mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વિરાટ-રોહિતની જોડી એટલે વડા પાંઉ,છોલે ભટૂરે , સલીમ-જાવેદ, જય-વીરૂ

Updated: Jul 2nd, 2024

વિરાટ-રોહિતની જોડી એટલે  વડા પાંઉ,છોલે ભટૂરે , સલીમ-જાવેદ, જય-વીરૂ 1 - image


- નિવૃત્તિ લેનાર ત્રિપુટી પર સોશિયલ મીડિયા ઓળધોળ

- પ્રસંગપટ

- સમયસરની નિવૃત્તિ: યુવાનોને જગ્યા કરી આપવાનું પગલું એ ખરો સ્પોર્ટસમેન સ્પિરીટ 

ટી-૨૦ વર્લ્ડ કપની જીતની ઉજવણીની સાથે મહત્ત્વની વાત એ ઉપસી આવે છે કે ટીમમાં ત્રણ યુવા ખેલાડીઓને સ્થાન આપવા માટે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી-૨૦માંથી નિવૃત્તિ જાહેર કરી છે. સોશિયલ મીડિયા ભારતીય ક્રિકેટની ફેવરિટ ત્રિપુટીની નિવૃત્તિના નિર્ણયને જોશભેર આવકારી રહ્યું છે. આ નિર્ણય યોગ્ય સમયે લેવાયો છે. નવોદિતોને પૂરતો ચાન્સ મળી રહે તે આવશ્યક છે. આ અમારો છેલ્લો ટી-૨૦ વર્લ્ડ કપ છે એમ જ્યારે આ ત્રણેય લોકપ્રિય ક્રિકેટરોએ કહ્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. યુવાન ખેલાડીઓ માટે જગ્યા ઊભી કરી આપવી એ ખરો સ્પોર્ટસમેન સ્પિરીટ છે. આ ત્રણેય ૩૫ વર્ષ વટાવી ચૂક્યા છે. તેમનો અનુભવ ટી-૨૦ વર્લ્ડકપને જીતવા કામમાં આવ્યો છે.

આ ત્રણેયમાં વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ છે - ૨૨૭.૯ મિલિયન ડોલર. રોહિતની બ્રાન્ડ વેલ્યુ ૪૧ મિલિયન ડોલર અને જાડેજાની ૧૫ મિલિયન ડોલર છે. બ્રાન્ડ વેલ્યૂના આધારે ભલે વિરાટ કોહલી ટોપ પર હોય, પરંતુ નિવૃત્તિ જાહેર કરીને આ ત્રણેયે સમગ્ર સ્પેાર્ટસ જગતનું ધ્યાન ખેંચ્યું છે. 

વિજય પછી નિવૃત્તિ જાહેર કરવા મજબૂત મનોબળ જોઇએ. આ ક્રિકેટજગતના એવા લોકેપ્રિય ચહેરા છે, જે છેલ્લા દોઢેક દશકથી ભારતીય ક્રિકેટને વિશ્વના તખ્તા પર નામના આપાવતા આવ્યા છે.  રોહિતનો સ્વભાવ ગંભીર અને ઠરેલ સ્વભાવ છે, તો વિરાટ ફિલ્ડ પર એગ્રેસિવ દેખાય છે. સામે પક્ષે, જાડેજામાં એક પ્રકારનું રમતિયાળપણું છે.  

આ ત્રિપુટી સાથે ક્રિકેટપ્રેમીઓ પોતાના ઘરના છોકરાઓ જેવો આત્મીય સંબંધ બાંધી ચૂક્યા છે. શરૂઆતમાં વિરાટે નિવૃત્તિની વાત કહી, પછી રોહિતે જાહેરાત કરી અને છેલ્લે જાડેજાએ પોતાનો નિર્ણય ઘોષિત કર્યો હતો. રોહિત-કોહલી-જાડેજાની જોડીને વહાલથી  ઇર્-ર્ણ-વચ કહીને નવાજવામાં આવે છે. કેટલાકે વિરાટ-રોહિતની જોડીને  વડા પાંઉ કહ્યા હતા, તો કેટલાકે છોલે ભટૂરે કહ્યા હતા. કેટલાકે તેમને હિન્દી ફિલ્મોના વિખ્યાત લેખકબેલડી સલીમ-જાવેદ સાથે સરખાવ્યા હતા, તો કોઈએ તેમને 'શોલે' ફિલ્મના જય-વીરૂ કહ્યા હતા. 

