpat

Google NewsGoogle News