Get The App

મમતાદીદીનું અચ્યુતમ્ કેશવમ્ લોકશાહીમાં વોટની તાકાત

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
મમતાદીદીનું અચ્યુતમ્ કેશવમ્ લોકશાહીમાં વોટની તાકાત 1 - image

- હિન્દુઓએ ત્રીજું નેત્ર ખોલીને તૃણમૂલ કોંગ્રેસને ભસ્મ કરી નાખી

- પ્રસંગપટ

- તમિળનાડુમાં અભિનેતા વિજયે પહેલીવાર ચૂંટણીમાં ઝૂકાવ્યું અને સ્ટાલીન ફેમિલીને  ધૂળ ચાટતું કરી નાખ્યું 

મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા પડયા છે. છેલ્લાં ૪૮ વર્ષથી (૩૪ વર્ષ ડાબેરી શાસનનાં અને ૧૪ વર્ષ મમતા બેનરજીનાં) ગુંડારાજને મૂંગે મોઢે સહન કરનાર પશ્ચિમ બંગાળના હિન્દુઓએ ત્રીજું નેત્ર ખોલીને તૃણમૂલ કોંગ્રેસને ભસ્મ કરી નાખી છે. મમતા બેનરજી હાર્યાં એ વિરોધ પક્ષ માટે બીજા મરણતોલ ફટકા સમાન છે. પહેલો ફટકો ભાજપે બિહાર જીતીને માર્યો  હતો. ભાજપે પશ્ચિમ બંગાળમાં વ્યૂહાત્મક વિજય મેળવ્યો છે. લોકશાહીનો મિજાજ એ વાતમાં વ્યક્ત થાય છે કે ભલભલા ચમરબંધીને તે ઠેકાણે લાવી દે છે. બહુ અભિમાન અને  હિટલરશાહીને પ્રજા લાંબો સમય સહન કરતી નથી.

મમતાને 'લેડી હિટલર'ની ઉપમા આપવામાં આવી હતી. સાડા ત્રણ દાયકાથી ડાબેરી શાસનથી ત્રસ્ત પશ્ચિમ બંગાળની પ્રજાએ મમતા પર ભરોસો મૂકીને તેમને ત્રણ-ત્રણ વાર ચાન્સ આપ્યો હતો, પરંતુ ગુંડાઓ ખતમ તો ન થયા, ઉલટું, મમતા બેનરજીનું શાસન ગુંડાઓ માટે ફળદ્રુપ જમીન બની ગયું હતું. કેન્દ્ર સરકારમાં મોદી શાસનનો સતત વિરોધ કરનાર મમતા ધીરે ધીરે ભારત વિરોધી વલણ ધરાવતા બની ગયાં હતાં.

કેન્દ્ર સરકારની સ્કીમોનો વિરોધ તો ઠીક છ,ે પણ લશ્કરી દળોનો પણ વિરોધ કરનાર મમતાના રાજમાં ગુંડા ટોળકીઓને ફાવતું મળી ગયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને મારવા તે જાણે કે મમતા સરકારમાં ફેશન ગણાતી હતી, પરંતુ સંઘના કાર્યકરોની મહેનતે જ મમતાનું 'અચ્યુતમ્ કેશવમ્' કરી નાખ્યું હતું. મમતા મ્તાં હતાં કે રાજકીય સત્તા નહીં હોય તો લોકો તેમને ધુત્કારી નાખશે. એટલે જ ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચને કોર્ટમાં ખેંચી જવાની પેરવી કરી હતી.

જે પશ્ચિમ બંગાળમાં 'જય શ્રી રામ' બોલવા સામે ખુદ મુખ્ય પ્રધાન વાંધો ઉઠાવતાં હતાં તે પશ્ચિમ બંગાળ સોમવારની સવારથી જ 'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી ઉઠયું હતું. ડો. મમતા બેનરજી શરૂઆતથી જ ફ્રોડ કરવા ટેવાયેલાં છે. તેમણે જ્યારે સીપીઆઈ(એમ)ના પીઢ નેતા સોમનાથ ચેટરજીને હરાવ્યાં ત્યારે પોતે ડોક્ટર છે એમ કહ્યું હતું અને જ્યોજયાની કોલેજમાં તે ભણ્યાં હતાં એમ પણ કહ્યું હતું. જ્યારે તેમની ડિગ્રી ખોટી નીકળી ત્યારે તેમણે પોતાના નામની આગળ ડોક્ટર લખવાનું બંધ કર્યું હતું. 