આ ત્રિપુટીએ ક્રિકેટ જંગમાં અનેક હાર-જીતનો સામનો કર્યો છે. ક્રિકેટ ફિલ્ડ પર એક-એક બોલ પર વિરાટનો ગમો-અણગમો જોવા મળતો હતો, તો રોહિત બહુ ટેન્શનમાં પણ પોતાની લાગણીનો ચહેરા પર દેખાવો દેતો નહોતો... જ્યારે જાડેજા એની બોલિંગ અને ફિલ્ડિંગ માટે લોકોને હંમેશા યાદ રહેશે. 

જેમ સુનિલ ગાવસ્કર અને કપિલ દેવની જોડી પ્રસિદ્ધ હતી એમ રોહિત-કોહલીની જોડી પણ લોકોના મન પર છવાયેલી રહી છે. ૨૦૧૯ના વર્લ્ડકપ દરમિયાન કેટલાક સમાચાર માધ્યમોએ રોહિત અને વિરાટના સંબંધોમાં તિરાડ પડી હોવાની વાતો વહેતી કરી હતી, પરંતુ બંનેમાંથી કોઈએ જાહેરમાં તે વાતને  પ્રતિભાવ આપ્યો નહોતો. વિરાટે એકવાર એક મુલાકાતમાં કહ્યું હતું કે રોહિત ક્રિકેટ ટીમમાં સામેલ થયો ત્યારે હું તેને બહુ જાણતો નહોતો. હું વિચારતો હતો કે   યુવાન તો હું પણ છું, તો બધા રોહિતની વાતો કેમ કર્યા કરે છે? પરંતુ મેં જ્યારે તેને રમતો જોયો અને બોલને બાઉન્ડ્રી કૂદાવતો જોયો ત્યારે હું સોફા પરથી ઉછળી પડયો હતો. મને થયંુ કે આ તો હાર્ડ હીટર છે. ભારતને આવા રન મશીનની જરૂર હતી. 

એવી જ રીતે રોહિતે પણ વિરાટ માટે એક મુલાકાતમાં કહ્યું હતું કે વિરાટની રમત એક કમિટમેન્ટ સાથેની હોય છે. ફિલ્ડ પર પણ તે બહુ કો-ઓપરેટિવ હોય છે. વિરોધી ટીમ માટે તેના રીએક્શન જોવાલાયક હોય છે. 

વિરાટે છ ટી-૨૦ વર્લ્ડ કપ રમ્યા છે, જ્યારે રોહિતે નવ કપ રમ્યા છે. સંઘર્ષ બન્નેએ ભરપૂર કર્યો છે. રોહિતના કાકાએ એકવાર કહ્યું હતું કે ૯૦ના દાયકામાં રોહિત માટે મહિને ૨૦૦ રૂપિયાની ટયુશન ફી ભરવાની મુશ્કેલી હતી. વિરાટ ચોક્કસપણે સંધર્ષ અને સફળતાનું બીજું નામ છે. દેશની તમામ સેલિબ્રીટીમાં તે સોથી વધુ કમાતો ચહેરો છે. જાડેજા તો ગુજરાતના ગૌરવ સમાન છે. આ ત્રિપુટી હંમેશા યાદ રહેશે અને તેમણે જે રીતે નિવૃત્તિનો નિર્ણય ઘોષિત કર્યો તે પણ યાદ રહેશે.

Gujarat