- ભારતમાં 45થી વધુ ક્રિપ્ટો કંપની અને સ્ટાર્ટઅપ
- પ્રસંગપટ
- વિશ્વમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં ભારતે દોડ શરૂ કરી પછી ક્રિપ્ટોની જરૂર વર્તાય છે
અમેરિકાના પ્રમુખ પદે આવતાં પહેલાં જ અમેરિકામાં ક્રિપ્ટો કરન્સીમાં ઉછાળા જોવા મળ્યા હતા અને તેનો ભાવ એક લાખ ડોલરને વટાવી ગયા હતા. હવે જ્યારે ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે ત્યારે અમેરિકામાં ક્રિપ્ટોના ભાવ સવાલાખ વાખ ડોલરને વટાવી ચૂક્યા છે. અમેરિકામાં ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ ભારતના ક્રિપ્ટો કરન્સીના જાણકારો એમ માનતા હતા કે નાણાપ્રધાન નિર્મલા સીતારામન ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવા બાબતે કોઇ દરખાસ્ત કરશે અથવા કોઈ નક્કર જાહેરાત કરશે, પરંતુ નિર્મલા સીતારામને તો પોતાના ભાષણમાંથી ક્રિપ્ટોની બાદબાકી જ કરી નાખી હતી.
દેશનો એક વર્ગ ક્રિપ્ટો કરન્સીને માન્યતા અપાય તેની રાહ જોઇને બેઠો છે. ભારતે વિશ્વમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં શરૂ કરેલી દોડ પછી અને ખાસ તો, અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી સૌને લાગતું હતું કે નાણાપ્રધાન ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપશે, પરંતુ તેમણે અનેકને નિરાશ કર્યાં છે. ભારતમાં કોઇનડેસ્ક જેવું ક્રિપ્ટો એક્સચેન્જ તેના યુઝર્સને કહ્યા કરતું હતું કે બજેટમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા મળ્યા પછી આપણે ટ્રેડીંગ શરૂ કરી શકીશું.
મોદી સરકારે શરૂઆતથી જ ક્રિપ્ટો બાબતે નનૈયો ભણ્યે રાખ્યો છે. વિશ્વના આર્થિક તંત્ર સાથે કદમ મિલાવવા હોય તો ક્રિપ્ટોને માન્યતા આપવી જોઇએ તેવી રજૂઆતો વારંવાર સરકાર સમક્ષ કરાઇ છે. ક્રિપ્ટો ક્ષેત્રે થઇ રહેલા કેટલાક પડદા પાછળનું ડેવલપમેન્ટ ધ્યાન ખેંચી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ખાસ કરીને અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ આવ્યા પછી ક્રિપ્ટો કરન્સીમાં જોવા મળતા ઉછાળા બાદ એમ મનાય છે કે વિશ્વમાં થઈ રહેલી ક્રિપ્ટોની ગતિવિધિઓ જોઇને મોદી સરકાર ક્રિપ્ટો પ્રત્યેનો અણગમો દૂર કરવા વિચારી રહી છે.
કેટલાક સમય પહેલાં ભારતની ફાયનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે વિદેશનાં નવ જેટલાં ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જને ભારતના ક્રિપ્ટો એક્સચેન્જના કાયદાનું પાલન નહીં કરવા બાબતે નોટીસ પાઠવી હતી. વિશ્વના ક્રિપ્ટો એક્સચેન્જ માટે આ નોટિસનો કોઇ અર્થ નથી, કેમ કે ભારતમાં ક્રિપ્ટોને હજુ માન્યતા જ મળી નથી.
હવે જ્યારે અન્ય દેશો ક્રિપ્ટોને પોતાના અર્થતંત્રમાં સમાવી રહ્યા છે ત્યારે ભારતમાં પણ તે બાબતે સળવળાટ થઈ રહ્યો છે. ભારતમાં વર્ચ્યુઅલ કરન્સી તરફ લોકો ઝૂકે તે માટે સરકાર પ્રયાસ પણ કરી રહી છે.
ક્રિપ્ટો કરન્સીમાં દેશના ઉચ્ચ વર્ગ અને બે નંબરના નાણાં ફેરવતા લોકોને સૌથી વધારે રસ છે. તાજેતરમાં રાજસ્થાન ખાતે એક લગ્ન સમારંભમાં એન્ફોર્સર્મેન્ટના અધિકારીઓએ દરોડા પાડયા ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે લગ્નમાં થયેલા ખર્ચનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી મારફતે કરવામાં આવ્યું હતું. આમ, વર્તમાન પરિસ્થિતિમાંય મોટી કંપનીઓ ક્રિપ્ટો મારફતે વ્યવહાર કરે છે તે જાણવા મળ્યું હતુ.
ભારતના કેટલાક રોકાણકારોને નિયંત્રણોની ખબર હોવા છતાં તેઓ ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યા છે. તેમનું ગણિત એવું છે કે જ્યારે ભારતમાં ક્રિપ્ટોને માન્યતા મળશે ત્યારે તેમણે કરેલું રોકાણ ચિક્કાર વળતર આપશે. જોકે ક્રિપ્ટોનું માર્કેટ છેલ્લા કેટલાક મહિનાઓથી 'જો' અને 'તો' વચ્ચે ઝોલાં ખાઇ રહ્યું છે. અલબત્ત, ડેાનાલ્ડ ટ્રમ્પે જ્યારથી એમ કહ્યું છે કે ક્રિપ્ટો માટે સુવર્ણયુગ આવ્યો છે ત્યારથી વૈશ્વિક રોકાણકારો અમેરિકા તરફ વળ્યા છે. અમેરિકાએ ક્રિપ્ટો કરન્સી વર્કિંગ ગુ્રપ ઊભું કરવાની જાહેરાત કરીને વૌશ્વિક ક્રિપ્ટો માર્કેટને વધુ મજબૂત બનાવ્યું છે.
એક એવા પણ અહેવાલ ફરતા થયા છે કે પેટીએમ સામે ક્રિપ્ટો કૌભાંડના થયેલા આક્ષેપો સામે તપાસ થઈ રહી હતી, પરંતુ પેટીએમે કહ્યું છે કે અમને ઇડી તરફથી કોઇ નોટીસ મળી નથી કે કોઇ પૂછપરછ થઈ નથી.
ભારતમાં ૪૫થી વધુ ક્રિપ્ટો કરન્સી કંપની અને સ્ટાર્ટઅપ છે. કોઇનડેક્સ જેવાં નામો જાણીતા છે. તેના ૧.૩ કરોડ યુઝર્સ હોવાનો દાવો કરાય છે. ક્રિપ્ટો સાથે સંકળાયેલાં સ્ટાર્ટઅપ ભલે જે દાવા કરે તે, પણ જ્યાં સુધી ભારતમાં ક્રિપ્ટોને માન્યતા નહીં મળે ત્યાં સુધી આ ક્ષેત્રનાં સ્ટાર્ટઅપ કોઇ વેલ્યુ ઊભી કરી શકે તેમ નથી.


