Get The App

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે કેન્દ્ર સમક્ષ માગણી

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે કેન્દ્ર સમક્ષ માગણી 1 - image

- રશિયામાં ભારતના વિદ્યાર્થીઓ પર હુમલા બહુ ચિંતાજનક 

- પ્રસંગપટ

- માત્ર ભણવાનો હેતુ ધરાવતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઉહાપોહ કર્યા વગર અપમાન સહન કરતા રહે છે

દરેક દેશ પોતાના નાગરિકોને વધુ મહત્ત્વ આપે તે સ્વાભાવિક છે. 'અમેરિકા ફર્સ્ટ' કહેનાર ડોનાલ્ડ  ટ્રમ્પે અનેક દેશોને પોતાના નાગરિકોને પ્રાધાન્ય આપવા વિશે વિચારતા કરી દીધા છે. અમેરિકામાં ભારતીયેા પ્રત્યે  નફરતભર્યા વ્યવહારના અહેવાલો અનેક વાર જોવા મળે છે. 

ભારતના વિદ્યાર્થીઓ મેડિકલનું એજ્યુકેશન મેળવવા વિવિધ દેશોમાં જાય છે. ભારતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ ન મળે ત્યારે તેઓ વિદેશમાં જઇને ડિગ્રી મેળવી લે છે. વિદેશમાં ભારતીય વિદ્યાર્થાઓને કોઇ સ્પેશયલ ટ્રીટમેન્ટ નથી મળતી. તેમની સલામતી માટે કોઇ વિશેષ વ્યવસ્થા નથી થતી. કોલેજોને મૂળ તો કમાણીમાં રસ હોય છે. 

ગયા અઠવાડિયે રશિયામાં મેડિકલનું ભણતા ચાર ભારતીય વિદ્યાર્થીઓ પર ચાકુથી હુમલો કરાયાના ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રશિયાના ઉફા શહેરમાં આવેલી બશ્કિર સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ રશિયાના કેટલાક લોકોની નફરતનો શિકાર બન્યા છે. ઓલઇન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ એસોસિયેશને વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે રશિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે પગલાં લેવાની જરૂર છે. 

આંકડાઓ પર નજર કરીએ તો વિશ્વના ૧૫૩ દેશોમાં ભારતના ૧૮ લાખ ૮૦ હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી હતી કે ૨૦૨૪માં ૧૩ લાખ ૩ ૦ હજાર વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લેતા હતા. ત્યારબાદ ૨૦૨૫માં આ સંખ્યા ૭૬,૦૦૦ જેટલી ઘટી હતી. 

ભારતના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા પસંદગીનો દેશ છે. કનેડામાં ભારતના ૪,૨૭,૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. અમેરિકામાં ભારતના ૨,૫૫,૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે અમેરિકન યુનિવર્સિટીઓ પર પહેલી પસંદગી ઉતારાય છે. વિદેશમાં શિક્ષણ લેવા માટે કેનેડા ભારતના વિદ્યાર્થીઓમાં  જોકે હોટ ફેવરીટ છે. કેનેડા પછી બીજી પસંદગી અમેરિકા અને યુ.કે.ની હોય છે. પછી ઓસ્ટ્રેલિયા,જર્મની, રશિયા, જ્યોર્જીયા અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. મેડિકલ એજ્યુકેશન માટે રશિયા ફેવરિટ છે. 

હવે ભારતમાં વિદેશની યુનિવર્સિટીઓનું એફિલીયેશન વધ્યા બાદ વિદેશમાં જઇને શિક્ષણ લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. સંસદમાં જણાવ્યા અનુસાર ૨૦૨૨માં ૭,૫૦૩,૬૫ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણતા હતા, જ્યારે તે સંખ્યા ૨૦૨૩માં વધીને ૮,૯૨,૯૮૯ પર પહોંચી હતી. જોકે ૨૦૨૪માં તે સંખ્યા ઘટી હતી. 

રશિયામાં ભારતના વિદ્યાર્થીઓ પર હુમલો બહુ ચિંતાજનક કહી શકાય. અ્જાણ્યા દેશમાં સૌ સલામતી ઇચ્છે છે. આવું ક્યારેક થતું હોય છે એમ સમજીને આંખ મીંચીને બેસી રહેવા જેવું નથી. વિદ્યાર્થીઓના લોહીથી સાથિયાનું ચિન્હ (નાઝીનો સિમ્બોલ)દોરીને ગભરાટ ફેલાવવાની કોશિષ કરાઇ છે.

ગયા નવેમ્બરમાં ભારતના ૨૨વર્ષના વિદ્યાર્થી અજીત ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે પણ વિવાદ થયો હતો. તે ૧૯ ઓક્ટોબરે ગુમ થયો હતો અને ત્યારબાદ ૬ નવેમ્બરે તેનો મૃતદેહ નદી નજીકથી મળી આવ્યો હતો. આવા કિસ્સામાં ડિપ્લોમેટીક પગલાં જરૂરી બની જાય છે.  હુમલાગ્રસ્ત રશિયાની યુનિવર્સિટીનો સંપર્ક કરીનો વિદેશ મંત્રાલયે ભારતના વિદ્યાર્થીઓની સલામતી માટે કેવા પગલાંની જરૂર છે તેની જાણકારી  આપવી પડશે. ભારતના વિદ્યાર્થીઓ માટે ઇમર્જન્સી હેલ્પ લાઇન ઉભી કરવા જણાવવું પડશે.

જે રીતે રશિયાની કોલેજમાં જાહેરમાં ચપ્પાબાજી થઇ છે તે દુનિયાભરના દેશોમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ડરની લાગણી ઊભી કરનારી છે. તેઓ રશિયામાં કે બીજા કોઈ પણ દેશમાં ખૂબ બધા પૈસા ખર્ચીને ભણવા ગયા છે. ભણતર જ તેમનો હેતુ છે.  તેથી તેઓ ચુપચાપ અપમાન સહન કરીને ચાર વર્ષ કાઢી નાખે છે. વિદેશમાં ભણતા ભારતના અન્ય વિદ્યાર્થીઓ પોતાના સંતાનને વિદેશમાં ભણવા મોકલતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભારત અને રશિયાના વડાઓ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો છે. માટે ડિપ્લોમોટીક માર્ગે ભારત પોતાના વિદ્યાર્થીઓની સલામતી માટે પગલાં લેવાનું સૂચન કરી શકે છે.