ડાબેરી શાસનનાં ૩૪ વર્ષમાં કંટાળેલી જનતાએ પરિવર્તન માટે મમતાને પસંદ કર્યાં  હતાં. મમતાના રાજમાં પોતાને સુસંગત પત્રકારોને ફ્લેટ અને જમીનોની વહેંચણી છૂટથી કરાતી હતી. જે તેમને તાબે ના થાય તેમના ઘેર ગુંડા ટોળકી પહોંચી જતી હતી. પરિવર્તનના નામે સત્તા પર આવેલાં મમતાએ પશ્ચિમ બંગાળની હાલત વધુ ખરાબ બનાવી દીધી હતી. બહુચચત અને ટાટા નેનો કાર ફેમ નંદીગ્રામમાં તોફાનો માટે મમતાએ નક્સલવાદી લીડર કિશનજીની મદદ પણ લીધી હતી.

એક સમયે એનડીએનાં સાથી બનેલાં મમતા ૨૦૦૫માં સંસદમાં એમ કહેતાં હતાં કે સીપીઆઈએમ ગેરકાયદે ઘૂસેલા લોકોને રક્ષણ આપે છે અને પછી તેમણે યુ-ટર્ન મારીને ખુદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપવાનું શરૂ કરી દીધું. તેમનું 'મા-માટી-માનુષ' વાળું સ્લોગન બાંગ્લાદેશનાં બેગમ ખાલીદા ઝિયાનું છે તો 'ખેલા હોબે' બાંગ્લાદેશના નેતા શમીમ ઓસ્માનનું હતું. 'જોય બાંગ્લા' બાંગ્લાદેશની આઝાદીના લડત સમયનું સૂત્ર છે. 

કહેવાય છે કે રાજકારણી તેની આસપાસ ઘેરાયેલા રહેતા લોકોથી વધુ ઓળખાય છે. મમતાની ફરતે શારદા, નારદા, રોઝવેલી અને અન્ય ચીટફંડના લોકો રહેતા હતા. તેમની સામે રાજ્ય સરકારે કોઈ પગલાં લીધાં નહોતાં. મમતા સામેના એન્ટી ઇન્કમ્બન્સીના મોજાની તીવ્રતા વધારવા ભાજપે તૈયાર કરેલી વ્યૂહરચનાને સફળતા મળી છે. મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી પણ કોલસા કૌભાંડ અને ગાયોની દાણચોરીના કૌભાંડમાં સંડોવાયેલા છે. હવે મમતા બેનરજી હાર્યાં છે ત્યારે વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસની હાલત માથા વિનાની મરઘી જેવી થઈ જશે. 

સોમવારે પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો જાહેર થયાં, પરંતુ સૌની નજર તો પશ્ચિમ બંગાળ પર હતી. દેશના વડાપ્રધાન સહિત ટોચના પ્રધાનોએ પશ્ચિમ બંગાળમાં ભરપૂર પ્રચાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જેમ બિહારમાં ભાજપ તરફી મોજું ઊભું કર્યું હતું એમ પશ્ચિમ બંગાળમાં પણ કર્યું હતું. 

તમિલનાડુમાં પણ હિન્દુઓનો વિરોધ કરતી સ્ટાલિન પિતા-પુત્રની જોડીએ હારનો સામનો કરવો પડયો છે. યુપીએ ગઠબંધનના હાથમાંથી બે રાજ્યો સરકી ગયાં છે. આ ચૂંટણી પરિણામોએ રાજકીય સત્તામાં સગાવાદનો અમુક અંશે નાશ કર્યો છે.